11 June, 2024 10:04 AM IST | Mumbai | Jigisha Jain
મિષ્ટી સાંગાણી
૧૧ વર્ષની નાની ઉંમરે તમે શું કરી શકો? ૧૧ વર્ષની નાની ઉંમરે એક બાળકી દિવસની પાંચ કલાકની કડક મહેનત કરીને રાષ્ટ્રીય કક્ષાની મલખંભ ચૅમ્પિયન બની શકે છે, પૅરાગ્લાઇડિંગ જેવી ઍક્ટિવિટી જે એકલા કરતાં વયસ્કો પણ ગભરાઈ જાય એ ખુદ પોતાના દમ પર પરમિશન મેળવી હવામાં ઊડવાનો અનુભવ લઈ શકે છે, સર્ફ બોર્ડ પર ચડીને વગર કોઈ ડરે પાણી પર લહેરની જેમ વહી શકે છે, લદ્દાખમાં ATV જેવું ભારેખમ વાહન ચલાવતાં પણ તેના હાથ ન ધ્રૂજે, વાર્તાઓ એવી લખે છે જાણે એક ટ્રેઇન થયેલી વાર્તાકાર હોય, વાર્તાઓ સિવાય ટ્રાવેલૉગ પણ લખે છે, જ્યાં પણ ફરીને આવે એ અનુભવ જાતે ડૉક્યુમેન્ટ કરે છે, પોતાની લખેલી વાતો અને વાર્તાઓ ઑડિયો-રેકૉર્ડ કરીને પોતાનું પૉડકાસ્ટ ચલાવે છે, ફોટો પાડવાનો, શૂટ કરવાનો અને એ વિડિયોને એડિટ કરવાનો પણ શોખ એટલો છે કે એ બધું જ જાતે કરીને પોતાની યુટ્યુબ ચૅનલ ચલાવે છે. આ સિવાય ઓડિસી, બૅલે, કીબોર્ડ, ગિટાર, ડ્રૉઇંગ, ઍક્ટિંગ, માઇમ જેવી જુદી-જુદી કલાઓ શીખવા માટે તૈયાર જ રહે છે. વળી મન પડે ત્યારે કુકિંગ કરવા લાગે અને પીત્ઝા અને કેક બેક કરતાં શીખી જાય તો મન પડે ત્યારે રંગોળીઓ બનાવીને ઘર સજાવવા લાગે. પોતાનાં ગીતો જાતે લખે છે, જાતે જ ગાય છે. આ ૧૧ વર્ષની બાળકી એટલે ઘાટકોપરમાં રહેતી મિષ્ટી સાંગાણી, જે કોઈ પણ પ્રકારની પૂર્વધારણાઓથી મુક્ત થઈને, પોતાને જે પણ કરવું છે એ બધું જ શક્ય બનાવી રહી છે.
મલખંભમાં મેડલ્સ
પાંચ વર્ષની નાની ઉંમરથી મિષ્ટી જિમ્નૅસ્ટિક્સ શીખતી હતી. ૨૦૨૧માં તેણે પહેલી વાર એક ઇન્સ્ટિટ્યૂટમાં મલખંભ જોયું. એ જોઈને તે ખૂબ જ ખુશ થઈ અને તેણે તેના પેરન્ટ્સને કહ્યું કે મને આ શીખવું છે. મિષ્ટીના પપ્પા પ્રણવભાઈ અને મમ્મી પ્રીતિ બન્નેની વિચારધારા મુજબ બાળકને જે વસ્તુ કરવામાં રસ પડે એ બધી જ તે કરી શકે એનું પૂરું ધ્યાન રાખવું અને આમ મિષ્ટીએ મલખંભ શીખવાની શરૂઆત ૨૦૨૧ના નવેમ્બરથી કરી. ચેમ્બુરની ટમ્બલિંગ ઍકૅડેમી ઑફ જિમ્નૅસ્ટિક્સમાં સુનીલ ગંગવાને પાસેથી ટ્રેઇનિંગ લેવાનું તેણે શરૂ કર્યું. મલખંભ સાથે તે ઍરિયલ જિમ્નૅસ્ટિક્સ પણ શીખે છે. સાંતાક્રુઝમાં યોજાયેલી તાલુકા કક્ષાની સ્પર્ધામાં ૧૨ વર્ષથી નીચેની છોકરીઓની ટીમનું નેતૃત્વ કરનાર મિષ્ટી આ સ્પર્ધા જીતી, સિલેક્ટ થઈ અને મહારાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરવા માટે રાષ્ટ્રીય સ્પર્ધા સુધી પહોંચી એટલું જ નહીં; એ સ્પર્ધામાં તેણે મહારાષ્ટ્ર અને મુંબઈનું પણ નામ રોશન કર્યું. માર્ચ મહિનામાં મહર્ષિ દયાનંદ યુનિવર્સિટી, રોહતક ખાતે હરિયાણા મલખંભ અસોસિએશન દ્વારા આયોજિત 3૪મી મિની સબ જુનિયર નૅશનલ ચૅમ્પિયનશિપ ૨૦૨૪માં મિષ્ટી સાંગાણીને ૩ ગોલ્ડ મેડલ એનાયત થયા હતા. આ સ્પર્ધામાં ૧૭ રાજ્યોમાંથી કુલ ૩૦૦ બાળકોએ ભાગ લીધો હતો, જેમાંથી ૧૨ વર્ષથી નીચેની ૭૦ છોકરીઓ હતી. મિષ્ટી પોલ મલખંભ અને પોલ-રોપ મલખંભની મિક્સ ચૅમ્પિયનશિપ બન્નેમાં ફર્સ્ટ આવી અને ટીમ ચૅમ્પિનયશિપનો મેડલ મળીને ત્રણ ગોલ્ડ મેડલની હકદાર બની.
આ બાપુ હાનિકારક નથી
સવારે ૭.૩૦થી ૧૧ વાગ્યા સુધી અને સાંજે ૬થી રાત્રે ૯.૩૦ સુધી મિષ્ટી મલખંભની પ્રૅક્ટિસ કરે છે. કોઈ પણ સ્પોર્ટ્સની જેમ મલખંભ પણ ખંત અને શિસ્ત માગે છે. નાની ઉંમરે મિષ્ટી કઈ રીતે એ જાળવે છે? શું તેના બાપુ પણ હાનિકારક છે? આ વાતને હસીને નકારતાં ખુદ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ અને હાલમાં કેમિકલ સપ્લાયનો બિઝનેસ કરનાર મિષ્ટીના પિતા પ્રણવભાઈ કહે છે, ‘આ તારે કરવાનું જ છે અને આમ તો કરવું જ પડશે એવી કોઈ બંદિશો મિષ્ટી પર નથી. જે તેને ગમે છે એ તેને કરવાની સંપૂર્ણ છૂટ છે. મારું માનવું છે કે શિસ્ત બહારથી લાદવા કરતાં એ તેની અંદરથી આવે તો ટકી રહે છે. મલખંભ કરવું એ અમારી ચૉઇસ નથી, તેની પોતાની ચૉઇસ છે. તેને એ ગમે છે એટલે ત્યાં જવા-આવવામાં કે એના માટે મહેનત કરવામાં તેને અણગમો થતો નથી. જ્યારે તેને ઇચ્છા નથી થતી કે મારે નથી કરવું ત્યારે તે છોડી શકે છે. મલખંભમાં તે હંમેશાં જીતી જ છે એવું નથી, ઘણી વાર હારી પણ છે. પરંતુ એ જીત અને હાર બન્ને સંપૂર્ણપણે તેનાં છે. એમાંથી જ તે જાતે શીખી છે. માતા-પિતા એક ગાઇડિંગ ફોર્સ હોય શકે, પરંતુ બાળક જ્યારે ખુદ પોતાના નિર્ણયો લે છે ત્યારે તે એને નિભાવવાની ક્ષમતા પણ સારી રાખે છે.’
સ્કૂલ વગરની શિક્ષા
આટલોબધો સમય જ્યારે મિષ્ટી મલખંભને આપે છે તો સ્કૂલ ક્યારે જાય છે? એ વાતનો જવાબ આપતાં MBA ફાઇનૅન્સની ડિગ્રી ધરાવનાર અને હાલમાં ઑર્ગેનિક ફૂડનો પોતાનો બિઝનેસ ચલાવનાર મિષ્ટીનાં મમ્મી પ્રીતિબહેન કહે છે, ‘૨૦૨૦ સુધી જ્યારે તે ૭ વર્ષની હતી ત્યાં સુધી મિષ્ટી સ્કૂલ જતી હતી, પરંતુ એ પછી કોવિડ આવ્યો. લગભગ ૧ મહિનો અમે ઑનલાઇન સ્કૂલ ભરી. પરંતુ મિષ્ટીને એમાં બિલકુલ મજા નહોતી આવતી. અમને પણ શંકા ગઈ કે તે કશું શીખી પણ રહી છે કે ફક્ત કમ્પ્યુટર સામે બેસે જ છે! અમને લાગ્યું કે આ રીતે ભણવાનો કોઈ અર્થ નથી. તો શું કોઈ બીજો રસ્તો ન હોઈ શકે? અમે તપાસ કરી અને અમને ખબર પડી કે ઘણાં માતા-પિતા તેમના બાળક માટે હોમસ્કૂલિંગ કે અનસ્કૂલિંગ જેવા ઑપ્શન્સ પણ ટ્રાય કરે છે. અમે સમજી-વિચારીને એક નિર્ણય પર આવ્યા કે અમે અનસ્કૂલિંગ કરાવીશું. એટલે કે મિષ્ટી સ્કૂલ જઈને માળખાકીય પદ્ધતિથી ભણશે નહીં, મિષ્ટી એ વસ્તુઓ ભણશે જેમાં તેને રસ હોય, એ શીખશે જે તેને શીખવું છે, એ વાંચશે જે તેને વાંચવું ગમે છે, એ લખશે જે તેના વિચારોમાં બંધ બેસે છે. આ વિચારથી અમે બૅન્ગલોરસ્થિત આરોહી ઓપન લર્નિંગ કમ્યુનિટીમાં જોડાયાં, જેમાં અમારા જેવા વિચારો ધરાવતા ઘણા પેરન્ટ્સ પોતાનાં બાળકોને સ્કૂલ વગરની શિક્ષા અપાવી રહ્યા છે. એકબીજા સાથે જોડાવાથી ઘણું બળ મળે, સમજ વધે અને કઈ રીતે આ માર્ગ પર આગળ વધી શકાય એ સમજી શકાય.’
પ્લાનિંગનું મહત્ત્વ
પરંતુ એક બાળકને શું ખબર પડે કે તેને શું કરવું છે અને શું નહીં; કઈ રીતે કરવું જોઈએ અને કઈ રીતે નહીં. તેને ગાઇડન્સ તો જોઈએ જ. એટલે શરૂઆતમાં મિષ્ટીને પ્લાનિંગ કરતાં શીખવવામાં આવ્યું. એ વિશે વાત કરતાં પ્રીતિબહેન કહે છે, ‘આજે નક્કી કરવાનું કે કાલે મારે શું કરવું છે. શરૂઆતમાં અમે આ ટાઇમટેબલ તેની સાથે મળીને બનાવતાં. દરેક દિવસે શું નવું શીખવું, શું નવું કરવું એના વિશેનું પ્લાનિંગ થતું. આ પ્લાનિંગ હજી પણ એટલું જ મહત્ત્વનું છે. પરંતુ પહેલાં એ એક દિવસનું થતું, હવે એ પ્રોજેક્ટ પ્રમાણે થઈ ગયું છે. મિષ્ટીને એક અઠવાડિયું કે એક મહિના કે એક વર્ષની અંદર આ વસ્તુ કરવાની છે એ પ્રકારના પ્રોજેક્ટ નક્કી થાય. જેમ કે કાલે પીત્ઝા બનાવવા છે એ એક દિવસનો પ્રોજેક્ટ, કોઈ જગ્યાએ ફરી આવ્યા પછી એક આખું ટ્રાવેલૉગ બનાવવાનું હોય તો એ અઠવાડિયાનો પ્રોજેક્ટ હોય. એક એવો પ્રોજેક્ટ પણ તેણે લીધેલો કે દરરોજ એક વિષય આપવામાં આવે અને એના પર જુદા-જુદા આર્ટિકલ્સ, નિબંધ, કૅરૅક્ટર સ્કેચ એટલે કે પાત્રાલેખન, કવિતાઓ, વાર્તાઓ લખવાનાં હતાં. ૩૬૫ દિવસ રાઇટિંગ કરીને એ છોકરીની ભાષા અને સ્કિલ ખૂબ સારાં થઈ ગયાં છે. મારી દીકરી છે એટલે નથી કહેતી, પણ તે ઘણું સારું લખે છે.’
શું નથી કર્યું એ કહો!
મિષ્ટીને વાંચનમાં ખૂબ રસ છે. જુદા-જુદા વિષયોનાં અઢળક પુસ્તકો તે ખૂબ નાની ઉંમરથી વાંચી ચૂકી છે. આઉટડોર ગેમ્સ સિવાય તેને બોર્ડગેમ્સ અને કાર્ડગેમ્સમાં પણ એટલો જ રસ છે. આર્ટ-પીસ બનાવવા, ફિલ્મો જોવી, એજ્યુકેટિવ કન્ટેન્ટ જોવી એ તેના મનગમતા પાસટાઇમ છે. બાકી તેને હરવા-ફરવાની પણ અઢળક મજા આવે છે. દુબઈ, લેહ, લદ્દાખ, રાજસ્થાન, દક્ષિણ ભારત અને ઉત્તરાખંડ ફરી આવી છે. ટ્રાવેલિંગ જ નહીં, ટ્રેકિંગ પણ તેને ખૂબ ગમે છે. કુમાર પર્વત ટ્રેક તે કરી ચૂકી છે. શાકભાજી અને ફળો વેચનારા સાથે તેણે ઇન્ટર્નશિપ કરી છે. બ્યુટી પાર્લરમાં જઈને ત્યાંનું કામ પણ શીખી આવી છે. કમ્યુટર પર બેઝિક પ્રોગ્રામિંગ કેવી રીતે કરાય એ પણ તેણે શીખ્યું છે. ચાલવાનું, યોગ અને સાઇક્લિંગ જેવી ફિઝિકલ ઍક્ટિવિટીમાં તે ઘણી નિયમિત છે. સ્વિમિંગ કરવું તેને ખૂબ જ ગમે છે. સ્ટૉપ મોશન ઍનિમેશન પણ તેણે શીખ્યું છે. શૅડો આર્ટ, સ્કેચિંગ જેવી કલાઓમાં પણ તેની ચાંચ ડૂબે છે. અકાઉન્ટ કઈ રીતે મૅનેજ થાય એ તેને આવડે છે અને એક રેડિયો શોમાં તે RJ પણ બની ચૂકી છે. આ સિવાય મલ્ટિ મિષ્ટી નામે પૉડકાસ્ટ અને મિષ્ટી સાંગાણી નામે યુટ્યુબ ચૅનલ પણ તે ચલાવે છે. મહાબળેશ્વરમાં યોજાયેલા એક મિલિટરી કૅમ્પમાં પણ તે એક અઠવાડિયું જઈને ટ્રેઇનિંગ કરી આવી છે. પરિવારના બિઝનેસ માટે તેણે ખુદ માર્કેટિંગ ઍડ્સ પણ બનાવી છે. ફોટોગ્રાફીનો કોર્સ પણ કરેલો છે. લદ્દાખ સાયન્સ ફાઉન્ડેશન દ્વારા આયોજિત ૧૦ દિવસનો એક કૅમ્પ પણ તેણે કરેલો છે.
આઝાદી કે જવાબદારી?
આ સિવાય તેને પોતે એકલી પોતાની જાતને સંભાળી શકે એની પણ ટ્રેઇનિંગ આપવામાં આવી છે; જેને કારણે મુંબઈમાં કોઈ પણ જગ્યાએ એકલા રિક્ષાથી ટ્રાવેલ કરતાં કે તેના ગ્રુપ સાથે માતા-પિતા વગર ટ્રેનમાં ટ્રાવેલ કરતાં તે સારું શીખી ગઈ છે. ગયા વર્ષે બે મહિના એક કૅમ્પમાં તે ગઈ હતી જ્યાં તેણે તેનાં બધાં જ કામ જાતે કરવાનાં હતાં. આ જરૂરી ટ્રેઇનિંગ વિશે વાત કરતાં પ્રણવભાઈ કહે છે, ‘મુંબઈમાં ઘણા છોકરાઓ આ રીતે ટ્રાવેલ કરતા જ હોય છે અને મિષ્ટી એમાંની એક છે. તે પોતે નક્કી કરે છે કે તેણે શું શીખવું અને શું નહીં, તેને શેમાં રસ છે અને શેમાં નહીં. આપણને લાગે છે કે આપણે બાળકોને પૂરેપૂરી આઝાદી આપી રહ્યા છીએ, પરંતુ ખરેખર આપણે તેમને તેમની ખુદની જવાબદારી આપી રહ્યા છીએ. મને આ કરવું છે એમ જ્યારે બાળક કહે છે ત્યારે તેને એ કરવા દેવાથી એનું પૂરેપૂરું લર્નિંગ તેનું ખુદનું બને છે. આ કરવું કે ન કરવું, એ કરવાથી ફાયદો કે નુકસાન એ બધું તે સમજી શકે છે એમ અમારું માનવું છે.’
તેની ઇચ્છા...
પરંતુ જો આ રીતે છોડી દેવાથી બાળકને કશું જ ન કરવું હોય તો? આનો જવાબ હસીને આપતાં પ્રણવભાઈ કહે છે, ‘તો તેને નહીં કરવા દેવાનું. એ માણસ છે. કશું નહીં કરીને જીવી નહીં શકે. તેનું મગજ તેને એમ કરવા જ નહીં દે. મોટા ભાગે એવાં બાળકોને જ કશું નથી કરવું હોતું જે બાળકો પર આપણે બધું થોપી દેતા હોઈએ છીએ. કાલે ઊઠીને મિષ્ટી કહે કે મને મલખંભ નથી કરવું તો અમને એમાં કશો વાંધો નથી. તે એમ કહે કે ના, મને તો સ્કૂલ જવું છે, ત્યાં મજા આવશે તો અમને એમાં પણ વાંધો નથી. આ રીતે બને કે કદાચ
તે કોઈ ખોટા નિર્ણયો લે, પણ
એ ખોટા નિર્ણયો પણ તેને શીખ આપીને જશે.’