આસક્તિ: એક લગન, એક અગન ( પ્રકરણ ૪)

03 October, 2024 02:46 PM IST  |  Mumbai | Samit (Purvesh) Shroff

સુમેઘાએ આત્માનંદ સમક્ષ હાથ જોડ્યા, લગ્નના સાત વર્ષે મારો ખોળો ખાલી છે મહારાજ...

ઇલસ્ટ્રેશન

લાવણ્યાના સ્મરણે પ્રસરેલા રોમાંચને માણતા આમિરને થયું, કાશ, લાવણ્યા મારા જીવનમાં સાંવરીથી પહેલાં આવી હોત... તો આજે આમ પરધર્મીનો વેશ લઈ ગામગામ ભટકવું ન પડત. મારા ગુનેગાર થવામાં એક જ વ્યક્તિ જવાબદાર છે - સાંવરી.

મારી ગરીબીને કારણે મને ઠોકર મારનારી સ્વાર્થી કન્યા માટે હૈયું શાનું ભાંગવાનુ એમ વિચારી તેને હૃદયવટો આપી શક્યો, પણ માની સારવારમાં ઘરબાર વેચવા છતાં પૈસા ખૂટ્યા ને માએ સરકારી દવાખાનામાં દમ તોડ્યો ત્યારનો ભીતર જ્વાળામુખી ખદબદતો હતો - પૈસાને કારણે મને સાંવરીએ તરછોડ્યો, પૈસાના અભાવે મા મૃત્યુ પામી!

‘પૈસો, પૈસો!’

‘હવે એ પૈસાને હું મારો કરીને રહીશ. નીતિ-મૂલ્યના રસ્તે એમાં વર્ષો લાગે. આખરે મૂલ્યોમાં માનીને મને શું મળ્યું? અને રૂપિયા માટે ધાડ જ પાડવી હોય તો સાંવરીના સાસરે જ કેમ નહીં? આખરે તે મારી થઈ હોત તો મરતી માને દીકરાનો અજંપો તો ન હોત.’

‘અને બસ અફલાતૂન પ્લાનિંગથી સાડાચાર કરોડના હીરા તફડાવીને પોતે મુંબઈ છોડ્યું, હિન્દુ સાધુનો વેશ ધારણ કરી એકથી બીજા ગામ ફરતો રહ્યો છું. એમાં આ ગામના લોકોનો ભાવ મારા ભીતરને ઝંઝોડે છે. અમીર થવાની લાલસાને પડકારે છે, ચોરીના અપરાધનું પ્રાયશ્ચિત્ત પૂછે છે, નબળી પડેલી મારી વૅલ્યુ સિસ્ટમને પ્રાણવાયુ આપે છે.’

‘આ બધું બીજાને ન કહેવાય, પણ લાવણ્યાને મારે કહેવું જોઈએ?’ 

‘લાવણ્યા. તેનામાં મારા માટેનું આકર્ષણ મને પરખાતું. પરણેલી સ્ત્રી નયન નચાવી સાધુને પોતાના કોરાકટ જોબનનો હવાલો આપે એ આમ તો અજુગતું લાગ્યું હોત, એને બદલે પોતે રતાશથી લાલ થઈ જતો. રાતે સમણામાં તે કેવું સતાવી જતી! સવારે નિંદ તૂટતાં સાંભરી આવતું કે હૈયાને ગમવા લાગેલી એ યુવતી કોઈની પરણેતર છે!’

એ સત્યનું અદીઠું પાસું અનાયાસ ખૂલ્યું...  

‘આપણે પહેલાં કેમ મળ્યાં નહીં!’ હજી ચાર દિવસ અગાઉ તે વાતવાતમા ગંભીર બની ગયેલી:  ‘આપણે પહેલાં મળ્યાં હોત તો તમારા અંગ પર ભગવો ન હોત, મારે નામરદ પતિનું દુઃખ ન હોત...’

પોતાની ગાથા સાથે તેણે પોતાની વિવશતા પણ ખુલ્લી કરી દીધેલી: ‘હું ક્યારેય આવી કામઘેલી નહોતી... મારા સંસ્કાર આવા નથી અને તોય વ્યભિચારનો મને છોછ રહ્યો નથી. મારા વરને મારવામાં હું પાપ જોતી નથી... તમે સાધુ ન હોત તો હું કદાચ તમારા પર બળાત્કાર આચરી ચૂકી હોત...’

તેની નિખાલસતામાં ભારોભાર વેદના હતી. 

‘અને હવે થયું છે એવું આત્માનંદ કે મને તમારા મોહક મુખડાની માયા લાગી ગઈ છે... હકીકત એ છે કે હવે હું બીજા કોઈ જોડે કદાચ મારા શરીરને વહેંચી પણ નહીં શકું. એક તરફ માએ સીંચેલા સંસ્કાર, તમારી માયા અને સામે કામનાનો જ્વાળામુખી! આ આસક્તિ ને અતૃપ્તિ મને ક્યાં દોરી જશે, કોને ખબર!’ 

‘ત્યારે હોઠ સુધી આવી ગયેલું કે હું સાચો સાધુ છું જ નહીં. હું મારા ભગવા ઉતારું, તું તારું મંગળસૂત્ર ઉતાર, અને ચાલ કોઈ અજાણ્યા મલકમાં જઈને સુખનો સંસાર માંડીએ!’  

‘પણ એ જ વખતે કોઈ આવી ચડ્યું ને એ શબ્દો ફરી કહેવાનું બન્યું જ નહીં! લાવણ્યા સાચું કહેતી’તી:  આગળ શું થશે એની કોને ખબર!’ 

‘જોગી જબસે તૂ આયા મેરે દ્વારે...’ 

બપોરની વેળા રંભા અન્ય હેલ્પર્સ સાથે ગાદલા-તકિયા મૂકવા અગાસીએ આવી, તેમના ભેગી આવેલી લાવણ્યા જોકે અહીંથી દેખાતી મહાદેવની દેરી પર નજર ખોડાવી લતાનું ગીત ગણગણતી રહી. 

ત્રણ-ચાર અઠવાડિયાં અગાઉ ગામમાં સાધુનું આગમન થયું, પોતાના સમણાનો રાજકુમાર સાધુમાં એકાકાર થયા પછી તેને ચાહતા થવું બહુ સ્વાભાવિક હતું. જોગી સમક્ષ અંતર ખોલતી વેળા એટલે તો દ્વિધા નહોતી. અલબત્ત, એથી કામની લાલસા ઘટી એવું નહોતું. સમણામાં તે નિ:સંકોચ સાધુને નિમંત્રતી, તેનાં ભગવાં ઉતારતી, પછી તે જે સુખ વરસાવતો એ વર્ણાતીત રહેતું. જાગ્રત થતાં જ વાસના લલચાવતી: ‘જેને આટલુ ઝંખે છે તેને ભોગવી લેવામાં પણ પાપ નથી!’ 

‘ક્યાં સુધી હું આ લાલચને માત આપી શકીશ એ નથી જાણતી...’ 

અને તેની કીકીમાં ચમક ઊપસી: ‘દેરીના પ્રાંગણમાં સાધુ દેખાયો!’ 

પણ પછીની મિનિટોમાં જે બન્યું એ જોઈને ધક્કો લાગ્યો હોય એમ લાવણ્યા અગાશીની પાળીસરસી થઈ ગઈ. 

પ્રાંગણમાં ચાદર પાથરી સાધુ જુમ્માની નમાજ ફરમાવતો હતો! દેરીની આસપાસની ગાઢ વનરાજીને કારણે કોઈ બીજાની નજરે પડવાનો સંભવ નહોતો, પણ પોતે જે જોયું એનો અર્થ શું? ‘આ જોગી હિન્દુ નથી, મુસ્લિમ છે? ફ્રૉડ છે?’

‘ના, ના, સાધુ ફ્રૉડ હોત તો મારા જોબનની લાલસાએ ક્યારનો વાઘા ઉતારી ચૂક્યો હોત. સાધુને ચાહતી થતાં પહેલાં એનો ભેદ જાણ્યો હોત તો તેને હાથો બનાવી મેં અચૂક તેને બ્લૅકમેઇલ કર્યો હોત ઃ તારો ભેદ અકબંધ રાખવો હોય તો ક્યાં મને શરીરસુખ આપ, ક્યાં મારા પતિને મારી મારો રસ્તો સાફ કરતો જા...’

પણ તેને ચાહતી થયા પછી ચિંતા જ જાગે છે. જુવાનને એવી તો કઈ મજબૂરી હશે કે તેણે આમ વેશ બદલવો પડ્યો?’

લાવણ્યા ક્યાંય સુધી એકના એક વિચારોમાં ગોથાં ખાતી રહી.

‘અહં, સાધુને મોઢામોઢ પૂછ્યા વિના મને ચેન નહીં વળે!’

લાવણ્યા આત્માનંદને મળવા દેરીએ પહોંચી કે સુમેઘાને તેના વર, ભાડૂત સાથે સાધુની સામે બેઠેલી જોઈ થાંભલાની આડશ લઈ લીધી. તેના આગમન પર કોઈનું ધ્યાન નહોતું.

‘અકસ્માત પછી પહેલી વાર ઘરની બહાર નીકળેલા ચૌબેજીને પ્રથમ દર્શન આપનાં કરવાનાં હોય એ તો ખરું જ, આજે અમારા આગમનનું એક બીજું પ્રયોજન પણ છે... ‘ સુમેઘાએ આત્માનંદ સમક્ષ હાથ જોડ્યા, ‘લગ્નના સાત વર્ષે મારો ખોળો ખાલી છે મહારાજ.. ચૌબેજી તો ભગવાનના માણસ. મને તેઓ તો મહેણું મારવાથી રહ્યા, પણ ગામલોકોની આંખોમાં મને વાંઝણીનો ટોણો દેખાય છે. આમેય હું ગામમાં ઓછી બદનામ નથી.’

આમિર ટટ્ટાર થયો. 

‘કારણ છું હું...’ અવિનાશે હળવો નિઃશ્વાસ નાખ્યો, ‘ચૌબેજીનાં મધરને અહીંનું હવામાન નથી ફાવતું એટલે તેઓ અલગ રહે છે. બૅન્કની નોકરીમાં અહીં ટ્રાન્સફર મળ્યા પછી હું ઘરની શોધમાં હતો એમાં બૅન્કના કામે આવતાં ચૌબેજીએ તેમના ઘરમાં મેડીની રૂમમાં મને રહેવાની સવલત કરી આપી. જમવાનું 

પણ તેમના રસોડે, ભાડું પણ પાછું ટોકન પૂરતું.’ 

‘સૂબેદારની રાતપાળીની નોકરી, પાછા મોટા ભાગે બીલીમોરાના ઘરે રહેતા હોય. આમાં અજાણ્યો અપરિણીત જુવાન ભાડૂત તરીકે રહેવા આવે એથી ઘણાનાં ભવાં તંગ થયેલાં. આમાં એક રાતે ગામલોકોની નજરે ન બનવા જેવું બની ગયું...’

અહીં આત્માનંદ અને થાંભલા પાછળ ઊભી લાવણ્યા બન્ને એકાગ્ર બન્યાં. 

‘વરસાદની એ રાતે સૂબેદાર બીલીમોરાથી ડ્યુટીએ ગયેલા. આ બાજુ અવિનાશનું બદન સાંજનું ધખતું હતું. રાતે પણ તેના ઊંહકારા નીચે સુધી સંભળાતા હતા. મારાથી ન રહેવાયું. હું તેની રૂમમાં ગઈ. રાતભર પોતાં મૂક્યાં.’ સુમેઘાએ ડોક ધુણાવી, ‘રૂમના નાઇટ લૅમ્પના અજવાળાને કારણે બારીના કાચ પર પડતા મારા પડછાયાની હિલચાલ અડધી રાતે કોઈ વાંકાદેખાએ નોંધી હશે. બસ, પછી વા ભેગી વાત ફેલાઈ: ‘ચૌબેજીની બૈરી તેના ભાડૂત સાથે સૂઈ જાય છે!’ 

‘ઓહ!’ આત્માનંદે આંખોથી સહાનુભૂતિ પાઠવી, લાવણ્યાને સુમેઘાના સ્વરમાં સચ્ચાઈ વર્તાઈ.

‘શા માટે આવું કહીને તારો જીવ બાળે છે?’ ચૌબેજીએ પત્નીનો પહોંચો પસવાર્યો, ‘મને મારી સીતાના સતમાં વિશ્વાસ છે.’

‘તમારા સતનો એક સાક્ષી હું છું. મારા આગમનની રાતે અવિનાશ તમને બાઇક પર લઈ જતો હતો ત્યારે બેઉમાં મર્યાદાનું આવરણ મેં નિહાળ્યું છે.’ આત્માનંદ ઉર્ફે આમિરથી કહ્યા વિના રહેવાયું નહીં.

‘પતિના વિશ્વાસે તો ટકી રહી છું. હું તો ગામ છોડીને બીલીમોરા રહેવાય તૈયાર, પણ ચૌબેજી જ મક્કમ. આપણે ખોટું કર્યું નથી પછી લોકનિંદાથી શાનું ડરવાનું!’ સુમેઘાએ હાથ જોડ્યા, ‘બસ, આવા પુરુષને હું સંતાનસુખ નથી દઈ શકતી એનું લાગી આવે છે. મને એક એવી વ્યક્તિ જોઈએ જે ચૌબેજીને પપ્પા અને અવિનાશને મામા કહીને બોલાવે...’

શ્રદ્ધાથી પોતાને નમતી સુમેઘાને શું કહેવું એ આત્માનંદ ઉર્ફે આમિરને સમજાયું નહીં, ત્યાં...

‘ઈશ્વર તારી મુરાદ પૂરી કરશે, બહેન!’

લાવણ્યાએ પ્રગટ થઈને સૌને ચોંકાવી દીધા.

‘ક્ષમા કરજો બહેન, તમારી વાતો મારા કાને પડી, પણ ગામમાં તારી બૂરાઈ કરતી એક વ્યક્તિ આજથી ઓછી થઈ એટલું ચોક્કસ માનજો.’ લાવણ્યાએ તેનો હાથ પસવાર્યો, ‘અને તે વ્યક્તિ એટલે હું!’

તેની નિખાલસતાએ સુમેઘા ગદ્ગદ થઈ.

‘મને શ્રદ્ધા છે સુમેઘાબહેન...’ આત્માનંદને શબ્દો સ્ફૂર્યા : ‘ઈશ્વર પ્રત્યેની અતૂટ આસ્થામાં દાક્તરી તપાસનું કર્મ ભળે તો ધાર્યું ફળ જરૂર મળવાનું!’

‘દાક્તરી તપાસ?’ સાધુ પાસેથી મેડિકલ સાયન્સનો હવાલો સાંભળીને સુમેઘા જરાતરા નવાઈ પામી, ‘આ વિચાર પોતાના મનમાં તો ક્યારનો રમતો હતો, પણ પતિને કહેતાં સંકોચાતી. ‘બેમાંથી એકમાં પણ ખામી નીકળી તો...’ની કલ્પના ડરાવી જતી, પણ આત્માનંદજીએ કહ્યું એમ ઈશ્વરમાં શ્રદ્ધા રાખી આગળ વધીશું તો અવશ્ય પાર ઊતરવાનાં!’

શ્વાસમાં નવી આશ ભરી તેમણે વિદાય લીધી. સાધુ સુમેઘા વગેરે ગયાં એ દિશામાં તાકતાં બોલી ઊઠ્યો,

‘કેટલી આસ્થાભેર લોકો અહીં આવે છે. તેમનો વિશ્વાસ મારા અંતરમનને ઝંઝોડે છે. દેવી, હું આટલા સન્માનને લાયક નથી.’

લાવણ્યાએ પૂછવાનું બને એ પહેલાં ખીંટીએ ટિંગાડેલી ઝોળી ઉતારીને આમિરે હાથ ફંફોસી ઝવેરાતનું નાનું પાઉચ કાઢ્યું. ડાબી હથેળીમાં એને ઠાલવતાં નાના-મોટા હીરાના ઝગમગાટથી લાવણ્યા અંજાઈ ગઈ.

‘આ હીરા ચોરીના છે, લાવણ્યા...’

પહેલી વાર પોતાના હૈયે વસી ગયેલી માનુનીને નામથી સંબોધી આમિરે પોતાની જીવનગાથા ખુલ્લી કરી દીધી.

‘કબૂલ છે, હું તને ચાહવા લાગ્યો છું લાવણ્યા, એટલે તારી નજરમાં ઊતરી જવાના ભય છતાં તને ભ્રમમાં નથી રાખવી. કાલે જ મુંબઈ પહોંચીને મારો અપરાધ સ્વીકારી લઉં છું. બનાવટનો બોજ વધુ સહન થાય એમ નથી.’

આમિરના રુદિયે પણ હું છું એ સત્યનો સાક્ષાત્કાર પછી લાવણ્યાને બીજા કશાની તમા નહોતી.

‘તું સાચો સાધુ નથી, મુસ્લિમ છે એ તો આજે બપોરે જ મેં જાણ્યું. તું આત્માનો ચોખ્ખો છે આમિર એ અત્યારે પારખી લીધું. હવે મારે જાતને નથી રોકવી.’

કહેતી તે આમિરને ચૂમવા જાય છે એટલે મોઢું ફેરવી તેને દૂર કરતો આમિર ઊભો થઈ ગયો, ‘તારી જરૂરિયાત મને સમજાય છે લાવણ્યા, તારું કાંઈ અરમાન અધૂરું નહીં રાખું, યકીન રાખ, પણ એ બધું ભવાનજી સાથેના ડિવૉર્સ થયા પછી, હું સજા ભોગવીને વાપસ આવું પછી.’

લાવણ્યામાં એટલી ધીરજ ક્યાં હતી? 

‘હું શરીરના રૂંવે-રૂંવેથી પ્યાસી છું. છલોછલ કૂવો મારી સામે છે અને તમે ડૂબકી મારવાની મુદત પાડો છો? ન બને!’

લાવણ્યા આગળ વધી, ‘આપણાં હૈયાં એક બન્યાં છે આમિર, પછી હોઠ એક કરવામાં વાર શું કામ?’

અને પગની પાની પર ઊંચી થઈ તે આમિરના હોઠ પર હોઠ મૂકે છે ત્યારે આમિરે હળવા ધક્કાથી તેને અળગી કરીને તમાચો વીંઝી દીધો, 

‘હોંશમાં આવ બેશરમ... મેં હજી ભગવાં ઉતાર્યાં નથી વાસનાઘેલી સ્ત્રી, આપણે મહાદેવની દેરીમાં છીએ તને એનોય મલાજો નહીં?’

તમાચાથી વધુ તેના શબ્દોમાં રહેલો તિરસ્કાર લાવણ્યાને ખળભળાવી ગયો.

‘નહીં, લાવણ્યા, દેવસ્થાનમાં પરણેલી સ્ત્રીને ભોગવીને મારે પાપની નવી ખાતાવહી નથી ખોલવી. તું જઈ શકે છે.’

આમિરે દરવાજો દેખાડતાં લાવણ્યાનાં અશ્રુ વરાળ થઈ ગયાં. જતાં-જતાં આમિરને નિહાળ્યો એમાં જાણે પડઘો ઊઠતો હતો: ‘આ જાકારો તને બહુ મોંઘો પડવાનો આમિર, જોઈ લેજે!’ 

શું થવાનું હતું એની તો લાવણ્યાને પણ ક્યાં ખબર હતી? 

(આવતી કાલે સમાપ્ત)

columnists exclusive gujarati mid-day Sameet Purvesh Shroff