‌...અને હું કૅન્સર સામેનું યુદ્ધ જીતી ગઈ

21 November, 2024 07:45 AM IST  |  Mumbai | Rajul Bhanushali

સૌથી પહેલાં તો મારા માટે એ ઍક્સેપ્ટ કરવું ડિફિકલ્ટ હતું કે મને કૅન્સર થયું છે

કૅન્સરના અનુભવ ઉપરાંત કલ્પનાબહેને લઘુવાર્તા, નવલકથા, શહાદત અને ચરિત્રકથાઓ તેમ જ માહિતીપ્રદ સાહિત્યનાં ૩૪ પુસ્તકો લખ્યાં છે.

મલાડમાં રહેતાં ૭૪ વર્ષનાં કલ્પના દવેએ પોતાની કૅન્સરની સફરને શબ્દોમાં વ્યક્ત કરીને એક પુસ્તક લખ્યું છે, ‘ન્યુ લાઇફ ન્યુ વિઝન’. કૅન્સરનું નિદાન થયાથી લઈને એની સારવાર દરમ્યાન તેમણે જે મનોમંથન કર્યાં અને સાજા થયા પછી નવા દૃષ્ટિકોણ સાથેની જિંદગી જીવી રહ્યાં છે એનો નિચોડ આ પુસ્તકમાં છે

જ્યારે મને ખબર પડી કે મને કૅન્સર જેવી ગંભીર બીમારી થઈ છે ત્યારે પહેલાં તો મારા પગ તળેથી ધરતી સરકી ગઈ. હું અંદરથી હચમચી ગયેલી.’ મલાડમાં રહેતાં ૭૪ વર્ષનાં કલ્પના દવે પોતાને કૅન્સર થયું એ પળને યાદ કરતાં કહે છે. કૅન્સર ભલે હવે ક્યૉરેબલ રોગ થઈ ગયો છે, પરંતુ એની સારવાર દરમ્યાન નજર સામે ઊભેલા મોતને માત આપવાની જે પ્રક્રિયા છે એ ભલભલાની હિંમત તોડી નાખે.

૨૦૨૧માં કલ્પનાબહેનને બ્રેસ્ટ-કૅન્સર ડિટેક્ટ થયું. એ સમયને યાદ કરીને કલ્પનાબહેન કહે છે, ‘સૌથી પહેલાં તો મારા માટે એ ઍક્સેપ્ટ કરવું ડિફિકલ્ટ હતું કે મને કૅન્સર થયું છે. કૉલેજમાં ટ્રેઇનિંગ આપવામાં આવતી કે બ્રેસ્ટ-કૅન્સર છે કે નહીં એ જાતે જ કઈ રીતે ચેક કરવું. મને થોડાક દિવસથી બ્રેસ્ટ પાસે પેઇન ફીલ થઈ રહ્યું હતું ને લાગી રહ્યું હતું કે કંઈક સિરિયસ છે. મેં ઘરમાં વાત કરી. અમે તરત જ ચેકઅપ માટે ગયા. ડૉક્ટરે ટેસ્ટ સૂચવી જે પૉઝિટિવ આવી. પછી તો મુંબઈના બેસ્ટ ડૉક્ટરની ટ્રીટમેન્ટ ચાલુ થઈ. મહત્ત્વની વાત એ હતી કે વહેલા ખબર પડી અને સમયસર ટ્રીટમેન્ટ શરૂ થઈ શકી.’

હાલમાં નિવૃત્ત કલ્પનાબહેન વ્યવસાયે પ્રોફેસર હતાં. ૨૦૧૦માં નિવૃત્ત થયા પછી તેમણે સાહિત્યના રસને કેળવવાનું શરૂ કરેલું. પોતાની વાત આગળ વધારતાં તેઓ કહે છે, ‘નિવૃત્ત થયા પછી હું ખુશ હતી કે સાહિત્યિક પ્રવૃત્તિ માટે ઘણોબધો સમય મળશે. દસેક વર્ષ સુધી ખૂબ વાંચ્યું, ખૂબ લખ્યું. પરંતુ વચ્ચે આ કૅન્સર આવી પડ્યું અને જીવનને જાણે થાક લાગી ગયો. શરૂઆતમાં ચેકઅપ થયું, દવાઓ શરૂ થઈ. ડૉક્ટર પાસે જઈએ, આવીએ. પછી કીમોથેરપી ચાલુ થઈ અને અત્યંત અઘરો તબક્કો શરૂ થયો. કીમોથેરપી બહુ જ ડિફિકલ્ટ ટ્રીટમેન્ટ છે. એમાં ફિઝિકલી તો નિચોવાઈ જઈએ જ પરંતુ મેન્ટલી પણ ડિસ્ટર્બ થઈ જઈએ. મારા માથાના વાળના ગુચ્છા ઊતરવા લાગ્યા. બે જ દિવસમાં તો બધા જ વાળ ખરી પડ્યા. બહુ જ શૉકિંગ હતું આ બધું. સ્વીકાર કરતાં જ પહેલાં તો બહુ વાર લાગી. હું મારી વહુ પાયલના ખભા પર માથું મૂકીને રડી પડી. તેણે મને ખૂબ સધિયારો આપ્યો. તે વિગ લઈ આવી. પરંતુ હું ધીમે-ધીમે સ્વસ્થ થઈ અને નક્કી કર્યું કે વિગ નહીં પહેરું. આઇ હૅવ ટુ ઍક્સેપ્ટ ધ સિચુએશન. દીકરો એક ખૂબ સુંદર એમ્બ્રૉઇડરીવાળી કૅપ લઈ આવ્યો. મેં એ કૅપ પહેરી પણ વિગ તો ન જ પહેરી. જ્યારે-જ્યારે ટ્રીટમેન્ટમાં એવા વળાંકો આવે કે સાવ જ ભાંગી પડાય ત્યારે દીકરા, વહુ અને હસબન્ડનો ખૂબ સપોર્ટ મળ્યો. એ સમય કોરોનાનો હતો. સેકન્ડ વેવ ચરમ પર ચાલી રહી હતી. ટ્રીટમેન્ટ માટે જઈએ એટલે આખી કિટ પહેરવી પડે જે દીકરો પહેરાવે. રિકવર સરસ રીતે થવા લાગ્યું. ડૉક્ટર્સ કહેતા કે તમે એ બધું જ ફરીથી કરી શકશો જે પહેલાં કરતાં હતાં. છેલ્લી ત્રણ કીમોથેરપી બાકી હતી ત્યારે હાથમાં સોજા આવી ગયા અને આખો હાથ લાલ લાલ થઈ ગયો. એ કીમોની સાઈડ ઇફેક્ટ હતી. એને લિમ્ફોડેમા કહેવાય. એની પણ આકરી ટ્રીટમેન્ટ લીધી. ને આખરે એ અઘરો સમય પણ પૂરો થઈ ગયો. હું કૅન્સર સામેનું યુદ્ધ જીતી ગઈ.’

અનુભવનું પુસ્તક

કૅન્સર સામેના પોતાના આ યુદ્ધમાં અનેક ઉતાર-ચડાવ આવ્યા. ક્યારેક લાગ્યું કે હવે નહીં જ જિરવાય, પણ એમ છતાં કયા વિચારોએ તેમને ટકાવી રાખ્યાં એના અનુભવનું કલ્પનાબહેને પુસ્તક લખ્યું છે. તેમનાં ટોટલ પાંત્રીસ પુસ્તકો પ્રકાશિત થયાં છે. તેઓ કહે છે, ‘‘ન્યુ લાઇફ ન્યુ વિઝન’ નામે મારું પુસ્તક ગુજરાતી અને અંગ્રેજી એમ બેઉ ભાષામાં પ્રકાશિત થયું છે જેમાં મેં મારી કૅન્સરની જર્નીનું નિરૂપણ કર્યું છે. ટ્રીટમેન્ટ દરમિયાન હું વિચારતી કે શું કરવું. કોરોનાને કારણે બધી જ પ્રવૃત્તિઓ ઠપ્પ હતી. એ સમયમાં જ ઑનલાઇન કાર્યક્રમ ચાલુ થયા. પછી કલ્ચરલ પ્રોગ્રામો પણ ચાલુ થયા. હું એમાં જતી થઈ અને ખુશ રહેવાનો પ્રયત્ન કરવા લાગી. ધીમે-ધીમે કૉન્ફિડન્સ પાછો આવ્યો. જનસેવા સમિતિએ હાથ ધાર્યો અને ચક્ર ફરી ચાલવા માંડ્યું. લેખિની સંસ્થાની મીટિંગોમાં હું રેગ્યુલરલી જવા લાગી. મારી ટ્રીટમેન્ટ ચાલુ હતી ત્યારથી મેં એ અનુભવની નોંધ રાખી હતી. સંપૂર્ણપણે સાજા થયા બાદ મેં એ અનુભવોને ફાઇનલ ઓપ આપ્યો. આર. આર. શેઠે એનું પુસ્તક કર્યું છે. આ બીમારી બહુ જ ખતરનાક છે. ભગવાન કરે કદી કોઈને ન થાય પરંતુ સમજો કોઈને થાય તો એનો હિંમતથી સામનો કરવો. હારી ન જશો. પૉઝિટિવ રહેશો તો દવા વધુ સારી રીતે અસર કરશે. કોઈ એક જણને પણ મારા આ પુસ્તકથી હિંમત મળશે તો મારું લખ્યું સાર્થક ગણાશે.’

 

columnists gujarati mid-day gujarati community news gujaratis of mumbai cancer