બ્લૅક આઇસના સરકણા રસ્તા પર સાવધાનીની સફર

26 November, 2023 04:26 PM IST  |  Mumbai | Manish Shah

ન્યુ ઝીલૅન્ડના ક્વીન્સ લૅન્ડથી મિલફર્ડ સાઉન્ડ જવાના રસ્તા પર જામેલી બરફની પારદર્શક પરતને બ્લૅક આઇસ કહે છે અને આ રસ્તા પર વહેલી સવારે ડ્રાઇવ કરવું એટલે જીવ હથેળી પર લઈને જવા જેવું છે. જોકે આવી દિલધડક સફરમાં રસ્તામાં પારદર્શક લેક્સના

મિરર લેક્સ - જાણે કુદરતનો આયનો.

ક્વીન્સ ટાઉનના બૉબ્સ પિકથી હિમાચ્છાદિત રિમાર્કેબલ્સ પર્વતમાળા અને સોનેરી સંધ્યાના સંગમને માણીને અમે બધા નીચે ઊતર્યા. સફર જામી રહી હતી. રળિયામણું આ નગર હૃદય પર અડિંગો જમાવી રહ્યું હતું. આવતી કાલનો દિવસ પણ લાંબો બની રહેવાનો હતો. સાઉથ આઇલૅન્ડને પૂરો આવરી લેવા માટે નીચે દક્ષિણમાં ક્વીન્સ ટાઉન સારું પડે અને પછી ઉપર પૂર્વમાં ક્રાઇસ્ટચર્ચ આ બન્નેને બેઝ બનાવીને તમે ઘણી સારી રીતે સાઉથ આઇલૅન્ડને માણી શકો છો. અમે અહીં ત્રણ સ્થાને પસંદગી ઉતારી હતી એ વાત આગળ આવશે. 

ક્વીન્સ ટાઉનથી છેક દક્ષિણ પૂર્વના ડનેડિનની મુલાકાત પતાવી એક આખો દિવસ ક્વીન્સ ટાઉનમાં ગાળી, જરૂરી આરામ ફરમાવી આવતી કાલે વારો હતો એકદમ પશ્ચિમમાં આવેલા ફ્યૉર્ડ લૅન્ડનો, જે ન્યુ ઝીલૅન્ડનો અતિ રળિયામણો પર્વતીય દરિયાઈ વિસ્તાર છે. ન્યુ ઝીલૅન્ડ આવતા સહેલાણીઓ માટે આ વિસ્તારમાં આવેલ મિલફર્ડ સાઉન્ડની મુલાકાત કોઈ પરંપરાની ગરજ સારે છે. આ પ્રદેશની મુલાકાત વગર સાઉથ આઇલૅન્ડની મુલાકાત અધૂરી ગણાય એ જાણજો. અહીં એક જરૂરી વાત કરવી છે. અંગ્રેજીમાં દરિયાઈ કોતરો માટે બે અતિ મહત્ત્વના શબ્દો છે ફ્યૉર્ડ અને સાઉન્ડ. આ બન્ને શબ્દો અલગ-અલગ પરિપ્રેક્ષ્યમાં વપરાય છે. જ્યારે દરિયાનું ખારું પાણી બરફીલા પહાડોને એટલે કે ગ્લૅસિયરને કોતરીને કોતર બનાવે છે અને અનેક જગ્યાએ પીગળેલાં હિમશિખરોના માળખાને આવરી લે એને ફ્યૉર્ડ કહેવાય છે, પરંતુ એ જ દરિયાનું ખારું પાણી જ્યારે રેતાળ એટલે કે માટીના પર્વતોને કોતરીને કોતર બનાવે છે અને મીઠી નદીઓના વહેણને રસ્તે ફેલાઈ જાય છે ત્યારે એને કહેવાય છે સાઉન્ડ. 


 ડેવિલ્સ સ્ટેરકેસના ઉતાર-ચડાવ.

સાહજિક રીતે ફ્યૉર્ડ ફક્ત દરિયાને લાગીને આવેલા બરફીલા પ્રદેશોમાં જ જોવા મળે છે. સ્કેન્ડિનેવિયન દેશો જેવા કે આઇસલૅન્ડ, નૉર્વે, સ્વીડન. ન્યુ ઝીલૅન્ડનો દક્ષિણ વિસ્તાર જે દરિયાથી ઘેરાયેલો છે અને જ્યાં ફક્ત બરફનું જ સામ્રાજ્ય છે એવા પ્રદેશોની કોતરોને ફ્યૉર્ડ કહેવાય છે. ભારતમાં એક પણ જગ્યાએ ફ્યૉર્ડ નથી એ વાચકોની જાણ ખાતર. ઘણી જગ્યાએ સાઉન્ડ હોઈ શકે ખરા. હવે સવાલ થશે કે જો આમ જ હોય તો મિલફર્ડ સાઉન્ડ કેમ કહેવાય છે? મિલફર્ડ ફ્યૉર્ડ કેમ નહીં? સવાલ એકદમ સાચો છે અને ખરેખર તો ફ્યૉર્ડ જ કહેવું જોઈએ, પરંતુ વાત એમ છે કે ૧૯મી સદીમાં જ્યારે આ પ્રદેશનું નામકરણ થયું ત્યારે અંગ્રેજી ભાષામાં આ નૉર્વેજિયન શબ્દનો સમાવેશ કરવામાં આવ્યો નહોતો એટલે આ પ્રદેશને નામ અપાયું મિલફર્ડ સાઉન્ડ. આ શબ્દ સદીઓથી ચોંટી ગયો એટલે રહી ગયું, મિલફર્ડ સાઉન્ડ જ. આવા ૧૬ સાઉન્ડ આ પ્રદેશમાં આવેલા છે. 

થોડો ઇતિહાસ જાણીએ. ૧૮મી સદીમાં કૅપ્ટન જેમ્સ કુક જ્યારે ન્યુ ઝીલૅન્ડને ધમરોળી રહ્યા હતા, નકશા બનાવી રહ્યા હતા, નામકરણ કરી રહ્યા હતા ત્યારે આ પ્રદેશનો ઘણો હિસ્સો વણખેડાયેલો હતો. એમાંનો એક હિસ્સો એટલે વિશ્વવિખ્યાત મિલફર્ડ સાઉન્ડનો પ્રદેશ. એના સાંકડા કુદરતી પ્રવેશદ્વારને કારણે કુકસાહેબને કદાચ અંદરની વિશાળતાનો ખ્યાલ નહીં આવ્યો હોય એટલે આ પ્રદેશને અવગણ્યો હશે. આ પ્રદેશને દુનિયા સમક્ષ લાવવાનું શ્રેય જાય છે કૅપ્ટન જૉન ગ્રોનોને, જેઓ ઈસવી સન ૧૮૧૨માં અહીં પ્રવેશ્યા અને આ અદ્ભુત પ્રદેશને ખોળી કાઢ્યો. દુનિયાની નજર સમક્ષ મૂક્યો. તેઓ વેલ્સ, યુકેમાં આવલા મિલફર્ડ હેવન ગામના વતની હતા અને તેમણે આ પ્રદેશને પણ એ જ નામ આપ્યું મિલફર્ડ હેવન. હવે આ હેવનનું સાઉન્ડ કર્યું કૅપ્ટન જૉન લોર્ટ સ્ટોક્સ નામના સાહસવીરે અને આમાં સ્થાનિક નામ જોડાયું પીઓપીઓ તાહી. આખું નામ થયું પીઓપીઓ તાહી મિલફર્ડ સાઉન્ડ. અહીં આ આખું સળંગ નામ છે, પરંતુ લગભગ બધા લોકો મિલફર્ડ સાઉન્ડ જ કહે છે. આગળ વધીએ. 

હોમર ટનલ પહેલાં આવતા હિમાચ્છાદિત પહાડો.

ક્વીન્સ ટાઉનથી લગભગ ૩૦૦ કિલોમીટરના અંતરે આવલું મિલફર્ડ તો ઠીક, પરંતુ આખો ફ્યૉર્ડલૅન્ડનો પ્રદેશ જ અપ્રતિમ સૌંદર્ય ધરાવે છે. મિલફર્ડ આમાં શિરમોર છે એ અલગ વાત છે. આટલા અંતરે આવેલા આ અંતરિયાળ પ્રદેશની સફરે વર્ષે ૧૦ લાખ સહેલાણીઓ આવે છે. ઈસવી સન ૨૦૦૮માં ટ્રાવેલર્સ ચૉઇસ ડેસ્ટિનેશનનો પ્રખ્યાત શિરપાવ આ મિલફર્ડના ફાળે ગયો હતો. ૧૯મી સદીથી આ જગ્યાની જે ઘેલછા ચાલી રહી છે એમાં અત્યાર સુધી કોઈ ઓટ આવી નથી. અનેક પ્રખ્યાત હૉલીવુડ ફિલ્મો અહીં ફિલ્માવાઈ છે. આ બધા ઉપરાંત મિલફર્ડ પ્રખ્યાત અને અતિપ્રખ્યાત બન્યું નોબેલ પારિતોષિક વિજેતા સાહિત્યકાર શ્રીમાન રુડ્યાર્ડ કિપ્લિંગની પ્રશસ્તિ પછી. તેઓશ્રી ઈસવી સન ૧૮૯૦માં અહીંની મુલાકાતે આવ્યા અને હોઠેથી સરી પડ્યું, ‘આ તો દુનિયાની આઠમી અજાયબી છે.’ ખલ્લાસ. આખું યુરોપ ઊમટી પડ્યું. ધીમે-ધીમે વૈશ્વિક પ્રવાસીઓ વધતા ચાલ્યા. ૨૫ સ્ક્વેર કિલોમીટરના તાણાવાણામાં ગૂંથાયેલા મિલફર્ડની લંબાઈ છે ૧૫ કિલોમીટર. પહોળાઈ છે ફક્ત બે કિલોમીટર અને ઊંડાઈ છે લગભગ ૯૫૫ ફુટ. અહીંની વસ્તી છે અંદાજે ૧૫૦ માણસોની, બસ, અને તાઓ પણ અહીંના પ્રવાસ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. પીઓપીઓ અહીંના વિલુપ્ત થઈ ગયેલા પક્ષીની એક પ્રજાતિ છે અને તાહી એટલે એકમાત્ર. એક લોકવાયકા પ્રમાણે સ્થાનિક લોકનાયક માઓઇ અહીંના લોકોના અમરત્વ માટે એકલપંડે હવાઇકી પ્રદેશ છોડીને નીકળ્યા હતા ત્યારે પીઓપીઓ પ્રજાતિના એક પક્ષીએ તેમને સાથ આપ્યો હતો. તેમનો આ પ્રયાસ વિફળ નીવડ્યો અને તેઓ મૃત્યુ પામ્યા. આ મૃત્યુનો શોક પાળવા આ પક્ષી મિલફર્ડમાં ઊડીને આવી ગયું હતું એટલે આ જગ્યાનું નામ પડ્યું પીઓપીઓ તાહી. અંગ્રેજો અને માઓરી સ્થાનિક લોકોની સંધિ મુજબ આ એક સંપૂર્ણ નામ છે. પીઓપીઓ તાહી મિલફર્ડ સાઉન્ડ. 

હવે અમારી વાત... ૩૦૦ કિલોમીટર જવાનાં અને ૩૦૦ કિલોમીટર પાછા આવવાનાં, એ તો ઠીક. બધી જ માનસિક તૈયારીઓ હતી, પરંતુ આ અદ્ભુત જગ્યા વિશે વાંચતી વખતે એક વાત સમજાઈ ગઈ હતી કે અહીં મંજિલ કરતાં મુસાફરીની મજા અનેરી છે. આ પ્રદેશ એટલો સુંદર છે કે ૩૦૦ કિલોમીટર વટાવતાં-વટાવતાં પાંચથી છ કલાક ક્યાં વીતી જાય છે એની ખબર પડતી નથી. આ આખી મુસાફરી ત્રણ અલગ-અલગ ભૌગોલિક વિવિધતાઓ ધરાવતા પ્રદેશમાંથી પસાર થાય છે; મેદાનો, જંગલો અને હિમાચ્છાદિત પહાડો. શિયાળાની શરૂઆત થઈ ગઈ હતી અને આ પ્રદેશ તો વળી ગ્લૅસિયરનો પ્રદેશ, હિમાચ્છાદિત પહાડોનો પ્રદેશ, કોતરોનો પ્રદેશ. 

અમે વહેલી સવારે ૬ વાગ્યે નીકળવાનું નક્કી કર્યું, જેથી મુસાફરીનો આનંદ માણતાં-માણતાં પહોંચી શકાય. હોટેલમાં પણ એ પ્રમાણેની સૂચના આપવા માટે ફોન કર્યો અને સામે છેડે જે સલાહ મળી એમાં હું તો તાજ્જુબ પામી ગયો. સામેના છેડે રેસ્ટોરાં મૅનેજર, જે ઘણા અનુભવી હતા તેમણે મને સાવચેતીના સૂર સાથે થોડા મોડા નીકળવાનું જણાવ્યું. સાતેક વાગ્યે. તેમણે જે કહ્યું એ મિલફર્ડ સાઉન્ડના દરેક પ્રવાસીએ ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે. તેમણે જણાવ્યું કે શિયાળો બેસતાં જ સાઉથ આઇલૅન્ડનું તાપમાન નીચે જવા માંડે છે અને રાતે તો લઘુતમ તાપમાન. વાતાવરણમાં સારો એવો ઠાર રહેતો હોવાનું અનુભવી શકાય અને આ ઠાર જ કારણ બને છે ‘બ્લૅક આઇસ’નું. હા જી, વાચકમિત્રો, હું પણ આ શબ્દ સાંભળીને થોડો ચોંકી ગયો હતો. બ્લૅક આઇસ એટલે કે ડામરની કાળી સડક પર જામી ગયેલો ઠાર એટલે કે બરફની પરત. વહેલી સવારનો ભેજ રસ્તા પર જામી જઈને અતિશય ઠંડીને હિસાબે બરફનું એક પાતળું પડ બનાવે છે. રસ્તા પર જામી ગયેલા આ બરફનું એક પારદર્શક આવરણ રચાય છે. આ આવરણ છે બ્લૅક આઇસ અને આ જ ખરું જોખમ છે. ક્વીન્સ ટાઉન અને એની આજુબાજુમાં તો વાતાવરણનો ગરમાટો આ પરતને જામવા દેતો નથી. એ ઉપરાંત વાહનોની સતત અવરજવરને હિસાબે પણ આ પરત જામતાં પહેલાં ટાયર નીચે આવી એની ગરમીથી રચાતી નથી, પરંતુ ક્વીન્સ ટાઉનથી ૧૫૦-૨૦૦ કિલોમીટર દૂર આવેલા વિસ્તારનું શું? જ્યાં ઠંડી બેસેલી હોય છે. ધુમ્મસનું વર્ચસ્વ હોય અને વાહનોની અવરજવર પણ સાવ નહીંવત્. 

હવે જો તમે ક્વીન્સ ટાઉનથી વહેલા નીકળો અને આવા રસ્તા પરથી પસાર થનારાં શરૂઆતનાં વાહનોમાં તમારો નંબર હોય તો શું થઈ શકે એ વિચારથી જ ધ્રુજારી આવી ગઈ. વળી આ તો સાથે આખું કુટુંબ! કાંઈ કહી ન શકાય. તેમના કહેવા પ્રમાણે થોડા મોડા નીકળવું એટલે કે લગભગ સાડાસાત વાગ્યે. પહેલો વિરામ ૧૧૦ કિલોમીટરના અંતરે આવેલા મોસબર્નમાં લેવો અને અમે એમ જ કર્યું. ૭.૩૦ નહીં, પણ ૮ વાગે નીકળ્યાં. અતિ સુંદર વળાંકવાળો રસ્તો. પરંતુ આ શું? વળાંક ઉપરાંત આ રસ્તો તો ચડાણ-ઉતરાણ, ચડાણ-ઉતરાણવાળો નીકળ્યો અને એ પણ બહુ ઓછા-ઓછા અંતરે એવી એની બનાવટ છે. કદાચ એટલે જ આ રસ્તાને ડેવિલ્સ સ્ટેરકેસ પણ કહે છે. આ રસ્તે ગાડી ચલાવવાની મજા પડી ગઈ. આગળની સીટ પરથી સપાટીનો ફરક ચોખ્ખો દેખાઈ રહ્યો હતો. ગાડી શાંતિથી ચલાવ્યે રાખી. બ્લૅક આઇસ મગજમાંથી ખસતો નહોતો, પરંતુ બધું બરાબર હતું. 4X4 અને એ પણ મર્સિડીઝ એટલે આમ તો નિરાંત હતી, પણ ઉચ્ચક જીવ ખરો. કોઈને મેં કહ્યું પણ નહોતું, કદાચ જરૂર પણ નહોતી. 

૧૧૦ કિલોમીટર પર પહેલો વિરામ નાનકડા સુંદર ગામ મોસબર્નમાં. શું સુંદર ગામ હતું! આ ગામનો વિકાસ જ અહીંથી પસાર થતા સહેલાણીઓને હિસાબે થયો છે. સુંદર, ચોખ્ખું, રળિયામણું. ઊડીને આંખે વળગે એવા આ ગામમાં ઈંધણ પુરાવ્યું. અડધોએક કલાક ગાળીને આગળ વધ્યાં. આગલો પડાવ હતો ન્યુ ઝીલૅન્ડનું પ્રખ્યાત સરોવર ‘તે અનાઉ.’ અતિ વિશાળ આ સરોવર સવારના કુમળા પ્રકાશમાં અતિશય સુંદર લાગી રહ્યું હતું. અહીં પણ થોડો સમય ગાળ્યો. ક્વીન્સ ટાઉનથી તે અનાઉનું અંતર છે લગભગ ૧૭૦ કિલોમીટર. આ સાઉથ આઇલૅન્ડનું મોટામાં મોટું સરોવર છે અને ન્યુ ઝીલૅન્ડનું બીજા નંબરનું સરોવર. પહેલા નંબરે આવે છે લેક ટાઉપો. એની વાત પણ આગળ જતાં આવશે. અત્યારે થોડું તે અનાઉ લેક વિશે. અહીં ઘણા સાહસિકો, મિલફર્ડ જતાં પહેલાં રાત્રિરોકાણ કરે છે, કારણ કે અહીં ઘણી પ્રવૃત્તિઓ થતી રહે છે. આ સરોવરમાં તમે બોટિંગ, કયાકિંગ, કેનુઇંગ જેવી અનેક પ્રવૃત્તિઓ કરી શકો છો. વળી આ લેકથી જ પ્રસિદ્ધ મિલફર્ડ ટ્રૅકની શરૂઆત પણ થાય છે. ત્રણથી ચાર દિવસમાં લગભગ ૧૨૦ કિલોમીટર દૂર આવેલા મિલફર્ડ સુધી પહોંચાડતો આ ટ્રૅક સાહસિકોમાં અત્યંત પ્રિય છે. ખૂબ સલામત અને ઝીણવટપૂર્વકનાં દિશાસૂચનો, સાઇનબોર્ડ્સ તમને ભુલા પડવા દેતાં નથી. આ ટ્રૅકનો લહાવો લેવો એ એક અલૌકિક અનુભવ છે એની તો સરોવર અને આજુબાજુનો વિસ્તાર જોઈને જ ખબર પડી ગઈ. થોડું રોકાયા અને આગળ નીકળ્યાં. 

હવે આ ૧૨૦ કિલોમીટર ખૂબ મહત્ત્વનાં છે. અહીંથી ૩૫ કિલોમીટરનો રસ્તો, જે તે અનાઉ ડાઉન તરીકે ઓળખાય છે અને એ સતત સરોવરની સમાંતર છે. અહીં તથા આગળ જતાં છેક મિલફર્ડ સુધી પૂરેપૂરું ધ્યાન રાખવું જરૂરી છે. રસ્તા એટલા સુંદર છે કે ગાડી ભગાવવાની લાલચને વશમાં રાખવી, સતત ભયની લાગણી મગજમાં રાખવી જરૂરી છે. તે અનાઉ ડાઉન વટાવ્યા પછી શરૂ થઈ એકલિંગટન વૅલી. હવે જંગલ શરૂ થાય છે. જંગલોની વનરાજી અને વૃક્ષોની ઘટાઓને હિસાબે સૂર્યપ્રકાશ રસ્તા પર પહોંચતો જ નથી એટલે ખાસ ધ્યાન રાખવું. બ્લૅક આઇસ તો નજરે ચડે જ નહીં એટલે ગાડી ધીમી જ ચલાવવી, જેથી ચલાવતી વખતે બરફની પાતળી પરત ગાડીના વજનને હિસાબે તૂટતી જાય અને તમે અને ગાડી બન્ને સલામત રહો. જેવાં જંગલો વટાવો કે બન્ને તરફ જોતા રહેવું. એક થોડો ખુલ્લો વિસ્તાર આવશે અને થોડું આગળ વધશો કે મિરર લેક્સનું પાટિયું નજરે ચડશે. ગાડીઓ પણ પાર્ક થયેલી જોવા મળશે. 
ગાડી ઊભી રાખી દો અને ઊતરી પડો. અંદર દોરી જતા રસ્તા પર ચાલી નીકળો. થોડુંક જ અંતર વટાવતાં... આહાહા! કુદરત બે ગણી વધુ મહેરબાન. નજર સામે એકદમ સ્થિર પાણી અને સામે દેખાતી વનરાજી, અર્લની પર્વતમાળા અને એનું પ્રતિબિંબ. જો આકાશમાં વાદળ હોય તો વધારે જલસો. પ્રતિબિંબ પણ વધારે નીખરી ઊઠે. માનવમનનું પણ શું આવું નથી? સ્થિર મન હોય એનાથી વધુ શું જોઈએ? આત્માનું પ્રતિબિંબ ચોખ્ખું દેખાઈ જ આવે. ઘણા ફોટો પાડ્યા. પાણી એટલું સ્થિર હતું કે ફોટો જો ઊલટાવી નાખો તો પણ ખબર ન પડે. આ સુંદર વિરામ પગ છૂટો કરવાનો એક સારો વિકલ્પ છે. પાછા ગાડીમાં ગોઠવાયાં અને આગળ વધ્યાં. 

હવે શરૂ થયું ચડાણ. થોડો ટ્રાફિક પણ હતો. સામે જ હિમાચ્છાદિત પર્વત દેખાઈ રહ્યા હતા. ઘાટ હતો. આમ તો સલામત અંતર હતું, પરંતુ આગળની ગાડી ધીમી પડતાં જ મેં બ્રેક દબાવી. કોઈ અસર નહીં. લિવર છોડ્યું, ફરી દબાવ્યું અને આ વખતે અસર થઈ. ગાડી અટકી, પરંતુ સમજાઈ ગયું કે નીચે બ્લૅક આઇસની જાડી પરત છે. આગળની ગાડી પણ સરકી રહી હતી. પાછળનો ભાગ નાચી રહ્યો હતો. રસ્તો જુઓ. ખબર જ ન પડે, કાળો ભમ્મર. ઊંડો શ્વાસ. ગાડી ધીમા વેગે આગળ વધારી. પાછળની ગાડીવાળો કદાચ ઉતાવળો હતો. એકાદ વખત હૉર્ન વગાડ્યું, ત્રણ દિવસનો પહેલો હૉર્ન, પરંતુ સાવચેતીમાં કોઈ સમાધાન નહીં. આરામથી કદાચ ૧૦ કિલોમીટરની ઝડપે ગાડી ચાલી રહી હતી. એક ડાબો વળાંક આવ્યો અને માનશો? આગળની ગાડીનાં પાછલાં પૈડાં સરક્યાં. ડ્રાઇવર કદાચ બિનઅનુભવી હતો એટલે રઘવાટમાં એક્સલરેટર જોરથી દબાઈ ગયું. ગાડી વધારે સરકી અને આખેઆખી ફરી ગઈ, પણ ફરીને અટકી ખરી. રસ્તાની પકડ મળી ગઈ. તરત જ આજુબાજુથી સલામતી કર્મચારીઓ આવી ગયા. કદાચ અહીં આવું થતું રહેતું હશે એટલે આ કર્મચારીઓની હાજરી હતી. પાંચથી સાત જણે ગાડીનો પાછલો ભાગ સરખાવીને દિશા ફેરવી નાખી, ખૂબ આસાનીથી. અમે બધાં હસી પડ્યાં. મારી તંગ નસો ઢીલી થઈ ગઈ. 

આમ જ સરકતાં-સરકતાં, ગાડીને નચાવતાં-નચાવતાં અમે પ્રવેશ્યાં હોમર ટનલમાં. દોઢ કિલોમીટર લાંબું આ બોગદું માનવીય કૌશલનો ઉત્તમ નમૂનો છે. અહીં તો રસ્તો વધારે સરકણો હતો, પરંતુ હવે ફાવટ આવી ગઈ હતી. ૧૦થી ૧૫ કિલોમીટરની ઝડપે આવી ભારેખમ વૅન હંકારો તો વાંધો આવતો નથી. હોમર ટનલ વટાવી અમે બહાર નીકળ્યાં. તાસમાન સમુદ્રથી તો મિલફર્ડ જવું ખૂબ આસાન છે, પરંતુ જમીન રસ્તે અહીં પહોંચવા માટે એક પર્વતમાળા નડતી હતી, એ છેક ઈસવી સન ૧૮૮૯માં વિલિયમ હેન્રી હોમર નામના સાહસિકે ખોળી કાઢ્યું હતું અને આ પર્વતમાળાને વટાવવા બોગદું બનાવવાનું સૂચન આપ્યું હતું. આ પર્વતમાળા હોમર સેડલ તરીકે ઓળખાય છે અને આ બોગદું ખોદવાનું કામ છેક ઈસવી સન ૧૯૩૫માં ચાલુ થયું અને ઈસવી સન ૧૯૫૩માં સમાપ્ત. ટનલ કાર્યરત થઈ. ૬૫ વર્ષ પહેલાં આ સૂચન આપનાર શ્રીમાન હોમરના નામ પરથી બોગદાને નામ આપ્યું હોમર ટનલ. અતિવિષમ ભૌગોલિક પ્રદેશમાં બંધાયેલી આ ટનલે મિલફર્ડ જવા માટેનો રસ્તો ખોલી નાખ્યો. ખરા અર્થમાં, ખૂલ જા સીમ સીમ! વિશ્વ માટે જાણે કોઈ જાદુઈ દાબડો ખૂલી ગયો. કુદરતી સંપદાઓથી લચી પડેલા આ પ્રદેશનું અલૌકિક સૌંદર્ય માણવાની તક કોણ છોડે? કુદરતને આધીન, શરણાગતિ સ્વીકારીને મેળવેલી વધુ એક સિદ્ધિ. ખપ પૂરતો ઉપયોગ. આ સિદ્ધાંતને વિકસિત દેશે પણ સફળતાપૂર્વક અમલમાં મૂક્યો. ૭૦ વર્ષથી કાર્યરત આ ટનલનો મૂળભૂત ઢાંચો એમને એમ જ છે. થોડા ઘણા ઇજનેરી ફેરફારને બાદ કરતાં કોઈ મોટો ફેરફાર નહીં અને કોશિશ પણ નહીં. કુદરતી પરિબળોનો સ્વીકાર, મા પ્રકૃતિનો જયકાર. શ્રી કુદરત શરણમ્ મમ... પ્રવાસ આગળ વધારીશું આવતા અઠવાડિયે.

columnists gujarati mid-day sunday mid-day