16 March, 2025 02:51 PM IST | Mumbai | Sairam Dave
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
પત્ની પિયરે જાય એટલે પરણેલા પુરુષો માટે અવકાશના દિવસો અને એમાં પણ જો પત્ની આખા રૅશન કાર્ડને લઈને પિયર જાય અને સોસાયટીવાળી તમામ બબીતાઓ પિયર આવે એટલે જેઠાલાલને જલસા. ઘરેથી પત્ની પિયર જાય એટલે ઘરમાંથી સતત ટકટક કરતું મશીન ખોટકાઈ ગ્યું હોય એવું લાગે. ધોકો મારીને કોઈ વહેલા ઊઠાડે નહીં. ‘ચા તૈયાર છે, પી લ્યો’, ‘નાસ્તો ટેબલ પર મુકાઈ ગ્યો છે, ખાઈ લ્યો!’, ‘પાણી ગરમ છે, નાહી લ્યો!’, ‘મારી બાના બે કૉલ આવી ગયા છે, વાત કરી લ્યો!’ આવાં કોઈ આજ્ઞાર્થ વાક્યો ઘરમાં પંદર દિવસ માટે જાણે સંભળાતાં જ બંધ થઈ જાય.
ઘરમાં છોકરાઓના દેકારા નથી. IPL જોવા માટે તમારે ‘અનુપમા’ કે ‘છોટા ભીમ’માં બ્રેક પડે એની રાહ નથી જોવી પડતી. ક્યાંય દાંતિયામાં ઘરવાળીના માથાના વાળના ગુચ્છા દેખાતા નથી. અરીસા ઉપર કે બાથરૂમમાં ક્યાંય ચાંદલા ચોંટાડેલા દેખાતા નથી. રાત્રે મિત્રો સાથે પાર્ટીઓમાંથી ઊભા થઈને ભાગવાની ચિંતા નથી રહેતી ને સવારે સાડાછ વાગ્યે દૂધવાળાનાં દર્શન થાતાં નથી.
પત્ની જાય છે ત્યારે પા-ઘડી આનંદ વરતાય એની ના નહીં, પણ મિત્રો, પત્નીની કિંમત તો તે જાય પછી જ સમજાય! ઘર ઉકરડા જેવું થઈ જાય. દસ-દસ જોડી કપડાં બાથરૂમની ખીંટી પર ગંધાતાં ટિંગાયા કરે. હડપ્પીયન સંસ્કૃતિમાંથી લોથલ શહેરના અવશેષો શોધતા હોય એમ ગંજી-મોજાં ને જાંગિયા ગોતવામાં પરસેવો પડી જાય. બધા પતિદેવ અંદરખાને સ્વીકારશે જ કે પત્ની વગરનું ઘર પસ્તી જેવું થઈ જાય છે.
પત્ની ઘરની એ ચાવી છે જેને તમામ તાળાં ખોલતાં આવડે છે. પુરુષજાતને ઈશ્વરે આપેલી સર્વોચ્ચ, સર્વોત્તમ અને એકમાત્ર ભેટ એટલે પત્ની. જીવનના ઝંઝાવાતોમાં દેખાતું સપ્તરંગી ઇન્દ્રધનુષ એટલે પત્ની જે યુવાન માટે પ્રેમિકા, આધેડ માટે જીવનસંગિની ને વૃદ્ધ પુરુષ માટે પરિચારિકા બની જાય છે.
આપણે આપણી પત્નીને એટલીબધી નજીકથી જોઈ છે એટલે આપણને એમાં બૅક્ટેરિયા જ દેખાય છે, પણ હે પતિદેવો યાદ રાખજો, પ્રૅક્ટિસ મેક્સ અ મૅન પર્ફેક્ટ બટ વિમેન આર બૉર્ન પર્ફેક્ટ. તમારી પાસે કરોડોની કિંમતના લાખો પ્રૉબ્લેમ્સ હોઈ શકે છે, જ્યારે તમારી પત્ની પાસે સો-સો રૂપિયાવાળા હજાર પ્રૉબ્લેમ્સ હોય છે! તમારા માટે સ્કાય ઇઝ યૉર લિમિટ સૂત્ર સાર્થક હોઈ શકે, પણ આ પત્નીઓ માટે તો તમે જ તેનું આકાશ છો! આવતી કાલે કયું શાક બનાવીશું? અથાણાં ક્યારે કરીશું? છોકરાવનું લેસન સવારમાં જ કરાવવું પડશે? આવા નાના-નાના પ્રશ્નોથી અભિમન્યુની જેમ સદાય ઘેરાયેલી છે તમારી અર્ધાંગિની! ક્યારેક તેની ફરિયાદોના મૂળ સુધી પહોંચાડવાનો પ્રયત્ન તો કરો. તમને તેના સ્વભાવમાં આવેલા ફેરફારના મૂળમાં માત્ર ને માત્ર તમારો જ વાંક દેખાશે. આજે પત્નીઓની વાત શરૂ થઈ છે ત્યારે મારે પૂછવું છે કે પ્રેમિકાઓને પત્ની બનાવનારા તો માર્કેટમાં ઢગલાબંધ છે પણ સાચું કહેજો, પત્નીને પ્રેમિકા બનાવનારા મરદ કેટલા?
સવારના સાડાપાંચથી રાતના સાડાદસ સુધી ઘરનાં તમામ પાત્રોને રાજી રાખી પોતાના જખમોને હૃદયમાં સંઘરી મોઢા પર સદાય પ્લાસ્ટિકિયું સ્માઇલ રાખીને અવિરત ઘરકામ કરતી પત્નીની કદર કરો પતિદેવો, નહીંતર નર્કમાંય જગ્યા નહીં મળે એની મારી તમને ખુલ્લી ચૅલેન્જ છે.
ખરેખર પત્ની વગરની પથારી ભીષ્મની બાણશય્યા થઈ જાય છે. જે ચીવટથી આપણી પત્ની આખા ઘરનાં તમામ પાત્રોને સાંભળે છે અને સંભાળે છે એ ચીવટથી આપણે એક દિવસ પણ ઘરને સાચવી ન જ શકીએ. પરિવારને સુખી કરવો હોય તો પત્નીને દિવસમાં ત્રણ વાર ફોન કરો. વિષય ન હોય તો ખાલી એટલું કહો કે બસ, એમ જ વાત કરવા ફોન કર્યો, પણ ફોન કરો. અઠવાડિયામાં એકાદ વાર ફોન કરીને ખાલી એટલું પૂછો કે તેં જમી લીધું? તમારો આ સવાલ તેને સવાશેર લોહી ચડાવી દેશે. સવારે ગરમાગરમ ચા દેવા આવે ત્યારે સોગિયા મોઢે મોબાઇલની પત્તર ન ફાડો, તેને મસ્ત સ્માઇલ આપીને દર દસ દિવસે સવારે સાત ને પંદર મિનિટે અચાનક તેની સામે આંખ મારી લો. તેના ગંધાતા જૂના ગાઉનનાં પણ વખાણ કરો કારણ કે તેણે ગંધાતો એ જૂનો ગાઉન તમારા ખિસ્સાને ભાર ન પડે એટલે હજી સુધી સાચવી રાખ્યો છે. એક વખત પ્રેમથી તેને બાથમાં તો લો. તમારા શરીરનું એકેએક સ્ટ્રેસ તે શોષી ન લે તો આજે, આ ઘડીએ તમારો ગુલામ ન થઈ જાઉં તો બ્રહ્મનો અંશ નહીં.
સિત્તેર વર્ષનાં મમ્મી-પપ્પાના સ્વભાવ નહીં જ બદલે, આપણે જ તેમને અનુકૂળ થઈને જીવવાનું હોય આવું માત્ર કહેશો તો પણ તેને લાગશે કે તમે તમારાં મમ્મી-પપ્પાના સ્વભાવને પણ જાણો છો. અને સાહેબ, જીવનમાં ઘણી વાર આશ્વાસન અમૃતથી પણ વધારે શક્તિશાળી બનતું હોય છે. તું છોકરાઓનું કેટલું ધ્યાન રાખે છે! આવું કહેતાં શીખો કારણ કે તે જે છોકરાનું ધ્યાન રાખે છે એ તેને આણામાંથી નથી મળ્યા, એની પાછળ તમારો પણ ફાળો છે. હમણાં વેકેશન આવશે ત્યારે પત્ની પિયર જાય તો મજા માણો. કબૂલ, મેન વિલ બી મેન એમ જ નથી કીધું, પણ મૅન બનવાની સાથોસાથ મનમાં રહેલી માણસાઈને પણ જાગૃત રાખો. પિયરે ગયેલી પત્નીને દિવસમાં એક વાર ‘મિસ યુ’ મેસેજ કરો (જેથી તેને તમારી વાસ્તવિકતા પર શંકા ન જાય). દામ્પત્યજીવન પતી ન જાય એટલે મેં આટલાબધા મુદ્દા કહ્યા. બીજું તો શું કહું, ગોર લગન કરાવી દે, કાંઈ ઘર ચલાવવા ન આવે.
કર્યાં ભોગવો!