14 December, 2024 06:24 PM IST | Mumbai | Rajul Bhanushali
ચેમ્બુર સ્ટેશન પાસે ગુપ્તા ભેળપૂરીવાળાને ત્યાં રાજ કપૂર વારંવાર જોવા મળતા.
૧૯૪૮માં ભારતીય સિનેમાના સૌપ્રથમ શોમૅને આર. કે. સ્ટુડિયોની સ્થાપના કરી હતી જે એક સમયે બૉલીવુડના ભવ્ય અને ગૌરવશાળી વારસાનો સાક્ષી હતો. ચેમ્બુરનો આ સ્ટુડિયો એક જમાનામાં હિન્દી સિનેજગતની ક્રીએટિવિટી અને ઇનોવેશનનું કેન્દ્ર હતું. એ સ્ટુડિયોમાં ભારતીય સિનેમાના સુવર્ણ યુગમાં કેટલીયે આઇકૉનિક ફિલ્મો બની હતી. સ્ટુડિયોનું પ્રતીક ચિહ્ન, જેમાં રાજ કપૂર અને નર્ગિસ છે એ સ્ટૅચ્યુ આજે પણ તેમના ચાહકોના હૃદયમાં અંકિત છે. આ સ્ટુડિયોમાં હોળીનું સેલિબ્રેશન હોય કે ગણેશોત્સવની ઉજવણી, સ્ટાર્સ અને સ્ટાર્સના ચાહકોને જલસો પડી જતો.
૨૦૧૭માં આ સ્ટુડિયોમાં લાગેલી આગને કારણે ઘણુંબધું નુકસાન થયું હતું અને હવે ત્યાં નવું બિલ્ડિંગ બની રહ્યું છે ત્યારે દંતકથારૂપ બની ગયેલા સ્ટુડિયો અને શોમૅન રાજકપૂરની વાતોને વાગોળે છે એ સમયે ચેમ્બુરમાં રહેતા ફિલ્મના ચાહકો
અમારા જેવા અનેક ચેમ્બુરવાસીઓ તેમને ખૂબ પ્રેમ કરતા અને હજીયે કરે છે
હાલ તિલકનગરમાં રહેતા ૬૩ વર્ષના દેવેન્દ્ર અંજારિયા વર્ષો સુધી ચેમ્બુર રહ્યા છે અને આવતાં જતાં આર. કે. સ્ટુડિયોની જાહોજહાલી જોઈ છે. પોતાનો અનુભવ શૅર કરતાં તેઓ કહે છે, ‘એ ગજબના દિવસો હતા. ત્યારે ફિલ્મ કલાકારો જોવા મળે એ લહાવો ગણાતો. અત્યારે સોશ્યલ મીડિયાને કારણે તેઓ આપણી નજર સામે રહે છે. તેમની રોજબરોજની લાઇફ વિશે આપણને ખબર પડતી રહે છે, પણ પહેલાં એવું નહોતું. તેમની એક ઝલક મેળવવા માટે લોકો કલાકોના કલાકો આર. કે. સ્ટુડિયોની બહાર વાટ જોતા. એ વખતની સ્ટુડિયોની ભવ્ય કહેવાય એવી જાહોજહાલી હતી. દર વર્ષે ગણેશ ચતુર્થીના દિવસે દસ દિવસ માટે સ્ટુડિયોમાં ગણપતિબાપ્પાની સ્થાપના થતી. ગણપતિબાપ્પાનાં દર્શન માટે સ્ટુડિયો સામાન્ય પબ્લિક માટે ખુલ્લો રહેતો. અમે સ્ટુડિયોમાં દર્શન કરવા જતા. સ્થાપના વખતે આખો કપૂર પરિવાર હાજર રહેતો અને પૂજાઅર્ચના કરતો. ખરી મજા વિસર્જનના દિવસે આવતી. એ દિવસે પણ આખો કપૂર પરિવાર હાજર રહેતો. વિસર્જન વખતે સરઘસ કાઢવામાં આવતું. આખી ફૅમિલી સરઘસમાં સહભાગી થતી અને બધા સ્ટુડિયોથી લઈને આખા ચેમ્બુરમાં નાચતાં-નાચતાં ગણપતિબાપ્પાને વિદાય આપતા. એ લોકો નાચતા હોય સાથે સામાન્ય પબ્લિક પણ નાચતી હોય. સેલિબ્રિટી હોવાનો કોઈ પણ ભાર રાખ્યા વગર. એ દિવસોમાં રણધીર કપૂર, શશી કપૂર, રિશી કપૂર, નાનો રણબીર કપૂર તથા નાનકડી કરિશ્મા અને કરીનાને પણ ઘરના મોટેરાઓ સાથે ભર તડકે વિસર્જનમાં નાચતાં જોયાં છે. વિસર્જન શિવાજી પાર્કમાં થતું. રાજ કપૂર હતા ત્યારે હોળીનો પ્રસંગ પણ ઉત્સવ બની જતો. એ વખતે સ્ટુડિયોમાં સામાન્ય પબ્લિકને જવાની પરમિશન નહોતી પણ પોતાના ફેવરિટ સ્ટારને જોવા માટે પબ્લિક ગેટની બહાર ઊભી રહેતી. આખું બૉલીવુડ આવતું. એ જમાનાની રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચન વચ્ચેની ટશન ખૂબ જાણીતી છે. બેઉ કોઈ પણ કાર્યક્રમમાં સાથે ન દેખાતા. પણ રાજ કપૂરની હોળી પાર્ટીમાં એ બન્નેને સાથે જોયા છે. રાજ કપૂર બોલાવે એટલે જવું જ પડે એવો તેમનો દબદબો હતો. તેઓ ખરા શોમૅન હતા. અમારા જેવા ચેમ્બુરવાસીઓ તેમને ખૂબ પ્રેમ કરતા અને હજીયે કરે છે. થોડાંક વર્ષો પહેલાં જ્યારે સ્ટુડિયોના પાછળના ભાગમાં આગ લાગી ગઈ પછી કપૂર પરિવારે આગળનો થોડો ભાગ સ્મૃતિ ચિહ્ન તરીકે રાખીને બાકીનો ગોદરેજ બિલ્ડરને વેચી દીધો. ગોદરેજે ત્યાં બનાવ્યું છે એ બિલ્ડિંગનું નામ આર. કે. એસ. બિલ્ડિંગ રાખ્યું છે. આ તેમનું રાજ કપૂરને ટ્રિબ્યુટ છે. એ સ્ટુડિયો ગયો ત્યારે તેમના પરિવારને તો દુઃખ થયું જ હશે પરંતુ મને પણ ખૂબ દુઃખ થયું હતું. અત્યારે તમારી સાથે વાત કરું છું તોય મને એ સ્મરણ ગમતું નથી. સ્ટુડિયોમાં અંદર દાખલ થઈએ અને દીવાલો પર રાજ કપૂરની બધી જ ફિલ્મોનાં પોસ્ટર લાગેલાં હોય એ જોઈને અલગ જ વાઇબ્રેશન આવતું. આજે પણ એ દૃશ્ય હું ભૂલ્યો નથી. હમણાં મુંબઈમાં શતાબ્દી જન્મ જયંતી નિમિત્તે ત્રણ દિવસ તેમની ફિલ્મોનો ઉત્સવ છે. જુદા-જુદા થિયેટર્સમાં તેમની ૧૦ ફિલ્મો ફરી બતાવવામાં આવશે. હું ‘સંગમ’ અને ‘શ્રી 420’ જોવાનો છું. ષણ્મુખાનંદ હૉલમાં સંગીતનો કાર્યક્રમ પણ છે. એમાંય જઈશ.’
મારી દુકાન પરથી તેમને ત્યાં નવા સેટ બનાવવા માટેનું રૉ મટીરિયલ જતું
ચેમ્બુરમાં રહેતા ૮૦ વર્ષના એસ. કે. ચતવાણી પાસે આર. કે. સ્ટુડિયો અને રાજ કપૂરનાં ઢગલાબંધ સંસ્મરણો છે. તેમની દુકાન આર. કે. સ્ટુડિયોની બિલકુલ સામે હતી અને આજે પણ છે. પોતાની સ્મૃતિને વાગોળતાં તેઓ કહે છે, ‘સ્ટુડિયોના ગેટની બહાર જ્યારે જુઓ ત્યારે ભીડ ઊભી જ હોય. સ્ટુડિયો એટલો મોટો હતો કે ત્યાં એકી સમયે અનેક ફિલ્મનાં શૂટિંગ ચાલતાં અને એટલે જ અનેક ફિલ્મ કલાકારો આવતા-જતા રહેતા. લોકો તેમની એક ઝલક જોવા માટે ગેટ પર ટોળે વળતા. ક્યારેક તો એવું થતું કે મોટા સ્ટાર પોતાની મોટી-મોટી ગાડીમાં આવતા અને ગાડી સીધી ગેટની અંદર જતી રહેતી ને લોકો ગાડીની પાછળ ગાંડા થઈને દોડતા. એમ તો સ્ટુડિયોની પાછળ પણ એક ગેટ હતો. ઘણી વખત સામેના ગેટ બહાર બહુ ભીડ હોય તો સ્ટાર્સ એ ગેટનો ઉપયોગ કરતા. સ્ટુડિયો ખૂબ મોટો હતો. અંદર ત્રણેક મોટા હૉલ અને કૉસ્ચ્યુમ રૂમ પણ બનાવવામાં આવ્યા હતા. રાજ કપૂરનો તો પોતાનો પર્સનલ રૂમ હતો. એ વખતે પબ્લિકમાં તેમનો જબરદસ્ત ક્રેઝ હતો. તેઓ સ્ટુડિયોમાં બહાર બેસીને જ સ્ક્રિપ્ટ-રાઇટિંગ કરતા. મારું ત્યાં આવવા-જવાનું ઘણું થતું. નવા સેટ બનાવવા માટે મારે ત્યાંથી રૉ મટીરિયલ જતું. ક્યારેક ડિઝાઇન પેપર તો ક્યારેક ફર્નિચર પણ જતું. એ વખતે અમારી દુકાનમાં અમે એ બધું રાખતા. શૂટિંગ માટે તો ફિલ્મસ્ટાર આવતા જ પરંતુ રાત્રે વૉલીબૉલ રમવા પણ આવતા. હિરોઇન્સ પણ આવતી. એ વખતે આજના જમાના જેવું ન્યુસન્સ બિલકુલ નહોતું. એ લોકો રમતા ત્યારે કોઈ ડિસ્ટર્બન્સ ન રહેતું. કોઈને આવવા-જવા પર રોકટોક નહોતી. એ દિવસો હજી પણ મારા સ્મૃતિપટ પર એવા ને એવા જ સચવાયેલા છે. ચેમ્બુર સ્ટેશનની સામે એક ગુપ્તા ભેળપૂરીવાળો છે. રોજ સાંજે રાજ કપૂર અને તેમની ટીમ ભેળપૂરી ખાવા જતાં. એ ભેળપૂરીવાળો આજે પણ છે અને આજે પણ તેની દુકાનમાં રાજ કપૂરનો ફોટો લગાવેલો છે.’
તેઓ ડિસિપ્લિન બાબતે અત્યંત સ્ટ્રિક્ટ હતા
૬૬ વર્ષના ભૂપેન્દ્ર અંજારિયા હવે તો ત્રણેક વર્ષથી થાણે રહેવા જતા રહ્યા છે પરંતુ અગાઉ ચેમ્બુરના આર. કે. સ્ટુડિયોના એ એરિયામાં ત્રણેક દાયકા જેટલું રહ્યા છે. એ જમાનાની વાત વાગોળતાં ભૂપેન્દ્રભાઈ કહે છે, મારા ફાધરને જૂની ફિલ્મોનો ખૂબ જ શોખ હતો અને એ શોખ મારામાં પણ ઊતરી આવ્યો છે. તેમના તો ફિલ્મ લાઇનના ઘણા મિત્રો પણ હતા. હું આર. કે. સ્ટુડિયોમાં ઘણીબધી વખત શૂટિંગ જોવા ગયો છું. ગણેશ ચતુર્થીના જ્યારે ગણેશ સ્થાપન થતું ત્યારે દર્શન કરવા પણ ગયો છું. ગણેશનું સ્થાપન બહારની સાઇડ થતું અને એ સાઇડ સામાન્ય પબ્લિકનાં દર્શન માટે ખુલ્લી રાખવામાં આવતી. એમ તો શૂટિંગ થતું એ ભાગમાં જવું અલાઉડ નહોતું પરંતુ અમે આમતેમ ઓળખાણ લગાવીને ઘૂસી જતા. એ વખતે સ્ટુડિયોની શું જાહોજહાલી હતી! થોડીક જો ઓળખાણ હોય તો શૂટિંગ જોવા માટે સિક્યૉરિટી અલાઉડ કરતી. કોઈ શૂટિંગ જોવા આવનારની અવહેલના કે અપમાન ન કરતું. ઘણાખરા સ્ટાર્સ પણ સારો વ્યવહાર કરતા. અમે વેવ કરીએ તો તેઓ પણ સામે સ્માઇલ આપતા. ક્યારેક હૅન્ડશેક પણ કરે. વાતો પણ કરે. હું ત્યાં પ્રાણ અને શત્રુઘ્ન સિંહા જેવા કલાકારોને મળ્યો છું. તેમની સાથે વાતો કરી છે. આજની જેમ ત્યારે સ્ટાર્સ સાથે ડઝનબંધ બૉડીગાર્ડ ન રહેતા. એ વખતે એટલીબધી સિક્યૉરિટીની જરૂર જ ન પડતી. ફૅન્સ ઍક્ટર્સનો રિસ્પેક્ટ કરતા અને ઍક્ટર્સ ફૅન્સનો રિસ્પેક્ટ કરતા. આજના જમાના જેવું નહોતું કે જોડે ડઝનબંધ બાઉન્સર્સની જરૂર પડે. હીરો હોય કે હિરોઇન, તેમની સાથે કોઈ એક અસિસ્ટન્ટ જેવી વ્યક્તિ હોય. હિરોઇનો સાથે તો મોટે ભાગે તેમની મમ્મીઓ જ હોય! રાજ કપૂર પણ કોઈ ઑબ્જેક્શન ન લેતા. હા, તેઓ ડિસિપ્લિન બાબતે અત્યંત સ્ટ્રિક્ટ હતા. એક વખત સીનનું શૂટિંગ ચાલુ થાય એટલે પછી વચ્ચે તેમને કોઈ જ હરકત ન જોઈએ. જો વચ્ચે કોઈ આવ્યું કે કશી હરકત કરી તો ભડકી જતા. અમુક ડિસ્ટન્સથી શૂટિંગ જોયા કરીએ તો કશો જ વાંધો નહીં. આર. કે. સ્ટુડિયોની અંદર આવેલું સફેદ આરસપહાણનું શિવલિંગ હજીયે સ્મૃતિમાં અકબંધ છે. એ અત્યંત સુંદર હતું. સ્ટુડિયોમાં ઊજવાતા ગણેશ ચતુર્થી અને હોળી જેવા તહેવારો પણ કાયમ યાદ રહેશે. હવે તો એ જગ્યા વેચાઈ ગઈ છે અને નવું બિલ્ડિંગ ઊભું થઈ ગયું છે પરંતુ રાજ કપૂર અને નર્ગિસનું એ સિમ્બૉલિક સ્ટૅચ્યુ અને રાજ કપૂરનો ફોટો હજી છે. તેમની ફૅમિલીએ એ સ્મૃતિ સાચવી છે એનો રાજીપો છે.’