કેમ છો ડૉક્ટરસાહેબ?

01 July, 2024 07:43 AM IST  |  Mumbai | Ruchita Shah

અમેરિકામાં દર પાંચમાંથી એક ડૉક્ટર ભારતીય છે ત્યારે અમે સંપર્ક કર્યો કેટલાક એવા ગુજરાતી ડૉક્ટરોનો જેમનું બાળપણ મુંબઈમાં વીત્યું છે. ભારતની મેડિકલ કન્ડિશન અને અમેરિકાની મેડિકલ કન્ડિશન ઉપરાંત કેવા પ્રકારના બદલાવો તેઓ જોઈ રહ્યા છે એ વિષય પર કરી વાતો

ડોક્ટર્સ

માઇગ્રેશન પૉલિસી ઇન્સ્ટિટ્યૂટ અને યુએસ બ્યુરો ઑફ લેબર સ્ટૅટિસ્ટિક્સ દ્વારા તાજેતરમાં રજૂ કરવામાં આવેલા ‘ઇમિગ્રન્ટ હેલ્થકૅર ઇન્ડેક્સ’ અંતર્ગત જાહેર કર્યું છે કે અમેરિકામાં દર પાંચમાંથી એક ડૉક્ટર ભારતીય છે. આજની તારીખે લગભગ ૫૯,૦૦૦ ભારતીય ડૉક્ટર અમેરિકામાં પ્રૅક્ટિસ કરી રહ્યા છે. એ પછી ચીન (૧૬,૦૦૦) અને પાકિસ્તાન (૧૩,૦૦૦)નો નંબર આવે. એનું કારણ દેખીતું છે. અમેરિકામાં મેડિકલમાં કુલ સીટ છે ૩૦ હજાર, પરંતુ ૧૮ હજાર અમેરિકન સ્ટુડન્ટ જ મેડિકલ માટે અપ્લાય કરે છે. ડિમાન્ડ અને સપ્લાય વચ્ચેના આ અંતરને ભરવા માટે અમેરિકાની યુનિવર્સિટીઝ યુનાઇટેડ સ્ટેટ્સ મેડિકલ લાઇસન્સિંગ એક્ઝામિનેશન (USMLE)ની પરીક્ષા દ્વારા મેડિકલમાં ભણવા માગતા વિદેશીઓને ચાન્સ આપતી હોય છે. આનાથી ઊંધું ભારતમાં અવેલેબલ મેડિકલ સીટની સામે મેડિકલમાં પ્રવેશ લેવા માગતા વિદ્યાર્થીઓની સંખ્યા અનેકગણી વધારે છે, એટલે જ ભારતીય સ્ટુડન્ટ અન્ય દેશોમાં જઈને મેડિકલ સ્ટ્રીમમાં આગળ ભણતા હોય છે. એ 
રીતે જોઈએ તો અમેરિકાની હેલ્થકૅર સિસ્ટમનો બહુ મોટો ભાર ભારતીય ડૉક્ટરો ઉપાડી રહ્યા છે. એટલે જ અમને થયું કે મુંબઈથી અમેરિકા પહોંચેલા ગુજરાતી ડૉક્ટરો સાથે તેમની જર્ની વિશે વાત કરીએ.

અમેરિકામાં ઇન્ડિયન ડૉક્ટર પ્રત્યેની વિશ્વસનીયતા વધી રહી છે: ડૉ. યશ શાહ

રામજી આસર સ્કૂલમાં ભણેલો ડૉ. યશ શાહ અમેરિકાના લુઇઝિયાના સ્ટેટમાં એક હૉસ્પિટલમાં ચીફ ઑફ ન્યુરોલૉજી તરીકે સક્રિય છે. મુંબઈમાં જ ભણતર અને ગણતર પૂરું થયા પછી અમેરિકા જવાનું કઈ રીતે બન્યું અને ફરી ભારત આવવાનું સપનું યશ કેમ જોઈ રહ્યો છે એ બન્ને જ સ્ટોરી ઇન્ટરેસ્ટિંગ છે. યશ કહે છે, ‘૨૦૧૧માં હું મેડિકલ સ્કૂલમાં ફાઇનલ યરમાં હતો ત્યારે એક બાબત મેં ઑબ્ઝર્વ કરી હતી કે ભારતમાં જે મેડિકલ ટ્રીટમેન્ટ મળે છે અને દુનિયામાં જે ટેક્નૉલૉજી ચાલે છે એમાં બહુ જ મોટો ગૅપ છે. અમેરિકાની ઍડ્વાન્સ સિસ્ટમમાં ભારતમાં આવે એવું ઇચ્છતા હોઈએ તો પણ ત્યાં ટ્રેઇનિંગ લેવી પડે. મુંબઈમાં ગ્રૅજ્યુએશન કર્યા પછી ફરીથી બહુ જ ટફ કહી શકાય એવી અમેરિકામાં એક્ઝામ આપી. બે વર્ષ પબ્લિક હેલ્થ પર રિસર્ચ કર્યું. એ જ સેગમેન્ટમાં માસ્ટર્સ કર્યું. ભણવાની સાથે કામ કરવું જરૂરી હતું એટલે ભણવાની સાથે યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે પણ સક્રિય હતો. શરૂઆતનાં ત્રણ વર્ષ બેઝિક એક્ઝામ ક્લિયર કરવામાં ગયાં. એ દરમ્યાન રિસર્ચ વર્ક શરૂ થઈ ગયું હતું. જોકે એ પછી ત્રણ વર્ષની પીડિયાટ્રિક ટ્રેઇનિંગ લીધી. પીડિયાટ્રિક ન્યુરોલૉજીનો બે વર્ષનો આગળ અભ્યાસ કર્યા પછી એક વર્ષ એપિલેપ્સી પર રિસર્ચ કર્યું. અમેરિકામાં સબસ્પેશ્યલાઇઝેશન કરવામાં સમય જતો હોય છે એમાં ઇંગ્લિશ ઍક્સેન્ટ વચ્ચે ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ તરીકે જે સંઘર્ષ કરવો પડ્યો એ સ્વાભાવિક હતો. જોકે છેલ્લે તો તમારી મહેનત અને નિષ્ઠા રંગ લાવે જ છે. અમેરિકન ગ્રૅજ્યુએટ્સ સાથે કૉમ્પિટિશનમાં તમે માત્ર તમારી મહેનત અને કમિટમેન્ટના આધારે જ પાર ઊતરતા હો છો.’

પોતાના સંઘર્ષના દિવસો યાદ કરતાં ડૉ. યશ કહે છે, ‘અમેરિકા શિફ્ટ થયા પછી હું બ્રુકલિનમાં રહેતો, કારણ કે ત્યાં ઘરનાં રેન્ટ થોડાંક ઓછાં હોય પણ મારે દરરોજ ભણવા માટે મૅનહટન જવું પડે. એ એરિયા આફ્રિકન-અમેરિકનથી ભરેલો એરિયા ગણાય અને સેફ્ટીની દૃષ્ટિએ પણ લોકો અવૉઇડ કરે, પણ પૈસા બચાવવાના હતા એટલે એ વિસ્તારમાં રહેતો હોવા છતાં વહેલી સવારે મૅનહટન જતો અને રાતે મોડો પાછો આવતો.’ એ પછીનો આખો દિવસ તે યુનિવર્સિટીમાં હોય. ચાર કલાક લાઇબ્રેરીમાં ભણવાનું, દિવસ દરમ્યાન પબ્લિક હેલ્થ કૉલેજ અટેન્ડ કરે અને ક્લિનિકલ રિસર્ચમાં પણ સમય આપે. ‘કૉલેજ પતાવીને સાંજે સાત-આઠ વાગ્યે ઘરે રિટર્ન થાઉં એ પછી જાતે જમવાનું બનાવતો. સૌથી મોટી વસ્તુ હું અમેરિકા આવ્યા પછી શીખ્યો હોઉં તો એ છે કુકિંગ. આજે હું બધું જ બનાવતા શીખી ગયો છું,’ એમ કહેતાં ડૉ. યશ હસી પડે છે.

કોવિડ પછી ટેક્નૉલૉજીનું ઍડ્વાન્સમેન્ટ હવે સરહદોનું મોહતાજ નથી રહ્યું એનો ડૉ. યશને આનંદ છે. તે કહે છે, ‘ઘણા કૉમ્પ્લેક્સ કેસ હોય ત્યારે વિડિયો-કૉન્ફરન્સિંગ દ્વારા ડાયગ્નૉસિસથી લઈને સર્જરી સુધીની એક્સપર્ટીઝની આપ-લે થતી હોય છે. તમને જાણીને આશ્ચર્ય થશે, પણ હવે અમેરિકામાં ઇન્ડિયન ડૉક્ટરનો દબદબો વધ્યો છે. એક દાખલો આપું. થોડાક સમય પહેલાં પાંચ વર્ષના એક બાળકને અચાનક ફિટ આવવાનું શરૂ થયું. ડૉક્ટરોએ ટ્રીટમેન્ટ કરી પણ નિદાન થતું નહોતું. સમજાતું નહોતું કે પ્રૉબ્લેમ શું છે. કેસ મારી પાસે ઓપિનિયન માટે આવ્યો. ચાઇલ્ડ એપિલેપ્સીમાં ખૂબ રિસર્ચ કર્યું છે મેં. જ્યારે બાળકની કેસ-હિસ્ટરી ચકાસી તો સમજાયું કે તેને દસ લાખ બાળકે એકને થાય એવી રૅર એપિલેપ્સી હતી જેને 
‘ફાયર્સ’ તરીકે ઓળખવામાં આવે છે. જો અર્લી ડાયગ્નૉસિસ ન થાય તો બાળકના બચવાના ચાન્સ ઘટી ગયા હોત. પ્રૉપર ડાયગ્નૉસિસને કારણે યોગ્ય ટ્રીટમેન્ટ શરૂ થઈ અને તેની પરિસ્થિતિને કન્ટ્રોલમાં લાવી શકાઈ.’

ભારતમાં ડૉક્ટરોને ૨૪ કલાક ડ્યુટી કરવાની હોય એવો ઘાટ હોય છે: ડૉ. ખ્યાતિ મહેતા-પરીખ

૨૦૦૫થી અમેરિકામાં સ્થાયી થયેલી અને લૉસ ઍન્જલસમાં રહેતી ડૉ. ખ્યાતિ મહેતા-પરીખ અમેરિકામાં બાળકોના ગૅસ્ટ્રોએન્ટરોલૉજિસ્ટ તરીકે સક્રિય છે. મુંબઈની નાયર હૉસ્પિટલમાં ગ્રૅજ્યુએશન કરનારી ખ્યાતિને સુપર સ્પેશ્યલાઇઝેશન કરવું હતું, જે ભારતમાં શક્ય નહોતું અને એ જ કારણે અમેરિકા શિફ્ટ થવાનું બન્યું. તેઓ કહે છે, ‘અફકોર્સ આવીને ફરી ત્રણ વર્ષ પીડિયાટ્રિકનું ભણવું પડ્યું. ૨૦૦૫થી લઈને ૨૦૧૧ સુધી ભણી અને ૨૦૧૨થી પ્રૅક્ટિસ શરૂ કરી. બેશક, અહીંની મેડિકલ સિસ્ટમ ઘણી ઍડ્વાન્સ છે જે બદલાવ હવે ભારતની મેડિકલ સિસ્ટમમાં પણ દેખાઈ રહ્યો છે. ફૅસિલિટીઝમાં પણ હવે મોટો ફરક નથી દેખાતો. અફકોર્સ, પૉપ્યુલેશનમાં ફરક છે. અમેરિકાની મેડિકલ સિસ્ટમની સારી બાબત એ છે કે અહીં વાતે-વાતે ઇન્ડિયાના અમુક ડૉક્ટરોની જેમ કટ રાખવાની પરંપરા નથી. તમે રિપોર્ટ કઢાવો કે તમે કોઈ ખાસ મેડિકલમાંથી જ દવા ખરીદો એવું કહેનારા ડૉક્ટર્સ અહીં નહીં મળે. જોકે બીજી વાત એ પણ છે કે અહીં પેશન્ટ માટે ડૉક્ટર ઑન કૉલ અવેલેબલ પણ નથી હોતા.

મને યાદ છે કે મારા પિતાને ચોવીસ કલાકમાંથી ક્યારે પણ દરદીઓનો ફોન આવી જતો. અમે વેકેશન પર હોઈએ ત્યારે પણ પપ્પા પેશન્ટના ફોનનો જવાબ આપીને તેમને ટ્રીટમેન્ટ સજેસ્ટ કરતા. અહીંના ડૉક્ટરો એ રીતે પર્સનલ લાઇફ વધારે બહેતર રીતે જીવી શકે છે.’

ખ્યાતિના હસબન્ડ અમેરિકામાં અગ્રણી કાર્ડિયોલૉજિસ્ટ તરીકે સક્રિય છે. ત્રણ બાળકો સાથે મધર અને ડૉક્ટરની ડબલ જવાબદારી નિભાવી રહેલી ખ્યાતિ કહે છે, ‘અહીં તમને હાઉસ-હેલ્પ મુંબઈની જેમ મળતી નથી. તમારી લાઇફ મશીન જેવી હોય. સવારે વહેલા ઊઠીને કુકિંગ કરું, બાળકોને તૈયાર કરું, બધાને અલગ-અલગ સ્કૂલે મૂકીને દોડતી ક્લિનિક પર જાઉં. સવારે સાડાઆઠ વાગ્યે ક્લિનિક ખોલું અને સાંજે ઘરે આવું ત્યારે ત્રણ કલાક બાળકો ગ્રૅની પાસે રહે. સાંજે કુકિંગ અને ક્લીનિંગ અને પછી સૂઈ જવાનું. પાંચ દિવસ આમ નીકળે અને શનિ-રવિ બાળકોને જુદી જુદી ઍક્ટિવિટીમાં લઈ જવાનાં. મારા હસબન્ડ પણ સાંજે ક્લીનિંગમાં હેલ્પ કરે. ભારતમાં કોઈ ડૉક્ટર ઘરની સાફસફાઈ નહીં કરતા હોય, પણ અમેરિકામાં એ સામાન્ય છે.’

અમેરિકનો પણ ભારતીય ડૉક્ટરને પ્રિફર કરે છે, કારણ કે... :  ડૉ. શ્વેતાંગ શાહ

મીઠીબાઈ કૉલેજમાં ટ્વેલ્થ સુધીનો અભ્યાસ કર્યા પછી સાડાપાંચ વર્ષ નાશિક મેડિકલ કૉલેજમાં ભણીને પીડિયાટ્રિક સર્જ્યનની ડિગ્રી લેનારા ડૉ. શ્વેતાંગ શાહ ૨૦૦૭થી અમેરિકામાં છે. અત્યારે કૅલિફૉર્નિયામાં પોતાના હાથ નીચે પંદર ડૉક્ટરોની ટીમને ક્લિનિકલ જનરલ તરીકે લીડ કરી રહેલા ડૉ. શ્વેતાંગ કહે છે, ‘મારે પબ્લિક હેલ્થમાં માસ્ટર્સ કરવું હતું અને અમેરિકામાં તક સારી હતી. અઢી વર્ષમાં ફિલાડેલ્ફિયાની ટેમ્પલ યુનિવર્સિટીમાં એ ડિગ્રી લીધી પછી રિસર્ચ સાથે જૉબ કરી.

હાર્ટ-ટ્રાન્સપ્લાન્ટ અને કોલન કૅન્સરમાં મેં મારું રિસર્ચ કરેલું. એ પછી સાત વર્ષની પીડિયાટ્રિક પ્રૅક્ટિસ દરમ્યાન એક વસ્તુ રિયલાઇઝ થઈ કે અમેરિકામાં બાળકોમાં સાઇકિયાટ્રિક બિહેવ્યરલ હેલ્થના ઇશ્યુઝ વધી રહ્યા છે. એટલે ચાઇલ્ડ ઍન્ડ અડૉલસન્સ સાઇકિયાટ્રીમાં ફેલોશિપ કરી અને હવે એ જ દિશામાં પ્રૅક્ટિસ પણ કરી રહ્યો છું. અમેરિકાનાં આટલાં વર્ષના વસવાટમાં એક વસ્તુ સમજાઈ કે અહીં ઇન્ડિયન ડૉક્ટરની કદર થાય છે. અમેરિકન્સ પોતે પણ માને છે કે ભારતીય ડૉક્ટર સ્માર્ટ અને ઇન્ટેલિજન્ટ હોય છે. જોકે અમેરિકાનો મેડિકલ એક્સપેન્સ ખૂબ વધારે છે. એક જૂના સર્વે રિપોર્ટ પ્રમાણે એક વ્યક્તિનો અમેરિકામાં પર કૅપિટા હેલ્થ ખર્ચ ૮૦૦ ડૉલર છે, જ્યારે એ ભારતમાં ચાલીસ ડૉલર છે. આટલો મોટો ફરક છે. ભારતની તુલનાએ અહીં ડૉક્ટરનો વેઇટિંગ ટાઇમ ખૂબ વધારે હોય છે. મૉડર્ન મેડિકલ સાયન્સ ઉપરાંત ભારતમાં થેરપીના બીજા ઘણા પર્યાયો છે અમેરિકામાં હવે વધી રહ્યા છે.’ અહીં ઉલ્લેખનીય છે કે યશનાં વાઇફ, મમ્મી, પપ્પા અને બહેન-બનેવી પણ ડૉક્ટર છે.

મેડિકલ સેગમેન્ટમાં ભારત આગળ નીકળી રહ્યું છે:   ડૉ. ધવલ ભાનુશાલી 
 
 
કૅલિફૉર્નિયામાં બૅ પૉઇન્ટ નામના સિટીમાં ફિઝિકલ થેરપિસ્ટ, ઑર્થોપેડિક અને જેરિયાટ્રિક સર્જ્યન તરીકે ઍક્ટિવ ડૉ. ધવલ ભાનુશાલીને અમેરિકા શિફ્ટ થયાને તેર વર્ષ થયાં. મુંબઈમાં ફિઝિયોથેરપીનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી નવી તકો શોધી રહ્યા હતા એ સમયે કોઈ ખાસ પર્યાય ન દેખાતાં તેમણે અમેરિકાનો રાહ પકડ્યો. ડૉ. ધવલ કહે છે, ‘૨૦૧૧માં જ્યારે ફિઝિયોથેરપી પત્યું એ પછી એક વર્ષ પ્રૅક્ટિસ પણ કરી હતી. ત્યારે ઑબ્ઝર્વ કર્યું કે ભારત કરતાં પશ્ચિમી દેશોમાં આ ફીલ્ડનું મહત્ત્વ હતું. મારી કૉલેજમાં ભણતા બે સિનિયર અમેરિકા જઈને આ ફીલ્ડમાં વધારે આગળ ભણ્યા હતા અને તેમના અનુભવ પરથી જ મેં નક્કી કર્યું અમેરિકા જવાનું. ૨૦૧૧માં જ્યારે હું અહીં આવ્યો ત્યારે વાઇફાઇની સગવડ આજ જેવી નહોતી. પરિવાર સાથે નિયમિત સંપર્કમાં રહેવાનું પણ અઘરું હતું. જોકે જીવનમાં કંઈક મેળવવા માટે કંઈક બાંધછોડ કરવી જ પડે છે. મને એક ફાયદો થયો કે અમેરિકામાં ભારતની ફિઝિયોથેરપીની ડિગ્રી રેકગ્નાઇઝ્ડ હતી એટલે મારે પહેલેથી શરૂઆત ન કરવી પડી. વધારે આગળ ભણી શકાય એ રીતે જર્ની આગળ વધી. જૉબ કરતો અને ભણતો. અનાટમીના પ્રોફેસર તરીકે ડેડ-બૉડીઝને કટ કરીને જુદા-જુદા ઑર્ગન્સ વિશે સ્ટુડન્ટ્સને શીખવવાની જવાબદારી મારી હતી. એક વસ્તુ મેં ઑબ્ઝર્વ કરી કે જો તમે મહેનત કરવાની દાનત સાથે અહીં આવો છો તો રસ્તાઓ આપોઆપ ખૂલતા જાય છે અને સાથે તક પણ તમને મળતી જાય છે. અમેરિકામાં ભારતીય ડૉક્ટરની ડિમાન્ડ છે, કારણ કે માત્ર ત્યાં રહેતા ભારતીયોને જ નહીં પણ ગોરિયાઓને પણ ભારતીય ડૉક્ટરની આવડત પર ભરોસો હોય છે.’
ટ્વિન્સ દીકરીઓ અને પત્ની સાથે અમેરિકામાં રહેતા ધવલ માને છે કે ભારતીયોને ડૉક્ટરની અવેલેબિલિટી જેટલી ઝડપે ઇન્ડિયામાં મળે છે એટલું સરળ અમેરિકામાં નથી. તે કહે છે, ‘તમારે કોઈ સ્પેશ્યલાઇઝ્ડ ડૉક્ટર પાસે જવા માટે પહેલાં ઇન્શ્યૉરન્સ કંપનીને મીડિએટર તરીકે રાખવી જ પડે. તમારી ગમેતેટલી ઇમર્જન્સી કે પીડા હોય, ઇન્શ્યૉરન્સ કંપની વગર આગળ વધવાનું શક્ય નથી. તમારે મહિનાઓ સુધી એ કેસમાં સ્પેશ્યલાઇઝ્ડ ડૉક્ટરની રાહ જોવી પડે.’
 
ચાલીસ વર્ષ પહેલાં ડૉક્ટર તરીકે જુદી સ્ટ્રગલ ભોગવી છે:  ડૉ. રાજેશ દોશી
 
 
૧૯૮૪માં અમેરિકામાં ગ્રીન કાર્ડ સાથે શિફ્ટ થનારા ડૉ. રાજેશ દોશીનાં ભાઈ, મમ્મી-પપ્પા અમેરિકા શિફ્ટ થઈ ચૂક્યાં હતાં. મિશિગનમાં રહેતા ડૉ. રાજેશ કહે છે, ‘મારા મોટાભાઈ ૧૯૭૧માં આવેલા. ૧૯૮૪માં અમેરિકા પર્મનન્ટ શિફ્ટ થવાની બાબત મારા માટે એ કારણે થોડીક સરળ હતી, પરંતુ ડૉક્ટર તરીકે રંગભેદનો સામનો મેં કર્યો છે. આજથી ચાલીસ વર્ષ પહેલાં કેટલાક અમેરિકન્સ ઇન્ડિયન્સને નીચલા સ્તરના તરીકે જોતા અને મશ્કરી પણ કરતા. જોકે ઇન્ડિયન જેટલું બુદ્ધિશાળી અને હાર્ડ વર્કિંગ કોઈ જ નથી એવી ઇમેજ પણ અકબંધ હતી. મેં મુંબઈની જ ગ્રાન્ડ મેડિકલ કૉલેજમાંથી MBBS કર્યું. તાતા હૉસ્પિટલમાં રેડિયેશન ઑન્કોલૉજીનું ભણ્યો. એ દરમ્યાન જ લગ્ન થયાં અને બે બાળકો પણ હતાં. એ પછી હું અમેરિકા સહપરિવાર શિફ્ટ થયો હતો.’
ચાલીસ વર્ષ સુધી અમેરિકામાં જનરલ ફિઝિશ્યન તરીકે પ્રૅક્ટિસ કરનારા ડૉ. રાજેશનો મોટો દીકરો શિકાગોમાં હાર્ટ-સ્પેશ્યલિસ્ટ છે, તેમની દીકરી રુચિ પણ શિકાગોમાં રેટિના એક્સપર્ટ છે, નાનો દીકરો રાહિલ વર્જિનિયામાં ટ્રૉમા સર્જ્યન છે. તેમના પરિવારના લગભગ દરેક સભ્ય અમેરિકાની મેડિકલ સિસ્ટમમાં ઍક્ટિવ ભૂમિકા ભજવી રહ્યા છે. વર્ષના છ મહિના મુંબઈ આવીને અહીં મેડિકલ સાથે સંકળાયેલા જુદા-જુદા સોશ્યલ વર્કમાં સક્રિય ભૂમિકા ભજવતા ડૉ. રાજેશ કહે છે, ‘શરૂઆતનાં પંદરેક વર્ષ અમેરિકામાં અઘરાં હતાં. સખત કામ કરો અને ક્યાંક ભેદભાવ થતો હોય તો પણ જતું કરો, કારણ કે તમે તમારાં સંતાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે અહીં આવ્યા છો એ ખબર પડે. જનરલ પ્રૅક્ટિશનર તરીકે મારાં બે ક્લિનિક હતાં. શરૂઆતમાં ઇન્શ્યૉરન્સ કંપનીનું વર્ચસ્વ કન્ટ્રોલમાં હતું. જોકે ૧૯૯૪-’૯૫માં હિલેરી ક્લિન્ટનની સરકાર આવી અને તેમણે અમેરિકન હેલ્થકૅર સિસ્ટમને સંપૂર્ણ કમર્શિયલાઇઝ કરી નાખી. ઇન્શ્યૉરન્સ કંપની હૉસ્પિટલો જ નહીં પણ ડૉક્ટરને પણ હાયર કરતી. આજે પણ એ જ સિનારિયો છે. ઇન્શ્યૉરન્સ વિનાનો માણસ ત્યાં પ્રૉપર મેડિકલ ટ્રીટમેન્ટ ન મેળવી શકે. બેશક, છેલ્લાં પંદર વર્ષમાં ભારતીય ડૉક્ટરો તરફનો અમેરિકન્સનો ઝુકાવ ઘણો બહેતર થયો છે. અહીં બીજી એક સારી બાબત એ છે કે ઇમર્જન્સીમાં પેશન્ટ આવે તો તેની સારવાર કરવામાં આવે, પૈસાની ચર્ચા પછી થાય. જ્યારે ઇન્ડિયામાં સારવાર પહેલાં ડૉક્ટર પૈસા મુકાવડાવે, એવું અમેરિકામાં નથી.’
 
આજેય ક્લિનિકલ રિસર્ચમાં ભારતમાં ઘણી સંભાવનાઓ છે:  ડૉ. કુણાલ સંઘવી
 
 
કનેક્ટિકટ સ્ટેટમાં રહેતા અને જિનેટિક્સના ફીલ્ડમાં કામ કરતા ડૉ. કુણાલ સંઘવીને જે ભણવું હતું એના માટે કોઈ સ્કોપ આજથી સત્તર-અઢાર વર્ષ પહેલા મુંબઈમાં નહોતો અને એને જ કારણે તેમણે અમેરિકા જવાનો નિર્ણય લીધો હતો. ૨૦૦૮ની ૧૩ ઑગસ્ટે અમેરિકા શિફ્ટ થયેલા ડૉ. કુણાલ ક્લિનિકલ રિસર્ચમાં કામ કરે છે. તે કહે છે, ‘આપણા શરીરમાં વીસ હજાર કરતાં વધારે જિન્સ હોય છે જેમાંથી અત્યારે બારથી પંદર જિનેટિક ડિસીઝને આપણે ઓળખી શક્યા છીએ. બાકીનો એરિયા હજી પણ અનઆન્સર્ડ છે. હું જ્યારે આ ફીલ્ડમાં રિસર્ચ કરવાની દિશામાં ભારતમાં પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે મને કોઈ ઑપ્શન જ ન દેખાયા. આપણે ત્યાં જિનેટિક્સ એ સમયમાં માત્ર બે માર્ક મેળવવા પૂરતો ટૉપિક હતો. લખનઉ, દિલ્હી, ચેન્નઈ, હૈદરાબાદ એમ જુદા-જુદા રાજ્યમાં જઈને કામ કર્યું. મુંબઈમાં KEM અને જસલોક હૉસ્પિટલમાં કામ કર્યું હતું. નવમા ધોરણમાં DNAનો ફોટો જોઈને મેં નક્કી કરી લીધેલું કે હું જિનેટિક્સને જ ડીટેલમાં ભણીશ. ૨૦૦૮માં અમેરિકામાં જિનેટિક્સના ફીલ્ડમાં ત્રીસ પ્રોગ્રામ હતા, જે અત્યારે પંચાવન જેટલા છે.’
 
ભારત અને અમેરિકાની મેડિકલ સિસ્ટમ વિશે કુણાલ કહે છે, ‘ભારતમાં એજ્યુકેશન પર ફોકસ હોય છે, જ્યારે અમેરિકામાં ઇમ્પ્લીમેન્ટેશન અને ઍપ્લિકેશન પર વિશેષ ધ્યાન અપાય છે. ઘણીબધી પ્રોસેસ ડિજિટાઇઝ્ડ છે. જોકે એનું પણ એક જુદા પ્રકારનું સ્ટ્રેસ હોય છે. અમેરિકામાં એવું બને કે ઘણી વાર તમે ઇલેક્ટ્રૉનિક રેકૉર્ડ અપડેટ કરવામાં એટલા વ્યસ્ત હો કે પોતાની કેસ-હિસ્ટરી આપી રહેલા પેશન્ટને એમ લાગે કે અમારી સામે તો જુઓ.’ ડૉ. કુણાલ ઇચ્છે છે કે ભારતમાં પણ જો પૂરતી વર્ક-ઑપોર્ચ્યુનિટી મળે અને રિસર્ચનો સ્કોપ ઊભો થાય તો સો ટકા પાછા આવવું ગમશે.
columnists gujaratis of mumbai gujarati community news ruchita shah gujarati mid-day