14 December, 2024 06:19 PM IST | Mumbai | Rajani Mehta
બાળપણમાં ગોલુમોલુ દેખાતા રાજ કપૂર (ડાબે), પત્ની કૃષ્ણા સાથે રાજ કપૂર (જમણે).
‘મને ખાતરી છે આપણું પહેલું સંતાન પુત્ર જ હશે.’ જ્યારે પત્નીએ પૃથ્વીરાજ કપૂરને સમાચાર આપ્યા ત્યારે તેમના ચહેરા પર પૂરો આત્મવિશ્વાસ ચળકતો હતો. તેમની ભવિષ્યવાણી સાચી પડી. ૧૯૨૪ની ૧૪ ડિસેમ્બરે પેશાવરમાં (હાલ પાકિસ્તાન) સૃષ્ટિનાથનો જન્મ થયો જેને દુનિયા રાજ કપૂર તરીકે ઓળખે છે. હા, પરિવારની સ્ત્રીઓ અને નજીકના સ્વજનોએ નવજાત શિશુ માટે આ નામ પસંદ કર્યું હતું.
જોકે પત્નીની પ્રસવપીડા શરૂ થઈ એ પહેલાં પૃથ્વીરાજ કપૂરે તકિયા નીચે એક ચિઠ્ઠીમાં પોતાની પસંદગીનું એક નામ લખ્યું હતું: રણબીર રાજ. અને એમાંથી થયું રાજ કપૂર.
પૃથ્વીરાજ કપૂરે એક ઇન્ટરવ્યુમાં કહેલું, ‘રાજનો નીલી આંખો અને લાલચોળ ગાલવાળો ચહેરો ઘણો ખૂબસૂરત લાગતો. મારી પત્ની તેના ગાલ પર કપડું ઘસ્યા જ કરે. તેને લાગતું કે ચહેરા પર વારંવાર ધૂળ બેસી જાય છે.’
પૃથ્વીરાજ કપૂરની નાટક-કંપની કલકત્તા આવી અને ૧૦ વર્ષના રાજ કપૂરના જીવનમાં એક પ્રસંગ એવો બન્યો કે જેની અમીટ છાપ બાળકના માનસ પર પડી. ખાણીપીણીનો શોખીન બાળક એક દિવસ સવારના સ્કૂલ જવા નીકળતો હતો ત્યારે તેને ખબર પડી કે બપોરે મહેમાનો માટે સ્વાદિષ્ટ નૉનવેજ ડિશિઝ બનવાની છે. તેના મોઢામાં પાણી આવ્યું. ઘરેથી નીકળી સ્કૂલમાં જવાને બદલે બપોર સુધી આમતેમ રખડી જમવાના સમયે ઘેર આવી ગયો.
ઘરે પહોંચતાં જોયું કે પરિવારના સભ્યો અને મહેમાનો ખાઈપીને ગપ્પાં મારતા હસીમજાક કરી રહ્યા છે. એ અવાજમાં એક નાજુક મધુર અવાજ સામેલ હતો. અવાજની દિશામાં જોયું તો એક સુંદર ગૌરવર્ણી યુવતી દેખાઈ. શુભ્ર શ્વેત સાડી અને સૌંદર્યમાં તે મહાશ્વેતા જેવી દેખાતી હતી. તે યુવતી બાળકને એટલી ગમી ગઈ કે તેની સામેથી નજર ખસે જ નહીં. સાંજે મહેમાનો જતા હતા ત્યારે તેનું મન ખિન્ન થઈ ગયું. અચાનક જ નજીકના બાગમાંથી મોગરાનાં સફેદ ફૂલ તોડીને તેણે વિદાય લેતી ગોરી સામે મનમાં એક અજાણી બેચેની સાથે ફૂલ ધર્યાં અને બોલ્યો, ‘આપને મારા તરફથી એક નાનકડી ભેટ.’
યુવતીએ હસીને એ ભેટ સ્વીકારી પ્રેમથી એક નાની ટપલી બાળકના ગાલ પર મારી આછું સ્મિત આપ્યું અને ચાલવા લાગી. બાળક ક્યાંય સુધી તેને જોતો રહ્યો અને ઘરમાં આવ્યો પણ મહાશ્વેતાની વેદના લઈને. બાળક રાજ કપૂરને સફેદ રંગની આ ઘેલછા લગાડનાર યુવતી હતી દમયંતી સાહની, જે અભિનેતા બલરાજ સાહનીની પત્ની અને પરિક્ષિત સાહનીની મમ્મી હતી.
સફેદ સાડી
પેશાવરની બાળપણની સ્મૃતિઓ રાજ કપૂર જીવનભર ભૂલ્યા નહોતા. દરેકને લાગતું હોય છે કે કાશ એ દિવસોને આપણે ફરી પાછા જીવંત કરીએ. કશુંક બદલવા નહીં, પરંતુ એ ક્ષણોને બીજી વાર માણી લેવા માટે. કાશ, ઈશ્વર આપણને એક વરદાન આપે કે એ મીઠી સ્મૃતિઓનો એક ફુગ્ગો બનાવીને સતત એમાં જ રહેવા મળે તો કેટલું સારું. સફેદ રંગની તીવ્ર છાયા રાજ કપૂરના મનમાં એટલી તીવ્ર હતી કે આર. કે. ફિલ્મ્સની નાયિકાઓની ઓળખ આ સફેદ સાડી બની ગઈ જે વર્ષો જતાં Women in White તરીકે જાણીતી થઈ.
ભણતરમાં નબળા રાજ કપૂર મૅટ્રિકમાં નાપાસ થયા. તેમની ઇચ્છા ભણવાનું છોડી ફિલ્મોમાં જોડાવાની હતી. પૃથ્વીરાજ કપૂરને આશા હતી કે રાજ કપૂર ભણેગણે, પરંતુ રાજ કપૂરે જીદ પકડી એટલે તેમણે મિત્ર નિર્માતા–નિર્દેશક કેદાર શર્માને ત્યાં મોકલ્યા. કેદાર શર્માની શરત હતી કે રાજ કપૂરે છેક નીચલા હિસ્સાના અસિસ્ટન્ટ તરીકે શરૂઆત કરવાની છે. આમ કેદાર શર્માના ચોથા અસિસ્ટન્ટ તરીકે રાજ કપૂરની ફિલ્મ-કારકિર્દીની શરૂઆત થઈ.
હીરો બનવાની ઘેલછા
ક્લૅપર-બૉય તરીકે દરેક દૃશ્યની શરૂઆતમાં રાજ કપૂર કૅમેરા સામે આવીને ક્લૅપ આપતા પણ એ પહેલાં અરીસામાં જોઈ, સરસ વાળ ઓળીને આવતા જેથી તેમનો સુંદર ગોળમટોળ ચહેરો ‘ક્લોઝ અપ’માં આવે. યેન કેન પ્રકારેણ પોતાનો ચહેરો ફિલ્મોમાં આવે એવી એની ઘેલછા કેદાર શર્માથી છાની નહોતી. એક દિવસ ખૂબ નજીકથી ક્લૅપ આપવા જતાં બુઢ્ઢા રાજાનો રોલ કરતા અભિનેતાની દાઢી બોર્ડમાં ફસાઈ ગઈ અને દૃશ્ય કટ કરવું પડ્યું. ગુસ્સે થયેલા કેદાર શર્માએ રાજ કપૂરને જોરદાર તમાચો ચોડી દીધો. ત્યાર બાદ આખી રાત તેમને ઊંઘ ન આવી, પસ્તાવો પણ થયો. બીજે દિવસે તેમણે રાજ કપૂરને કહ્યું, ‘બેટા, માફ કરજે. કાલે મેં બહુ સખ્તાઈ કરી. મને ખબર છે ફિલ્મોમાં કામ કરવા તું કેટલો ઉત્સુક છે. ઈશ્વર કરે એક દિવસ તને જરૂર ફિલ્મોમાં કામ કરવાનો મોકો મળશે.’
યોગાનુયોગ ૧૯૪૪માં કેદાર શર્માની ‘નીલકમલ’માં ૧૯ વર્ષની ઉંમરે ૧૩ વર્ષની મધુબાલા સાથે રાજ કપૂરની કારકિર્દી શરૂ થઈ.
દિલીપ કુમાર નાનપણના મિત્ર
પેશાવરમાં રાજ કપૂરના દાદા વિશ્વેશ્વરનાથ અને દિલીપ કુમારના પિતા સરવરખાન પાડોશી હતા એટલે બન્ને પરિવારની મૈત્રી હતી. રાજ કપૂર અને દિલીપ કુમાર નાનપણના મિત્રો. સમય જતાં સરવરખાને મુંબઈમાં ફ્રૂટનો ધંધો શરૂ કર્યો. પૃથ્વીરાજ કપૂર પણ નાટકો માટે મુંબઈ આવ્યા. એ દિવસોમાં રાજ કપૂર બૉમ્બે ટૉકીઝમાં ૭૫ રૂપિયાના પગારે નોકરી કરતા. દિલીપ કુમાર મુંબઈના સ્ટુડિયોની કૅન્ટીનમાં ઑર્ડર માટે ફરતા. એક દિવસ બૉમ્બે ટૉકીઝમાં તેમની મુલાકાત માલિકણ દેવિકારાની સાથે થઈ. તેમણે અભિનયનો કક્કો પણ ન જાણતા દિલીપ કુમારને ‘જ્વારભાટા’માં હીરોનો રોલ આપ્યો. આ જાણતાં રાજ કપૂરનો દેવિકારાની સાથે ઝઘડો થયો ઃ ‘હું અહીં બે વર્ષથી મહેનત કરું છું અને તમે મારી ઉપેક્ષા કરી?’ આટલું કહી નોકરી છોડી દીધી. આમ દિલીપ કુમારની કારકિર્દી રાજ કપૂરથી વહેલી શરૂ થઈ. એ સમયથી બન્નેની મૈત્રીમાં હરીફાઈનો એક અન્ડર કરન્ટ શરૂ થયો.
મેહબૂબ ખાનની ‘અંદાઝ’માં પહેલી અને છેલ્લી વાર રાજ કપૂર અને દિલીપ કુમારે એકસાથે કામ કર્યું. ‘આગ’ પછી રાજ કપૂરે ‘ઘરૌંદા’ માટે દિલીપ કુમારને રોલ ઑફર કર્યો હતો પરંતુ દિલીપ કુમારે ના પડી. એ ફિલ્મ પાછળથી ‘સંગમ’ નામે બની ત્યારે દિલીપ કુમારવાળો રોલ રાજેન્દ્ર કુમારે ભજવ્યો.
કારકિર્દીની શરૂઆતમાં દિલીપ કુમાર સાથે નર્ગિસે ‘હલચલ’, ‘મેલા’, ‘અનોખા પ્યાર’, ‘બાબુલ’, ‘જોગન’, ‘દીદાર’ જેવી ફિલ્મોમાં કામ કર્યું. નર્ગિસ સાથેની રાજ કપૂરની નિકટતા બાદ આ જોડી તૂટી. વર્ષો બાદ દિલીપ કુમાર અને વૈજયંતીમાલાની જોડીએ ‘પૈગામ’, ‘દેવદાસ’, ‘નયા દૌર’, ‘મધુમતી’ અને ‘ગંગા જમુના’ જેવી સફળ ફિલ્મો આપી. નર્ગિસ સાથેના ‘બ્રેકઅપ’ બાદ રાજ કપૂરે વૈજયંતીમાલા તરફ નજર દોડાવી. ‘નઝરાના’માં સાથે કામ કર્યા બાદ તેમણે ‘સંગમ’ માટે વૈજયંતીમાલાને રાજી કરી. ફિલ્મના શૂટિંગ દરમ્યાન બન્ને એકમેકની નજીક આવ્યાં એટલે દિલીપ કુમાર અને વૈજયંતીમાલા વચ્ચેના પ્રોફેશનલ રિલેશનમાં ઓટ આવવા લાગી. એ ત્યાં સુધી કે ‘લીડર’ અને ‘સંઘર્ષ’ના શૂટિંગ દરમ્યાન બન્ને વચ્ચે ડાયલૉગ્સ સિવાય બોલવાનો વ્યવહાર નહોતો.
રાજ કપૂર સતત દિલીપ કુમારને પરણી જવાનો આગ્રહ કરતા. સાયરાબાનુ અને દિલીપ કુમારનાં લગ્નમાં રાજ કપૂરે જાનૈયાઓ સાથે મન મૂકીને ભાંગડા નૃત્ય કર્યું હતું. ‘શક્તિ’ જોઈને તેમણે દિલીપ કુમારને એક મોટો ગુલદસ્તો મોકલાવીને ચિઠ્ઠીમાં લખ્યું : ‘બાદશાહ આખિર બાદશાહ હોતા હૈ.’
દિલીપ કુમાર અભિનયસમ્રાટ હતા તો રાજ કપૂર The Great Showman. બન્નેને એકમેકની પ્રતિભા માટે માન હતું. કોઈએ સાચું કહ્યું છે, The most beautiful discovery true friends make is they can grow separately without going apart. બન્નેએ ‘પ્રોફેશનલ રાઇવલરી’ને વધુ મહત્ત્વ ન આપ્યું. દરેક વાત સાચી પણ એ હકીકતનો ઇનકાર ન થાય કે બન્ને વચ્ચે ઈર્ષ્યાનો એક વણદેખ્યો પ્રવાહ વહેતો હતો. એને વધુ મહત્ત્વ એટલા માટે ન આપવું જોઈએ કે એ માનવસહજ હતું.
આર. કે. ફિલ્મ્સની શરૂઆત
૧૯૪૮માં ‘આગ’ ફિલ્મથી આર. કે. ફિલ્મ્સની પ્રવૃત્તિ શરૂ થઈ અને ૧૯૮૫માં ‘રામ તેરી ગંગા મૈલી’ રાજ કપૂરની આર. કે.ની અંતિમ ફિલ્મ હતી. બાદમાં આર. કે.ની ‘હિના’ આવી, જેનું સ્વપ્ન રાજ કપૂરનું હતું પરંતુ એ પૂરી ન કરી શક્યા. ‘આગ’ની શરૂઆત કરી ત્યારે નર્ગિસ અને દિલીપ કુમારની જોડી લોકપ્રિય હતી એટલે રાજ કપૂરે નર્ગિસની મા જદ્દનબાઈની કડક શરતો માની પાંચ હજાર રૂપિયા ઍડ્વાન્સ આપી નર્ગિસને સાઇન કરી.
‘આગ’માં પૃથ્વી થિયેટર્સના રેગ્યુલર સંગીતકાર રામ ગાંગુલીએ સંગીત આપ્યું. ત્યાર બાદ સંગીતપારખુ રાજ કપૂરે યુવાન જોડી શંકર-જયકિશનને મોકો આપ્યો અને લાંબા સમય સુધી તેમણે આ જવાબદારી નિભાવી. ‘બરસાત’માં રાજ કપૂર અને નર્ગિસની જોડીએ યુવાન પેઢીને ઘેલી કરી. એ સાથે શંકર-જયકિશનનું કર્ણપ્રિય સંગીત ભળ્યું અને ‘બરસાત’ સુપરહિટ બની. ત્યાર બાદ ‘આવારા’માં ચાર્લી ચૅપ્લિનના પાત્રથી પ્રભાવિત થઈને રાજ કપૂરે એને નવા વાઘા સજાવી પોતાની આગવી ઓળખ સ્થાપિત કરી. પટ્ટી ચડાવેલું પૅન્ટ, હૅટ, ફાટેલાં બૂટ અને ચહેરા પર નિર્દોષ રમતિયાળ પણ થોડું મસ્તીભરેલું સ્મિત : રાજ કપૂરે આ ઇમેજ એક યા બીજા સ્વરૂપે ઘણી ફિલ્મોમાં જીવિત રાખી.
‘આવારા’માં પ્રખ્યાત સ્વપ્નગીત ‘તેરે બિના આ ગઈ ચાંદની’ની ડ્રીમ-સીક્વન્સના ફિલ્માંકન વખતે તેમણે અધધધ કહેવાય એવો ૮ લાખ રૂપિયાનો ખર્ચો કર્યો. એ બજેટમાં લોકો પૂરી ફિલ્મ બનાવતા. આ માટે તેમણે પત્ની કૃષ્ણા કપૂરના દાગીના અને ઘર ગિરવી મૂક્યાં. ટીકાકારોને એમ જવાબ આપી ચૂપ કર્યા કે ‘જિનકે ઘર છોટે હોતે હૈં, ઉનકી ફિલ્મેં બડી હોતી હૈં.’ આ ફિલ્મમાં અને જીવનમાં રાજ કપૂર અને નર્ગિસનો રોમૅન્સ ચરમસીમા પર પહોંચ્યો. આર. કે. ફિલ્મ્સનો લોગો એ બન્નેના પ્રણયની નિશાની છે. દેશવિદેશમાં ફિલ્મની ધૂમ મચી. અનેક વિદેશી ભાષાઓમાં ફિલ્મ ડબ થઈ. દેશવિદેશમાં લોકો રસ્તા પર ‘આવારા હૂં’ ગાતા નાચતા. આવી અભૂતપૂર્વ સફળતા આજ સુધી ભારતની કોઈ ફિલ્મને મળી નથી.
રાજ કપૂરની ‘આવારા’ ઉપરાંત ‘બૂટ પૉલિશ’, ‘શ્રી 420’ ‘જાગતે રહો’, જિસ દેશ મેં ગંગા બહતી હૈ’ જેવી ફિલ્મોમાં સમાજના પ્રશ્નો હતા. મનોરંજન સાથે મનોમંથન પણ હતું. તેમની ખૂબી એ હતી કે ભારેખમ વિષયો હોવા છતાં સંગીતના સહારે આ ફિલ્મો કંટાળાજનક બનવાને બદલે લોકપ્રિય બની. ‘મેરા નામ જોકર’ એ રાજ કપૂરે પોતાની જાતને લખેલો પ્રેમપત્ર હતો. ફિલ્મની કમરતોડ નિષ્ફળતા બાદ મજબૂરીથી તેમણે ‘બૉબી’ જેવી ચીલાચાલુ ફિલ્મ બનાવી. આ ફિલ્મની સફળતામાં ડિરેક્ટર રાજ કપૂરનો મોટો ફાળો હતો. રિશી કપૂર અને ડિમ્પલ કાપડિયા જેવા બે નવા કલાકારોની સામાન્ય લવ-સ્ટોરીને તેમણે ગીતસંગીતથી એવી સજાવી કે ફિલ્મની કમાણીએ રાજ કપૂરનું ધરખમ દેવું ઉતારી દીધું.
નર્ગિસ વગર વાત અધૂરી
રાજ કપૂરની વાત કરીએ ત્યારે નર્ગિસનો વિસ્તારથી ઉલ્લેખ ન થાય તો એ વાત અધૂરી ગણાય. બન્ને વચ્ચેની ઑન-સ્ક્રીન કેમિસ્ટ્રી (અને ઑફ-સ્ક્રીન પણ) એટલી જબરદસ્ત હતી કે આજ સુધી ફિલ્મના ઇતિહાસમાં આવી રોમૅન્ટિક જોડી આવી નથી. બન્નેના સંબંધ જગજાહેર હોવા છતાં એની ગરિમા ઓછી આંકી શકાય એમ નથી. જેમ ચંદ્ર પરનો ડાઘ એને વધુ ખૂબસૂરત બનાવે છે તેમ બન્નેના જીવનને લાગેલો આ ડાઘ જ તેમના જીવનને મહત્ત્વપૂર્ણ બનાવે છે. આ જોડીએ આપણને અવિસ્મરણીય ફિલ્મોની ભેટ આપી છે.
નર્ગિસની રાજ કપૂર સાથે લગ્ન કરવાની તીવ્ર ઇચ્છા હતી. તેની અને રાજ કપૂરની ખાસ મિત્ર નીલમ એક ઇન્ટરવ્યુમાં કહે છે... એક દિવસ નર્ગિસ ઉતાવળે આવીને કહે, ચાલ આપણે મોરારજી દેસાઈ (એ સમયના મુંબઈ રાજ્યના મુખ્ય પ્રધાન)ને મળવા જવાનું છે, રાજે મને કહ્યું છે કે તું તેમને મળ અને આપણાં લગ્નની વાત કર.
‘પણ તેમને મળવાનું કારણ શું છે?’ નીલમે પ્રશ્ન કર્યો.
‘તેમણે તાજેતરમાં દ્વિપત્ની પ્રતિબંધક કાયદો પાસ કરાવ્યો છે, જે અમારાં લગ્નની આડે આવે છે. આપણે તેમને વિનંતી કરીએ કે એક સ્પેશ્યલ કેસ તરીકે અમને પરવાનગી આપે.’ નર્ગિસે ખુલાસો કર્યો.
અમે કૉન્ગ્રેસ હાઉસમાં મોરારજી દેસાઈને મળવા ગયાં. તેમની ગંભીર મુદ્રા જોઈ નર્ગિસ ડરતાં-ડરતાં બોલી, ‘મારે રાજ કપૂર સાથે લગ્ન કરવાં છે.’
સાંભળી મુખ્ય પ્રધાન કડકાઈથી બોલ્યા, ‘એ શક્ય જ નથી. તમે કાયદો નથી જાણતાં? આવા નકામા કામ માટે મારો સમય ન બગાડો. બીજી વાર આવા ફાલતુ કામ માટે મને મળવા ન આવતાં.’
અમે નીચું માથું કરીને ત્યાંથી ચાલવા માંડ્યાં. મેં રાજ કપૂરને વાત કરી તો તેમણે કહ્યું કે હું તો લગ્ન માટે તૈયાર છું પણ કાયદા આગળ લાચાર છું. મને સતત એવું લાગતું કે તે કદી આ બાબત ગંભીર નહોતા. જો ધાર્યું હોત તો મુસ્લિમ ધર્મ સ્વીકારીને તેમણે નર્ગિસ સાથે લગ્ન કર્યાં હોત. અથવા બીજા કોઈ રાજ્યમાં જઈ લગ્ન કર્યાં હોત જ્યાં આવો કાયદો નથી.
ખેર, આ વાત બે વ્યક્તિના અંગત સંબંધોની હતી એટલે આપણે ન્યાયાધીશ બનીને ચુકાદો આપવાનો હક નથી. દરેક સંબંધનું એક આયુષ્ય હોય છે. સમય જતાં બન્નેના સંબંધોમાં ઝડપથી ઓટ આવતી ગઈ. નર્ગિસને અહેસાસ થયો કે લગ્ન વિનાના સંબંધનું કોઈ ભવિષ્ય નથી. અતિ નિકટતા અવગણનામાં પરિણમે છે એ ઉક્તિ અનુસાર બન્નેના સંબંધોમાંથી ઉષ્મા ઓસરતી ગઈ. ‘જાગતે રહો’ના અંતિમ દૃશ્ય માટે રાજ કપૂરે નર્ગિસને લાખ વિનવણી કરવી પડી. તેમણે સંજોગો જોઈ નર્ગિસ માટે ‘ફાગુન’ નામની સ્ત્રીલક્ષી ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું, પણ નર્ગિસ મક્કમ હતી. એક દિવસ અચાનક તેણે આર. કે. સ્ટુડિયોઝમાંથી પોતાનાં કપડાં, ચંપલ અને મેકઅપનો સમાન મગાવી લીધાં અને હંમેશ માટે અલવિદા કરી દીધી.
રાજ કપૂર માટે આ મોટો આઘાત હતો, જે સ્વીકારતાં તેમને લાંબો સમય લાગ્યો. વર્ષો સુધી બન્નેએ એકમેકની સામે આવવાનું ટાળ્યું. જ્યારે રાજ કપૂરનાં મા રમાદેવીનું અવસાન થયું ત્યારે સુનીલ દત્ત સાથે નર્ગિસ કપૂર ખાનદાનને સાંત્વન આપવા તેમના ઘરે ગઈ. ત્યાર બાદ રિશી કપૂરના લગ્નપ્રસંગે કપૂર પરિવારના આમંત્રણને માન આપી તેણે સહકુટુંબ હાજરી આપી.
એક્મેકથી છૂટાં પડ્યા બાદ રાજ કપૂરે આ સંબંધની ગરિમા જાળવી રાખી હતી. ફિલ્મ ‘મૈં નશે મેં હૂં’ના એક ગીતના શબ્દો હતા ‘કિસી નર્ગિસી નઝર કો દિલ દેંગે હમ’. આ ગીત પર અભિનય કરવાની રાજ કપૂરે ના પાડી, જે પાછળથી હાસ્યકલાકાર મારુતિ પર ફિલ્માંકન કરવામાં આવ્યું. ‘ફિર સુબહ હોગી’ના એક ગીત ‘જિસ પ્યાર મેં યે હાલ હો’માં એક પંક્તિ હતી ‘ઇસ નર્ગિસી આંખોં કે છુપે વાર સે તૌબા તૌબા’. આ ગીત રાજ કપૂર અને રહેમાન પર ફિલ્માંકન કરવામાં આવ્યું હતું, પરંતુ આ પંક્તિ રહેમાન પર ફિલ્માંકન થઈ.
નર્ગિસની સ્મશાનયાત્રા
નર્ગિસની સ્મશાનયાત્રામાં રાજ કપૂર શરૂઆતથી હાજર હતા. ટેલિવિઝન પર સુનીલ દત્તને સાંત્વન આપતા, કાળાં ચશ્માં પહેરીને એક સ્વજનની જેમ દિલસોજી આપતા રાજ કપૂરનો ચહેરો આજે પણ યાદ છે. ‘જાગતે રહો’ના અંતિમ દૃશ્યમાં ગીત હતું ‘જાગો મોહન પ્યારે’. આ ગીતમાં આખી રાતની રઝળપાટ બાદ રાજ કપૂરની તરસ બુઝાવતી નર્ગિસનું દૃશ્ય યાદ આવે છે. એમાં રાજ કપૂરની આંખો નર્ગિસને કહેતી હતી કે તારા સિવાય મારી પ્યાસ કોણ છિપાવે?
જીભને ચાડી ખાવાની ટેવ હોય છે. બહુ-બહુ તો એને દાંત નામની વાડ પાછળ કેદ કરવાની કોશિશ કરી શકાય. મનના ભાવ ચહેરા પર આવી જ જાય, પણ થોડીઘણી મહેનત કરીએ તો એને કાબૂમાં રાખી શકાય; પરંતુ આંખ બેવફા છે, એ કદી કહ્યામાં ન રહે, ખરા સમયે તમને દગો દઈ દે. એટલા માટે એને કાળાં ચશ્માંની પાછળ ઢાંકી દેવી સારી. રાજ કપૂર આ વાત જાણતા હતા. એટલે જ આખો દિવસ તેમણે આંખ પરથી કાળાં ચશ્માં હટાવ્યાં જ નહીં.
વિધિ પણ કમાલના ખેલ કરે છે. રાજ કપૂરની નાની દીકરી રીમા સાથે રાજેન્દ્રકુમારના દીકરા કુમાર ગૌરવનું ઠાઠમાઠથી વેવિશાળ થયું હતું. સંજોગવશાત્ એ તૂટી ગયું. આગળ જતાં નર્ગિસની દીકરી નમ્રતા સાથે કુમાર ગૌરવ પરણીને ઠરીઠામ થયો.
દરેક વ્યક્તિમાં કશુંક એવું હોય છે જે આપણને સમજાતું નથી. એનો જવાબ શોધવો વ્યર્થ છે. રાજ કપૂરના જીવનમાં એવા કેટલાય પ્રસંગો છે જેમાં તેમનું વિરોધાભાસી વ્યક્તિત્વ ડોકાયા કરે. એમાં નવું કશું નથી, કારણ કે એ માનવસહજ છે.
નર્ગિસ પછી વૈજયંતીમાલા
વર્ષો સુધી નર્ગિસ અને ત્યાર બાદ થોડા સમય માટે વૈજયંતીમાલા સાથેના તેમના સંબંધો જગજાહેર છે. તેમના માટે કહેવાતું કે તેઓ પોતાની દરેક નાયિકાના પ્રેમમાં પડ્યા વગર કામ કરી શકતા નહીં. રાજ કપૂરે સ્પષ્ટપણે આ વાત નકારી નથી. તે કહેતા કે જ્યાં સુધી મારી કોઈ પણ નાયિકા સાથે હું સમરસ ન થાઉં ત્યાં સુધી મને કામ કરવાની સ્ફૂર્તિ નથી આવતી. હકીકત તો એ હતી કે પ્રેમનો અભિનય કરતી વખતે એમાં સચ્ચાઈનો આભાસ નિર્માણ કરવામાં રાજ કપૂરની તોલે કોઈ ન આવે. હિરોઇનને પહેલાં ‘હર્ટ’ કરીને પછીથી તેનું ‘હાર્ટ’ પટાવવાની કળા તેમને હાથવગી હતી.
એટલે સૌને નવાઈ લાગી જ્યારે સિમી ગરેવાલને આપેલા એક ઇન્ટરવ્યુમાં રાજ કપૂરે કહ્યું, ‘My actress is not my wife and my wife is not an actress. નર્ગિસ મારી ઊર્જા હતી. કૃષ્ણા મારી શક્તિ છે. એક અભિનેત્રી તરીકે હું નર્ગિસનું સન્માન કરું છું.’
જીવનના અંતિમ પડાવ પર તેમણે પુત્રી રીમાને કહ્યું હતું, ‘મને ઘણોબધો રંજ છે કારણ કે મને નથી લાગતું કે હું જે કરવા માગતો હતો એની નજીક પણ પહોંચી શક્યો છું. ઈશ્વર મને એ સમયે ન બોલાવે જ્યારે મેં રમવાનું શરૂ કર્યું છે. જીવન જ્યારે આપણને ઉપરવાળા દ્વારા આપેલી સોગાતોથી નવી સફળતા મેળવવાનું શીખવાડે છે ત્યારે લાગે છે કે મોડું થયું છે. જવાનો સમય આવી ગયો છે.’
લખાય એટલું ઓછું
રાજ કપૂરની જન્મશતાબ્દી નિમિત્તે લખવા બેઠો છું ત્યારે થાય કે આ તો ઓસરીમાં ઘોડા દોડાવવા જેવી વાત છે. તેમના જીવનના કલાઇડોસ્કોપનું ફલક એટલું વિશાળ છે કે જેટલું લખાય એટલું ઓછું છે. મધરાતનો સન્નાટો છે અને સ્મૃતિપટ પર ગાતા, નાચતા, હસતા, રડતા રાજ કપૂરના અઢળક ચહેરા છવાઈ જાય છે. ‘અંદાઝ’માં ‘યૂં તો આપસ મેં બિગડતે હૈં, ખફા હોતે હૈં’ ગાતા રાજ કપૂર ડોકને ઝટકો આપીને વારંવાર વાળને કપાળ પર લાવે છે એ યાદ રોચક છે. ભૂરી આંખોમાં કરુણા લઈને હોઠ પર સ્મિત રેલાવતો રાજ કપૂર ‘આવારા’માં ‘હમ તુઝસે મહોબ્બત કર કે સનમ’ કે પછી ‘કન્હૈયા’માં ‘મુઝે તુમસે કુછ ભી ન ચાહિએ, મુઝે મેરે હાલ પે છોડ દો’ ગાય ત્યારે આંખ છલકાઈ જાય. ‘જીના યહાં મરના યહાં’ કે પછી ‘જાને કહાં ગએ વો દિન’ સાંભળું છું ત્યારે મજબૂરીની કથા અને અંગત ઝુરાપાની વ્યથાથી દિલ બેચેન થઈ જાય છે. ‘પ્યાર કર લે નહીં તો શૂલી ચડ જાએગા’ સાંભળીને જેમણે આ પવિત્ર ગુનો નહીં કર્યો હોય તેમને આત્મઘાતી વિચાર આવતો હશે એમાં શંકા નથી. ‘ઓ મેહબૂબા ઓ મેહબૂબા’ ગાતા રાજ કપૂરની કમરો બની ગયેલી કમર આંખને ખટકતી નથી, કારણ કે તેની અદા જ એટલી મારકણી છે.
‘અનાડી’માં પાર્ટી-સીનમાં હૃદયના આકારની કેક કપાતાં જોઈ તે બોલી ઊઠે છે, ‘અરે દેખો, કોઈ દિલ મેં છુરી ચલાએ જા રહા હૈ.’ ‘બેવફા’ના અંતિમ દૃશ્યમાં નર્ગિસની દાગીના ભરેલી બૅગ લઈને ભાગતો રાજ કપૂર બદમાશની ગોળીઓનો ભોગ બને ત્યારે પ્રાણ છોડતાં ખાલી બૅગ બતાવતા સમયે એક જ વાર માર્મિક હસતો ચહેરો પૂરી ફિલ્મમાં છવાઈ જાય છે. ‘શારદા’નું અંતિમ દૃશ્ય કેમ ભુલાય? પ્રેમિકાનો સાવકી મા તરીકે સ્વીકાર કરતા રાજ કપૂરના અભિનયની પરાકાષ્ઠા એ ક્ષણે આવે છે જ્યારે ઘર છોડીને જતી મીનાકુમારીનો પાલવ પકડી લગભગ ચિત્કાર કરતાં તે કહે છે, ‘માં, મુઝે છોડકર મત જાઓ.’
૧૯૮૮ની બીજી મેના દિવસે રાષ્ટ્રપતિ આર. વેન્કટરામન મંચ પરથી નીચે ઊતરી વ્હીલચૅર પર બેઠેલા બીમાર રાજ કપૂરને દાદા સાહેબ ફાળકે અવૉર્ડ આપવા આવ્યા એ દૃશ્ય સિમ્બૉલિક હતું. રાજકારણીઓથી વધુ વિખ્યાત અને લોકપ્રિય રાજ કપૂર સામે સત્તા રાજીખુશીથી ઝૂકી જતી. આજે ૧૪ ડિસેમ્બર છે અને તેમની જન્મશતાબ્દીની ઉજવણી થઈ રહી છે. કલાકાર ચાહકોમાં સદૈવ જીવંત રહે છે. એટલે તો રાજ કપૂર આપણને કહીને ગયા કે...
જીના યહાં મરના યહાં,
ઇસકે સિવા જાના કહાં
જી ચાહે જબ હમકો આવાઝ દો,
હમ હૈં વહીં હમ થે જહાં
અપને યહીં દોનોં જહાં,
ઇસકે સિવા જાના કહાં
કોણ શું કહે છે રાજ કપૂર વિશે?
રાજ કપૂરના વ્યક્તિત્વનાં અનેક પાસાં હતાં. અલગ-અલગ વ્યક્તિઓએ તેમના ભિન્ન-ભિન્ન સ્વરૂપને પોતાના દૃષ્ટિકોણથી જોયું. મારી સાથેની મુલાકાતોમાં મન્ના ડે કહે છે, ‘મારી કારકિર્દીને નવો આયામ રાજસા’બે આપ્યો. ‘ચોરીચોરી’ના ‘યે રાત ભીગી ભીગી’ માટે તેમણે મારો પક્ષ ન લીધો હોત તો હું હજી પણ ભજન, ક્લાસિકલ અને કૉમેડી ગીત ગાતો હોત. આ ગીતની સફ્ળતાએ મારા માટે હીરો માટેના પ્લેબૅક સિન્ગિંગના દરવાજા ખોલ્યા.’
સંગીતકાર ખય્યામની કારકિર્દીમાં ‘ફિર સુબહ હોગી’ એક સીમાચિહ્ન બની ગઈ. મને કહે, ‘આ ફિલ્મ માટે રાજ કપૂરે શંકર-જયકિશનની ભલામણ કરી હતી. રમેશ સાયગલે તેમને વિનંતી કરી કે એક વાર તમે ખય્યામનાં ગીતો સાંભળો. તેમણે હા પાડી. મારા સ્વરબદ્ધ થયેલાં ગીતો સાંભળી તેમણે કહ્યું કે ખય્યામ જ ફિલ્મનું સંગીત આપશે. તે કલાપારખુ હતા.’
આણંદજીભાઈ એક સરસ કિસ્સો શૅર કરે છે, ‘‘છલિયા’માં એક ગીત હતું, મેરે ટૂટે હુએ દિલ સે કોઈ તો આજ યે પૂછે કે તેરા હાલ ક્યા હૈ. આ મુખડું મેં લખ્યું હતું અને પૂરું કર્યું કમર જલાલાબાદીએ. રાજ કપૂર કહે, આ ગીતમાં ‘કે’ શબ્દ ગુજરાતી લાગે છે, એને બદલો. અમે કહ્યું ગીતને સ્વરબદ્ધ થવા દો. ગીત સાંભળી તે ભેટી પડ્યા અને કહે, મારી ધારણા ખોટી હતી.’
પ્યારેલાલજી મને કહે, ‘‘બૉબી’ અમારી સાથેની તેમની પહેલી ફિલ્મ હતી. અમને કહે, મારે શંકર-જયકિશનની સ્ટાઇલનું સંગીત જોઈએ છે. તેઓ સંગીતના ઊંડા જાણકાર છે એ અમને ખબર હતી. અમે કહ્યું, તમારાં સૂચનો અમને માન્ય છે પણ અમે અમારી સ્ટાઇલથી ગીતો બનાવીશું. તેમણે કદી અમારા કામમાં દખલ ન કરી.’
ગીતકાર શૈલેન્દ્ર કહે છે, ‘એક કવિસંમેલનમાં તેમણે મને પહેલી વાર સાંભળ્યો. એ સમયે મારો ઝુકાવ સામ્યવાદ તરફ હતો. તેમણે મને ફિલ્મોમાં ગીત લખવાની ઑફર આપી. મેં કહ્યું, હું મારી કવિતા વેચતો નથી. નારાજ થવાને બદલે તેમણે કહ્યું, જો ક્યારેય તકલીફમાં હો તો મને યાદ કરજો. મુસીબતના દિવસોમાં હું તેમને મળવા ગયો ત્યારે મારો ઉપહાસ કરવાને બદલે મને કામ આપ્યું.’
અભિનેત્રી નંદા કહે છે, ‘કલાકાર નાનો કે મોટો હોય, દરેકને તે સરખી ઇજ્જત આપતા. તેમના ચહેરા પરની એક-એક રેખામાં અભિનય તરવરતો હતો. વેદના અને સંવેદનાના સૂક્ષ્મ ભાવ તે સહજતાથી આંખો દ્વારા પ્રદર્શિત કરવામાં માહેર હતા. ‘આશિક’માં મારો નાનો પણ અગત્યનો રોલ હતો. એક દૃશ્યમાં ડિરેક્ટર હૃષીકેશ મુખરજીને કહ્યું, આ દૃશ્ય નંદાનું છે એટલે કૅમેરાનું ફોકસ મારા પર નહીં, લાંબા સમય સુધી તેના પર હોવું જોઈએ.’
અભિનેત્રી સિમી ગરેવાલ કહે છે, ‘તેમને કદી ઉતાવળમાં કામ કરવાની આદત નહોતી. દરેક ચીજ મંદ ગતિથી પણ ચોકસાઈથી કરવાનો આગ્રહ રાખતા. ‘મેરા નામ જોકર’ના શૂટિંગ માટે અમે મૈસૂરમાં કલાકો સુધી રખડ્યા બાદ એક નાની નદીની આસપાસ એક જગ્યા પસંદ કરી. ચાર દિવસમાં તેમણે ઝાડ, પાન, ફૂલ અને રંગ વાપરીને એ જગ્યાને રળિયામણી બનાવી. મેં જોયું કે કૃત્રિમ રીતે નૈસર્ગિક વાતાવરણ બનાવવા માટેની આ જગ્યાની પસંદગીમાં તેમની કેટલી દૂરંદેશી હતી.’
રાજ કપૂર અભિનેતા ન બન્યા હોત તો કદાચ સારા સંગીતકાર ગાયક બની શક્યા હોત. શંકર-જયકિશનને ‘બરસાત’માં મોકો આપીને તેમણે સાબિત કર્યું કે તે હીરાપારખુ છે. લતા મંગેશકર કહે છે, ‘રાજ કપૂરની ફિલ્મોમાં સંગીત ભલે શંકર-જયકિશન કે લક્ષ્મીકાન્ત-પ્યારેલાલ કે રવીન્દ્ર જૈનનું હોય, મને એ સંગીતમાં રાજ કપૂરની આગવી છાપ સંભળાય છે કારણ કે સંગીત જ્યારે એક ગીત બનીને અવતરે છે ત્યારે એ ફિનિશ્ડ પ્રોડક્ટમાં રાજ કપૂરનો સ્ટૅમ્પ હોય છે.’
વાર્તાકથનમાં ગીત ક્યાં ઉમેરવું એની અદ્ભુત સૂઝબૂઝ રાજ કપૂરમાં હતી. ‘જિસ દેશ મેં ગંગા બહતી હૈ’ની વાર્તા સાંભળ્યા બાદ શંકર-જયકિશન કહે, ‘ડાકુઓની આ વાર્તામાં ગીત-સંગીતને કોઈ સ્કોપ નથી.’ રાજ કપૂરે સ્ક્રિપ્ટમાં એવાં દૃશ્યો ઉમેર્યાં જેના કારણે કવિતાને પૂરો ન્યાય મળે. ગીતોના ફિલ્માંકન અને રેકૉર્ડિંગ સમયે તેમના મનમાં એ દૃશ્યોનું ઑડિયો-વિઝ્યુઅલ ચાલતું હોય. મન્ના ડે મને કહે, ‘‘દિલ કા હાલ સુને દિલવાલા’ના રિહર્સલ સમયે તે ઊભા થઈને નાચતા હતા જેનાથી મને ગાવામાં ખૂબ સરળતા રહી.’
રાજ કપૂરનો રંગોત્સવ
આર. કે. સ્ટુડિયોઝની હોળી–ધુળેટીના રંગોત્સવની પાર્ટીમાં સામેલ થવા પૂરી ફિલ્મ-ઇન્ડસ્ટ્રી ઉત્સુક હતી. ખાણીપીણી અને શરાબની રેલમછેલ વચ્ચે રાજ કપૂર મસ્તીમાં નાચતા અને ઝૂમતા. અનેક વાર નશામાં કોઈને ખરુંખોટું કહી નાખતા અને બીજા દિવસે માફી પણ માગી લેતા. જાણકારો એમ કહેતા કે આ તેમની ચતુરાઈ ભરેલી ચાલ હતી. જે વ્યક્તિને સીધેસીધું ન કહી શકે તેને નશાના બહાના હેઠળ સંભળાવી દેવાની કળા તેમને સારી ફાવતી હતી.