15 December, 2019 05:20 PM IST | Mumbai Desk | hitan anandpara
થોડા સમય પહેલાં લોકમિલાપ પ્રકાશન બંધ થયું અને હવે ગુજરાતી પ્રકાશન વિશ્વને એક નવી જ ઇમેજ આપનાર સુરેશ દલાલ દ્વારા શરૂ થયેલા ઇમેજ પ્રકાશને પણ મુંબઈની ઑફિસ સમેટી લીધી છે ત્યારે આ સવાલ થવો સ્વાભાવિક છે. ગુજરાતી ભાષાને અને એના સાહિત્યને જીવંત રાખવા માટે મથતા પુસ્તક-પ્રકાશકોને કેવી-કેવી વિટંબણાનો સામનો કરવો પડી રહ્યો છે એ જાણીએ...
બંધ બારી-બારણે બેઠા હતા
કે અનોખા તારણે બેઠા હતા
ના કદી જેનું નિવારણ થૈ શક્યું
એક એવા કારણે બેઠા હતા
ફિલિપ ક્લાર્કની આ પંક્તિઓ સાથે પ્રકાશન-વ્યવસાયમાં ઉદ્ભવેલી સમસ્યાઓના કારણ-નિવારણ વિશે ગંભીર રીતે વિચારવું પડે એવી નોબત આવી છે.
ગુજરાતી પુસ્તકોની દુનિયા શું ધીમે-ધીમે સમેટાઈ રહી છે? જો હાલની પરિસ્થિતિનો અભ્યાસ કરીએ તો આનો જવાબ ‘હા’ જ આવે.
ગુજરાતમાં ક્રૉસવર્ડની ત્રણ બ્રાન્ચ બંધ થઈ ગઈ. ભુજમાં અક્ષરભારતી સંસ્થા બંધ થઈ ગઈ. અમદાવાદમાં લક્ષ્મી પુસ્તક ભંડારે વ્યવસાય સંકેલી લીધો. ગુજરાતી પ્રકાશન ક્ષેત્રે ક્રાન્તિ કરનાર ઇમેજ પબ્લિકેશન્સે પોતાની મુંબઈની ઑફિસ સમેટી લીધી. સુમન પ્રકાશન પણ આ જ માર્ગે છે. લોકમિલાપ ટ્રસ્ટની પ્રકાશન પ્રવૃત્તિ જાન્યુઆરીમાં બંધ થવાની જાહેરાત થઈ ગઈ છે.
આવનારાં વર્ષોમાં આ યાદીમાં અનેક નામ ઉમેરાશે. ઑટોમોબાઇલ ક્ષેત્રની જેમ ગુજરાતી પ્રકાશન ક્ષેત્રે પંક્ચર પડી ચૂક્યું છે. આવી પરિસ્થિતિમાં મુંબઈ-અમદાવાદમાં કાર્યરત વિવિધ પ્રકાશકોનાં મંતવ્ય જાણીને પરિસ્થિતિનો તાગ મેળવીએ.
પુસ્તકના વેચાણ કરતાં ઑફિસનો ખર્ચ વધુ - નવીનભાઈ દવે (ઇમેજ પબ્લિકેશન્સ)
સાહિત્યના પ્રચાર-પ્રસાર માટે ઇમેજ પબ્લિકેશન્સની શરૂઆત ૧૯૯૫માં કરવામાં આવી હતી. ૬૦૦થી વધુ ગુણવત્તાસભર પ્રકાશનો, ૩૫૦થી વધુ સાહિત્યિક કાર્યક્રમો કર્યા પછી આજની પરિસ્થિતિ સ્વીકાર્યા સિવાય છૂટકો નથી. કેટલાયે પ્રકાશકો માટે ટકવું અઘરું બન્યું છે, કારણ કે પુસ્તકના વેચાણની રકમ કરતાં ઑફિસ ચલાવવાનો ખર્ચો વધી જાય છે.
હાલના સંજોગોને ધ્યાનમાં રાખીને અમે ઇમેજની પ્રવૃત્તિને સીમિત કરીને રિવાઇવ કરવાની પ્રક્રિયામાં છીએ જેનાં પરિણામ એકાદ વર્ષમાં જોવા મળશે. મર્યાદિત સંખ્યામાં પ્રકાશનો કરી, સાંસ્કૃતિક કાર્યક્રમો પર વધુ ધ્યાન આપી સાહિત્યને લોકો સુધી લઈ જવાનો પ્રયાસ કરીશું. ટૂંક સમયમાં જ અમે ‘સુરેશ દલાલ - ઉત્પલ ભાયાણી સ્મૃતિ શ્રેણી’ શરૂ કરી રહ્યા છીએ જે અંતર્ગત વિવિધ સાહિત્યિક બેઠકોનું આયોજન થશે.
ટેક્નૉલૉજી અને મીડિયાને કારણે ઓછા થતા જતા વાચનના માહોલમાં કવિ સુરેશ દલાલે સ્થાપેલી પરંપરાને વાસ્તવિકતા સાથે તાલમેલ સાધી, હિતેચ્છુઓ-મિત્રોના સહકારથી જીવંત રાખવાનો અમારો નિર્ધાર છે.
નવું પુસ્તક પ્રગટ થયાની માહિતી લોકો સુધી પહોંચતી નથી - ભગતભાઈ શેઠ (આર. આર. શેઠ ઍન્ડ કંપની)
ગુજરાતી પ્રકાશન ક્ષેત્રે સ્થિતિ ચિંતાજનક છે. પ્રકાશકોએ અને પ્રજાએ એનો ઉપાય વહેલોમોડો શોધવો પડશે.
આ પડકારને પહોંચી વળી શકાય પણ એ માટે લોકોની જરૂરિયાત, રસરુચિને ધ્યાનમાં રાખીને પ્રકાશન થવાં જોઈએ. પુસ્તક પ્રકાશનને સાહિત્ય સુધી જ સીમિત ન રાખી શકાય. એક ઉદાહરણ આપું તો રાજકોટમાં ૮ ડિસેમ્બરે હેમુ ગઢવી હૉલમાં ડૉ. રાજેશ તેલીનું ‘સંજીવની સ્પર્શ’ પુસ્તક પ્રગટ થયું. એની ૧૦૦૦ નકલ કાર્યક્રમમાં જ વેચાઈ ગઈ.
સાડાછ કરોડની વસ્તીના ૦.૧ ટકા લોકો સુધી પણ આપણે પહોંચી શકતા નથી. ઘણું કામ કરવાનું બાકી છે. ગુજરાતનાં દૈનિકો, માસિકો, સામયિકોમાં જોઈએ એટલો પુસ્તક-પરિચય પ્રગટ થતો નથી. નવું પુસ્તક પ્રગટ થયાની માહિતી લોકો સુધી પહોંચતી નથી. હવે ઑનલાઇન વેચાણની સિસ્ટમ વિસ્તારવી પડશે. પુસ્તકમેળા મોટો ભાગ ભજવી શકે. સુરતમાં આયોજિત પુસ્તકમેળો એની મિસાલ છે.
નવી પેઢીને ગુજરાતી વાંચતા નથી આવડતું - અશોક શાહ (નવભારત સાહિત્ય મંદિર)
મુંબઈ પૂરતી વાત કરું તો ગુજરાતી પુસ્તક પ્રકાશનનું ભવિષ્ય ધૂંધળું દેખાઈ રહ્યું છે. એનાં અનેક કારણો છે. સૌપ્રથમ તો નવી પેઢીને ગુજરાતી વાંચતાં જ નથી આવડતું. ગુજરાતી માધ્યમની જૂજ શાળાઓને બાદ કરતાં મોટા ભાગની બંધ થઈ ગઈ છે. એને કારણે વાંચન પણ બંધ થયું. આની સીધી અસર પુસ્તક પ્રકાશનના વ્યવસાય પર પડી.
મુંબઈની સરખામણીએ ગુજરાતમાં પુસ્તકોનું વાચન સારું છે. પુસ્તકના પ્રચાર માટે ગામેગામ પુસ્તકમેળા કરતા રહેવું જોઈએ. એ માટે દૈનિક છાપાંઓ અને સામયિકોનો સાથ-સહકાર ખૂબ જરૂરી બને છે.
સતત પુસ્તકમેળાનું આયોજન કરવું જરૂરી - હેમંત ઠક્કર (એન. એમ. ઠક્કર ઍન્ડ કંપની)
પુસ્તકોનું વેચાણ ઘટી રહ્યું છે. સિનિયર સિટિઝન પણ પુસ્તક ખરીદતાં પહેલાં વિચારે છે કે નવી પેઢી તો ગુજરાતી વાંચતી નથી, તો પુસ્તકો લઈને કરીશું શું?
ગુજરાત સરકાર લાઇબ્રેરી માટે પુસ્તકોની ખરીદી કરે છે, પણ આવી ખરીદી માટેની ગ્રાન્ટ ૨૫ વર્ષમાં વધારવામાં નથી આવી.
જે પ્રકાશકો ઓછા ખર્ચમાં કામ ચલાવી શકશે અને જેઓનો ડાટાબેઝ મોટો હશે તેઓ ટકી જશે. અત્યારે ઘણા પ્રકાશકો ધંધો ચાલુ રાખવા અડધી દુકાન કે ઑફિસની જગ્યા ભાડે આપીને બીજી આવક ઊભી કરી રહ્યા છે. મોટા માસિક ખર્ચ, સ્ટાફ રાખનાર પ્રકાશક માટે ટકી રહેવું અઘરું છે.
આ સંજાગોમાં ટકવા માટે નીવડેલો શ્રેષ્ઠ ઉપાય સતત પુસ્તકમેળાઓનું આયોજન કરતા રહેવાનો છે. ગુજરાતી દૈનિકો જો પોતે જ પુસ્તકપ્રસારની ઝુંબેશના ભાગરૂપે પુસ્તકમેળા કરે તો ખૂબ મોટું કામ આપણી ભાષા માટે થાય.
ઇમેજ પબ્લિકેશન્સ... ઊડતી નજરે
સુરેશ દલાલના પુસ્તકોના પૅશનને તેમના મિત્ર નવીનભાઈ દવેનું પીઠબળ મળ્યું, એમાં ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ ઉત્પલ ભાયાણીનું કમિટમેન્ટ ઉમેરાયું, સાથે અપૂર્વ આશરનું ગૌરવવંતું ગ્રાફિક્સ ભળ્યું ત્યારે ૧૯૯૫માં ઇમેજ પબ્લિકેશન્સનો પ્રારંભ થયો.
ઇમેજનું મોટું પ્રદાન ગણીએ તો ગુજરાતી પુસ્તકોના મુદ્રણ અને કવરપેજની દુનિયાને સૌંદર્યલક્ષી કલાત્મક સ્પર્શ મળ્યો. નજરને જોતાવેંત ગમી જાય એવાં રૂપકડાં પુસ્તકો બનવાનું શરૂ થયું. પુસ્તકાલયોને નવાં પુસ્તકોથી સમૃદ્ધ કર્યાં. વિવિધ વિષયોને લઈને થયેલાં સંપાદનોએ નવો જ ચીલો ચાતર્યો. એટલું જ નહીં, ઠેર-ઠેર પુસ્તક વિમોચનના કાર્યક્રમ યોજીને સાહિત્યને ઠાઠમાઠથી લોકો સુધી પહોંચાડ્યું.
સુરેશ દલાલની નિસબત-પ્રતિષ્ઠાને કારણે વિવિધ ક્ષેત્રની નામી વ્યક્તિઓએ ઇમેજના કાર્યક્રમમાં સ્ટેજ શોભાવ્યું છે. પાંડુરંગ શાસ્ત્રી દાદા, મનુભાઈ પંચોળી દર્શક, ફાધર વાલેસ, ગુણવંત શાહ, લાભશંકર ઠાકર, નિરંજન ભગત, કુન્દનિકા કાપડીઆ, માધવપ્રિયદાસ સ્વામી, મોરારિબાપુ, રમેશભાઈ ઓઝા, નરેન્દ્ર મોદી, હરિભાઈ કોઠારી, શાહબુદ્દીન રાઠોડ, ભિખુદાન ગઢવી, અમિતાભ બચ્ચન, જાવેદ અખ્તર, શબાના આઝમી, ભાવના સોમૈયા, ગુલઝાર, શેખર સેન, સંજના કપૂર, ફિરોઝ અબ્બાસ ખાન, તારક મહેતા, વિનોદ ભટ્ટ, રમેશ પારેખ, મનોજ ખંડેરિયા, પુરુષોત્તમ ઉપાધ્યાય, આશિત દેસાઈ, રૂપકુમાર રાઠોડ, પાર્થિવ ગોહિલ, ખલીલ ધનતેજવી... આ કેટલાંક એવાં નામો છે જેઓ ઇમેજના કાર્યક્રમમાં અતિથિવિશેષ તરીકે, લેખક તરીકે કે કલાકાર તરીકે ઉપસ્થિત રહ્યાં છે.
મુંબઈ, ગુજરાતનાં વિવિધ શહેરો, લંડન, એન્ટવર્પ, અમેરિકાનાં ૯ શહેરોમાં યોજાયેલા કાર્યક્રમોને કારણે ઇમેજની ઇમેજ વ્યાપક બની.
આ વ્યાપકતા તાત્પૂરતી કસોટીની એરણે ચડી છે. એમાંથી બહાર નીકળી નવી કાર્યપ્રણાલી સાથે રિવાઇવલ થવાની પ્રક્રિયા ઇમેજના સંચાલકોએ આરંભી દીધી છે. સુરેશ દલાલની પંક્તિ આ નિર્ધારમાં જોમ ઉમેરે છે...
મનને ખાલી કરું
તો મનની અમલપિયાલી ભરું
સ્મિત-આંસુને ઓળંગું તો
દરિયો આખો તરું