અપના દેશ, અપના ડ્રિન્ક

08 January, 2023 01:00 PM IST  |  Mumbai | Aashutosh Desai

૧૯૨૩ની સાલમાં વિદેશી માલનો બહિષ્કાર કરીને સ્વદેશી અપનાવોનો નારો ગાંધીજીએ વહેતો કર્યો ત્યારે સુરતી દાઉદી બોરી મુસ્લિમ અબ્બાસ અબ્દુલ રહીમ હજૂરી નામના યુવાને એક પીણું તૈયાર કર્યું. ત્યારથી આ પીણું વિદેશી સૉફ્ટ-ડ્રિન્ક કંપનીઓને જબ્બર ટક્કર આપી રહ્યું છે

અપના દેશ, અપના ડ્રિન્ક

દરેક સુરતીના દિલમાં સૉફ્ટ સ્પૉટ ધરાવતા આ સોસ્યો ડ્રિન્કની કંપનીમાં રિલાયન્સ ફૂડે ૫૦ ટકા સ્ટેક હસ્તગત કરવાનું નક્કી કર્યું છે ત્યારે જાણીએ આ પીણાનું એ ટુ ઝેડ

કોઈ પણ ધંધો-વ્યાપાર કે પ્રોડક્શન હાઉસ ચાર-ચાર પેઢી સુધી ક્યારે સફળતાપૂર્વક ચાલી શકે? જ્યારે સખત મહેનત હોય, પોતાની પ્રોડક્ટમાં વિશ્વાસ હોય અને ગ્રાહકોની લૉયલ્ટી હોય. રિલાયન્સ જેવી સૂઝબૂઝ ધરાવતી કંપનીને એ પ્રોડક્ટમાં ભવિષ્ય દેખાય તો હવે એ પ્રોડક્ટ સફળતાની કઈ ક્ષિતિજો સર કરશે એ બાબતે કોઈ શંકા જ ન હોય. આ પ્રોડક્ટ એટલે અમે ‘વ્હિસ્કી નો’ની વાત કરી રહ્યા છીએ. નહીં સમજ્યા? અરે મારા વહાલા, અહીં વાત થઈ રહી છે સોસ્યોની. સુરતમાં જન્મેલું અને મોટું થયેલું એક એવું પીણું જે હવે દેશ અને દુનિયાભરની સફરે નીકળી ચૂક્યું છે. હમણાં ગયા સપ્તાહમાં જ સમાચાર આવ્યા કે રિલાયન્સ ફૂડ આ પીણાની કંપનીમાં ૫૦ ટકા સ્ટેક હસ્તગત કરવા જઈ રહી છે.

જી હા, શોખીન ગુજરાતીઓનું પોતીકું પીણું સોસ્યો આજે તો હવે વિશ્વના લગભગ આઠથીયે વધુ દેશોમાં વટથી વેચાય છે અને પસંદ કરાય છે. જોકે સોસ્યો જેટલું મજેદાર છે એની અહીં સુધીની સફરની કહાની પણ એટલી જ મજેદાર છે. અલી અબ્બાસ હજૂરી જેનું સુકાન હમણાં સંભાળી રહ્યા છે અને તેમના પિતા અબ્બાસ હજૂરી જે કંપનીના ચૅરમૅન છે તે સોસ્યો હજૂરી બેવરેજિસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ અનેક ઉતાર-ચડાવ જોયા છે, અનેક ચુનૌતીઓમાંથી પસાર થયા બાદ આજે આ મુકામે પહોંચી છે.

દેશી પીણું ત્યારે જન્મ્યું જ્યારે દેશ ગુલામ હતો

૧૯૨૩ની સાલમાં ભારતમાં સ્વતંત્રતા માટેની લડાઈ દિવસે-દિવસે જોર પકડતી જતી હતી. મોહનદાસ કરમચંદ ગાંધી નામના એક ગુજરાતી લડવૈયાએ દેશ આખામાં સ્વતંત્રતાની ભૂખ પ્રજ્વલિત કરવાનું બીડું ઝડપ્યું હતું અને સમગ્ર દેશને તેમણે ‘સ્વદેશી અપનાવો’ની વિચારધારાએ રંગી નાખવાનું શરૂ કર્યું હતું. સુરતમાં રહેતો એક દાઉદી બોરી મુસ્લિમ આ સમય દરમિયાન બ્રિટિશ સૉફ્ટ-ડ્રિન્ક ‘વિમટો’નું બૉટલિંગનું કામ કરતો હતો. ગાંધીજીના સ્વદેશી અપનાવોના નારાએ આ યુવાનને એવી પ્રેરણા આપી કે તેણે વિમટોનું બૉટલિંગનું કામ છોડીને ઘરઆંગણે એક સ્વદેશી સૉફ્ટ-ડ્રિન્ક બનાવવાનું નક્કી કર્યું. આ ટૅલન્ટેડ સુરતી યુવાનને ખબર હતી કે સૉફ્ટ-ડ્રિન્ક મોટા ભાગે માલેતુજાર લોકો પીવાનું પસંદ કરે છે, પણ સામાન્ય જનતા એ પીવાનો શોખ જરૂર રાખે છે. આથી તેણે વ્હિસ્કી અથવા રમને સૉફ્ટ-ડ્રિન્ક સાથે મેળવો તો જેવો ટેસ્ટ માણવા મળે એવા સ્વાદનું એક સૉફ્ટ-ડ્રિન્ક બનાવ્યું અને એને નામ આપ્યું ‘વ્હિસ્કી નો’.

જોતજોતામાં સુરતીલાલાનું આ સુરતી ‘સ્વદેશી’ પીણું હિટ થઈ ગયું. ગણતરીના મહિનાઓમાં જ તેની વાહ-વાહ માત્ર સુરત સુધી જ સીમિત ન રહીને સુરતની આજુબાજુના વિસ્તારોમાં પણ પ્રસરવા માંડી. જોકે આ સ્વાદિષ્ટ સૉફ્ટ-ડ્રિન્ક બનાવનારો યુવાન એ પીણાની સફળતાના સૂરજનાં કિરણો હજી પૂર્ણ આકાશે પ્રસરે એ પહેલાં જ મૃત્યુ પામ્યો. એ ટૅલન્ટેડ સુરતી દાઉદી બોરી મુસ્લિમનું નામ અબ્બાસ અબ્દુલ રહીમ હજૂરી. ભાઈના ચાલી જવાને કારણે સૉફ્ટ-ડ્રિન્ક બનાવવાની અને એને શોખીન લોકો સુધી પહોંચાડવાની જવાબદારી નાના ભાઈ પર આવી પડી. ‘વ્હિસ્કી નો’ લોકોમાં હવે એટલું લોકપ્રિય બનવા માંડ્યું હતું કે સોશ્યલ મેળાવડામાં, મીટિંગ્સમાં, લગ્ન-સમારંભોમાં લોકો આ સૉફ્ટ-ડ્રિન્ક પીવાનું અને પિવડાવવાનું પસંદ કરવા માંડ્યા હતા. આથી હજૂરીએ એને કંઈક એવું નામ આપવાનું નક્કી કર્યું જેથી એની ઓળખ હજી વધુ અસરકારક બનાવી શકાય. હજૂરીને એક લૅટિન શબ્દ મળ્યો જેનો અર્થ થાય સમાજક અથવા સામાજિક અને એ શબ્દ હતો ‘સોશિયસ’. આ શબ્દથી પ્રેરાઈને તેમણે પોતાના સૉફ્ટ-ડ્રિન્ક ‘વ્હિસ્કી નો’નું નામ બદલી ‘સોસિયો’ રાખવાનું નક્કી કર્યું અને ૧૯૫3ની સાલમાં ‘વ્હિસ્કી નો’ને નવું નામ મળ્યું ‘સોસિયો’.

સોસિયોનું હવે માત્ર નામ બદલાયું હતું, લોકપ્રિયતા નહીં. જોકે હજૂરી પરિવારે આ સમય દરમિયાન એક ખાસ વાત નોંધી. સુરતના રસિયાઓ સોસિયોને પોતાની બોલચાલની ભાષામાં સોસિયોને બદલે સોસ્યો કહેતા હતા અને હજૂરી પરિવાર પણ સુરતી હતો. તેમના ગ્રાહકો તેમના લોકપ્રિય પીણાને જે નામે બોલાવે એ જ નામ શું કામ ન આપવું? એવા વિચાર સાથે ફરી એક વાર સોસિયોનું નામ બદલાયું અને હવે સોસિયોને એ નામ મળ્યું જે આજે પણ લોકપ્રિય છે - ‘સોસ્યો’!

દેશ આઝાદ થઈ ચૂક્યો હતો અને હવે ‘વ્હિસ્કી નો’ પણ સોસ્યો બની ગયું હતું. જોકે સુરત જેવા શોખીન શહેરથી દેશભરમાં અને દેશથી વિશ્વભરમાં પહોંચવાની અને હવે આજે રિલાયન્સ જેવી કંપની આ કોલ્ડ-ડ્રિન્ક બ્રૅન્ડનો ૫૦ ટકા હિસ્સો લેવા માટે અગ્રેસર થાય ત્યાં સુધીની સફર કોઈ જેવા તેવા ઉતાર-ચડાવવાળી નથી રહી. આ લાંબી મજલ કાપતાં એક સમય એવો પણ આવી ગયો હતો જ્યારે બ્રૅન્ડ જ નહીં, બૉટલિંગ પ્લાન્ટ સુધ્ધાં બંધ કરવો પડે. એક સમય એવો પણ આવ્યો જ હતો જ્યારે મહાકાય વિદેશી કંપનીઓ આ દેશી કંપનીને ભરખી જવાની ફિરાકમાં હતી, પણ ‘સફર લમ્બા હૈ તો સફર કી દાસ્તાન ભી મઝેદાર હોગી!’

૧૦૦ ફ્લેવર, ૧૦૦૦ બ્રૅન્ડ્સમાં સ્થાન, ૧૮ મૅન્યુફૅક્ચરિંગ યુનિટ્સ

‘વ્હિસ્કી નો’ નામનું સૉફ્ટ-ડ્રિન્ક બનાવનાર કંપનીના ફાઉન્ડર હતા અબ્બાસ અબ્દુલ રહીમ હજૂરી જે પહેલી પેઢી. આજે સોસ્યો હજૂરી બેવરેજિસ કંપની પ્રાઇવેટ લિમિટેડના ચૅરમૅન છે અબ્બાસ હજૂરી અને ડે-ટુડે ઑપરેશન સંભાળી રહ્યા છે અલીઅસગર હજૂરી, જે હજૂરી પરિવારની ચોથી પેઢી છે. જોકે ત્રીજી અને ચોથી પેઢી હમણાં જે મહેનત કરી રહી છે એ પહેલાંની ઉબડખાબડ રસ્તાભરી સફર ખૂબ વિકટ હતી. 
ક્યારેક કોઈ આર્કાઇવમાં મળી જાય તો જોજો કે ૧૯૬૨ની સાલમાં જ્યારે વડા પ્રધાન જવાહરલાલ નેહરુ નવસારીની મુલાકાતે આવ્યા હતા ત્યારે સોસ્યો પીતો તેમનો એક ફોટોગ્રાફ છે. સોસ્યો હવે ધીરે-ધીરે સુરતની સીમા ઓળંગીને અમદાવાદ, રાજકોટ, પોરબંદર, વડોદરા સુધી જ નહીં; ગોવા, કોચીન અને ઉડિપી સુધી પહોંચી ચૂક્યું હતું. આ સમય દરમિયાન સોસ્યો પ્રોડક્ટની કિંમત કરતાં આટલા દૂરના વિસ્તારો સુધીનું ડિસ્ટ્રિબ્યુશન વધુ મોંઘું પડી રહ્યું હતું. એક સમય એવો આવી ગયો કે સોસ્યો હજૂરીને નાણાકીય તંગી વર્તાવા માંડી. ગોવા, કોચીન અને ઉડિપીમાં આ પીણા માટે લોકપ્રિયતા તો વધી હતી; પરંતુ એ ગ્રાહકો સુધી આ પ્રોડક્ટ પહોંચાડવી શક્ય નહોતી. જો આટલા દૂરના વિસ્તારો સુધી ડિસ્ટ્રિબ્યુશન ચાલુ રાખવામાં આવે તો કંપનીએ ભવિષ્યમાં દેવાળું કાઢવું પડે એવી પરિસ્થિતિ આવીને ઊભી રહી ગઈ. આખરે નામરજીએ પણ હજૂરી પરિવારે એક કઠોર નિર્ણય કરવો પડ્યો. થોડા સમય માટે દૂરના વિસ્તારોમાં ડિસ્ટ્રિબ્યુશન બંધ કરવું પડ્યું.
જોકે સોસ્યો એક એવી લોકપ્રિય બ્રૅન્ડ બની ચૂકી હતી કે સુરતથી આશરે ૭૦૦ કિલોમીટર દૂર પોરબંદરના એક જૂના ડિસ્ટ્રિબ્યુટરે કહેવું પડ્યું કે ‘લોકો કમસે કમ પાંચ દુકાને સોસ્યો માટે પૂછતા અને ત્યાર પછી પણ જો ન મળે તો થમ્સ-અપ પીતા હતા. એટલું જ નહીં, આવા ગ્રાહકોમાં પણ ૪૦ ટકા કરતાં વધુ ચાહકો એવા હતા જે સોસ્યો ન મળે તો બીજું કોઈ કોલ્ડ-ડ્રિન્ક પીવાનું પસંદ નહોતા કરતા.’
આવી અનેક વસંત અને પાનખર જોયા બાદ આજે સોસ્યો એક એવી બ્રૅન્ડ બની ચૂકી છે જેણે ઠંડાં પીણાંની બજારમાં આજ સુધી ૧૦૦ જેટલી બ્રૅન્ડ્સ લૉન્ચ કરી છે, દેશની પ્રથમ ૧૦૦૦ બ્રૅન્ડ્સમાં પોતાનું સ્થાન બનાવ્યું છે એટલું જ નહીં, કુલ ૧૮ પ્રોડક્શન હાઉસની સાથે આજે સોસ્યો માત્ર દેશમાં જ નહીં પરંતુ વિશ્વના નવથીયે વધુ દેશોમાં વેચાય છે, પીવાય છે અને ચાહકોના મોટા વર્ગ દ્વારા પસંદ પણ કરાય છે.

આધિપત્ય માટે રાક્ષસી લડાઈ

આ ‘વ્હિસ્કી નો’ કહેતું કોલ્ડ-ડ્રિન્ક સોસ્યો સ્વદેશી તો છોડો, એક સમયે વિદેશી રાક્ષસી કંપનીઓ પર પણ એવું ભારે પડી રહ્યું હતું કે વિદેશી કંપનીઓએ બજાર, હરીફાઈ અને જાહેરાતની બધી સીમાઓ ઓળંગીને રાક્ષસીપણા પર ઊતરી આવવું પડ્યું હતું. સોસ્યોની લોકપ્રિયતા એટલી હતી કે કોકા કોલા અને પેપ્સી જેવી બ્રૅન્ડ્સને ભારતની લોકલ બજારમાં સ્થાન જમાવવામાં મુશ્કેલી થઈ રહી હતી. એક તરફ પાર્લેની થમ્સ અપ, ગોલ્ડસ્પૉટ અને લિમકા હતી તો બીજી તરફ હતી સોસ્યો. જોકે વિદેશી સૉફ્ટ-ડ્રિન્ક બનાવતી કંપનીઓને ભારતમાં એટલું મોટું બજાર દેખાઈ રહ્યું હતું કે તેમણે કોઈ પણ કિંમતે આ બજાર સ્વદેશી કંપનીઓ પાસેથી ઝૂંટવી લેવું હતું.
આથી કોલા કંપનીએ એક નવા જ પ્રકારની સ્ટ્રૅટેજી અપનાવી. તેમણે સુરત અને એની આસપાસના વિસ્તારોની તમામ હોટેલો અને દુકાનોમાંથી સોસ્યોની બૉટલ્સ ભરેલાં ક્રેટ્સ ઉઠાવવા માંડ્યાં. એટલું જ નહીં, આ એક-એક ક્રેટની કિંમતની સાથે જે-તે હોટેલના માલિક અને દુકાનદારને તેમણે પ્રતિ ક્રેટ ૧૦ રૂપિયા આપવા માંડ્યા. મતલબ કે સોસ્યોની બૉટલ્સ ભરેલાં જેટલાં ક્રેટ્સ આવે એ બધાં જ વેચ્યા વિના જ આ કંપનીના માણસોને આપી દેવાનાં અને કંપની એ ક્રેટની કિંમત સિવાય વધારાના ૧૦ રૂપિયા એ હોટેલ કે દુકાનના માલિકને આપતી. એટલું જ નહીં, સોસ્યો આ વિસ્તારોમાં જેટલાં હોર્ડિંગ્સ પર પોતાની જાહેરાતો મૂકતું હતું, જાહેરાત માટે જેટલાં ચિહનો વાપરતું હતું એ બધું જ આ કંપનીઓએ ખરીદવા માંડ્યું. મલ્ટિનૅશનલ રાક્ષસ માર્કેટ કૅપ્ચર કરવા માટે એક સ્વદેશી કંપનીને પૂરેપૂરી ભરખી જવાની ફિરાકમાં હતો. તમે કોઈકને ઘરની બહાર નીકળતાં રોકી શકો, પરંતુ શ્વાસ લેતા નહીં. સોસ્યો માટે પણ આ દિવસો કંઈક એવા જ હતા. હજૂરી પરિવારે સોસ્યોનું વેચાણ સીમિત કરી લેવું પડ્યું.

જોકે અબ્બાસ હજૂરીના દીકરા અલીઅસગ઼ર હજૂરી કહે છે, ‘અમારી પાસે લૉયલ કસ્ટમર્સ હતા અને અમારી સોસ્યોનો એક યુનિક ટેસ્ટ હતો. આ બંને પરિબળો અમને જીવંત રાખવા માટે પૂરતાં હતાં.’

૨૦૧૦ની એ સાલ અને માર્કેટશૅર

વિદેશી સામે સ્વદેશીની જીતનો એક્કો પુરવાર કરવાનો હતો અને ગુજરાતીઓ આ માટે ક્યારેય પાછા પડે એમ નથી. અબ્બાસ હજૂરીએ તેમના દીકરા અલીઅસગ઼ર હજૂરીને ફૅમિલી બિઝનેસમાં તેનું યોગદાન આપવા માટે કહ્યું અને અલીઅસગરે કારભાર સંભાળવાની શરૂઆત કરી. સાલ હતી ૨૦૧૦. આ સમય માટે અબ્બાસ હજૂરીએ ક્યારેક કહ્યું હતું કે ‘સોસ્યોના DNAમાં પરિવર્તન આવ્યું!’ અલીઅસગરે નવી માર્કેટિંગ સ્ટ્રૅટેજી અપનાવવાનું શરૂ કર્યું. આ સમય સુધી ગુજરાતની કોલ્ડ-ડ્રિન્ક માર્કેટમાં આશરે ૨૭ ટકા જેટલો માર્કેટશેર સોસ્યોનો હતો. હવે જરૂર હતી આખા દેશમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવાની. ગુજરાતથી જ શરૂઆત કરીએ તો એ સમયે ગુજરાતમાં કોકા કોલા પ્રથમ સ્થાને આવતું સૉફ્ટ-ડ્રિન્ક હતું. બીજા સ્થાને પેપ્સી અને ત્રીજા સ્થાને હતું સોસ્યો. આ દરમિયાન એક સમય એવો પણ આવ્યો જ્યારે સોસ્યો બીજા સ્થાને સૌથી વધુ વેચાતા સૉફ્ટ-ડ્રિન્ક તરીકે પહોંચી ગયું હતું અને કોકા કોલા ચોથા ક્રમાંકે સરકી ચૂક્યું હતું. અલીઅસગરે હવે કેટલાક ધરખમ ફેરફારો કર્યા. જેમ કે આ સમય સુધી આખા સુરતમાં સોસ્યોના માત્ર બે જ ડિસ્ટ્રિબ્યુટર્સ હતા. અલીઅસગરે આ બાર વર્ષ દરમિયાન માત્ર સુરતમાં જ ૪૦ ડિસ્ટ્રિબ્યુટર્સ બનાવ્યા. તો આખા દેશમાં અને વિદેશમાં કેટલા હશે એનો અંદાજ લગાવી શકાય એમ છે.

એટલું જ નહીં, તેણે યુવાનો જે ટીવીચૅનલો સૌથી વધુ જોતા હોય એ ચૅનલો પર જાહેરાતો આપવા માંડી. જેમ કે MTV, UTV Bindass અને UTV movies. FM Radio પર પણ સોસ્યોની જાહેરાતની શરૂઆત કરાવી. ટૂંકમાં, હવે સોસ્યોની આખી માર્કેટિંગ સ્ટ્રૅટેજી બદલાઈ ચૂકી હતી. ઑર્થોડોક્સ ડિસ્ટ્રિબ્યુશનશિપ અને લૉયલ કસ્ટમર્સ સિવાય હવે સોસ્યો ન્યુ જનરેશન ઍડ્વર્ટાઇઝમેન્ટ અને પેનિટ્રેશન તરફ જઈ રહ્યું હતું. આ આખી નવી સ્ટ્રૅટેજીમાં અલીઅસગર અને અબ્બાસ હજૂરીએ જે સૌથી મહત્ત્વનો નિર્ણય કર્યો હતો એ હતો ફૅમિલી લેગસી અને તેમના કોલ્ડ-ડ્રિન્કની મૂળ ઓળખ. તેમણે નક્કી કર્યું કે દરેક પ્રકારની જાહેરાતમાં એક જ સૂત્ર વપરાશે : ‘અપના દેશ, અપના ડ્રિન્ક!’ 
એક અંદાજ અનુસાર આ આખા સમય દરમિયાન કંપનીએ એની કુલ રેવન્યુના પાંચ ટકા જેટલી રકમ ઍડ્વર્ટાઇઝમેન્ટ પાછળ ખર્ચી હતી. એ વાત પણ ઉલ્લેખનીય છે કે પરિણામ પણ મહેનત અનુસાર જ મળ્યું. પાછલાં વર્ષોની સરખામણીએ ૨૦૧૦-’૧૧ દરમિયાન સોસ્યોનું વેચાણ ત્રણગણું વધ્યું હતું.

એક સમય એવો પણ હતો જ્યારે સોસ્યોએ પૂનમ ગિડવાણી જેવી બ્યુટી-કવીનને પોતાની કમર્શિયલ માટે કૉન્ટ્રૅક્ટ કરી હતી. સોસ્યોનો એ ગોલ્ડન પિરિયડ હતો ૧૯૮૮ની સાલનો. ત્યાર બાદ સોસ્યોએ એક નવી માર્કેટિંગ સ્ટ્રૅટેજી પણ અપનાવી. થિયેટર્સમાં ફિલ્મના પ્રદર્શન દરમિયાન સોસ્યોની જાહેરાત કરવા માંડી અને એ સિવાય બૉમ્બિનો વિડિયો કૅસેટ્સમાં પણ જાહેરાત દ્વારા સોસ્યો દેખાવા માંડ્યું. આ બધો જ સમય દેશી કંપનીઓને એમની લોકલ માર્કેટ એન્જૉય કરવાનો સમય હતો. ૧૯૯૮થી ૨૦૦૧ દરમિયાનનો એક સમય એવો આવ્યો જ્યારે વિદેશી મહાકાય કંપનીઓ પ્રવેશી અને એમણે ૨૦૦ એમએલની બૉટલ માત્ર પાંચ રૂપિયામાં વેચવા માંડી. સોસ્યોને હવે સમજાઈ ગયું હતું કે માર્જિન તો ૨૭થી ૩૦ ટકાની આસપાસનું જ રહેવાનું છે અને એમાં કોઈ બદલાવ થવાનો નથી. જોકે હવે બજાર બદલાઈ રહ્યું છે. આ આખી રમત હવે વૉલ્યુમ-પ્લે બની ગઈ છે. જેટલું વધુ વેચાણ એટલો વધુ ધંધો અને એટલો વધુ ફાયદો.

સોસ્યો ક્યાં છે અને કઈ રીતે છે?

આજે સોસ્યો માત્ર સુરત કે ગુજરાત કે ભારતની પ્રોડક્ટ ન રહેતાં ઑસ્ટ્રેલિયા, લંડન, કૅનેડા, ન્યુ ઝીલૅન્ડ, સાઉથ આફ્રિકા, યુએઈ અને અમેરિકા જેવા દેશોમાં એક્સપોર્ટ થાય છે. સોસ્યોના કુલ ટર્નઓવરમાંથી ૧૦ ટકા જેટલો હિસ્સો એક્સપોર્ટ થાય છે. અમેરિકા અને લંડનમાં રહેતા ભારતીયો શાનથી કહે છે કે અમે આફ્ટર ડિનર વૉક પર જઈએ ત્યારે સોસ્યો હાથમાં લઈને ચાલતાં-ચાલતાં પીવાની મજાની માણીએ છીએ.

રિલાયન્સ અને સોસ્યો શા માટે?

વડા પ્રધાન જે રાજ્યમાંથી આવતા હોય એ રાજ્યનું રાષ્ટ્રીય કક્ષાએ ભારણ વધુ હોય એ ઇતિહાસ કહે છે અને સ્વાભાવિક પણ છે જ. વળી સુરત એક એવું શહેર છે જે એક અંદાજ મુજબ ગુજરાત રાજ્યના અર્થતંત્રમાં ૩૭ ટકા જેટલો અને દેશના અર્થતંત્રમાં ૧૧ ટકા જેટલો હિસ્સો ધરાવે છે. વળી દેશની ‘મેક ઇન ઇન્ડિયા’ સ્ટ્રૅટેજી અનુસાર દરેક ક્ષેત્રે ભારત પોતાનું સ્થાન નિર્ધારિત કરી રહ્યું છે.

આજે એક અંદાજ અનુસાર માત્ર દક્ષિણ ગુજરાતમાં કોલ્ડ-ડ્રિન્ક માર્કેટમાં સોસ્યો ૩૭થી ૪૭ ટકાનું ડૉમિનેશન ધરાવે એ છે. એટલું જ નહીં, ગુજરાતમાં ૧૦ ટકા કરતાં વધુ માર્કેટશૅર સોસ્યોનો છે, જેને કારણે એમાં રિલાયન્સ જેવી માંધાતા કંપનીને ભવિષ્ય દેખાય એ સ્વાભાવિક છે.

૨૦૨૩થી ૨૦૨૭ સુધીમાં ભારતનું સૉફ્ટ-ડ્રિન્ક માર્કેટ ૨.૭ ટકાના દરે વૃદ્ધિ પામશે એવો અંદાજ છે. એ અનુસાર એકમાત્ર ભારતનું જ કોલ્ડ-ડ્રિન્ક માર્કેટ ૯.૭૩ બિલ્યન ડૉલર જેટલું થઈ જશે. વિચાર કરો કે ભારતીય કોલ્ડ-ડ્રિન્ક કે સૉફ્ટ-ડ્રિન્ક ઇન્ડસ્ટ્રીમાં માત્ર ૨૦ ટકા માર્કેટશૅર ધરાવતી પ્રોડક્ટ થમ્સ-અપે ગયા વર્ષ દરમિયાન ૫૦,૦૦૦ કરોડ રૂપિયાનો ધંધો કર્યો હતો. તો આ સરખામણીએ જો હજૂરી પરિવારનું સોસ્યો રિલાયન્સ જેવી દેશી જાયન્ટ કંપની સાથે જોડાશે તો સ્વદેશી પીણું અને એનું માર્કેટ ક્યાં હશે?

ઐસી દીવાનગી દેખી નહીં કહીં...

સુરતના રસિયાઓની વાત જ નિરાળી છે. પારસ દેસાઈ કહે છે, ‘મારા ઘરે તમે ગમે એ સમયે આવો ફ્રિજમાં તમને પાંચથી વધુ સોસ્યોની બૉટલ જોવા મળશે જ મળશે. હું દસમા ધોરણમાં હતો ત્યારથી સોસ્યો પીઉં છું. એ સમયે મમ્મી અઠવાડિયાની જેબ-ખર્ચીના પૈસા આપતી એમાંથી હું ગમે એમ કરીને પૈસા બચાવીને શનિ-રવિમાં સોસ્યો પીવાય એટલી જોગવાઈ તો કરી જ લેતો હતો.’

તો વળી જિમી દેસાઈ કહે છે, ‘અમારા સુરતની કદાચ એક પણ રેસ્ટોરાં કે રેંકડી તમને એવી જોવા નહીં મળે જ્યાં સોસ્યો નહીં મળતી હોય. મારી સામે કેટલાય એવા દાખલા છે કે રેંકડીવાળા સોસ્યો ન રાખતા હોય તો ગ્રાહકોની સતત માગણીને કારણે તેમણે એનું વેચાણ શરૂ કરવું પડ્યું છે.’

સોસ્યોના ચાહકો માત્ર સુરતમાં જ છે એવું નથી. મુંબઈના ખારમાં રહેતા અનિશ મારફતિયા પણ તેમની સોસ્યો માટેની દીવાનગી વિશે વાત કરતાં કહે છે, ‘દારૂનો કોઈ બૂટલેગર દારૂની બાટલીઓ લઈને આવતો હોય એ રીતે હું જ્યારે-જ્યારે ગુજરાત જાઉં ત્યારે સોસ્યોની બાટલીઓ કારમાં ભરીને લાવતો હોઉં છું. ઠંડીગાર સોસ્યોની મજા જ અનેરી છે. તમને કોઈ શરાબ પીવાની જરૂર નહીં પડે એવો અનેરો એનો સ્વાદ અને એની મજા છે. કોઈ ચટાકેદાર ખાવાનું પ્લેટમાં હોય અને સાથે બેથી ત્રણ દિવસ ફ્રીઝ કરેલી ઠંડી સોસ્યો મોઢે લગાડો એટલે કોઈ મોટી ઉજવણી કર્યા જેવું લાગે.’

columnists