બસ્સો વર્ષની નિરાંત અને એ પછી ઔરંગઝેબ દ્વારા ફરી હુમલો

14 May, 2023 03:12 PM IST  |  Mumbai | Chandrakant Sompura

ઔરંગઝેબ સુધી સોમનાથ મંદિરની ખ્યાતિ પહોંચી અને તેના પેટમાં ઝાળ લાગી કે મુસ્લિમો કેવી રીતે મંદિરમાં આસ્થા ધરાવે છે. બસ, આટલીઅમસ્તી વાતમાં તેણે મંદિર પર હુમલો કર્યો અને મંદિર ફરી વેરાન થઈ ગયું

ઔરંગઝેબ

ગયા રવિવારે કહ્યું એમ, અકબર પાસેથી સોમનાથ મંદિર પાછું મળ્યા પછી પણ એક વર્ગ એવો હતો જેને મનમાં અફસોસ હતો કે મુસ્લિમ રાજાની મહેરબાનીથી મંદિર મળ્યું, પણ પોતે કોઈ મહેરબાની કરી નથી એ પુરવાર કરવા અકબર પોતે ખાસ સોમનાથ આવ્યા અને તેમણે મહાદેવનાં દર્શન કર્યાં હતાં. દર્શન માટે આવીને અકબર રાજાએ માનતા પણ રાખી હતી કે તેના શાસનમાં કોઈ ગદ્દાર ન થાય અને એવું જ થયું. રાજા અકબરે પૂરેપૂરી રીતે શાસન કર્યું અને તેમની સામે કોઈ ગદ્દાર એવો ન આવ્યો જેણે ગદ્દારી કરીને જીત મેળવી હોય.

અકબરે મંદિર પાછું કર્યું એ પછી કોઈએ ફરી સોમનાથ મહાદેવ મંદિર તરફ જોયું નહીં અને મંદિરનું વિકાસકાર્ય પણ આગળ વધતું રહ્યું, જે છેક ૨૦૦ વર્ષ સુધી અકબંધ રહ્યું. આ ૨૦૦ વર્ષ દરમ્યાન સોમનાથ મહાદેવના મંદિરે ફરી પહેલાં જેવી ખ્યાતિ પ્રાપ્ત કરી અને એ ખ્યાતિ વચ્ચે મંદિરનો પ્રભાવ પણ પહેલાં જેવો જ પ્રસ્થાપિત થયો. દૂર-દૂરથી લોકો મહાદેવના મંદિરે આવવા માંડ્યા અને તમને જાણીને નવાઈ લાગશે કે આ એ તબક્કો બન્યો જે તબક્કામાં મુસ્લિમો પણ શ્રદ્ધાથી મંદિર આવવા માંડ્યા હતા.

અકબર રાજાએ દર્શન કર્યા પછી અને તેમના દ્વારા સીધી અને આડકતરી રીતે થતા પ્રચારને લીધે જ એ બન્યું હતું. આ ૨૦૦ વર્ષ દરમ્યાન એક સદી તો વચ્ચે એવી પણ પસાર થઈ જેમાં મુસ્લિમ કમ્યુનિટીનો એક વર્ગ સોમનાથ મહાદેવમાં અખૂટ શ્રદ્ધા ધરાવતો થઈ ગયો અને તેમની માનતા પણ માનવા માંડ્યો. આજે પણ એ વર્ગ અકબંધ છે. જોકે અત્યારે આપણે આજની વાત નથી કરવાની, વાત ચાલી રહી છે ૧૬ અને ૧૭મી સદીની. આ સદીઓમાં અકબરનું નિધન થયું અને એ પછી પણ મંદિર પ્રત્યેની શ્રદ્ધા અકબંધ રહી, જે જોઈને એક વર્ગ એવો પણ ઊભો થયો જેના પેટમાં તેલ રેડાયું અને વાત પહોંચી મોગલ સામ્રાજ્યના ધર્માંધ એવા શાસક ઔરગંઝેબ સુધી.

ઈસવી સન ૧૭૦૬માં મોગલ શાસક ઔરંગઝેબે ફરીથી સોમનાથ મંદિર તોડી પાડ્યું, એટલું જ નહીં, તેણે આ વિસ્તારમાં નવેસરથી આતંક મચાવ્યો. સોમનાથ મંદિર તૂટવાની સાથે અહીં લૂંટફાટ પણ થઈ અને છેલ્લી બે સદીમાં મંદિરમાં નવેસરથી એકત્રિત થયેલા દાગીના અને અન્ય સંપત્તિ પણ લૂંટી લીધી. ઔરંગઝેબ બધાથી વધારે ચડિયાતો પુરવાર થયો. તેની ધર્માંધતા એ સ્તરે આકરી હતી કે તેણે પહેલાં બે વર્ષ તો મંદિર પર મુસ્લિમ પહેરેદારો બેસાડ્યા હતા, જેઓ મંદિરની આસપાસ હિન્દુઓને ફરકવા પણ નહોતા દેતા. મંદિરે આવતા અને દર્શનની આશા ધરાવતા લોકોને સજા આપવાનું કામ પણ આ પહેરેદારો કરતા.

એ સમયગાળાનો એક કિસ્સો બહુ જાણીતો થયો હતો.

મંદિરે મૂકવામાં આવેલા એ પહેરેદારમાંથી એક પહેરેદારે એક સ્થાનિક મહિલાની છેડતી કરવાની કોશિશ કરી અને એ જ સમયે મંદિરના ઘુમ્મટ પરથી એક પથ્થર પડ્યો, જેને લીધે એ પહેરેદારનું મોત થયું. આ વાત છેક ઔરંગઝેબ સુધી પહોંચી, પણ ઔરંગઝેબે એને ગંભીરતાથી લીધી નહીં. જોકે પહેરેદાર સમજી ગયા હતા કે મંદિર સાથે જડાયેલો પથ્થર સાવ એમ જ છૂટો પડીને નીચે આવે અને એ જ પહેરેદાર પર પડે જેણે છેડતી કરી હતી એવું બને નહીં. આ કોઈ ઈશ્વરીય સંકેત માત્ર છે અને એ સંકેતને સાચી રીતે લઈને તમામ પહેરેદારોએ એ દિવસે નિર્ણય લીધો કે હવે પછી તેઓ કોઈ મહિલાની છેડતી કરશે નહીં કે કોઈ પુરુષને સજા પણ કરશે નહીં. મોગલ સમ્રાટ એવું માનતો હતો કે તેના આદેશનું ચુસ્ત રીતે પાલન થાય છે, પણ હકીકતમાં એવું હતું નહીં.

હકીકત સાવ જુદી જ હતી. એ હકીકત શું હતી અને પહેરેદારો ત્યાં કઈ રીતે પહેરેદારી કરતા હતા એની વાત તથા ભારત દેશ સ્વતંત્ર થયો એ પહેલાં કેવી રીતે મંદિર પાછું મળ્યું અને ઈસવી સન ૧૭૮૭માં મંદિરનો છેલ્લો જીર્ણોદ્ધાર મહારાણી અહલ્યાબાઈએ કરાવ્યો એની બહુ ઇન્ટરેસ્ટિંગ વાતો સાથે આઝાદી પછી મંદિરનો જીર્ણોદ્ધાર ભારત સરકાર દ્વારા કઈ રીતે કરવામાં આવ્યો અને એ સમયે અમારા પરિવાર દ્વારા કેવી રીતે કામ કરવામાં આવ્યું એની વાતો આપણે કરીશું હવે આવતા દિવસોમાં.

columnists aurangzeb