01 October, 2024 10:43 AM IST | Mumbai | Samit (Purvesh) Shroff
ઇલસ્ટ્રેશન
‘આ જાને જાં...’
લતા મંગેશકરે ગાયેલા એકમાત્ર કૅબરે સૉન્ગની કડી લલકારતી લાવણ્યાની નજર સવારનું છાપું લઈ વરંડાની બેઠકે જતા પતિ પર પડી. તપ્ત રાત સાંભરી ગઈ અને તેના હોઠ પિસાયા.
ભવાનજીને હજી દુનિયાના ખૈરખબર જાણવામાં રસ છે, પણ મારે તો તમારી મરણનોંધ છપાઈ હોય એ જ અખબાર કામનું! કમસે કમ વિધવા બનેલી હું પુનર્વિવાહ તો કરી શકું!
વાંસની જેમ અણધાર્યા ફૂટી નીકળેલા વિચારે લાવણ્યા ચમકી: ‘કોઈનું મૃત્યુ ઇચ્છવા જેટલી ઘાતકી પોતે થઈ જ કેમ શકે, પણ ભવાનજીના મોતમાં મારો છુટકારો છે એ તો સાચું જને!’
‘મેં ક્યારેય છૂટાછેડાનો સુધ્ધાં વિચાર કર્યો નહોતો, પણ ભવાનજીના મૃત્યુથી મારી જાહોજલાલી પણ અકબંધ રહે છે અને વિધવા તરીકે હું બીજી વાર મારા મનગમતા જુવાનને પરણું એ કેટલું સ્વાભાવિક લાગે!’
લાવણ્યાને એકાએક બધું ગમતીલું લાગવા માંડ્યું.
‘એમ ઘેલી ન થા...’ ભીતરથી ચાબુક વીંઝાયો: ‘ઓગણ્યાએંસીનો થયેલો બુઢ્ઢો કેટલું જીવે કોણે જાણ્યું! તે સેન્ચુરી ફટકારે તો ત્યાં સુધીમાં તારી જુવાની તો એમ જ ઢળી ચૂકી હશે!’
‘ના, ના, તેના મરણની રાહ શું કામ જોવી? પગમાં કાંટો ચૂભતો હોય તો જાતે જ ખેરવવો પડે. મને નડતો-કનડતો આદમી કુદરતી રીતે મરતો ન હોય તો તેને મારવો પડે!’
ખતરનાક વિચારે લાવણ્યા પસીને રેબઝેબ થઈ ગઈ. ‘હું કોઈની હત્યાનું વિચારી પણ કેમ શકું?
મતલબ, તારે કંઈ કરવું જ નથી?’
અતૃપ્ત રહેલી આસક્તિએ માથું ઊંચક્યું: ‘દરેક વખતે સંસ્કાર, ચારિત્ર્યને આગળ કરી તું પામી છે શું? તરફડાટ? અજંપો? કે પછી તારે પરિતૃપ્ત થવું જ નથી? બહુ થયું. તું દ્વિભેટે ઊભી છે. હવે ખબરદાર ત્યાંથી પાછા તો વળવાનું જ નથી. તારો એક રસ્તો વ્યભિચાર તરફ જાય છે, બીજો જીવહત્યા તરફ. બેમાંથી કયા રસ્તે જવું છે એ હવે તું નક્કી કરી લે, આજથી, આ ઘડીથી તારા માટે ત્રીજો કોઈ માર્ગ જ રહેતો નથી.’
‘શેઠાણી...’
રંભાના અવાજે લાવણ્યાની વિચારસમાધિ તૂટી.
‘તમે કંઈ જાણ્યું? ગઈ રાતે બીલીમોરાથી ડ્યુટી પર આવતા ચૌબેજીને અકસ્માત નડ્યો. કોઈ કહે છે કે રસ્તામાં રખડતા ઢોરની અડફેટે આવી ગયા. કોઈ એવી વાત લાવ્યું કે અજાણ્યો કારચાલક ચૌબેજીની બાઇકને ટક્કર મારી ગયો... માથામાં ટાંકા આવ્યા છે, પણ ઘાતમાંથી ઊગરી ગયા.’
‘અચ્છા!’
‘મને તો પૂરેપૂરી ખાતરી છે બીવીજી...’ રંભાએ અવાજ ધીમો કર્યો, ‘ચૌબેને કારની ટક્કર જ લાગી હોય, ને અજાણ્યો ચાલક તેમનો ભાડૂત અવિનાશ જ હોય!’
‘તારી ખાતરીને કોઈ કારણ પણ છે?’
‘કારણમાં એવું ધારી લઈએ કે કોઈક રીતે ચૌબેને પત્નીના લફરાની ગંધ આવી હોય... તેમણે અવિનાશને ઘર ખાલી કરવા કહ્યું હોય, એનો જ આ જવાબ હોય! એ તો નસીબજોગ ચૌબે બચી ગયો.’
‘તું પણ બસ ટાઢા પહોરની હાંકે છે. એમ કોઈ કોઈને મારતું હશે?’
આ સવાલ ખરેખર તો લાવણ્યાએ ખુદને પૂછ્યો હતો.
‘જમાનો બહુ બદલાઈ ચૂક્યો છે શેઠાણી. આજકાલ તો નાનીસી વાતમાં છૂરીચાકુ ચાલી જાય છે. પોતાના સુખ ખાતર બીજાને મારવામાં કોઈ પાપ જોતું નથી.’
‘હવે બોલ!’ ભીતરથી ટકોર થઈ. લાવણ્યા થથરી ગઈ.
‘શું થયું શેઠાણી?’
‘કાંઈ નહીં.’
રંભાને તો આવું કહી દીધું, પણ લાવણ્યાના ખુદના ચિત્તમાં રંભાના શબ્દો કંડારાઈ ચૂક્યા હતા : ‘પોતાના સુખ ખાતર બીજાને મારવામાં પાપ નથી!’
‘ઓમ નમ: શિવાય!’
નાભિમાંથી ઊઠતા નાદે તેણે શિવની સ્તુતિ કરી.
ગઈ મધરાતે ગામની સીમમાં પ્રવેશ્યા પછી તળાવના ઓવારે થાક ઉતારવા બેઠો. ગામડાગામમાં આ સમયે કોઈની અવરજવરનો અવકાશ જ નહોતો, ત્યાં અચરજ વચ્ચે બાઇક પર સવાર થયેલું એક યુગલ પોતાને ભાળીને અટક્યું. ભગવાં જોઈ સ્ત્રીએ હાથ જોડીને અરજ કરી : ‘આમ તો મારા ઘરે આપની પધરામણી કરાવત, પણ મારા પતિને અકસ્માત નડ્યાના ખબર મળતાં હું અમારા ભાડૂત સાથે હૉસ્પિટલ જવા નીકળી છું... પેલી બાજુ મહાદેવની દેરી છે ત્યાં તમે રાતવાસો કરી શકશો.’
તળાવના આથમણા ઓવારે આવેલી દેરી જોકે ખંડેર હાલતમાં હતી. ગર્ભદ્વાર પણ ખાલી. મહાદેવને અહીંથી કોઈ નવા મંદિરમાં સ્થાપ્યા છે એવું બાઈ સાથેનો જુવાન બોલી ગયેલો ખરો. થોડીઘણી સફાઈ કરીને પોતે લંબાવી દીધું કે એક ઊંઘે સવાર.
અવાવરું સ્થળ ગમી ગયું. અહીં થોડા દિવસ-મહિના જરૂર રહી શકાય. આ નિશ્ચય પ્રેરતો હોય એમ આવડી એ રાતે શિવસ્તુતિ કરી તે પ્રાંગણની સાફસફાઈ કરવા માંડ્યો : ‘હવે અહીં જ મુકામ કરવો છે... મુંબઈ પોલીસની ફાઇલમાં હીરાની ચોરીનો કેસ ધૂળ ખાતો થઈ જાય ત્યાં સુધી!’
અહીંના રોકાણમાં શું થવાનું છે એની નકલી સાધુ બનેલાને ક્યાં ખબર હતી?
‘સાધુ આત્માનંદ!’
કામણગારું શરીરસૌષ્ઠવ ધરાવતા સોહામણા સાધુના સ્મરણમાત્રથી લાવણ્યાએ તનબદનમાં મીઠી ચળ જેવી કંપારી અનુભવી, ‘શેઠાણી, કંઈ સાંભળ્યું?’
અઠવાડિયા અગાઉ સાધુના આગમનની બીજી બપોરે રાબેતા મુજબ રંભા જ ખબર લાવી હતી.
‘આપણી નજીક પેલી મહાદેવની દેરીમાં જુવાન સાધુ મહેમાન બન્યા છે...’
લાવણ્યાને ત્યારે જ નવાઈ લાગેલી: ‘આમાં કૂથલી જેવું શું છે?’
‘તમે તો એમ કહો છો શેઠાણી જાણે હું હંમેશાં બીજાની કૂથલી જ કરતી હોઉં.’ રંભાએ રિસાવાની ઢબે કહેલું. લાવણ્યા મલકેલી,
‘ચલ, બીજા બધાની ન સહી. પેલા ચૌબેજીની બૈરીની તો કૂથલી કરતી જ હોય છે તું.’
‘એમ!’ રંભાએ પાંપણ પટપટાવેલી. ‘ત્યારે તો સાધુની સ્ટોરીમાં પણ સુમેઘા તો છે જ.’
ચૌબેજીના અકસ્માતે ભાડૂત અવિનાશની બાઇક પર હૉસ્પિટલ જવા નીકળેલી સુમેઘાએ સાધુને જોયા, દેરીમાં રાતવાસો કરવા સૂચવ્યા એ ઘટના કહી રંભાએ મોણ નાખ્યું, ‘તેણે કહ્યું અને સાધુ ત્યાં રોકાઈ પણ ગયો, બોલો! જબરી પહોંચેલી બાઈ છે. પહેલાં પતિ, પછી ભાડૂત અને હવે સાધુ!’
લાવણ્યાનાં નેત્રો પહોળાં થયેલાં: ‘ત્યારે તો સુમેઘા બહુ નસીબવાળી કહેવાય!’ હોઠે આવેલું વાક્ય પરાણે ગળી જવું પડ્યું.
‘સુમેઘાએ તેના આશિક દ્વારા સાધુનો ઉતારો ઠીક કરાવી આપ્યો... ચૌબેજી હૉસ્પિટલમાં હોવાને કારણે તેનાથી ભલે ન નીકળાય, સાધુ ભૂખ્યો સૂએ નહીં એનાં રખોપાં સુમેઘામૅડમ કરે છે. એના પરથી મામલો સમજી જાઓ.’
‘બસ રંભા, સુમેઘા વિશે ભલે તું ગમે એમ બોલે, સાધુને કેવળ વહેમથી વગોવીએ તો પાપમાં પડીએ. સાધુ સત્ત્વવાળો હોય તો શ્રાપ દઈ ધનોતપનોત કાઢી નાખે. આટલું બોલી છે તો એક કામ કરજે, બજારમાંથી ફ્રૂટનો કરંડિયો તેમને પહોંચતો કરજે.’
એટલું કામ પતાવીને આવેલી રંભાની સાધુને જોવાની દૃષ્ટિ જ બદલાઈ ગયેલી. તેણે સાધુનાં વખાણ કર્યાં!
‘સાચું કહું છું શેઠાણી, આવો રૂપાળો પુરુષ મેં દીઠો નથી. જાણે સાક્ષાત્ કામદેવ!’
લાવણ્યાને પોતાના શમણાનો રાજકુમાર સાંભરી ગયો: ‘તે પણ આવો જ એક્સ્ટ્રીમલી હૅન્ડસમ હતોને!’ ‘હતોને? ના, ના, છે. તેને પામવાની આશા મેં હજી મૂકી નથી. નક્કી કેવળ એટલું કરવાનું છે કે એ શહજાદા જોડે કેવળ શરીરનો સંબંધ રાખવો કે પછી ભવાનજીને પતાવીને કાયદેસર પરણી જવું
એ નક્કી નહોતું થતું. એમાં સાધુનાં વખાણે તેને જોવાની લાલસા રોકી ન શકાઈ. આમ તો હું પોતે ખાસ મંદિર જવામાં માનું નહીં. રંભા જેમ સુમેઘાની કૂથલી કરે એમ મારી પાછળ પણ લોકો ક્યાં દયા ખાતા હશે, ક્યાંક મને ‘પૈસો જોઈને પરણનારી’ કહીને વગોવતા હશે એનો વાંધો નહોતો.’ લાવણ્યા એ બાબતમાં નફ્ફટ થઈ ગયેલી, ‘લોકોને જે કહેવું હોય એ કહે, પોતે સાધુનાં દર્શને જાય એમાં પણ કોઈને અજુગતું લાગે તો મારી બલાથી!’
સાધુ આવ્યાની ત્રીજી બપોરે પોતે સાડી પહેરીને મહાદેવની દેરીએ ગઈ ત્યારેય આઠ-દસ જણને આશીર્વાદની અપેક્ષાએ ટોળે વળેલા જોઈને ધારી લીધું, ‘થોડા સમયમાં આખા ગામ પર પોતાનો પ્રભાવ પાથરી દેનારો સાધુ ચમત્કારી હોવો જોઈએ.’
અને ભીડ વચ્ચેથી ડોકિયું કરી સાધુને નીરખતાં જ લાવણ્યા પૂતળા જેવી થઈ. નજર જકડી લેતી મોહક મુખાકૃતિ. લાવણ્યાને એકાએક લાગ્યું કે ધૂંધળો રહેતો મારા સપનાના શહજાદાનો ચહેરો આ ઘડીએ સ્પષ્ટ થઈ ગયો. તે હોય તો આ જ હોય! ભગવા ઝભ્ભામાં સુગઠિત કાયાનું સુરેખપણું અછતું નથી રહેતું.
‘મને પગે ન પડો. હું તમારા જેવો પામર મનુષ્ય જ છું, બની શકે પામર જેટલો પાપી પણ હોઉં... ભેટ-સોગાદ તો આપશો જ નહીં.’
‘તેનો સ્વર પણ કેવો ઘૂંટાયેલો. તેની નમ્રતા પણ સાચી સાધુતાનું જ લક્ષણ ગણાય! અરેરે, પચીસ-ત્રીસના જણાતા જુવાન પર એવું તે શું બન્યું હશે કે તેણે સંસાર ત્યજવો પડ્યો?’
‘દેવી.’
સાધુના અવાજે લાવણ્યા ચમકી.
‘ઓહ, સાધુને પરાણે ભેટ પધરાવી ભક્તો નીકળી ગયા, પણ હું સાધુને નિહાળતી અહીં જ ખોડાઈ રહી! તેનું ‘દેવી’ સંબોધન ગલીપચી કરી ગયું. તેમણે મને બહેન ન કહી એ શું સૂચવે છે?’
‘તમારે કંઈ કામ હતું?’
‘સાધુને કહ્યું હોય કે મારે તમારી પાસે કામનું કામ છે તો?’ મનમાં જ મલકતી લાવણ્યાએ હોઠ કરડ્યો : ‘ના, ના, ભલે આ સ્થળે મહાદેવ વસતા ન હોય, પણ ગણાય તો દેવસ્થાન જને! દેવસ્થાનમાં ‘આવા’ વિચાર કરવાના ન હોય!’
તેની નજર ફળોની ટોકરી પર ગઈ અને જવાબ મળી ગયો, ‘જોવા જ આવી’તી મહારાજ કે તમને કંઈ જોઈતુંકરતું હોય તો રંભા ભેગું મોકલાવી દઉં...’ લાવણ્યાએ હાથ જોડીને પ્રણામ કર્યા.
સાધુ મલક્યા, ‘અચ્છા તો રંભા તમારા તરફથી આવી હતી! ફળો મોકલાવવા બદલ ધન્યવાદ. તમે સૌ કેટલું કરો છો, મને હવે ગ્લાનિ થાય છે.’
તેમના વદન પર ફરી વળેલી ખિન્નતાએ લાવણ્યાના જિગરને હચમચાવી દીધું.
‘હું આ માન-પ્રીતિને લાયક છું પણ ખરો!’
‘કશુંક હતું સાધુના સ્વરમાં, તેમના મુખભાવમાં જે સીધું અંતરને સ્પર્શી ગયું અને છતાં આ જોગી પ્રત્યે આદર નથી જાગતો. આ જુવાન મને પ્રિયતમ રૂપે મળ્યો હોત તો...’ એવો જ ભાવ જન્મે છે! સાધુ પાસે વધુ રોકાવાનું કારણ નહોતું. તેને ફરી મળવાનું પ્રયોજન રહેતું નહોતું છતાં સવાર-બપોર-સાંજ તેમની ઝલક જોવા મન એવું બહાવરું બનતું કે પગને બંધન રહેતું નહીં.
‘દેવી, તમે દિવસમાં ત્રણ વાર કેશરિયું દૂધ લઈને આવો છો, ફળ-મેવા લાવો છો...’ સાધુ સંકોચ જતાવતો, ‘જોગીને આટલી આળપંપાળ ન હોય.’
લાવણ્યાને એનો સંકોચ જોવાની મજા પડતી. પોતે એવો સમય પસંદ કરતી જ્યારે સાધુ પાસે બીજું કોઈ ન હોય. તે બોલવામાં છૂટ લેતી.
‘તમને કેવળ દૂધ-મેવા જ દેખાયાં, મહારાજ?’ એ નયન નચાવતી, ‘લાવનારીનું કોરુંકટ જોબન નજરે નથી ચડતું?’
સાંભળીને સાધુ રતાશભર્યો થતો.
તેને આંખોમાં સમાવી પોતે નીકળી આવતી: ‘ના, સાધુને વટલાવવાનું પાપ તો મારે નથી જ કરવું!’
-અત્યારે, આ સંકલ્પે આસક્તિ વળી માથું ઊંચકે એ પહેલાં લાવણ્યાએ વિચારબારી બંધ કરી દીધી!
‘તો આ નક્કી રાખીએ..’ માયાબહેને કૅલેન્ડર પર ચકરડું કર્યું : ‘આવતા પખવાડિયે આપણે અયોધ્યામાં રામમંદિરનાં દર્શને જઈએ છીએ. સાત્ત્વિક, રેલવેએ અયોધ્યા માટે નવી ટ્રેન શરૂ કરાવી એનાં બહુ વખાણ સાંભળ્યાં છે.’
‘હા, મા, એના એસી ફર્સ્ટ ટિયરમાં બુકિંગ કરાવી દઉં...’
બોલતાં પતિની કીકીમાં ખાબકી ગયેલો ઉન્માદ સાંવરીથી છાનો ન રહ્યો. તે હળવો નિ:સાસો જ નાખી શકી : ‘જાત્રા જતી વેળા પણ આ વહેશી પુરુષ તેની વાસના નહીં મૂકે!’
ટ્રેનની સફરમાં શું થવાનું હતું એની સાંવરીને ક્યાં ખબર હતી?
(વધુ આવતી કાલે)