એડિટિંગ ચાલુ થયા પછી એક પણ વ્યસન નહીં

14 December, 2024 06:20 PM IST  |  Mumbai | Rashmin Shah

જગજાહેર છે કે રાજ કપૂર દારૂના શોખીન હતા અને દરરોજ શરાબ પીતા, પણ ફિલ્મ પૂરી થઈને એડિટિંગ-ટેબલ પર જાય એટલે રાજ કપૂર શરાબ-સિગારેટને હાથ સુધ્ધાં ન અડાડે અને એ પણ જેટલા મહિના એડિટિંગ ચાલે એટલા મહિના.

અનીસ બઝ્‍મી

જગજાહેર છે કે રાજ કપૂર દારૂના શોખીન હતા અને દરરોજ શરાબ પીતા, પણ ફિલ્મ પૂરી થઈને એડિટિંગ-ટેબલ પર જાય એટલે રાજ કપૂર શરાબ-સિગારેટને હાથ સુધ્ધાં ન અડાડે અને એ પણ જેટલા મહિના એડિટિંગ ચાલે એટલા મહિના. રાજ કપૂરને ફિલ્મ પ્રેમ રોગમાં અસિસ્ટ કરનાર મોડાસામાં જન્મેલા ડિરેક્ટર અનીસ બઝ્‍મી ગ્રેટ શો-મૅન સાથેનો પોતાનો એક્સ્પીરિયન્સ શૅર કરે છે...

કાર્તિક આર્યનને બૉલીવુડમાં એસ્ટૅબ્લિશ કરી દેનારી ‘ભૂલભુલૈયા 2’ અને હમણાં રિલીઝ થયેલી ‘ભૂલભુલૈયા 3’, ‘વેલકમ’ અને ‘વેલકમ બૅક’ તથા ‘રેડી’ જેવી ૧૪થી વધુ ફિલ્મોના રાઇટર-ડિરેક્ટર અનીસ બઝ્‍મીએ પોતાની કરીઅરની શરૂઆત રાજ કપૂરના પાંચમા અસિસ્ટન્ટ તરીકે કરી હતી. ફિલ્મ ‘પ્રેમ રોગ’માં રાજ કપૂરને અસિસ્ટ કરનારા ગુજરાતના મોડાસામાં જન્મેલા અનીસ બઝ્‍મીની આંખ સામે આજે પણ ‘પ્રેમ રોગ’ દરમ્યાન લેજન્ડરી ડિરેક્ટર રાજ કપૂર સાથે વિતાવેલો સમય યાદ છે. અનીસ કહે છે, ‘હું તો પાંચમો અસિસ્ટન્ટ હતો અને એ પછી પણ સાહેબ નાનામાં નાની વાતમાં મારું ધ્યાન રાખે. તમે માનશો, તેઓ પોતાની ટીમને સાથે લઈને જ ટ્રાવેલ કરે. અમે તેમની સાથે ફ્લાઇટમાં જ ટ્રાવેલ કરતા અને તેમની સાથે ફાઇવસ્ટાર હોટેલમાં જ અમારો સ્ટે રહેતો.’

એ વાત જગજાહેર છે કે રાજ કપૂર ડ્રિન્ક્સ અને સિગારેટના જબરદસ્ત શોખીન હતા, પણ એ વાત માત્ર તેમની સાથે વાત કરનારા જ જાણે છે કે રાજ કપૂર જ્યારે ફિલ્મ એડિટ કરવા બેસતા ત્યારે આલ્કોહોલ અને સિગારેટ બિલકુલ મૂકી દેતા. અનીસ બઝ્‍મી કહે છે, ‘ફિલ્મનું એડિટિંગ જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી તેઓ શરાબ-સિગારેટને હાથ પણ ન અડાડે, પછી એ બે મહિના ચાલે કે ચાર મહિના ચાલે. આ બહુ નવાઈની વાત હતી. એકધારું ડ્રિન્ક્સ લઈ શકતી વ્યક્તિ આવું કઈ રીતે કરી શકે, પણ તેમનું એવું જ હતું. ‘પ્રેમ રોગ’ દરમ્યાન તેમણે ચારેક મહિના શરાબ કે સિગારેટ લીધાં નહોતાં અને ફિલ્મનો ફાઇનલ પ્રિવ્યુ શો થયો, બધા ફિલ્મ જોઈને ખુશ થઈ ગયા એ પછી તેમણે હાથમાં ગ્લાસ પકડ્યો. આ તેમના કામનું ડેડિકેશન હતું. તેઓ કહેતા કે નશાને કારણે કામ સારું લાગે એવું મને નથી જોઈતું, કારણ કે મારું ઑડિયન્સ નશો કર્યા વિના ફિલ્મ જોવાનું છે, તો મારે પણ એ રીતે જ ફિલ્મ જોવા અને એડિટ કરવા બેસવું જોઈએ.’

એક ભૂલ અને બધા આઉટ
રાજ કપૂરની નસમાં લોહી નહીં, ફિલ્મ વહેતી. અનીસ કહે છે, ‘તેઓ ક્યાંય પણ જોતા ત્યારે તેમની આંખોમાં સીધી ફ્રેમ જ બને. તેમની પાસે તમે સીન સાંભળતા હો તો તમે ઓતપ્રોત થઈ જાઓ. સીન નરેટ કરતી વખતે રીતસર તેઓ એવી જ રીતે ડાયલૉગ્સ બોલે જાણે પોતે જ કૅરૅક્ટર હોય. ફીમેલ ડાયલૉગ સમયે તેમનો અવાજ તીણો થઈ જાય અને રાડ પાડવાની હોય તો તેઓ એવી રાડ પાડે કે સાંભળનારો ડરી જાય.’

‘પ્રેમ રોગ’ના શૂટિંગ દરમ્યાન એક વાર અસિસ્ટન્ટ્સથી કૉસ્ચ્યુમ-કન્ટિન્યુટીમાં ભૂલ થઈ અને રઝા મુરાદને ખોટો ડ્રેસ પહેરાવાઈ ગયો. શૂટ ચાલુ થયું અને આખી ડિરેક્શન-ટીમના ધ્યાનમાં આ ભૂલ આવી ગઈ, પણ રાજ કપૂર એ દિવસે જુદા જ મૂડમાં હતા. તેમણે એક પછી એક શૉટ્સ લેવાનું શરૂ કરી દીધું. અનીસ કહે છે, ‘અમારી કોઈની હિંમત ન ચાલી કે અમે તેમને રોકીએ. કામ પણ એ દિવસે ફાસ્ટ થતું હતું. ચાર વાગ્યે તો સાહેબે અનાઉન્સ કરી દીધું કે આજે ડબલ કામ થયું છે તો રાતે પાર્ટી. આર.કે. સ્ટુડિયોઝમાં શૂટ હતું. પૅકઅપ થયા પછી યુનિટ-હેડ કે. કે. સિંહે જઈને તેમને વાત કરી કે આવી ભૂલ થઈ ગઈ છે અને સાહેબે ઉપર જોયું અને અમે બધા અસિસ્ટન્ટ્સ અહીં-ત્યાં ભાગી ગયા. હું સેકન્ડ ફ્લોર પર આવેલી કૉસ્ચ્યુમરૂમમાં છુપાઈ ગયો હતો એ મને હજી પણ યાદ છે અને ત્યાં મેં રાજસાહેબની રાડ સાંભળી.’

રાજ કપૂરે ઑર્ડર કર્યો કે બધાને બોલાવો અને શોધી-શોધીને બધા અસિસ્ટન્ટ્સને હાજર કરવામાં આવ્યા. અનીસ કહે છે, ‘અમારા બધાના રીતસરના પગ ધ્રૂજે અને સાહેબે એટલું જ કહ્યું, કાલથી કોઈ આવતા નહીં, ભાગો...’

સાચે જ બધાને રવાના કરી દીધા. ચાર દિવસ પછી મહિનો પૂરો થતો હતો એટલે ચારેચાર અસિસ્ટન્ટ્સ આર. કે. સ્ટુડિયોઝમાં આવેલી ઑફિસમાં પગાર લેવા પહોંચ્યા ત્યારે ખબર પડી કે સાહેબ તો હવે એક પણ અસિસ્ટન્ટ વિના શૂટ કરે છે. અનીસ કહે છે, ‘વિચારો, એક ડિરેક્ટર એક પણ અસિસ્ટન્ટ વિના બધું શૂટ કરે છે. હકીકત પણ એ જ હતી. રાજ કપૂરને કોઈની જરૂર જ નહોતી, તેઓ એકલા હાથે બધું કામ જાતે કરી શકતા.’

આ વાત ખબર પડ્યા પછી બધાને પોતાની ભૂલ સમજાઈ અને પ્રોડક્શન-કન્ટ્રોલરને રિક્વેસ્ટ કરીને બધા ફરીથી નોકરીએ રહ્યા. અનીસ કહે છે, ‘અમે બધા ફરી કામ પર તો આવી ગયા, પણ અમને સજા મળી. મસૂરી સુધી અમારે સાહેબ સાથે ફ્લાઇટમાં નહીં, પ્રોડક્શનની બસમાં જવું પડ્યું અને બાકીના યુનિટ-મેમ્બર્સ સાથે રહેવું પડ્યું. પહેલા દિવસે અમારી સાથે સાહેબે કોઈ વાત ન કરી અને બીજા દિવસે સવારે પ્રોડક્શન-કન્ટ્રોલરને કહ્યું, મેરી ટીમ કો મેરી હોટેલ મેં યહાં શિફ્ટ કર દો...’

raj kapoor anees bazmee kartik aaryan bhool bhulaiyaa welcome welcome back bollywood bollywood news entertainment news columnists Rashmin Shah