12 April, 2023 03:20 PM IST | Mumbai | Jigisha Jain
પ્રતીકાત્મક તસવીર
જ્યારે વ્યક્તિ વેન્ટિલેટર પર હોય અને ડૉક્ટર્સ જણાવે છે કે તેને બચાવી નહીં શકાય ત્યારે લાઇફ-સપોર્ટ હટાવવાનો નિર્ણય પરિવારજનોએ લેવાનો હોય છે. આ નિર્ણય નૈતિકતા અને સંવેદનશીલતાની દૃષ્ટિએ અત્યંત અઘરો નિર્ણય છે. પરિવારજનોને આવા યક્ષપ્રશ્નોનો સામનો કરતા બચાવવા માટે પણ દરેક વ્યક્તિએ પોતાનું લિવિંગ વિલ બનાવવું જોઈએ
શાહપરિવારના મુરબ્બી ભરતભાઈ કોવિડમાં ઘણા અસરગ્રસ્ત થયા હતા. ૧૫ દિવસ લગભગ હૉસ્પિટલમાં રહ્યા પછી ઘરે માંડ સજા થઈને પાછા ફર્યા. એ પછી તેમની તબિયત નરમ-ગરમ રહેતી જ હતી. ડાયાબિટીઝ, હાઇપરટેન્શન અને કિડનીની તકલીફની સાથે ફેફસાં પણ નબળાં પડી ગયાં હતાં. પણ દસ દિવસ પહેલાં તેમની તબિયત ફરી લથડી. ૪ દિવસ આઇસીયુમાં કાઢ્યા પછી ડૉક્ટરે લાઇફ-સપોર્ટ માટે તેમને વેન્ટિલેટર પર ખસેડ્યા. સમગ્ર પરિવાર દુખી હતો. બધા પડી ભાંગ્યા હતા. બીજી તરફ હૉસ્પિટલનું બિલ વધતું જતું હતું. વેન્ટિલેટર પર ૩ દિવસ રાખ્યા પછી ડૉક્ટરે કહી દીધેલું કે બચવાની કોઈ શક્યતા નથી. છતાં તમે નક્કી કરી શકો છો કે એમને વેન્ટિલેટર પર રાખવા કે નહીં. ભરતભાઈને આખો સમાજ સારી રીતે ઓળખતો હતો.
ઘણાં સગાં-સંબંધીઓએ કહ્યું કે બીજા ડૉક્ટરનો ઓપિનિયન લો એટલે બીજા બે ડૉક્ટરને બહારથી બોલાવ્યા અને તેમના મુજબ થોડા પ્રયાસો વધુ થયા અને આમને આમ બીજા ૪ દિવસ નીકળી ગયા. ૭ દિવસથી ભરતભાઈ વેન્ટિલેટર પર છે. દરરોજ ૨૦-૩૦ લોકો તેમની મુલાકાતે આવે છે. તેમના સોશ્યલ સર્કલના લોકો અને કેટલાંક નજીકનાં સગાંવહાલાં કહે છે કે ભગવાન પર શ્રદ્ધા રાખો. રિકવરી થશે. ભરતભાઈ સજા થઈ જશે. આશા છોડશો નહીં. ભરતભાઈના બંને દીકરાઓ કશું બોલતા નથી પરંતુ તેમણે અત્યંત અઘરું સત્ય ક્યાંક ને ક્યાંક સ્વીકારી લીધું છે કે પપ્પા હવે નહીં બચે. ઘરની દરેક વ્યક્તિ તેમની સદ્ગતિ જ ઇચ્છતી હતી. ભરતભાઈનાં પત્ની તેમને આટલી તકલીફમાં જોઈ નથી શકતાં અને કહે છે કે તેમને મુક્તિ મળવી જોઈએ. પણ કોણ એ નિર્ણય લે કે ભરતભાઈને હવે વેન્ટિલેટર પરથી ઉતારી મૂકો? તેમનો લાઇફ-સપોર્ટ છીનવી લો. એક વડીલે આવીને કહ્યું કે બેટા, જો તું કાગળિયાં પર સાઇન કરે તો આડકતરી રીતે તો એવું થયું કે તેં તારા બાપનો જીવ લીધો. તને આ પાપ બહુ નડશે એટલું જ નહીં, પપ્પાના મિત્રો તો અંદર-અંદર એ જ વાતો કરતા હતા કે હૉસ્પિટલનું બિલ ન ભરવું પડે એટલે લાઇફ-સપોર્ટ હટાવવાની વાત ચાલી રહી છે. વૃદ્ધો પાછળ કોઈ ખર્ચા કરવા નથી માગતું. આ બધી વાતોમાં દીકરાઓને દુઃખ તો ભારે થયું પણ મુસીબત એ હતી કે નિર્ણય લેવો કઈ રીતે? વેન્ટિલેટર હટાવે તો પણ સમાજમાં વાતો થાય અને ન હટાવે તો આમને આમ ક્યાં સુધી રહેવા દેવું? આ યક્ષપ્રશ્નનો સામનો શાહપરિવાર કરી રહ્યો છે એવું નથી, ઘણાબધા પરિવારોને આ તકલીફ થાય છે.
યક્ષપ્રશ્ન
વેન્ટિલેટર જેવો લાઇફ-સપોર્ટ એક એવી સિસ્ટમ છે જે કોઈ જ ચારો ન બચ્યો હોય ત્યારે દરદીના જીવનમાં આવે છે. આ લાઇફ-સપોર્ટ પર ગયા પછી કેટલાક ખરેખર નસીબદાર લોકો હોય છે જે જીવન તરફ પાછા ફરે છે. બાકી મોટા ભાગના લોકોના પરિવારે આ અતિ અઘરો સમજી શકાય એવો નિર્ણય લેવો જ પડે છે કે તેમના આપ્તજનને વેન્ટિલેટર પર રાખવા છે કે કાઢી લઈએ? મેડિકલ પ્રોફેશનલ ડૉક્ટર્સ આપણને એ જણાવી શકે છે કે દરદીના ઠીક થવાની કોઈ શક્યતા બચી છે કે નહીં પણ તેઓ એ નિર્ણય લેતા નથી કે હવે દરદીને વેન્ટિલેટર પરથી કાઢી નાખો. મોટા ભાગે ડૉક્ટર્સ ઘરના લોકોને પરિસ્થિતિ સમજાવી દે પણ નિર્ણય ઘરનાએ લેવાનો હોય છે. આજની તારીખે ગમે તેટલા પ્રૅક્ટિકલ હોય લોકો છતાં આ નિર્ણય તેમને અઘરો તો પડે જ છે. સમાજમાં ઘણા એવા પણ કિસ્સાઓ છે જેમાં બાળકોએ આવા નિર્ણયો લીધા હોય અને એ પછી જીવનભર એ ખુદ અપરાધભાવ અનુભવતા હોય કે મેં મારાં માતા કે પિતાને જવા દીધા. ઘણા લોકો ડિપ્રેશનનો શિકાર પણ બનતા જ હોય છે. પરંતુ આ પરિસ્થિતિને ટાળવા માટે શું કંઈ થઈ શકે?
અપરાધભાવ
આના વિશે જણાવતાં ફાઇનૅન્શિયલ એજ્યુકેટર પ્રિયંકા આચાર્ય કહે છે, ‘આ બાબતે એક વસ્તુ સ્પષ્ટ છે કે કોઈ પણ વ્યક્તિએ પોતાના આપ્તજનોને આ પ્રકારનું ટેન્શન ન આપવું જોઈએ. જીવનથી વિદાય લેતી વખતે આપણે પોતાના પરિવારના લોકોને આટલી મોટી વિટંબણામાં નાખવા ન હોય તો મેડિકલ વિલ કે લિવિંગ વિલ બનાવવું જરૂરી છે જેમાં એ લખીને જઈ શકાય કે જીવનમાં જો આવી કોઈ પરિસ્થિતિ આવી તો મારી ઇચ્છા એ છે કે મને વેન્ટિલેટર પર લાંબો સમય રાખવો નહીં. ડૉક્ટરના મત મુજબ જો તબિયત સારી ન થઈ શકે એમ હોય તો હું મારા પરિવારના લોકોને મારી સંમતિ આપું છું કે તેમણે મને વેન્ટિલેટર પરથી ઉતારી લેવો. જ્યારે આ પ્રકારનું લખાણ પરિવારજનો પાસે હોય તો એ નિર્ણય તમારો ખુદનો છે એટલે પરિવારને એ અપરાધભાવ થશે નહીં કે અમે કંઈ ખોટું કર્યું અને સમાજ કે સગાંસંબંધી પણ એમને દોષી માનશે નહીં.’
આ પણ વાંચો : આજના જટિલ રોગો પર અસરદાર છે હોમિયોપથી
ઇચ્છામૃત્યુ
મેડિકલ વિલ જેવો કન્સેપ્ટ યુથેનેશિયા એટલે કે ઇચ્છામૃત્યુમાંથી આવ્યો છે એમ સમજાવતાં પ્રિયંકા આચાર્ય કહે છે, ‘ઇચ્છામૃત્યુના બે પ્રકાર છે. એક ઍક્ટિવ અને બીજો પૅસિવ. ઍક્ટિવ યુથેનેશિયા ભારતમાં લીગલ નથી. એટલે કે વ્યક્તિ જીવિત હોય અને તે કોઈ મેડિકલ કન્ડિશન કે અસહ્ય વેદનાથી બચવા માટે મૃત્યુની અરજી કરે તો એ અહીં સ્વીકાર્ય નથી હોતી. પરંતુ પૅસિવ યુથેનેશિયા અહીં લીગલ છે. એટલે કે વ્યક્તિ જ્યારે લાઇફ-સપોર્ટ પર હોય અને ડૉક્ટર્સ જવાબ આપી દે પછી તેને વેન્ટિલેટર પરથી કાઢી શકાય છે. એની પરવાનગી એ વ્યક્તિ ખુદ ન આપી શકે તો તેણે એ વિલ બનાવવાનું અને પરવાનગી લખી આપવાની.’
કઈ રીતે બને?
કોઈ વ્યક્તિએ મેડિકલ વિલ બનાવવું હોય તો શું કરવાનું? આ પ્રશ્નનો જવાબ આપતાં બૉમ્બે હાઈ કોર્ટના ઍડ્વોકેટ દેવુલ દીઘે કહે છે, ‘સુપ્રીમ કોર્ટની પરવાનગીથી કોઈ પણ વ્યક્તિ આ લિવિંગ વિલ બનાવી શકે છે. શરત એ છે કે એ સંપૂર્ણ રીતે સભાન અવસ્થામાં હોય. એ વિલ સાથે બે સાક્ષીઓ પણ જોઈએ અને જુડિશ્યલ મૅજિસ્ટ્રેટના હસ્તાક્ષર સાથે આ વિલ તૈયાર થાય છે. કાયદા મુજબ જો વ્યક્તિ વેજિટેબલ સ્ટેટ એટલે કે કોઈ પણ રીતે સક્ષમ ન હોય અને એના સાજા થવાની કોઈ શક્યતા ન હોય ત્યારે બે જુદા-જુદા ડૉક્ટરની સલાહ મુજબ એનો લાઇફ-સપોર્ટ હટાવીને એને મૃત્યુ પ્રદાન કરી શકાય છે. મોટા ભાગે ડૉક્ટરો આ નિર્ણય લેતા નથી. પરિવારજનોએ જ આ નિર્ણય લેવો પડે છે. પ્રૅક્ટિકલી જોઈએ તો કોઈ પણ કાળે જો વ્યક્તિ સાજી થાય જ નહીં તો એક સમયે તો તમને એ વેન્ટિલેટર પરથી કાઢી લેવાના છે પણ જો તમે આ નિર્ણય લખીને જાઓ તો પરિવારજનો માટે આ પ્રોસેસ સરળ થઈ જાય. આ વિલ બીજા કોઈ માટે નહીં પરંતુ ખુદના પરિવાર માટે લોકોએ બનાવવું જોઈએ.
મેડિકલ વિલ કહો કે લિવિંગ વિલ, એ બહારના દેશોમાં ઘણો પ્રચલિત કન્સેપ્ટ છે. આપણા દેશમાં લોકો પ્રૉપર્ટી વિલ પણ નથી બનાવતા ત્યાં મેડિકલ વિલ બનાવે એવી અપેક્ષા અઘરી છે. હકીકત એ છે કે વિલ હંમેશાં વ્યક્તિની પરિસ્થિતિ મરણ સુધી પહોંચી જાય કે પછી મૃત્યુ પણ થઈ જાય તો પાછળ જીવિત રહેનારા લોકોની સુવિધા માટે અનિવાર્ય પ્રોસેસ છે. એ કરવી જોઈએ.
જીવનથી વિદાય લેતી વખતે પોતાના પરિવારના લોકોને મોટી વિટંબણામાં નાખવા ન હોય તો મેડિકલ વિલ કે લિવિંગ વિલ બનાવવું જરૂરી છે. - પ્રિયંકા આચાર્ય