25 November, 2021 04:14 PM IST | Mumbai | JD Majethia
બાબા રામદેવ
એન્ટરટેઇનમેન્ટ ફીલ્ડવાળાને વળી યોગ અને આયુર્વેદ અને એવીબધી વાતોમાં કેવી રીતે રસ પડ્યો એ જાણવાની ઇંતેજારી તો બાબા રામદેવને પણ હતી અને સાચું કહું તો મને તેમને જણાવવાની. નવા જે કામ પર હું લાગ્યો છું એ કામ માત્ર ને માત્ર મારા બાપુજીને કારણે થઈ રહ્યું છે એવું કહેવું અતિશયોક્તિ નહીં કહેવાય.
(આપણે વાત કરીએ છીએ બાબા રામદેવ જેવી વિરલ વિભૂતિ સાથે ગાળવા મળેલા અવિસ્મરણીય કલાકોની. એક ચૅનલ સાથે પ્રોગ્રામની વાત ચાલતી હતી. કન્સેપ્ટ અને એના આધારે થયેલી મીટિંગો થઈ અને એ મીટિંગોમાં નક્કી થયું કે આપણે બાબા રામદેવને મળવું જ પડે. મીટિંગ માટે દેહરાદૂન પાસે આવેલા તેમના યોગ સેન્ટર પર જવાનું નક્કી થયું અને અમે ઊપડ્યા મુંબઈથી દેહરાદૂન જવા. દેહરાદૂનથી અમે સેન્ટર પર પહોંચ્યા અને રાતે બાબાની સાથે પહેલી મુલાકાત થઈ, જેમાં નક્કી થયું કે સવારે નિરાંતે મળીએ. બાબાને સવારે પાંચ વાગ્યે યોગ સેશન લેવાનું હોય. મને થયું કે હું પણ એમાં જૉઇન થઉં અને સવારના છ વાગ્યામાં હું પણ પહોંચ્યો એ અલૌકિક સેશનનો લાભ લેવા. અદ્ભુત આનંદ અને તાજગી જુઓ એટલે જાણે કે એકદમ તરોતાજા. સેશન પૂરું કરીને હું આવ્યો અમારી વિલા પર. અમારે નવ વાગ્યે બાબા સાથે નવેસરથી મીટિંગ હતી, જે માટેની તૈયારીઓ પણ કરવાની હતી તો યોગ સેશનમાંથી જે કંઈ નવું જાણવા-શીખવા મળ્યું હતું એ પણ અગાઉથી તૈયાર કરેલા પ્રેઝન્ટેશનમાં મારે ઍડ કરવાનું હતું. તરત કામે લાગ્યો અને બધું રેડી કરીને નવ વાગે એની રાહ જોવા માંડ્યો. અબ આગે...)
નવ વાગ્યા અને રામદેવજી મુલાકાત માટે હાજર. યોગ સેશન પાંચ વાગ્યાથી શરૂ થઈ ગયાં હતાં એ પછી પણ તેઓ સમયસર પહોંચી ગયા. જરા પણ મોડું નહીં અને ફ્રેશનેસ એવી ને
એવી જ, જાણે કે હમણાં જ તેઓ ફ્રેશ થઈને આવ્યા હોય.
બાબા આવ્યા એટલે અમે વાતની શરૂઆત કરી, પણ અમે હજી વધારે કંઈ બોલીએ એ પહેલાં તો તેમણે પોતે જ ઘણુંબધું કહેવાનું શરૂ કર્યું. ઘણું સરસ-સરસ કહ્યું. તેમની જે વાતો હતી એ સાંભળતાં અમને રિયલાઇઝ થયું કે અમે પ્રોજેક્ટ માટે જે કામ કર્યું હતું એ લગભગ એવું જ હતું જેવું તે કહી રહ્યા હતા. કહેવાનો મતલબ એ કે અમે ઑલમોસ્ટ એક જ લાઇન પર હતા. અમારા વિચારો સરખા હતા, જે ખરેખર ખુશીની વાત હતી તો સાથોસાથ અમારા માટે રાહતની વાત પણ હતી. વાતો દરમ્યાન વચ્ચે જગ્યા મળી, તબક્કો આવ્યો એટલે મેં બોલવાનું શરૂ કર્યું અને કહ્યું કે અમે આમ ઇચ્છીએ છીએ અને આવું તમે કહો છો એવું પણ કરવા માગીએ જ છીએ. હું બોલતો જઉં અને તેમનાં વચ્ચે-વચ્ચે સૂચનો આવતાં જાય કે તમે આમ કરો, આવી રીતે કરો, આ પ્રકારે આગળ વધો. યોગ અને આયુર્વેદની પણ વાતો થઈ તો સાથોસાથ બાળકો જોડે, આખા પરિવાર જોડે કેવી રીતે રહો અને કેવી રીતે તેમનું સંબોધન કરો એની વાત પણ થઈ.
સાધારણ રીતે લોકો એમ માને છે કે યોગ એટલે પાંત્રીસ-ચાલીસથી વધારે વયના લોકો કરે કે પછી એવા લોકોને જ એની જરૂર હોય છે. આયુર્વેદના રસ્તે પણ એ જ લોકો જાય છે જે આ એજ ગ્રુપના કે પછી એનાથી મોટા હોય છે. આ અને આ પ્રકારનું મિસકન્સેપ્શન દૂર કરવા માટે અમે શું કરવાના છીએ એ તેમણે અમને પૂછ્યું ત્યારે મેં તેમને કહ્યું કે અમે બાળકોનાં કૅરૅક્ટર પણ રાખ્યાં છે, જે સતત શોમાં દેખાયા કરશે. તેમને અમુક કિસ્સાઓ પણ કહ્યા તો તેમને મજા આવી ગઈ. બહુ સરસ રીતે અમે બધા હસ્યા અને સાથે હસવાનો એક સીધો અર્થ એવો નીકળે કે સામેવાળી વ્યક્તિને તમારી વાત ગમી છે, તે તમારી વાતોમાં રસ સાથે ઇન્વૉલ્વ થઈ રહી છે.
બસ, પછી તો હું બોલતો રહ્યો અને બધું કહેતો ગયો. બહુ જ ગમ્યું તેમને બધું. અમે વાત કરતા હતા ત્યારે વચ્ચે મને અટકાવ્યો અને મારી સાથે ચૅનલના જે સર્વેસર્વા આવ્યા હતા તેમને કહ્યું કે તમે માણસ બહુ સારો લાવ્યા છો, એકદમ રાઇટ વ્યક્તિ પકડી છે. આવું કહેતાં પહેલાં તેમણે મને પૂછ્યું હતું કે તમે ગુજરાતી છો? મેં કહ્યું હા, કેમ શું થયું?
બાબા રામદેવ તરત જ હસતાં-હસતાં બોલ્યા કે ગુજરાતી બહુ હોશિયાર હોય અને પછી ચૅનલના સર્વેસર્વા સામે ફરીને બોલ્યા કે ગુજરાતી દેશ ચલાવે છે અને તમે માણસ બહુ સરસ લાવ્યા છો. એ પછી તો અમારી વાતો ચાલી, ચાલી, ચાલી... એટલી ચાલી કે સમય ક્યાં પસાર થઈ ગયો એની ખબર જ ન પડી. બહુ મજા આવી વાતો કરવાની. તેમની સાથે વાતો કરીને અને તેમની વાતોથી ખૂબબધું ઇન્સ્પિરેશન મળ્યું અને સાથોસાથ તેમના વિશે જાણવા પણ પુષ્કળ મળ્યું.
મને એક વાત કહેવાનું મન થાય છે કે ખરેખર આપણે સૌ નસીબદાર છીએ કે આપણને આજના યુગમાં બાબા રામદેવ જેવા ઋષિનો સંગાથ મળ્યો છે. તમે તેમની તાકાત જુઓ. તેમનામાં જે જાદુઈ શક્તિ છે, જે વિચક્ષણતા છે, વિચારોની સ્પષ્ટતા છે અને જે દૂરંદેશી છે એ અકલ્પનીય છે. તમે તેમની સાથે વાત કરો, તેમને સાંભળો, તેમને સાંભળતા જુઓ એ બધામાં તમને એક જ વાત દેખાયા કરે...
આરોગ્ય. વાતથી માંડીને વર્તણૂક અને વ્યવહાર સુધ્ધાંમાં તમને આરોગ્ય છલકાતું દેખાય અને એમ છતાં તમને ક્યાંય એનો ભાર ન લાગે. હું તો કહીશ કે તમે જો બાબા રામદેવની આજુબાજુમાં રહો તો પણ આપોઆપ તંદુરસ્ત થઈ જાઓ. તેમનો ઑરા પણ એવો જ છે કે એ આજુબાજુનું વાતાવરણ તાજગીથી ભરી દે.
હું કહીશ કે હું તેમની એ બધી વાતોથી વધારે ઇન્સ્પાયર છું જે હેલ્થની સાથે જોડાયેલી છે. આમ પણ હું હેલ્થ-કૉન્શ્યસ છું, ફિટ રહું છું; પણ તેમને મળ્યા પછી મને વધારે રિયલાઇઝ થયું કે જીવન કેવું હોવું જોઈએ અને જીવન કેવું ડિઝાઇન થવું જોઈએ. મેં તેમનો ખોરાક જોયો, તે જે ખાય છે એ મેં જોયું અને ખાવાની માટેની તેમની ક્વૉન્ટિટી મેં જોઈ. જરા અમસ્તું જ લે અને લિજ્જતથી, મન સાથે, પ્રેમ સાથે તે ખાય અને સૌથી સારી વાત એ કે ક્યાંય કોઈ આડંબર નહીં. બધું બહુ સ્વાભાવિક અને અત્યંત પ્રેમસભર.
તેમની સાથે રહ્યા પછી મને એક વાત સમજાઈ કે આ વખતે હૉલિડે તેમના સેન્ટરમાં લેવી જોઈએ. એ જ સાચી હૉલિડે જે તમારા મનને શાંતિ આપે, સ્વસ્થ કરે, ખુશી આપે અને તમને અંદરથી તરબરતર કરે. મેં તો મનોમન નક્કી કર્યું કે આ વખતે આખા પરિવાર સાથે તેમને ત્યાં આવવું. બસ, સરસ મજાની મોસમ પકડી લેવી જેથી પૂરેપૂરી રીતે એ દિવસોને માણી શકાય.
અમારી એ મુલાકાત દરમ્યાન જ મેં તેમને કહ્યું કે સવારે મેં તમારું સેશન અટેન્ડ કર્યું હતું. થોડો દૂર હતો પણ મને મજા આવી. મને જ નહીં, તમને પણ તાજુબ થશે કે તેમણે મને જોઈ લીધો હતો. મને તેમણે પૂછ્યું પણ ખરું કે આમ તો તમે આ બધી મનોરંજનની લાઇનમાં તો પછી આ કામમાં કેમ આટલો રસ લો છો? મેં તેમને જવાબ આપતાં કહ્યું કે આ કામ સાથે મારાં ઇમોશન્સ જોડાયેલાં છે.
કયાં ઇમોશન્સ મને આ કામ માટે તૈયાર કરી ગયાં એની વાત બાબા રામદેવને તો મેં ત્યારે કરી દીધી હતી, પણ સ્થળમાર્યાદાને લીધે એની ચર્ચા આપણે હવે કરીશું આવતા ગુરુવારે.
મને એક વાત કહેવાનું મન થાય છે કે ખરેખર આપણે સૌ નસીબદાર છીએ કે આપણને આજના યુગમાં બાબા રામદેવ જેવા ઋષિનો સંગાથ મળ્યો છે. તમે તેમની તાકાત જુઓ. તેમનામાં જે જાદુઈ શક્તિ છે, જે વિચક્ષણતા છે, વિચારોની સ્પષ્ટતા છે અને જે દૂરંદેશી છે એ અકલ્પનીય છે.