સચિન તેન્ડુલકર @ 50 અને વડાપાંઉ સાથેનાં સેલિબ્રેશન્સ

23 April, 2023 12:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લેજન્ડ ક્રિકેટર સચિન તેન્ડુલકર તેના ૫૦મા જન્મદિવસે અગાઉના બર્થ-ડે અને બર્થ-ડે ગિફ્ટ્સ વિશે, માતા-પિતા અને સંતાનો વિશે, ગમતાં ગીતો, ફિલ્મો, ભાવતાં ભોજન અને મસ્તીઓ વિશે માંડીને વાત કરે છે ‘મિડ-ડે’ના ક્લેટન મુર્ઝેલો અને અશ્વિન ફેરો સાથે

સચિન તેંડુલકર

સૌથી પહેલાં તો... યુવાનીમાં તમને બર્થ-ડે સેલિબ્રેશનનો રોમાંચ રહેતો?
ના, ખાસ નહીં! કોઈ મોટાં સેલિબ્રેશન થયાં જ નથી. સામાન્ય કેકકટિંગ હોય; કોઈ મોટી પાર્ટી નહીં. મર્યાદિત મિત્રોને બોલાવવામાં આવતા. જ્યારથી મેં ક્રિકેટ રમવાનું શરૂ કર્યું ત્યારથી તો ભાગ્યે જ એવું કંઈ થયું છે. એટલે મેં ક્યારેય આ (સેલિબ્રેશન) મિસ નથી કર્યું. મારા સ્કૂલના દિવસોમાં મેં ખાસ પાર્ટી કરી હોય એવું મને યાદ નથી.

તમારો બર્થ-ડે વરસના વચલા ગાળે, જ્યારે સ્કૂલમાં ઉનાળાનું વેકેશન 
હોય ત્યારે આવે એટલે મિત્રો સાથે બર્થ-ડે ઊજવવાની કોઈ તક નહીં સાંપડતી હોય...
હા, મને મિત્રો સાથે બર્થ-ડે પાર્ટી કરવાનો મોકો નથી મળ્યો. મારી પાસે એ વિશેષાધિકાર નહોતો!

તો ક્રિકેટની નેટ્સ પર સેલિબ્રેશન થતું?

જો કોઈને ઇચ્છા હોય તો માત્ર વડાપાંઉ અને સૉફ્ટ ડ્રિન્ક કે બર્ગર કે એવું કંઈક આવતું.
એવી કઈ વાનગી કે સ્નૅક છે જેના વગર તમે (ફિટ ખેલાડી હોવા છતાંય) રહી ન શકો?
હું (બધું) ખાઉં છું. મારો સિદ્ધાંત એવો હતો કે તમે જે ઇચ્છો એ ખાઈ શકો, પણ ઇચ્છા મુજબ ગમે ત્યારે નહીં. એટલે જ્યારે હું ફિટ ન હોઉં ત્યારે જે ઇચ્છું એ ખાવા મંડી ન પડતો. સાદું ગણિત છે. હું તમને એક ઉદાહરણ આપું. ૨૦૧૧ના વર્લ્ડ કપ પહેલાં અમે દક્ષિણ આફ્રિકામાં હતા. અમે ટેસ્ટ-સિરીઝ પૂરી કરી લીધી હતી અને વન-ડે સિરીઝ પહેલાં ડ્રેસિંગ-રૂમમાં મીટિંગ કરી હતી. અમે ટુર્નામેન્ટમાં પ્રવેશ્યા એ પહેલાંની આ છેલ્લી સિરીઝ હતી. તો અમે અમારી જાતને તૈયાર કઈ રીતે કરી? અમે ૧૦ ફેબ્રુઆરીએ તો ઊઠીને શરૂઆત કરી શકવાના નહોતા! અમારે હવે શરૂઆત કરવી પડશે. ‘એવું શું છે જે આપણે કરવા તૈયાર છીએ?’ મેં ટૂંકું પ્રવચન આપ્યું અને કહ્યું કે ‘આપણે કંઈક ત્યાગ કરવું પડશે.’ મેં કહ્યું કે ‘મને ખબર છે કે આપણે સારી સ્થિતિમાં છીએ અને આપણે ટ્રેઇનિંગ લઈ રહ્યા છીએ, પણ શું આપણે વધુ ફિટ થઈ શકીએ? શું આપણે ત્રણ કિલો વજન ઓછું કરી શકીએ એમ છીએ? આપણી પાસે છ અઠવાડિયાંનો સમય છે. તો શું આપણે એમાં વધુ મહેનત કરીશું?’ આઇડિયા એ હતો કે અમારા સબકૉન્શ્યસ મગજને એ કરવા માટે ઑન કરવું, જે કરવું ફરજિયાત હતું.
પણ મારી હૅમસ્ટ્રિંગ (ઘૂંટણની પાછલી બાજુની એક નસ)ને નુકસાન પહોંચ્યું હતું. ડૉક્ટરે સૌથી પહેલી વાત કહી હતી કે તમે દોડી નહીં શકો, તમારે માત્ર આરામ કરવાનો છે અને હૅમસ્ટ્રિંગની આસપાસના મસલ્સને ઍક્ટિવ કરવા માટે થોડી એક્સરસાઇઝ કરવાની છે તથા ધીમે-ધીમે સ્ટ્રેન્થ વધારવાની છે. આગામી ત્રણ અઠવાડિયાં પડકારરૂપ રહેવાનાં હતાં. મેં આ મોટું લેક્ચર (ટીમને) આપ્યું હતું. એટલે હું પાછો આવી ગયો અને ચાર અઠવાડિયાં સુધી મારી ડાયટમાં બૉઇલ્ડ ફૂડ હતું, બીજું કશું જ નહીં. ચાહે બૉઇલ્ડ ચિકન હોય તો એમાં હું થોડો ચિલી સૉસ નાખીને ખાતો. રોટલીના નામે લૅટસ હતું. હું ૩.૮ કિલો વજન ઘટાડવામાં સક્ષમ થયો હતો. એટલે જ્યારે જરૂરી હોય છે ત્યારે હું કોઈ પણ ખોરાકથી દૂર રહી શકું છું.

તમારો સ્પેશ્યલ બર્થ-ડે ૧૯૯૮ના વર્ષનો હશે, જ્યારે તમે શારજાહમાં સદી ફટકારી હતી?
મને લાગે છે કે મેં ત્યારે જ મારો બર્થ-ડે ઊજવ્યો હતો. મેં એનું આયોજન નહોતું કર્યું; CBFS (ક્રિકેટર્સ બેનિફિટ ફન્ડ સિરીઝ)એ કર્યું હતું અને હા, માર્ક મૅસ્કરેન્હૅસ (સ્વર્ગીય એજન્ટ અને મિત્ર) ત્યાં બ્રૉડકાસ્ટિંગ કરી રહ્યા હતા. એટલે તેમણે મારા જન્મદિવસના એક દિવસ પહેલાં એની અરેન્જમેન્ટ કરી હતી. ત્રિકોણીય શ્રેણી (ભારત, ઑસ્ટ્રેલિયા અને ન્યુ ઝીલૅન્ડ)ની ત્રણેય ટીમો હાજર હતી, કારણે કે ત્યારે યોગાનુયોગ એક ઇવેન્ટ હતી. એ સાંજે (૨૩ એપ્રિલે) તેઓ મારા જન્મદિવસે આવ્યા અને મેં કેક કાપી.

હવે તમે ફૅમિલી મૅન છો. હવે તમારાં બાળકોના જન્મદિવસ તમારા કરતાં અગ્રતા ક્રમે આવે છે?
હા, પરંતુ તેઓ ઉંમરના એવા મુકામે છે જ્યાં તેમના મિત્રો (ઉજવણી કરવા માટે) તેમની સાથે છે. મારી દીકરી (સારા) છ-સાત વર્ષ ઇંગ્લૅન્ડમાં હતી. અર્જુને પણ ટ્રાવેલિંગ શરૂ કરી દીધું છે. જોકે તેઓ અહીં હોય તો સાથે મળવાનું કારણ અમે શોધી લઈએ છીએ.

શું સોશ્યલ મીડિયાએ બર્થ-ડેના કન્સેપ્ટને બદલી નાખ્યો છે?
હા, પહેલાં આ પબ્લિકેશન્સ અને (ટેલિવિઝન) ચૅનલ સુધી સીમિત હતું. હવે દરેક વ્યક્તિ, દરેક ફૅન પાસે મને શુભેચ્છાઓ આપવા માટે પ્લૅટફૉર્મ છે. બધાનો પ્રેમ મેળવીને સારું લાગે છે.

કોઈ બર્થ-ડે ગિફ્ટ, જે તમે વર્ષોથી સાચવી રાખી હોય?
આ કોઈ બર્થ-ડે ગિફ્ટ નહોતી, પણ મારી બહેન (સવિતા) કાશ્મીર ગઈ હતી અને મારા માટે કાશ્મીર વિલો બૅટ લઈ આવી હતી. મારી પાસે એ પહેલું પ્રૉપર બૅટ હતું. આ મારા જીવનમાં મળેલી મહત્ત્વની ગિફ્ટ્સ પૈકીની એક છે. બીજી ગિફ્ટ એક સાઇકલ હતી. સોસાયટીના અમુક મિત્રો પાસે એ હતી. મેં (મારાં મમ્મી-પપ્પાને) કહ્યું કે હું નીચે રમવા નહીં જાઉં જ્યાં સુધી મને એ નહીં લઈ આપો. આ તેમના માટે આશ્ચર્યકારક હતું, કેમ કે મારી ઉંમર ત્યારે છ કે સાત વર્ષની હતી અને હું ઘરમાં ટકતો જ નહોતો. મારા પપ્પાએ કહ્યું કે હું લઈ આપીશ, પણ હું થોડા દિવસ રમવા નીચે ન ગયો જ્યાં સુધી મને સાઇકલ મળી નહીં (હસે છે).

કદાચ એ સમયે તમને ખ્યાલ નહોતો કે સાઇકલ મેળવવી તેમના માટે કેટલું મુશ્કેલ હતું...
સો ટકા! એક પણ વસ્તુ એવી નહોતી (જે મેં માગી હોય અને) પિતાએ ન આપી હોય. હું સમજી નહોતો શકતો કે મારાં માતા-પિતા કેવા પડકારોનો સામનો કરી રહ્યાં હતાં. તેમની પાસે બહુ પૈસા નહોતા.
મારા પિતાએ હંમેશાં રસ્તા શોધ્યા છે. હું ખરેખર નસીબદાર હતો. તમે મોટા થાઓ છો ત્યારે જ તમને એ ખ્યાલ આવે છે.

પિતા પાસેથી વારસામાં શું મળ્યું છે?
તેમનો સ્વભાવ. તેઓ હંમેશાં શાંત અને ઉકેલ શોધનાર વ્યક્તિ હતા. પુણેમાં રહેતા પિતરાઈ ભાઈઓ હંમેશાં તેમને સલાહ માટે બોલવતા. અમુક બાબતો માટે વ્યક્તિગત ધ્યાનની જરૂર હતી એટલે તેઓ (દાદરથી) પુણે સુધીની એશિયાડ બસ પકડીને તેમની સાથે સમય પસાર કરવા જતા અને પાછા આવતા.
તેઓ અન્ય લોકોની અંગત મુશ્કેલીમાં સામેલ થતા અને એ રીતે એને જોતા જાણે તે પોતાની મુશ્કેલી હોય. હું નાનો હતો અને બહુ સમજતો નહીં, પણ મેં તેમને અહીંથી ત્યાં ભાગતા જ જોયા છે. જ્યારે હું મારી માતા સાથે વાત કરું છું ત્યારે તેઓ મને આ બધું કહે છે. તેમનો હેલ્પિંગ નેચર અવિશ્વસનીય હતો - પછી તે ચાહે અમારી સાહિત્ય સહવાસ કૉલોનીનો કોઈ માળી હોય કે સફાઈ કામદાર. તેઓ બધાની મદદ કરતા. મને યાદ છે કે પોસ્ટમૅન આવતો. અમે ચોથા માળે રહેતા અને લિફ્ટ નહોતી. મારા પિતા હંમેશાં પોસ્ટમૅનને બોલાવતા, અમારા ડ્રૉઇંગ-રૂમમાં બેસાડતા, પંખો ચાલુ કરતા, પાણી આપતા અને ચા-કૉફીનું પૂછતા. મારા પિતાનો તર્ક હતો કે તેઓ માત્ર અમારી બિલ્ડિંગને કવર નહોતા કરતા. હું અને મમ્મી વાત કરતાં કે (પિતાએ) કરેલાં કામોમાંથી આપણે ૫૦ ટકાનું પણ અનુકરણ કરી લઈએ તો આપણે અસાધારણ મનુષ્ય થઈ જઈએ.

અને તમારી માતા પાસેથી?
ધીરજ. મારી માતા માનસિક રીતે અત્યંત મજબૂત અને મહેનતુ છે. તેમણે સાંતાક્રુઝમાં એલઆઇસી (લાઇફ ઇન્શ્યૉરન્સ કૉર્પોરેશન) માટે કામ કર્યું છે. એક સાંજે તેઓ કામથી પાછાં આવી રહ્યાં હતાં ત્યારે એક માણસે તેમનું પર્સ ચોરી લીધું અને એ વિચારીને બસમાં કૂદી ગયો કે મારી મા તેનો પીછો નહીં કરે. જોકે તે આખા રસ્તે તેનો પીછો કરતી રહી અને પોતાનું પર્સ પાછું લીધું. આ ઘટના વિશે એક ન્યુઝપેપરમાં લેખ છપાયો હતો – બહાદુર મહિલાએ ચોરને પકડ્યો.
તેણે ઘણાબધા શારીરિક પડકારોનો સામનો કર્યો છે. પીઠ-ઘૂંટણની સમસ્યાઓ અને સૉલ્યુશન પણ મેળવ્યું છે. તેણે પોતાની લાઇફસ્ટાઇલ નક્કી કરી લીધી છે. તેઓ ક્યારેય ઉદાસ નથી હોતા. તેમના ચહેરા પર અવિરત મુસ્કાન રહે છે.
અમુક બાબતો હું ક્યારેક કહું છું. એમાંની એક એટલે રહને દેતે હૈ ઇસકો (આને છોડો હવે), (તે કહે છે) ના, આપણે એમ ક્યારેય નહીં કરીએ. તો આ મારા માટે, બાળકો માટે અને ઘરના તમામ લોકો માટે એક રિમાઇન્ડર પણ છે કે આ રીતે રહેવું જોઈએ. તેઓ પ્રેરણામૂર્તિ છે અમારાં.

સ્પોર્ટ્સ ક્ષેત્ર સિવાયના લોકો વિશે શું કહેશો? તમે કોના પ્રશંસક છો?
મધર ટેરેસા. મેં હંમેશાં વિચાર્યું છે કે મારા જીવનની બીજી ઇનિંગ્સમાં મારે આ (દાન) કરવું જોઈએ. તેમણે જે કર્યું છે એનો એક નાનો અંશ પણ હું કરી શકું તો એ બહુ મોટું અને સારું કહેવાશે. મને આશ્ચર્ય છે કે તેમણે આ કઈ રીતે કર્યું. આ અચીવ કરવા માટે વ્યક્તિએ અલગ રીતે વિચારવાની જરૂર રહે છે.

તમારી બીજી ઇનિંગ્સ માટે રોડ-મૅપ તૈયાર કર્યો છે?
અમારું ફાઉન્ડેશન (સચિન તેન્ડુલકર ફાઉન્ડેશન) બાળકો માટે કામ કરે છે. અમે શિક્ષણ, રમતગમત અને સ્વાસ્થ્ય આ ત્રણ પાસાં પર ફોકસ કર્યું છે. અમે આખા દેશમાં કામ કરીએ છીએ. વધુ ને વધુ યોગદાન કરવાનું લક્ષ્ય છે. હજી સુધી મારો કોઈ ભાગીદાર નથી. ભવિષ્યમાં જોઈશું કે અમે કઈ રીતે આગળ વધી શકીએ અને વધુ લોકોને મદદ કરી શકીએ. આ સંતોષકારક છે.

હું અને મમ્મી વાત કરતાં કે (પિતાએ) કરેલાં કામોમાંથી આપણે ૫૦ ટકાનું પણ અનુકરણ કરી લઈએ તો આપણે અસાધારણ મનુષ્ય થઈ જઈએ.

નેલ્સન મન્ડેલા એવા લોકોમાં છે જેમને તમે આદર્શ માનો છો?
ઓહ યસ! સો ટકા. જોકે મને લાગે છે કે મેં મધર ટેરેસાનો ઉલ્લેખ એટલા માટે કર્યો કે જ્યારે હું બાળક હતો અને ક્રિકેટ રમતો હતો ત્યારે અમે ટીવી પર કંઈક ને કંઈક તેમના વિશે જોતા, જેણે મને ખરેખર પ્રેરણા આપી. એક મહિલા, જે આ દેશનાં નહોતાં, તેઓ અહીં આવ્યાં અને ઘણા લોકોની જિંદગી બદલી. આવું કેટલા લોકો કરે?
હું અને અંજલિ માનીએ છીએ કે આ બધું લોકોના જીવનને અસર કરે છે. જો ભગવાનની તમારા પર મહેરબાની હોય તો આપણે અન્ય લોકોની મદદ અને સારવાર કરવી જોઈએ. આપણી પાસે મજબૂત અને પ્રતિબદ્ધ ટીમ હોય તો લોકોની મદદ કરવી જોઈએ. અહીં માત્ર પૈસા આપીને ભૂલી જવાની વાત નથી.

હ્યુમરને તમે ઘરે અને કામ પર મહત્ત્વ આપો છો?
હા, આપું છું! મને ગંભીર બની રહેવું નથી ગમતું. જિંદગી એન્જૉય કરવામાં માનું છે. હું જેમને નથી જાણતો તેમની સામે મને ખૂલતાં સમય લાગે છે. હું ફટાફાટ મિત્રો નથી બનાવી શકતો, પણ હું મારી જાતનો આનંદ લઈ શકું છું. હું ચોવીસે કલાક ગંભીર નથી હોતો.

અને ડ્રેસિંગ-રૂમમાં પણ....?
હા! અમે સતત જોક્સ કહેતા હતા અને મસ્તી કરતા હતા. એવું જ હોવું જોઈએને! પણ આપણને ખબર હોવી જોઈએ કે ક્યાં અટકવાનું છે. દરેક વ્યક્તિ ક્લિયર હતી. આ પ્રકારનો સંબંધ મેં મારા બધા રૂમમેટ સાથે શૅર કર્યો છે. ટીમમાં સૌથી સિનિયર હોવાથી હું બધાના મોટા ભાઈ જેવો હતો. તેઓ મારી પણ મસ્તી કરતા હતા. જોકે એ સારું હતું, કેમ કે એનાથી હું પોતાને યુવાન અનુભવતો હતો!

તમે યુવાવયે ટીમનો ભાગ હતા ત્યારનો અનુભવ કેવો હતો?
મારી પહેલી ટૂર (પાકિસ્તાન ૧૯૮૯)ના ગ્રુપમાં સલિલ (અંકોલા) હતા, જેઓ મારા રૂમમેટ હતા. સંજય (માંજરેકર) પણ હતા. હું એમ નહીં કહી શકું કે તેઓ મારા એજ-ગ્રુપના હતા, પરંતુ મારા સૌથી નિકટના હતા જેમની સાથે હું સહજ રહી શકું. (કૃષ્ણમાચારી) શ્રીકાંતે મને કમ્ફર્ટેબલ ફીલ કરાવ્યું. મારી બીજી ટૂર (ન્યુ ઝીલૅન્ડ) દરમ્યાન મેં ઘણો સમય સંજય અને (દિલીપ) વેન્ગસકર સાથે પસાર કર્યો. દિલીપના અમુક મિત્રો હતા એટલે (ન્યુ ઝીલૅન્ડમાં) અમે તેમની સાથે બહાર જતા હતા. બિશન પાજી (ક્રિકેટ મૅનેજર બેદી) ટીમ ડિનરનું આયોજન કરતા. વેન્કટપતિ રાજુ, નરેન્દ્ર હિરવાણી અને પ્રવીણ આમરે સાથેની કંપની મને ગમતી અને પછી વિનોદ (કાંબળી) પણ ટીમમાં સામેલ થયા. અજય (જાડેજા) અને (નવજોત સિંહ) સિધુએ અમારી સાથે ઘણો સમય વિતાવ્યો.

મસ્તી થતી?
મારા અન્ડર-૧૫ના દિવસોની વાત છે, જ્યારે અમે ટૂર શરૂ કરી. ત્યારે જ હું કંઈક ને કંઈક કરતો. અમારી ટૂર રોમાંચક બની છે એને કારણે. સાંજ ઘણી મજેદાર રહેતી. મેદાન પર સારી અને નિરાશાજનક બેઉ મોમેન્ટ્સ હોય છે. 

તમે કોઈ સાથે સૌથી મોટી મજાક કરી હોય તો...
સૌરવ પર... પણ તમે કઈ જાણો છો?
ઇન્દોરવાળી... જ્યાં તમે અને વિનોદ કાંબળીએ તેમની આખી રૂમ પાણીથી ભરી દીધી હતી જેમાં તેમની આખી ક્રિકેટ કિટ તરતી હતી!    
બીજી એક પણ છે જેમાં આખી ટીમ સામેલ હતી. અમે કેરળમાં હતા અને અમારું પ્રૅક્ટિસ-સેશન પૂરું જ કર્યું હતું. અમે સપોર્ટ સ્ટાફને ડ્રેસિંગ-રૂમમાંથી બહાર જવાનું કહ્યું. જૉન (રાઇટ) અમારા કોચ હતા. અમે કહ્યું કે માત્ર ખેલાડીઓની જ જરૂર છે અને સપોર્ટ સ્ટાફને કહ્યું કે અમુક ગંભીર મુદ્દા પર ટીમે ચર્ચા કરવાની છે. અમે સાથે બેઠા અને ચર્ચા શરૂ કરી, ‘દાદા, તૂમને ક્યા બોલા હૈ ન્યુઝપેપર મેં જાકે? (દાદા, તમે શું કહ્યું છે ન્યુઝપેપરમાં જઈને?) અમે કેટલાક પત્રકારો સાથે વાત કરી છે. તેમણે કહ્યું કે તમે અમને બગાડ્યા છે. આ વાજબી નથી! તમે એક કૅપ્ટન છો અને તમે એક જ છો જે મીડિયા સાથે વાત કરી શકે છે. જોકે એનો અર્થ એ નથી કે તમે ત્યાં જાઓ અને ગમે તે બોલો. અમારી પાસે અખબારો છે. આ જુઓ ફ્રન્ટ પેજની હેડલાઇન – દાદા સાથીદારોને બગાડે છે.’ દાદાએ કહ્યું, ‘હું ભગવાનના સમ ખાઉં છું કે મેં કઈ નથી કર્યું.’ પછી તેમને યાદ અપાવ્યું કે ત્યારે પહેલી એપ્રિલ હતી!
અમુક ડમી ન્યુઝપેપર પ્રિન્ટિંગ કરાવવાની ઘટના અદભુત હતી! (હસે છે.)

અને તમારી સાથે થયેલી સૌથી મોટી મસ્તી?
અમે જ્યારે ન્યુ ઝીલૅન્ડમાં ૨૦૧૦ની વન-ડે સિરીઝ જીત્યા હતા. હરભજન સિંહની રૂમની બહાર એક હૉટ ટબ 
હતું. હોટેલની એક બાજુ ખુલ્લી ડેક બાલ્કની હતી. કોઈ પણ એ ટબમાં જઈ શકે. તેઓ બધા એ ટબમાં ગયા, પણ મારી ઇચ્છા નહોતી. મેં કહ્યું કે મારો મૂડ નથી, પણ બાકીના લોકોએ નક્કી કરી લીધું હતું. મારા હાથમાં ક્લબ 
સૅન્ડવિચ હતી અને પછીની ક્ષણો એવી છે કે એ સૅન્ડવિચ તરતી હતી! એટલે કે તેમણે મને ખેંચ્યો હતો. ઝહીર 
(ખાન), યુવી (યુવરાજ સિંહ), હરભજન અને (આશિષ) નેહરાએ આ કામ કર્યું હતું!

અમે જાણીએ છીએ કે તમને મુસાફરી કરવી ગમે છે. તમે કહેલું કે તમે રિટાયર થયા પછીની પહેલી ક્રિસમસ વખતે લંડન ગયા હતા, કારણ કે તમારે વાઇટ ક્રિસમસ જોવી હતી જે તમે નહોતી જોઈ. તમારા બકેટ-લિસ્ટમાં અન્ય કોઈ સ્થળો છે?
અમે આઇલૅન્ડ પણ ગયા હતા. ત્યાં કોઈ પણ સમયે ફાટી નીકળતા જ્વાળામુખીની વાતો ચાલતી હતી. આખું યુરોપ ત્રણ-ચાર દિવસ માટે બંધ હતું અને એ બીજા વર્ષે શક્ય બન્યું.

ડ્રાઇવ કરવા માટેનું તમારું ગમતું શહેર કયું છે?
હું તાડોબા (નાગપુર પાસે આવેલું વાઘ અભયારણ્ય) જઉં છું. લંડનમાં થોડું ડ્રાઇવિંગ કરું છું. જોકે હું લેફ્ટ-હેન્ડ ડ્રાઇવમાં એટલો કમ્ફર્ટેબલ નથી. તમારે ફોકસ કરવું પડે છે. 

મોટા થઈ રહ્યા હતા ત્યારે ફિલ્મો જીવનનો ભાગ હતી?
હું રમતો ત્યારે મેં બહુ જોઈ નથી. ભાગ્યે જ સમય મળતો. મારી ક્રિકેટ-કરીઅર ગંભીરતાથી શરૂ થઈ એ ૧૨ વર્ષની ઉંમર પહેલાં મેં ફિલ્મો જોઈ છે. આચરેકર સરે મને શ્વાસ લેવાનો સમય જ નહોતો આપ્યો. હું સ્કૂલમાં હોઉં કે ગ્રાઉન્ડ પર હોઉં કે સૂતો હોઉં. મારામાં બીજું કંઈ કરવાની શક્તિ જ નહોતી બચતી.
શાહરુખ અને મારી કરીઅરની શરૂઆત એક જ સમયે થઈ હતી એટલે તેમની જે પણ ફિલ્મો આવતી એ હું જોતો! હું અંજલિના ઘરે કે વાનખેડે સ્ટેડિયમમાં જતો ત્યારે ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’નાં ગીતો સાંભળતો. મારો પરિવાર આ ફિલ્મનો ચાહક છે.

તમારું ગમતું સંગીત અને કલાકારો?
પાંચ ગાયકો : લતા મંગેશકર, આશા ભોસલે, કિશોરકુમાર, મોહમ્મદ રફી અને મુકેશ. આ મારા પરિવારને આભારી છે.

columnists test cricket sachin tendulkar sunday mid-day