14 April, 2023 05:48 PM IST | Mumbai | Bhavini Lodaya
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
રજાનો અસલી વૈભવ ઘરે રહીને પણ માણી શકાય છે. માત્ર મોંઘાદાટ ક્લાસિસ કરી વેકેશનમાં પણ વર્ગની ચાર દીવાલો વચ્ચે પુરાઈ રહેવાને બદલે કંઈક અલગ અંદાજથી દુનિયા જીવવાની મજા કંઈ અલગ જ હોય છે. રજા માણવાના નુસખાને અજમાવવાથી સમય અને પૈસાનો વેડફાટ તો બચે જ છે, ઉપરથી આપણી સર્જનશક્તિને વેગ મળે છે, જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે, સંસ્કૃતિ તરફ આકર્ષણ વધે છે અને ભવિષ્યમાં ફાયદો તો થાય જ એ નફામાં.
ઉનાળાનું વેકેશન શરૂ થયું હોય ત્યારે રોજિંદી ઘરેડ કે ઘટમાળમાંથી રિલૅક્સેશન મેળવવા આપણે જુદી-જુદી યોજનાઓ કે કાર્યક્રમો ઘડતા હોઈએ છીએ અને સમય અને પૈસા બન્નેનો વેડફાટ કરતા હોઈએ છીએ. આ વેડફાટથી બચવા માટે આજે આપણે આ યુનિક કન્સેપ્ટ એટલે ‘સ્ટેકેશન!’ સ્ટેકેશન એટલે રજાઓમાં બહાર ભાગવાને બદલે ઘરમાં જ રહેવું અને ઘરમાં જ રહીને તમે તમારા વેકેશનને માણી શકો.
આ પણ વાંચો : વધતી જતી બેરોજગારી માટે જવાબદાર કોણ?
લોકલ ટૂરિઝમમાં તમારા શહેરમાં આવેલા સ્મારક કે ઐતિહાસિક જગ્યાની મુલાકાત લેવી, બુક રીડિંગ ફેસ્ટિવલમાંથી અવનવાં પુસ્તકો લઈ આવી ઘરમાં જ ચવાણું, પૉપકૉર્ન ખાતાં-ખાતાં તમારા મિત્રો અને કુટુંબીજનો સાથે પુસ્તક વાંચવાની મોજ માણવી, ફાર્મિંગમાં ઘરમાં જ શાકભાજીના છોડવા વાવો અને એમાં થતા ચેન્જિસનું નિરીક્ષણ કરો, તમારી આસપાસ કોઈ આમલી કે કેરીનું ઝાડ હોય તો ત્યાં જઈને આમલી અને કેરી તોડવાની મજા લઈ શકો, સ્કાય વૉચિંગ ઍન્ડ ટેરેસ કૅમ્પિંગમાં તમે રાતના બધા મિત્રો મળીને ટેરેસ પર સૂવા માટે જઈ શકો અને ટેલિસ્કોપની મદદથી આકાશમાંના તારાઓનું નિરીક્ષણ કરી તમારા જ્ઞાનમાં વધારો કરી શકો, તમારી આસપાસ વખણાતી વાનગીઓ મગાવી કિચનમાં વેકેશન કરી શકો અથવા કિચનમાં કોઈ નવી રેસિપી બનાવો, ટીવી કે કમ્પ્યુટર પર ઇન્ટરનૅશનલ મ્યુઝિયમની ઊડતી લટાર મારી શકો, નાયગરા ધોધની મુલાકાત લો, પૅસિફિક મહાસાગરના પેટાળમાં ડૂબકી મારો કે ડબલ ટેલિસ્કોપની આંખે બ્રહ્માંડ નિહાળો. ઘરમાં બેસીને તમે દુનિયાના કોઈ પણ ખૂણામાં ફરવા જઈ શકો અને આ થશે તમારું સ્ટેકેશન. ખરેખર, આ નુસખા તમારા વેકેશનને બહુ જ ઇન્ટરેસ્ટિંગ અને યાદગાર બનાવી દેશે.
જરૂરી નથી કે પૈસા ખર્ચીને કૅમ્પમાં કે બહારગામ ફરવા જઈને જ વેકેશન એન્જૉય કરી શકીએ. નોખી રીતે પણ સમય ગાળીને તમે વેકેશનની મજા માણી શકો છો.
શબ્દાંકન : ભાવિની લોડાયા
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)