30 September, 2024 08:21 AM IST | Mumbai | Samit (Purvesh) Shroff
ઇલસ્ટ્રેશન
આ હુશ્ન!
આયનામાં ઝિલાતું પોતાનું નિરાવૃત પ્રતિબિંબ ઉન્માદ જગાવી ગયું. સંગેમરમર જેવી ગોરી લિસ્સી કાયા, કોઈ શિલ્પકારે ફુરસદમાં ઘડ્યો હોય એવા ઘાટીલા દેહનાં અંગઉપાંગોમાં પુરબહાર નદીના ઉછાળ જેવો ઉભાર!
‘મારી લાડોને કોઈની નજર ન લાગે!’
મા દિવસમાં દસ વાર લાડકી દીકરીની નજર ઉતારતી, પીર-ફકીર પાસે પીંછી મરાવતી.
માના સ્મરણે લાવણ્યાથી નિ:શ્વાસ નખાઈ ગયો. નજર બહારની રૂમમાં પોઢેલા પતિ પર ગઈ.
મા હતી ત્યાં સુધી હું સુરક્ષિત રહી. તેમના સ્વર્ગવાસ બાદ કોઈની બૂરી નજરથી ક્યાં બચી શકી હું? મારા રૂપના રજવાડાને ભવાનજીએ છળથી પોતાના નામે કર્યું...
ઉઘાડા બદન પર ચાદર લપેટીને શાહી પલંગમાં પડતું મૂકતી લાવણ્યા વાગોળી રહી:
લાવણ્યાનાં દેવકીમા નીતિમત્તામાં માનનારાં. નાની વયે વૈધવ્ય આવ્યા પછી એકની એક દીકરી તેમના જીવનનો આધાર બની ગઈ હતી. સ્થિતિ ખાસ સંપન્ન નહીં. મહારાષ્ટ્રની સરહદે આવેલા ગુજરાતના છેવાડાના નાનકડા ગામ મેહમાં વડીલોપાર્જિત નાનકડું મકાન ભલે ખખડધજ હાલતમાં હતું, પણ માથે છત હોવાનો સધિયારો તો આપતું. ઘરના આગલા હિસ્સામાં પિપરમીટથી મેંદીના કોન જેવી વસ્તુઓ વેચવાની દુકાન કરેલી એમાંથી ગુજરબસર જેટલું મળી રહેતું.
દેવકીમા દીકરીને ખુદ્દારીનો, સંતોષનો મહિમા પઢાવતાં. પોતે વાપીથી ઉધારીમાં માલ લાવે છે એનો હિસાબ ચાર-છ મહિને માંડ સેટલ કરી શકે છે એ બદલ હોલસેલના વેપારી મુસ્તાકભાઈ પણ બહુ કડવાં વેણ સંભળાવતાં હોય છે એવું કહેવાનું તે ટાળતાં. લાવણ્યાને ભાગ્યે જ કશું કામ કરવા દેતાં. જોકે જુવાનીમાં ડગ મૂકતી દીકરીના હરવા-ફરવા પર તેમની બાજનજર રહેતી. સત્તરની થયેલી દીકરીને પણ ખબરદાર રહેવાની શિક્ષા આપતાં... રૂપથી ઘેલા થવું મર્દોની ફિતરત છે બેટી, એનાથી ભોળવાવું નહીં એમાં ઔરતનું શાણપણ છે!
પોતાના જોબનની મૂડીથી લાવણ્યા સભાન હતી. મા નજર ઉતારે એ તો સમજાય, પણ ક્યારેક માની ગેરહાજરીમાં રૂમના અરીસામાં ખુદને નિહાળતી વખતે પોતાની જ નજર લાગવાની બીક જાગતી : સ્વર્ગની અપ્સરા પણ આટલી રૂપાળી નહીં હોય લાવણ્યા! ઓહ, કયા બડભાગીના તકદીરમાં આનો ભોગવટો છે!
મીઠું કંપન પ્રસરી જતું. કુંવારા યૌવનને બહેકવાનું ગમે એવી એ ઉંમર હતી. તેનાં ખ્વાબોનો એક શહેજાદો હતો. તેના જેવો જ નખશિખ રૂપાળો. સપનામાં પણ તેનો ચહેરો ધૂંધળો રહેતો, પણ પોતાને તે અફાટ ચાહતો. તેના સાંનિધ્યમાં જન્મોના જન્મો વિતાવી દેવાની ઝંખના જાગતી. તે ક્યારેક મને મળશે પણ ખરો?
‘જાણે વારે-વારે શાના વિચારમાં ગુલતાન થઈ જતી હોય છે હમણાંની?’ મા ટકોરતી ને વીસની થયેલી લાવણ્યાના ચિત્તમાં હોઠે લતાનું ગીત ઊગી નીકળતું : મેરે ખ્વાબોં મેં જો આએ...
દીકરીનો વણકહ્યો ભાવ પરખાતો હોય એમ દેવકીબહેન મલકતાં : ‘તું ગ્રૅજ્યુએટ થઈ જા એટલે બે-ચાર રિશ્તા મેં જોઈ જ રાખ્યા છે.’
સાંભળીને લાવણ્યા શરમાઈને માની સોડમાં ભરાતી. તેના માથે હાથ ફેરવતાં દેવકીબહેન તેનાં લગ્નનાં સપનાં સજાવતાં.
એ તમામ અરમાનો પર ટ્રક ફરી વળી! સાંભરીને અત્યારે પણ લાવણ્યાનું અશ્રુબુંદ ખરી પડ્યું.
ચોમાસાના દિવસો હતા. વાપી ખરીદીએ ગયેલાં દેવકીબહેન પરત થતાં હતાં ત્યાં રસ્તાના ખાડાઓથી હાલકડોલક થતા છકડાએ બૅલૅન્સ ગુમાવ્યું ને બહાર ફેંકાયેલાં દેવકીબહેન પર ટ્રક ફરી ગઈ.
ઘટનાસ્થળે જ માના પ્રાણ ગયા. છૂંદાઈ ગયેલો ચહેરો જોવા ન મળ્યો. આના આઘાતમાં અઠવાડિયાંઓ સુધી લાવણ્યા બેસૂધ રહેલી.
- ખરા અર્થમાં સૂધ આવી ત્યારે પોતે સુહાગસેજ પર હતી અને ૭૪ વરસનો ડોસો લાળ ટપકાવીને ઘૂંઘટ ઉઠાવી રહ્યો હતો!
એવું તો ભડકી જવાયેલું.
ખરેખર તો દાદાની ઉંમરના ભવાનજી પત્નીના દેહાંત બાદ દોઢ-બે દાયકાથી સંસારમાં એકલા હતા. સુરતથી અંતરિયાળ આવેલા દેવગઢ ગામે તેમની મોટી હવેલી. બેસુમાર મિલકતના માલિકને વંશના વારસનો અબળખા ખરો. આમ પાછા તે દેવકીબહેનના દૂરના સંબંધી થાય. મુસ્તાકભાઈ સાથે તેમનો પણ વેપાર ચાલે. એ હિસાબે દેવકીબહેનની વાપીની ઉધારી તેમને મામૂલી લાગી હતી. એ દેવું ચૂકવીને ભવાનજીએ દેવકીની બાંધી મુઠ્ઠી અકબંધ રાખવાનો અહેસાન જતાવવાની સાથે દૂરના રિશ્તેદારોનાં મોં ભરી દીધાં પછી કોણ લગ્નનો વાંધો લે? લાવણ્યાના પડખે ઊભું રહે એવું નિકટનું કોઈ સ્વજન નહોતું, બલ્કે વીરબાળાકાકી જેવા કહેવાતા દૂરના સગાએ લગનના બે-ચાર દહાડા આગળથી મને દવા ભેળવી ભારમાં રાખેલી. સુહાગરાતે પતિ સાથેના પહેલા સંવાદમાં આ બધું જાણીને લાવણ્યાને સૌને ભડાકે દેવાનું મન થતું હતું.
‘ચિંતા ન કરીશ, અહીં તને કોઈ વાતની ક્યારેય કમી નહીં રહે...’
કહેતાં ભવાનજીએ ચોકઠું કાઢીને ડબ્બીમાં મૂકતાં લાવણ્યા ઊલટી કરવા બાથરૂમમાં દોડી ગઈ હતી : મારી તકદીરમાં આ બુઢ્ઢો જ લખાયો હતો?
‘આપણો મેળાપ થાય એ પહેલાં જ તને ઊલટી-ઊબકા આવવા લાગ્યાં!’ બોખા મોંએ પોરસ જતાવતા બુઢ્ઢાને ખાસડું ઠોકવા જેટલો ગુસ્સો આવ્યો, પણ ગળી જવો પડ્યો. બિસ્તરમાં તેની હરકતો ખમી લેવી પડી. જેના ઘટમાં જુવાનીના ઘોડા હણહણતા હોય એવા પાણીદાર પ્રીતમને બદલે રસકસ વિનાનો ખખડધજ પુરુષ યૌવનના ઉભારને નાથવા મથી રહ્યો ને તેનાં હવાતિયાંથી ત્રસ્ત લાવણ્યાની આંખોમાંથી ગરમ અશ્રુ વહી રહ્યાં.
એ પહેલી રાત્રિ જ નહીં, અમારાં લગ્નનાં આ પાંચ-પાંચ વરસોની કેટલીયે રાતો આમ જ વહી. કોઈની બ્યાહાતા જેવી હું આજે પણ કુંવારી છું એ કોણ માનશે!
ધગધગતો નિસાસો નાખીને લાવણ્યાએ કડી સાધી:
વારસની લાલસાએ પરણેલા આદમીમાં કસ જ નહોતો. અમારી સુહાગરાત કદી ઊજવાઈ જ નહીં. ભવાનજીએ પોતે આવું ધાર્યું નહીં હોય, નહીંતર રૂપાળી જુવાન કન્યાને ઘરમાં લાવત જ શું કામ? તેમણે વૈદ્ય-હકીમની દવા-પડીકાં ખાધાં, પણ વ્યર્થ!
અલબત્ત, સૂકીભઠ રાતોને બાદ કરતાં સાસરામાં બીજાં સઘળાં સુખો હતાં. ત્રણ માળની લાંબી-પહોળી ‘સમૃદ્ધિ’ હવેલી ગામની સૌથી ઊંચી ઇમારત હતી. અગાસીમાંથી આખું ગામ નજરે પડતું. ગાઢ વનરાજિ વચ્ચે વસ્તીનાં મકાનો, આથમણી દિશામાં વિશાળ અર્ધગોળાકારમાં આવેલું તળાવ, ઉગમણી દિશામાં રેલવે-ટ્રૅક અને ચોથી દિશામાં મહાદેવના મંદિરની ધજા ફરફરતી દેખાય. સંધ્યાટાણે સોનવર્ણી પ્રકાશમાં સમગ્ર નજારો નયનરમ્ય લાગતો. અને અમીરીનો ઠાઠ તો હતો જ, જેને હું બેસુમારપણે ભોગવતી. લગ્નની પહેલી તિથિએ જાતે જ સુરતથી સાઠ લાખનો ડાયમન્ડનો નેકલેસ લઈ આવી ત્યારે પહેલી વાર ભવાનજીએ ટકોરેલી : તમારો હાથ તો બહુ છુટ્ટો!
એ ઘડીએ મારી જીભ ખૂલી ગઈ : પાડ માનો ઈશ્વરનો ભવાનજી કે હાથ એટલો પણ છુટ્ટો નથી કે પથારીમાં મને તરસી રાખતા નામર્દ પતિના ગાલ સુધી પહોંચી શકે!
સાંભળીને ભવાનજી એવા તો ડઘાયેલા, ઝંખવાયેલા. પછી તો હું એનો લુત્ફ ઉઠાવતી. અતૃપ્તિની દાઝ ભવાનજીની અવહેલનાથી સંતોષાતી.
‘વંશનો વારસ દેવાની મારી તો પૂરી તૈયારી... પણ ધરતીના બીજને ફૂટવા માટે પાણી તો જોઈએને! અહીં તો છપ્પનિયા દુષ્કાળથીયે બદતર હાલત છે...’ સગાંસંબંધીઓમાં હું બેધડક બોલી જતી. ભવાનજીને કાપો તો લોહી ન નીકળે. મારા તેવર જ એવા રહેતા કે ભવાનજીને ડર લાગતો : આને વારવા ગયો તો વાઘણની જેમ વીફરી તે મારું વસ્ત્રહરણ પણ કરી નાખે!
અને પોતે સતત તેમને એ બીકમાં રાખ્યા. પોતે જાણીને કરતી એવું પણ નહીં, બસ થઈ જતું. ઘરડા આદમીની દયા જાગવાને બદલે ગુસ્સો જ ઊભરાતો. બીજા સંજોગોમાં પતિની ઊણપ મેં ખમીયે લીધી હોત, પણ પૈસાના જોરે મને પરણનારા પર બીજી લાગણી પણ કેમ જાગે?
વર બાયડીના ધાકમાં રહેતો થઈ જાય પછી વેપારના મુનીમથી માંડીને ઘરની નોકરાણી સુધીના સ્ત્રીના તાબેદાર બની રહે એમ ભવાનજીના ઘર કે વેપારમાં મને પૂછ્યા વિના પત્તું નથી હાલતું.
- પણ આ બધુંય કામની અતૃપ્તિ ફૂંફાડો મારે ત્યારે વ્યર્થ લાગે...
બીજા દહાડે ઘરકામ માટે આવતી રંભાને તેની સુસ્તી બદલ ટોકું તો તે અંગડાઈ લેતાં શર્મીલું મલકે : જવા દોને શેઠાણી, મારો ધણી રાતે જંપવા નથી દેતો!
હું બાઘાની જેમ તેને તાકી રહું : એટલે? તે રાતેય તારી પાસે કચરા-પોતાં કરાવે છે?
રંભાની કીકીમાં ઠપકો ઊપસે : શું તમેય શેઠાણી. ધણીને રાતે કયું સુખ જોઈએ એ મારે તમને પરણેલાને સમજાવવું પડે?
સાંભળીને પોતે એટલા આવેશથી હોઠ કરડેલો કે ટશિયો ફૂટી નીકળેલો. રંભાનો દેખાવ સાવ સામાન્ય છે. ક્યારેક તેને લેવા-મૂકવા આવતો તેનો વર હિરજીયે પાતળિયા બાંધાનો છે. ગરીબીમાંય તેમનો સંસાર કેવો રણઝણે છે! જ્યારે હું છતા પતિએ કુંવારી....
મારા વરજીમાં વેતા નથી એનો હવાલો તો પોતે બેધડક આપતી રહે છે. એથી મનની જલન ટાઢી પડે, પણ તનની આગ.... અતૃપ્તિનો અગ્નિ મારા તનને કેવો દહેકાવે છે, મનને કેટલો બહેકાવે છે એ કોને કહેવું?
પછી તો ઘરે દૂધ આપવા આવતા ભરવાડ કે રિપેરિંગ માટે આવતા પ્લમ્બરને જોતાં જ આંખોમાં ભૂખ સળવળતી. મનમાં પલંગતોડ શૈયાસુખની ફિલ્મ ફાસ્ટ ફૉર્વર્ડ થવા લાગતી ને શરીર ભઠ્ઠી જેવું તપી ઊઠતું.
અને છતાં મર્યાદા ઓળંગાતી નહીં. માએ સીંચેલા સંસ્કાર કાનમાં ટહુકો કરી જતા : ચપટીક સુખની આ કેવી લાલસા કે તું લાજને નેવે મૂકે? તારી નિષ્કલંક જિંદગીને અભડાવ્યા પછી તને તારું જ પતન કનડશે અને એ પીડા કરતાં તો રેલવે-ટ્રૅક પર ટ્રેન નીચે કચડાઈ જવું વધુ સહેલું હશે!
આની થરથરાટીએ કામના નિચોવાઈ જતી.
પણ એ તો તાત્પૂરતી.
‘શેઠાણી, તમે સાંભળ્યું?’
ઘરે આંગણું વાળવાથી રસોઈ સુધીનાં કામ માટે હેલ્પર્સ-કુક આવતા. એમાં રંભા મારી વિશ્વાસુ બની ગયેલી. સવારની આવેલી તે મોડી સાંજ સુધી ઘરે રહે. કામ કરતાં-કરતાં તેની વાતો ખૂટે નહીં. જોકે રંભાની વાતનો બહુ ભરોસો ન થાય. હાથની ચોખ્ખી, પણ કોઈની પંચાત માંડે ત્યારે રજનું ગજ કરવામાં તેનો જોટો નહીં, પણ તેના લહેકાને કારણે વાત સાંભળવી તો ગમે. તમે કંઈ સાંભળ્યું કહીને પંચાત શરૂ કરી દે:
‘ત્રીજી ગલીમાં રહેતી સુમેઘાને ઓળખો છો? પેલા સૂબેદાર ચોબેની ઘરવાળી?’
ઓળખાણ આપી આજુબાજુ
જોઈને તે ધીમા અવાજે ધડાકો કરે,
‘તેનું ગરમાગરમ લફરું ચાલે છે તેના ભાડૂત જોડે!’
લો, અહીં મને છતા પતિએ સુખ નથી ને પેલી બબ્બે મરદોને રમાડે છે! ભીતર કશુંક ધગવા માંડતું.
‘એક તો સૂબેદારની રાતપાળીની નોકરી. એમાં અડધા દહાડા તે બીલીમોરા રહેતી માના ઘરેથી અપડાઉન કરતો હોય. પૈસાનો લોભિયો એવો કે ઘરનો ઉપલો માળ બૅન્કમાં નોકરી કરતા જુવાનને ભાડે આપેલો. એમાં દૂરીને કારણે તરસી રહેતી પત્ની માટે ઘરમાં જ બોરવેલ ખોદી આપ્યો છે એવો તેને સુઝકોય નહીં હોય!’
આવી વ્યવસ્થા ગોઠવી આપવાનું ભવાનજીને કેમ ક્યારેય સૂઝ્યું નહીં હોય!
‘જોકે આમાં સ્ત્રીનો વાંક નથી. પતિ પાસે સમય ન હોય, ત્રેવડ ન હોય ત્યારે સ્ત્રી પોતાને ગમતો રસ્તો ખોળી લે એમાં ખોટું શું છે? આખરે તે પણ પુરુષની જેમ હાડમાંસથી જ બનેલી છે અને કામને વળી જાતિભેદ ક્યારે નડ્યો છે?’
તેના શબ્દો હૈયાસોંસરવા ઊતરી ગયેલા. મારા પતિમાં કામસુખની ક્ષમતા નથી પછી સુમેઘાની જેમ મને પણ પરપુરુષ થકી ક્ષુધા સંતોષવાનો હક મળેને?
કેટલું વાજબી લાગતું. ફરી કામનાનો ભડકો થતો, જાતને ફરી સમજાવવી પડતી. સતતના દૃઢથી હું થાકી છું. ઓ...હ, મારું આ ફાટફાટ થતું જોબન કોરું તો નહીં રહી જાયને?
લાવણ્યા પાસે આનો જવાબ નહોતો. મધરાતના સુમારે તે નિરર્થક પડખાં ઘસીને ઊંઘવાનો યત્ન આદરતી હતી ત્યારે એક સાધુ ગામની સીમમાં પ્રવેશી રહ્યો હતો.
(ક્રમશ:)