આ ડૉક્ટરો છે ટૅલન્ટનો ખજાનો

01 July, 2024 12:10 PM IST  |  Mumbai | Darshini Vashi

પ્રોફેશનલ જવાબદારીઓ વચ્ચે પણ પોતાના પૅશનને ફૉલો કરી રહેલા રંગીલા, મોજીલા અને દુનિયાથી અલગ એવા ડૉક્ટરો સાથે વાત કરીએ

ડોક્ટર્સ

ડાટાબિટીઝના આ ડૉક્ટરને વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર બનવાની પ્રેરણા દરદીઓની પીડામાંથી મળેલી

પીડિતોની પીડા સમજવા હું પ્રાણીઓ પ્રત્યે ખેંચાયો અને બની ગયો વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર એમ જણાવતાં ડાયાબેટોલૉજિસ્ટ ડૉ. અવનીશ રાજન કહે છે, ‘હું ઘણા પેશન્ટ્સને હેરાન થતા જોઉં છું. મેં મારી નજર સામે લોકોને મરતા પણ જોયા છે. ઘણી વખત પેશન્ટ બોલી પણ ન શકે અને સમજાવી પણ ન શકે એટલી પીડા તેને થતી હોય છે. ડૉક્ટરને જ નહીં, પેશન્ટ તેના ફૅમિલી-મેમ્બર્સને પણ તેની તકલીફ બતાવી કે સમજાવી શકતો નથી. ત્યારે મને વિચાર આવ્યો કે ઍઝ અ હ્યુમન આપણને બોલવાની શક્તિ આપેલી હોવા છતાં આપણે આપણી પીડાને એક્સપ્રેસ નથી કરી શકતા તો પછી મૂંગાં પ્રાણીઓનું શું થતું હશે? પ્રાણીઓને પણ આપણી જેમ ઇમોશન્સ હોય છે પણ એમની પાસે સ્પીચની એબિલિટી નથી. એટલે હું પહેલી વખત વાઇલ્ડ ટૂર પર જવા નીકળ્યો અને પછી તો હું એમની સાથે ઇમોશનલી એવો જોડાઈ ગયો કે આજ સુધી આ જોડાણ તૂટ્યું નથી. ઍઝ અ ડૉક્ટર હું વર્ષ ૧૯૮૭થી કન્સલ્ટિંગ મેડિકલ ફિઝિશ્યન છું. ગ્રાન્ટ મેડિકલ કૉલેજ (જે. જે. ગ્રુપ ઑફ હૉસ્પિટલ)થી મેં અભ્યાસ કર્યો છે. હરકિસનદાસ રિલાયન્સ હૉસ્પિટલની સાથે હું સંકળાયેલો છું. ગ્રાન્ટ રોડમાં મારું નર્સિંગ હોમ પણ છે જ્યાં હું મારા પેશન્ટ્સને અટેન્ડ કરું છું. તેમ જ હું વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર પણ છું.’