02 October, 2024 10:17 AM IST | Mumbai | Samit (Purvesh) Shroff
ઇલસ્ટ્રેશન
‘નાચ મેરી બુલબુલ...’
બેસૂરાપણે ગીત લલકારી પૈસાની થોકડી દેખાડી કમર લટકાવતા પતિને નિહાળી સાંવરીને ઊબકા આવતા હતા, પણ રોજની જેમ, નાચ્યા વિના છૂટકો ક્યાં હતો?
‘સાત્ત્વિક પ્લીઝ...’ શરૂ-શરૂમાં પોતે કરગરતી, ‘પત્ની છું તમારી. આમ બજારુ બાઈની જેમ સ્ટ્રિપ શો કરવાનું મને અને કરાવવાનું તમને શોભતું નથી.’
જવાબમાં તમાચો પડતો,
‘તારું આ લેક્ચર સાંભળવા તને ચાલમાંથી મહેલમાં નથી લાવ્યો...’
હાડોહાડ લાગતું મહેણું મૂંગા મોઢે ગળી જવું પડતું.
આખરે મહેલની ચાહના તો મને જ હતીને!
અત્યારે સાત્ત્વિક સામે નાચતી સાંવરીના ચિત્તમાં ગતખંડ તરવરી ઊઠ્યો.
ચર્ની રોડની ચાલમાં ઊછરેલી સાંવરી પાસે બધું સાધારણ હતું. માવતરની આર્થિક સ્થિતિ, પરીક્ષામાં તેનું પરિણામ કે પછી રમતગમતમાં તેનું પ્રદર્શન. આશાદીવડી જેવું એક જ તત્ત્વ હતું - તેનું રૂપ!
વય સાથે રૂપની મૂડી વધતી ગઈ અને સાંવરી એનાથી પૂરેપૂરી સભાન.
‘ગોરો વાન ધરાવતી તને સાંવરી નહીં, ઉર્વશી કે મેનકા સંબોધવી જોઈએ!’
આમિર કહેતો.
‘આમિર.’ પળ પૂરતા સાંવરીના પગ થંભી ગયા. મનમોહક સૂરત તરવરી ઊઠી. એવો જ સાત્ત્વિકે ગાળ સાથે તકિયો ફેંકતાં કમર થિરકાવતી સાંવરીએ સ્મરણયાત્રાની કડી સાંધી લીધી ઃ
સાંવરીના પિતા નીરજભાઈ અને આમિરના અબ્બુ કાદિરમિયાં એક જ મિલમાં કામ કરતા. એકબીજાના ઘરે આવરોજાવરો પણ ખરો. કાદિરમિયાંનુ રહેવાનું ચાલી નજીકની વસ્તીની ખોલીમાં. પોતાનાથી બે વર્ષ મોટા આમિર સાથે સાંવરીને પહેલેથી બહુ ભળતું. હિન્દુ-મુસ્લિમના ભેદ તો કદી નડ્યા જ નહીં. બલકે આમિર તો સવાયા હિન્દુ જેવો હતો. સાંવરીથી વધુ શ્લોક-સ્તુતિ તેને મોઢે હતાં! ઘરમાં હંમેશાં તેનો દાખલો અપાતો. ખાસ તો કાદિરભાઈના અચાનક દેહાંત બાદ તેણે પાર્ટટાઇમ જૉબ કરી ઘરને-માને સંભાળ્યાં, પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો, જુવાનીમાં ડગ મૂક્યા પછી તો આમિર ઇરરેઝિસ્ટેબલી હૅન્ડસમ લાગતો.
એવો આમિર પોતાની તારીફ કરે, એમાં પાછું ભારોભાર આકર્ષણ પડઘાતું હોય એ અઢારના ઉંબરે પહોંચેલી સાંવરીને પોરસાવી જતું. જોકે સાંવરી કૉલેજ જતી થયા પછી નવું જ વિશ્વ તેની સમક્ષ ઊઘડ્યું. ચર્ની રોડની હાઇફાઇ કૉલેજમાં અમીર શહજાદાઓ અફલાતૂન બાઇક-કારમાં આવે, છોકરીઓનાં બ્રૅન્ડેડ વસ્ત્રો સામે પોતાનાં ચૂડીદાર-સલવાર કેવાં ઝાંખાં લાગે! અરે, ઓગણીસમા બર્થ-ડેએ આમિરે બહુ હોંશથી આપેલી ૧૦૦૦ રૂપિયાના ડ્રેસ-મટીરિયલની ગિફ્ટ પણ મામૂલી લાગી હતી. ‘આખરે આમિરની આટલી જ હેસિયતને! એના કરતાં તો મારા રૂપની અમીરીથી દોલતની અમીરીને પોતાની કરી હોય તો!’
અને મનોમન જ આમિરને ‘ટાટા’ કરીને તે આગળ વધી ગઈ. કૉલેજના શ્રીમંત છોકરાઓનું ધ્યાન ખેંચવાનુ તેને કોઈએ શીખવવું ન પડ્યું.
‘હાય હની?’
કૉલેજના ત્રીજા વર્ષની એક સાંજે મોસ્ટ ડૅશિંગ ગણાતા સાત્ત્વિકે કાર અટકાવી. ત્યાં સુધીમાં સાંવરી જોકે શ્રીમંતોના વર્તુળમાં ભળી તેમની એટીકેટીથી માહિતગાર થઈ ચૂકેલી. સાત્ત્વિક જોડે પણ હાય-હલો થતા. જોકે તે આમ તેની લૅવિશ સ્પોર્ટ્સ કારમાં સામેથી બેસવાનું નિમંત્રણ આપે એ પ્રિવિલેજ જ ગણાય.
મુંબઈના ઝવેરીબજારમાં મોટું નામ ગણાતા જશવંત શાહના એકના એક દીકરાને રીઝવાની તક ગુમાવી દે એવી નાદાન રહી નહોતી સાંવરી.
સાત્ત્વિક ફાસ્ટ હતો. લિફ્ટના બદલામાં તેણે કિસ લઈ લીધી, મેળ વધતાં તેણે સાંવરીને પ્રાઇવેટ વિલા પર લઈ જવાનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે સાંવરી મનમાં જ મલકી. આ જ ઘડીનો તો તેને ઇન્તેજાર હતો.
‘તું માને છે એવી ટાઇપની હું છોકરી નથી, સાત્ત્વિક.’
મીંઢું મલકી તેણે ટૉપનાં ઉપલાં બે બટન ખોલતાં સાત્ત્વિક ધગી ગયો.
‘મારી પાસેના ખજાનાની આ તો એક ઝલક માત્ર છે સાત્ત્વિક ... વાજતેગાજતે બારાત લાવી પરણીને મને તારા મહેલમાં લઈ જા, પછી રોજ મારા હુશ્નના નઝારાથી તારું દિલ બહેલાવીશ...’
સાંવરીનો દાવ ચાલી ગયો. કૉલેજ પતતાં જ સાત્ત્વિકના ઘરેથી કહેણ આવ્યું અને મહિનામાં તો ચાલની છોકરી પેડર રોડના બંગલાની વહુરાણી બની ગઈ!
માબાપ માટે તો સાત્ત્વિક માટે દીકરીની હા જ આઘાતજનક હતી: ‘બેટા, તું તો આમિરને ચાહતી હતીને...’
‘એવું મેં ક્યારેય કહ્યું નથી. આમિરની હેસિયત શું છે મા? એનાથી વધુ પગાર તો સાત્ત્વિકના ડ્રાઇવરનો હશે!’
માબાપ ડઘાયાં. તેમને મળવા આવેલો આમિર દરવાજે ઊભો બધું સાંભળી ગયો. ‘સાંવરી સાથે પ્રણયનો એકરાર ભલે ન થયો હોય, લાગણીતંત્ર પરિપક્વ બન્યાની ઉંમરથી પોતે તેને ચાહતો રહ્યો છે અને સાંવરીને પણ એની જાણ છે, એની પણ આમાં સંમતિ છે એવી દેખીતી સમજનો પરપોટો ફૂટી ગયો. જેને સદા સાચા દિલથી ચાહી એ સાંવરીનું આવું રૂપ! સમજાતું નથી, આની પ્રતિક્રિયા શું હોય?’
આમિરની હાજરીથી જોકે સાંવરી લજ્જાઈ નહીં,
‘ખોટું ન લગાડીશ આમિર, પણ મહેલ અને ઝૂંપડામાં પસંદગી કરવાની હોય તો મહેલ પર જ કળશ ઢોળાયને.’
આમિર ગમ ખાઈ ગયો.
જોકે ઠાઠભેર પરણીને મહેલમાં પગ મૂક્યાની ખુશી સુહારગરાતના એકાંતમાં સમેટાઈ ગઈ.
‘શુરુ હો જા.’
શણગારેલી સેજ પર સંકોચાઈને બેઠેલી સાંવરીનો હાથ ખેંચીને સાત્ત્વિકે પલંગ પરથી ઉતારી. તેણે પોતાનો સ્ટ્રિપ ડાન્સ જોવો છે એ જાણીને સાંવરી તમતમી ગઈ – ‘તું હોશમાં તો છે? પત્ની છું તારી, બજારુ બાઈ નથી.’
‘શીશ... નો આર્ગ્યુમેન્ટ. તું મારો મહેલ જોઈ પરણી, હું તારું રૂપ જોઈ. તેં જ તો કહેલું કે રોજ હુશ્નના દિદારથી મારું મન બહેલાવશે... તારા એ કમિટમેન્ટ પર તો તને શાહ ફૅમિલીની વહુ બનાવી છે! પણ એ બધું બહાર માટે, આ રૂમમાં તો તું મારી સ્ટ્રિપર!’ તે બરાડ્યો, ‘બૂત જેવી ઊભી શું છે? શુરુ હો જા.’
‘પહેલી રાતથી શરૂ થયેલો એ સિલસિલો લગ્નનાં ત્રણ વર્ષેય થોભ્યો નથી. અરે, તેણે તો મને તેના મિત્રો સામેય નચાવી છે!’
આશ્વાસન હોય તો એટલું કે આમાંનું કશું ઘરના વડીલો કે મારાં માવતર જાણતાં નથી. દીકરી સાસરે સુખી છે એટલું મા-બાપને પૂરતું છે. પાછો સાત્ત્વિક એટલો ચોક્કસ કે ડિવૉર્સની સામે કાણી પાઈ નહીં મળે એ મતલબનું લખાણ લગ્ન પહેલાં જ સાઇન કરાવી લીધેલું.
‘તું હજીય આમિરના ખબર નહીં પૂછે?’
૬ મહિના અગાઉ પિયર ગયેલી ત્યારે માએ પૂછેલું. ‘લગ્ન પછી આમિરને જોયો સુધ્ધાં નહોતો. મળવાનું થાત તો પણ તેને થોડું કહેવાત કે સાચા હીરલા જેવા તને છોડીને મેં પથ્થર પર કળશ ઢોળ્યાની મૂર્ખામી આદરી છે! બટ વેઇટ. તેને શું થયું?’
‘તેને નહીં, રઝિયાચાચીને કૅન્સર નીકળ્યું છે. બહુ ખર્ચાળ ઇલાજ છે. શ્રવણની જેમ આમિરે ભેખ લીધો છે. નોકરી છોડીને માની સેવામાં મચી પડ્યો છે. ખોલીની રૂમ પણ વેચી દીધી. એ જ ખોલીમાં ભાડે રહે છે હવે...’
સાંવરીને દુઃખ તો થયું, પણ શું થઈ શકે?
‘ગયા મહિને રઝિયાચાચીનો ઇંતકાલ થયો અને ભાડાની રૂમ ત્યજીને આમિર ક્યાં અંતરધ્યાન થઈ ગયો એ કોઈ જાણતું નથી!’
‘દરમ્યાન ગયા અઠવાડિયે અમારા ચોપાટી ખાતેના શોરૂમમાં ચોરીની ઘટના ઘટે છે.’
એનઆરઆઇ કસ્ટમર તરીકે સૂટબૂટમાં સજ્જ એક જુવાન બપોરની વેળા શોરૂમમાં પ્રવેશી પહેલા માળે ડાયમન્ડ્સ કાઉન્ટર તરફ જાય છે. ખરેખર તો આ તેની બીજી વિઝિટ છે. બે દિવસ અગાઉ આંટોફેરો કરી તેણે હીરા-ઘરેણાં જોઈ રાખ્યાં છે. આજે ફરી ખરીદીએ આવી તે ફરી પાછો કશુંય ખરીદ્યા વિના નીકળી જાય છે.
એ તો રાતે દુકાનનું શટર પડ્યા પછી સ્ટૉકની ગણતરી દરમ્યાન ધ્યાનમાં આવ્યું કે એનઆરઆઇ ગ્રાહકને બતાવેલા હીરામાં અડધોઅડધ નકલી છે! સીધા શબ્દોમાં અગાઉ હીરા જોઈ ગયેલો એ બીજી મુલાકાતમાં સિફતથી કાઉન્ટર પરના કર્મચારીની નજર ચૂકવીને પોતાના ડાબા ખિસ્સામાંથી નકલી હીરા કાઢી એના સ્થાને અસલી હીરા જમણા ગજવામાં મૂકવાની ચાલાકી અજમાવી ગયો એની ખબર તો પછીથી CCTV કૅમેરાનું ફુટેજ ચકાસ્યું ત્યારે જાણ્યું!
રમત-રમતમાં કોઈ સાડાચાર કરોડના હીરા અદલાબદલી કરી જાય એ સાંવરીએ તો પહેલાં માન્યું નહોતું. ‘મે બી, શ્વશુર અને સાત્ત્વિક વીમો પકવવા બઢાવી-ચઢાવીને કહેતા હશે... પણ સાસુમા માયાબહેનના કહેવાથી ઘરના ટીવી પર સાત્ત્વિકે ઑફિસના CCTVનુ રેકૉર્ડિંગ દેખાડતાં સાંવરીની ભીતર સળવળાટ થયો: ‘સૂટબૂટમાં દાઢીધારી જુવાન પરિચિત કેમ લાગે છે? આંખની ભ્રમર પરનો તલ, બેસતી વેળા ઘૂંટણથી પૅન્ટ સહેજ ઊંચું કરવાની ટેવ... બધું બહુ જાણીતું છે.’
‘અરે હા, આમિરને આવી ટેવ હતી. તેના ભ્રમર પર આવો જ તલ છે!’
‘મતલબ, અમારા શોરૂમમાં ધાડ પાડનારો આમિર છે!’
‘પણ ના, ગુનેગારની ઓળખ કોઈને અપાય એમ નથી. આમિર મને ચાહતો હતો એ બધું ઉખેળ્યા પછી સાસુ-સસરા પણ મને શંકિત નજરે જોતાં થઈ જાય. તારો ભૂતપૂર્વ પ્રેમી તારા સાસરાના શોરૂમમાં ધાડ પાડે અને એય તારાં લગ્નનાં ત્રણ-ત્રણ વર્ષે, એમાં અમારે શું સમજવું? એટલું જ કે તારા અત્યાર સુધી તેની સાથે સુંવાળા સંબંધ હતા. એમાં કશુંક અનબન થતાં તેણે ધાડ પાડી...’
‘ગળું ફાડીને આવા આક્ષેપ નકારું તોય કોણ ગણકારશે? સાત્ત્વિક રૂમમાં ડામ દેશે - બોલ, આમિર સાથે કેટલી ને કેવી કેવી મજા માણેલી?’
આ કલ્પના જ થથરાવનારી હતી એટલે તો ગુનેગારને જાણવા છતાં પોતે ચુપકીદી રાખી છે. ‘શ્વશુરજીએ વગ વાપરી પોલીસ પર દબાણ આણ્યું છે. મારે તો આમિર ન પકડાય એવી જ પ્રાર્થના કરવાની રહે છે. આખરે તે પકડાય તો પણ અમારા રિશ્તાનો ભેદ તેની જુબાનીમાં ખૂલવાનો! સાડાચાર કરોડ આમિર માટે વધુ હશે, અહીં કાનખજૂરાના પગ બરાબર પણ નથી...’
‘એટલે તો ચોરીની ઘટનાને ભાવ આપવાને બદલે માયામમ્મીએ જોકે અયોધ્યાની જાત્રા ગોઠવી છે. સાત્ત્વિકે લક્ઝુરિયસ ટ્રેનમાં બુકિંગ પણ કરાવી દીધું છે. પપ્પા-મમ્મીજીથી અલગ કૅબિનમાં બુકિંગ કરાવનાર સાત્ત્વિકના વિકૃત દિમાગમાં કુત્સિત કલ્પનાઓ રમતી હશે એ તો હું બરાબર જાણું છું!’
એવો જ તકિયો અફળાયો: ‘ક્યારની એક જ મૂવમેન્ટ કરે છે. તારું ધ્યાન ક્યાં છે?’
અને વિચારમેળો સમેટીને સાંવરીએ પતિની ફરમાઈશ પૂરી કરવામાં ધ્યાન પરોવ્યું.
‘સાંવરી!’
સાધુવેશનાં ભગવાં ઉતારી તેણે તળાવમાં ડૂબકી મારી એટલે હૈયાનું નામ સપાટીએ આવી ગયું.
‘ગામ આવ્યે આજે પખવાડિયું થયું. અહીંના લોકોએ મને સાધુ આત્માનંદ તરીકે સ્વીકારી લીધો છે.
ખરેખર તો મને દેરીનો રસ્તો ચીંધનાર સુમેઘાબહેનનો બહુ ભાવ રહ્યો: ‘સાચું કહું તો એ મધરાતે પતિના અકસ્માતના ખબર મળતાં જીવ વલોવાતો હતો. રસ્તામાં તમારા મેળાપનાં શુકન થયાં ને મારાં ચૂડીચાંદલો સલામત રહ્યાં!’
‘બહેન, આ તો કાગનું બેસવું ને ડાળનું પડવા જેવો ઘાટ છે... જીવ બચાવનારો મારો મહાદેવ.’
એથી તો સુમેઘાબહેનનો વિશ્વાસ દૃઢ થયો અને સાંજ સુધીમાં તો તેમના ભાડૂત અવિનાશભાઈએ ત્રણ મજૂરો પાસે સાફસફાઈ કરાવી, લાઇટ-પંખા, ગાદી-તકિયા સાથે પાણીનો કૂંજો મૂકી ગયાં: ‘સવાર-સાંજ ભોજન હું જ આપી જઈશ.’
ત્યાં સુધીમાં ગામમાં વાત ફેલાઈ. લોકો કુતૂહલ ખાતર પણ ડોકિયું કરી જતા. આશીર્વાદ વાંછતા લોકોનો નિ:સ્વાર્થ ભાવ ભીતર ગદ્ગદ કરી જતો.
‘હું શિખાઉ છું. ગુરુની શોધમાં ભટકું છું, ત્રિકાળજ્ઞાન તો દૂર, જરા જેટલુંય જ્યોતિષ પણ નથી જાણતો... આવી ચોખવટ છતાં કેટલા પ્રેમથી ગામલોકો મારી રખેવાળી કરે છે!’
‘તેમને કે કોઈને કેમ કહેવાય કે હું સાધુ નથી, મુંબઈના ઝવેરીને લૂંટનારો અપરાધી છું, હિન્દુ આત્માનંદ નહીં, મુસ્લિમ આમિર છું!’
અત્યારે પણ આમિરથી ધગધગતો નિ:સાસો સરી ગયો.
બીજા કોઈને નહીં, પણ લાવણ્યાને આ સત્ય કહેવાય ખરું?
‘લાવણ્યા...’ આ એક નામે રગોમાં પ્રસરી જતા રોમાંચને આત્માનંદ ઉર્ફે આમિર માણી રહ્યો!
(વધુ આવતી કાલે)