આસક્તિ: એક લગન, એક અગન ( પ્રકરણ ૫)

04 October, 2024 07:45 AM IST  |  Mumbai | Samit (Purvesh) Shroff

ચાકુ મારા હાથે વાગ્યું છે આમિર, ખરેખર તો ચાકુ મારવામાં મેં ત્રણ વર્ષ કાઢી નાખ્યાં

ઇલસ્ટ્રેશન

‘તું જઈ શકે છે!’

આમિરનો જાકારો લાવણ્યાના ભીતરને ભડકાવી રહ્યો છે. અતૃપ્ત ઝંખનાઓને તો મહેણાં મારવાનુ મોકળું મેદાન મળી ગયું ઃ ‘આના પર તું મરતી હતી? તને ચાહતો હોવાનું કહીને પણ તેણે તને તરસી જ રાખીને! તને બેશરમ કહી, વાસનાઘેલી કહીને વગોવવામાં બાકી શું રાખ્યું! આનું વેર હોય જ અને જ્યાં તેણે તને જાકારો આપ્યો ત્યાં જ તેને માણવાનું બને તો એ વેર માપનું કહેવાય! મહાદેવ તો નવા મંદિરિયે બિરાજી ચૂક્યા, આ તો ખંડિયેર માત્ર છે એટલે એનો ખટકો તો રાખતી જ નહીં... ભવાનજી સાથે તારાં લગ્ન સમયે તારી કાકીએ તને ઘેનમાં નહોતી રાખી? એવું જ ઘેન આમિરને પીવડાવીને તું તેને માણી લે, પછી ભલેને તે સવારે જાગીને પાપ-પુણ્યના હિસાબ માંડ્યા કરતો!’

આની સાથે પોતાનો માર્ગ પણ નક્કી થઈ ચૂક્યો ઃ વ્યભિચાર અને પતિના મર્ડરમાંથી વ્યભિચારનો માર્ગ!

એમ તો એમ! લાવણ્યાને હવે કોઈ પરવાહ સ્પર્શે એમ નહોતી.

lll

ત્યારે દેરીમાં આમિર પસ્તાય છે ઃ ‘પરિણીત સ્ત્રી સાથે પતિ સિવાયના પુરુષનો શરીરસંબંધ અનૈતિક ગણાય અને હવે પછીની મારી જિંદગીમાં હું મૂલ્યોથી ભટકવા માગતો ન હોઉં તો મારું સ્ટૅન્ડ યોગ્ય જ છે, પણ એના નિભાવના આવેશમાં મારે લાવણ્યાને જાકારો દેવાને બદલે તેને સમજાવવાની જરૂર હતી. કામપૂર્તિમાં વિક્ષેપ પાડનાર પર પશુ પણ આક્રમક બની જાય છે, જ્યારે લાવણ્યા તો વિષયથી બેબસ થયેલી યુવતી! આક્રમક તેવર દાખવીને અહીંથી ગયેલી તેકાંઈ ઊંધુંચત્તું તો નહીં કરી પાડેને!’

આમિર ચિંતામાં અટવાયો હતો ત્યાં મોડી સાંજે રંભા કેસરિયું દૂધ લઈને આવી. અમૃતપાન કરતો હોય એમ પ્રેયસીએ મોકલાવેલું દૂધ ગટગટાવતા આમિરને એમાં ઘેન ભેળવાયું હોવાની ક્યાં જાણ હતી?

lll

‘લગ જા ગલે...’

લગ્ન સમયની લાલચટાક ઘાટડી પહેરીને શણગાર સજી લાવણ્યા લતાનું ગીત ગણગણતી ખરેખર તો સુહાગરાતનો ઉન્માદ ઘૂંટી રહી હતી. ‘આમિરે પીધેલા ઘેનની અસર હવે વર્તાવા લાગી હશે...’

અને રૂમના આગલા હિસ્સામાં સૂતા ભવાનજી પર તુચ્છકારભરી નજર ફેંકીને લાવણ્યા ઘરનો ઉંબરો ઓળંગી ગઈ.

lll

રાતે અગિયારના સુમારે આખું

ગામ જંપી ચૂક્યું છે ત્યારે દબાતે પગલે દેરીમાં પ્રવેશતી લાવણ્યાની રગોમાં ઉત્તેજના ફાટફાટ થતી હતી. પગથિયાં ચડતાં થોડું સહેમી જવાયું. ‘દેરીના પાછલા ભાગમાંથી ચારેક ઓળા સરક્યા હોય એવું કેમ લાગ્યું! એ તરફ તો ગામની સીમ વટાવીને રેલવેલાઇન તરફ જવાય છે...’

ત્યાં આમિરનો કણસાટ કાને પડ્યો. તે ગર્ભદ્વાર તરફ દોડી. લાઇટ પાડીને અંદરનું દૃશ્ય જોતાં જ હળવો ચિત્કાર સરી પડ્યો, દોડીને ફર્શ પર ચત્તાપાટ પડેલા આમિરનું માથું ખોળામાં લીધું ઃ ‘આ શું થઈ ગયું આમિર! તમારા માથા પર લોહી જામ્યું છે!’

 ‘કો...ણ!’ આમિરે પરાણે આંખો ઉઘાડી ઃ ‘લા...વણ્યા, તું! ઓ...હ, તું મારી દુલ્હનના વેશમાં આવી! ત્યારે તો મારી રાણી મારાથી રિસાઈ નથી!’

ઘેનની હાલતમાં પ્રગટ થતો આમિરનો અંતરભાવ લાવણ્યાને ઝંઝોડી ગયો ઃ ‘તું આ પુરુષને છેતરવા નીકળી હતી?’

તેનાથી બોલી જવાયું : ‘ઓહ, આમિર, હું તમારે લાયક નથી...’

દૂધમાં ઘેન ભેળવીને પોતાને ભોગવવાનો લાવણ્યાનો ઇરાદો

સાંભળીને આમિર ડઘાયો નહીં કે ઉશ્કેરાયો પણ નહીં.

‘તારી ગુનેગાર છું મારા પ્રિયતમ, મારે તો ટ્રેન નીચે કપાઈ મરવું જોઈએ!’

‘ટ્રેન...’ આમિર વિહ્‍વળ બન્યો.

‘લાવણ્યા, થોડી વાર પહેલાં અહીં બહાર ચારેક અજાણ્યા ઇસમો પોરો ખાવા પૂરતા બેઠા.’ આમિરને શ્રમ વર્તાતો હતો, ‘મને ઊંઘ આવતી હતી, લાઇટ બંધ કરીને હું ગર્ભદ્વારમાં આડે પડખે થયો એ અરસામાં બહાર દેરીની પાળે બેસનારને મારા હોવાનો અંદાજ નહીં હોય...’

પણ ઉર્દૂમાં થતી તેમની વાતોએ આમિરને ઘેનમાં સરવા ન દીધો... ‘ચાર જુવાનો આતંકવાદી સંગઠન વતી ટ્રેન-અકસ્માત સર્જવા આવ્યા હતા!’

આજકાલ ભારતીય રેલવે દુર્ઘટનાનો આતંક ફેલાવવા સૉફ્ટ ટાર્ગેટ બની ગઈ છે. સરહદપારથી આવતા ઘૂસણખોરો દુશ્મન દેશની કુખ્યાત જાસૂસી સંસ્થા કે પછી આતંકવાદી સંગઠનોનો હાથો બની ટ્રૅક પર સિમેન્ટનો થાંભલો કે એવી અડચણ મૂકીને કે પાટાના જોડાણનો ટુકડો કાપીને પાછલા થોડા મહિનામાં ત્રણેક ટ્રેન ઊથલાવી ચૂક્યા છે... આજે આવી જ કટોકટી ગામ નજીક સર્જાવાની એ જાણી લાવણ્યા ડઘાઈ ગઈ.

‘તેમની સમક્ષ ઉજાગર થવામાં શાણપણ નહોતું. તેમના નીકળ્યાનો સંચાર સંભળાતાં હું બહાર દોડવા ગયો કે ઊંઘનાં ચક્કર આવતાં ઊંધા માથે પડ્યો ને માથામાં ઈજા થઈ.’ આમિરે હાંફતા શ્વાસે લાવણ્યાનો હાથ પકડ્યો, ‘તું વેળાસર આવી ગઈ... જગાડ આખા ગામને, કોઈ પણ રીતે તેમને રોક...’

કહેતાં આમિરે હોંશ ગુમાવ્યા.

‘હાશ!’ લાવણ્યામાં વળ ખાતી વાસના સપાટી પર આવી ગઈ ઃ ‘લે, આ બેહોશ થઈ ગયો, હવે તેનાં ભગવાં ઉતાર...’

‘સટાક...’ લાવણ્યાએ ધડાધડ પોતાના ગાલે તમાચા વીંઝ્‍યા ઃ ‘બસ, બસ, બસ! બહુ નચાવી તેં મને, હવે બસ. મારો પ્રેમી ઘાયલ છે, દેશના દુશ્મન ગામની સીમમાં છે ને હું કામભોગમાં રાચું એટલી હલકટ, નીચ મારે નથી બનવું!’

તેના અંગારા વરસાવતા રોષે ભીતર સર્વ કંઈ શાંત થઈ ગયું.

બીજી પળે તે બહાર દોડી.

lll

અને ‘અયોધ્યાનગરી’એ નવસારી વટાવ્યું.

કુપેના મોટા ભાગના યાત્રીઓ નીંદરમાં પોઢી ચૂક્યા છે, પણ કપલ માટેનો કુપે બુક કરાવનાર સાત્ત્વિકને આટલા જલદી સૂવાની ટેવ ક્યાં છે? તેની અરુચિકર ફરમાઈશોથી સાંવરીને ત્રાસ થાય છે. જાત્રાને પણ હનીમૂન માનનારાની વૃત્તિનું તો મૂળ જ વાઢી નાખવવું જોઈએ!

ના, આ આજનો, અત્યારનો વિચાર નથી... સાંવરીએ કુપેના બંધ દરવાજા પર લટકતા ડ્રેસના ગજવા પર નજર ટેકવી ઃ ‘કોઈક રીતે સાત્ત્વિકને ભુલાવામાં નાખીને ચાકુ હાથ કરી લઉં, તેની મરદાનગી વાઢી નાખું, પછી ભલે મને જેલ થતી! પણ આ ત્રાસમાંથી તો છૂટવું જ છે મારે!’

લાગ જોઈને કોચ પરથી હાથ લંબાવી ડ્રેસના ગજવામાંથી ફોલ્ડિંગ છરી કાઢીય ખરી, પણ ચાંપ દબાવવાના અવાજે ચેતેલા સાત્ત્વિકે તેનું કાંડું પકડ્યું, મરોડ્યું, ગાળ સરી ગઈ ઃ ‘તારે કરવું શું હતું?’

તેને ધક્કો મારીને સાંવરી ઊભી થઈ, કાંડું છોડાવવા જોર અજમાવ્યુ. ‘અયોધ્યાનગરી’ ધમધમાટ આગળ વધતી હતી.

lll

‘ડન!’ ઉસ્માનનો ચહેરો ઝગમગી ઊઠ્યો. ‘પાટાના જૉઇન્ટની ક્લિપ્સ ચાર જગ્યાએથી ઉખેડાઈ ગઈ. હવે થોડી વારમાં અહીંથી પસાર થનારી ‘અયોધ્યાનગરી’ પાટા પરથી ઊતરે એટલે સેંકડો યાત્રીઓ રામશરણ થઈ જવાના! ખુલ્લામાં પથરાયેલા ટ્રૅક પર ટાઇમબૉમ્બ મૂકો તોય કોઈ ઝડપનારું નથી, એવી નધણિયાતી હાલત છે રેલવેની!’

ત્યા રસૂલે ભડકીને ધ્યાન ખેંચ્યું, ‘અબે, વો ક્યા હૈ!’

તેણે ચીંધેલી દિશામાં નજર નાખતાં બાકીનાની આંખો પણ પહોળી થઈ ઃ ‘ટ્રેન આવવાની હતી એ દિશામાં એક યુવતી દોડતી જાય છે... અરે, તેણે તો લાલ સાડી ઉતારીને સિગ્નલની જેમ હવામાં લહેરાવવા માંડી.’

‘મતલબ તે ટ્રેનને દૂર જ થોભાવી દેવા માગે છે!’

‘તો શું તે અમારો ભેદ જાણી ગઈ?’ કઈ રીતે એ કોઈને સમજાયું નહીં. ‘દૂરથી ટ્રેનની હેડલાઇટનો શેરડો દેખાયો, એન્જિનની વ્હિસલ સંભળાઈ તોય બાઈ તો દોડ્યે જ જાય છે!’

 ‘એ ગઈ... હમણાં... કપાઈ ગઈ...’ અધ્ધરશ્વાસે જોયું તો છેલ્લી ઘડીએ ડ્રાઇવરે જોરદાર બ્રેક મારી ને થાકીને લથડિયું ખાઈ પાટા પર પડતી યુવતીની બરાબર સામે ટ્રેન ઊભી રહી ગઈ!

-અને અણધારી બ્રેકના આંચકાથી ચાકુની ખેંચાતાણી કરતાં સાત્ત્વિક-સાંવરીમાંથી એકને ચાકુ ખૂંપ્યું...

-એ સાથે જ ડ્રાઇવર-ગાર્ડ, સશસ્ત્ર ચોકિયાત ઊતરીને આવતાં લાવણ્યાએ હાંફતા શ્વાસે આતંકવાદીઓ તરફ ઇશારો કરી કાવતરું ખોલી દીધું...

પછીની પંદર મિનિટમાં રેલવે‍-ટ્રૅક પર ઘણું કંઈક બની ગયું.

આતંકવાદીઓના પ્યાદા બનેલા ઘૂસણખોરો ભાગવા તો ગયા, પણ સામેથી લાઠી લઈ ગામલોકો દોડી આવતાં ઝડપાઈ ગયા. લાવણ્યાએ પાર ઊતર્યાની લાગણી અનુભવી. ટ્રેનનો અકસ્માત રોકવા પોતે દેરીએથી દોડી, સુમેઘાબહેનને આપત્તિનો અણસાર આપી પોતે ટ્રૅક તરફ ભાગી... ગામનું સ્ટેશન નહોતું, ચાર-ચાર જુવાનિયાઓને તેમના કામમાં મશગૂલ જોઈને ટ્રેનની સામે દોડવાનું પગલું લીધું એ ફળ્યું એનો સંતોષ!

ત્યાં કોઈએ દૂર ટ્રૅક પર પડેલી સાડી ઉઠાવીને લાવણ્યાના બદન પર ઢાંકી.

‘આમિર, તમે!’

સુમેઘાબહેને ઊલટી કરાવતાં આમિરનુ ઘેન ઊતર્યું, માથાની ઈજાની પરવાહ કર્યા વિના તે પણ રેલવે-ટ્રૅક તરફ દોડી આવ્યો જાણી લાવણ્યા તેને વેલની જેમ વીંટળાઈ ગઈ.

એ જ વખતે પાછળના ડબ્બામાંથી સ્ત્રીની ચીસાચીસ સંભળાઈ ઃ ‘ઓરે! કોઈકે મારા દીકરાને મારી નાખ્યો!’

‘તમારો દીકરો એમ મરે એવો

નથી મા! તેને સાથળના મૂળમાં ચાકુ વાગ્યું છે અને હું મેડિકલ એઇડ માટે જ ઊતરી છું...’

મોટા અવાજે વહુએ આપેલા જવાબે ઉતારુઓમાં ગણગણાટ પ્રસરાવી દીધો. બાજુમાંથી પસાર થતી તેને જોતાં આમિર બોલી ઊઠ્યો ઃ ‘સાંવરી, તું!’

આમિરને ભાળી સાંવરી પૂતળા જેવી થઈ ગઈ. સાધુવેશમાં તેને એક પરણેતરની સોબતમાં જોવાની ધારણા નહોતી!

આમિરને દગો દેનારીને લાવણ્યા પણ ટટ્ટાર થઈ નીરખી રહી.

‘સાત્ત્વિકને ચાકુ વાગ્યું?’

‘ચાકુ મારા હાથે વાગ્યું છે આમિર, ખરેખર તો ચાકુ મારવામાં મેં ત્રણ વર્ષ કાઢી નાખ્યાં.’

તેણે પોતાનાં લગ્નજીવનનું સત્ય ઉઘાડતાં આમિર-લાવણ્યા સ્તબ્ધ બન્યાં. વશમાં નહીં રહેતી વાસના કેવો કેર વર્તાવે છે એ લાવણ્યા માટે સબક પણ હતો.

ત્યાં આમિરે ઝબકારો થતાં તેણે ભગવાના ગજવામાંથી હીરાની પોટલી કાઢી તેને ધરી ઃ ‘આ તારી દુકાનમાંથી મેં તફડાવેલી મતા!’

‘મને જાણ હતી કે એ તમે જ છો... તમારા બદલાવ બદલ ખુદને દોષી માનતી હતી, પણ આજે એ જ સંસ્કારપોત જોઈ હરખ થાય છે. મોડે-મોડે મારું આત્મભાન જાગ્યું આમિર, બીજું તો શું!’ તેણે લાવણ્યા પર નજર ટેકવી, ‘સાચા હીરા જેવા આમિરને તરછોડવાની ભૂલ તું ન કરીશ.’

આજે જુદી જ સાંવરી દેખાઈ; વધુ ઊજળી, વધુ શોભતી.

એ આગળ વધી ગઈ ને લાવણ્યાએ આમિરને બાહુપાશમાં જકડી લીધો!

ગામલોકો આ દૃશ્ય માટે તૈયાર નહોતા.

પાટાની મરમ્મત થઈ રહે ત્યાં

સુધીમાં ગામમાંથી સુમેઘા વગેરે સાથે હાંફતા ભવાનજી પણ આવી ઊભા. જુવાન છોકરીને પરણીને પોતે ભૂલ કરી. પૈસો વેરેલો નકામો ગયો, પરણીનેય

પોતે કુંવારી છે એની દાઝમાં વીફરાઈ ઊઠતી પત્ની પર ગરજાય એમ હતું નહીં એટલે લોકોની સહાનુભૂતિ મેળવવા પાટા પર બેસી રડવા લાગ્યા ઃ ‘આ સાધુએ તને ફસાવી!’

‘હું સાધુ નથી, હિન્દુ પણ નથી...’ આમિરે સત્ય ખુલ્લું કરી દીધું.

‘આતંકવાદીઓને ઝડપવાની શાબાશી તમે મને આપો છો, પણ મને પ્રેરિત કરનારો આમિર છે. હું તો પામર, વાસનાથી ખદબદતી આજે...’ લાવણ્યાએ નિઃસંકોચપણે પોતાની અતૃપ્ત આસક્તિ કબૂલી લીધી ઃ ‘આતંકવાદીઓ આવ્યા ન હોત તો હું વ્યભિચારના રસ્તે ડગ માંડી ચૂકી હોત!’

આમિર-લાવણ્યાની સચ્ચાઈ સૌને સ્પર્શી ગઈ.

કથાના ઉપસંહારમાં એટલું કે લાવણ્યાની સમયસૂચકતાને સ્વયં પ્રધાનમંત્રીએ બિરદાવી, પુરસ્કાર પણ એનાયત થયો. ગામને નૅશનલ લેવલ પર ચમકાવનારી ગામની સવાઈ લાડલી બની ગઈ... રંભા જેવીને પણ એનો આનંદ. એબ ઊઘડ્યા પછી ભવાનજી પાસે સામેથી ફારગતી લખી આપવા સિવાયનો વિકલ્પ નહોતો. તેઓ પછી હરિદ્વારભેગા થઈ ગયા. આમિર-લાવણ્યાને બેજીવી થયેલી સુમેઘા-ચૌબેજીએ ધામધૂમથી પરણાવ્યાં, ગામમાં ભાડાના ઘરમાં તેમનો સંસાર મંડાયો.

આ બાજુ, પુરુષત્વ ગુમાવી ચૂકેલો સાત્ત્વિક તેજહીન બની ગયો. સાલસ સાસુ-સસરાની વિનવણીને માન આપી સાંવરીએ એનો ધજાગરો ન કર્યો એમ રૂપિયા પણ લીધા નહીં ઃ પહેલી વાર મારું સ્વમાન જાગ્યુ છે એને હવે મુરઝાવા નહીં દઉં! સાત્ત્વિકથી છૂટી થઈ તે આપબળે નવી ઉડાન ભરવા તૈયાર છે.

અને હા, સુહાગસેજ પર આમિરે વરસાવેલા સુખે લાવણ્યાની જન્મોજનમની તરસ એકઝાટકે બુઝાવી દીધેલી, નદી હવે પ્યાસી નથી એ ઉમેરવાની જરૂર ખરી!

(સમાપ્ત)

columnists Sameet Purvesh Shroff