12 January, 2019 03:21 PM IST | | Dhruva Jetly
વાંચો તમારા ફેવરિટ કલાકારોની કેવી છે ઉત્તરાયણની યાદો ?
જાન્યુઆરી મહિનો શરૂ થાય અને ગુજરાત આખું મોજમાં આવી જાય. અરે, ડિસેમ્બર મહિનો અડધો પતે ને ગુજરાતના આકાશમાં પતંગો લહેરાવા માંડે! ઉત્તરાયણને લઈને ગુજરાતીઓનો હરખ માતો ન હોય! ગુજરાતીઓને 31 ડિસેમ્બરની પાર્ટી કરતાંય વધારે રસ 14 જાન્યુઆરીએ મિત્રો અને પરિવારો સાથે ઉત્તરાયણ ઊજવવાનો હોય છે. પતંગ, ફિરકો, ચીકી, બોર, શેરડી, ઉંધિયું-પૂરી, ધમાલ મ્યુઝિક, ડાન્સ અને મસ્તી. બાળકોથી લઈને મોટેરાંઓય તે આ તહેવારની મોજ માણવાનું ચૂકે નહીં. મકરસંક્રાંતિને લગતાં કંઇ કેટલાંય સંસ્મરણો લોકો પાસે હોય છે. આજે આપણે જાણીએ કેટલીક જાણીતી ગુજરાતી હસ્તીઓના ઉત્તરાયણના યાદગાર પ્રસંગો વિશે.
પ્રતીક ગાંધી
ઉત્તરાયણની કેવી છે પ્રતીક ગાંધીની યાદ ?
ગુજરાતી ફિલ્મોના જાણીતા કલાકાર અને રંગભૂમિના આર્ટિસ્ટ પ્રતીક ગાંધીએ પણ ગુજરાતી મિડ-ડેને તેમની ઉત્તરાયણનો એક યાદગાર પ્રસંગ શેર કર્યો. પ્રતીકે જણાવ્યું કે સુરતની તેમની ઉત્તરાયણ ખૂબ યાદગાર રહી છે. શાળાના તમામ મિત્રો કોઈ એક મિત્રના ધાબા પર જતા અને આખો દિવસ ધમાલ કરતા. એક ઉત્તરાયણ વખતે અમારી 12મા ધોરણના મિત્રોની આખી ગેંગ એક ધાબા પર ભેગી થઈ હતી. તે દિવસે બિલકુલ પવન ન હતો. એક જણની પણ પતંગ ચગતી ન હતી. ત્યારે એક મિત્ર ઋષિએ ખૂબ મહેનત કરીને પતંગ ચગાવ્યો. બધા મિત્રોમાં માત્ર તેનો જ પતંગ ચગ્યો. બાકીના મિત્રોને થયું કે કોઇની નથી ચગતી તો ઋષિની પતંગ કેમ ચગી ગઈ? અને એ લોકોએ મસ્તીમાં તેનો માંડ મહેનતથી ચગેલો પતંગ દોરીમાંથી કાપી નાખ્યો. મિત્રોની આ હરકતથી ઋષિ ખૂબ જ નિરાશ થઈ ગયો હતો. તે એટલો દુઃખી થઈ ગયો હતો કે તેણે ઉત્તરાયણ પછી 15 દિવસ સુધી કોઇની સાથે વાત કરી ન હતી. પ્રતીકે કહ્યું કે પછી દોસ્તોએ તેને મનાવી લીધો હતો. પણ આ ઉત્તરાયણ યાદગાર રહી હતી.
દીક્ષા જોષી
કેમ ઉંધિયું છે દીક્ષા જોશીનું ફેવરિટ ?
ગુજરાતી ફિલ્મ 'કરસનદાસ પે એન્ડ યુઝ'ની ઝયાના પાત્રમાં દીક્ષા જોશી ખૂબ ફેમસ થઈ હતી. ફિલ્મ 'શરતો લાગુ' માટે તેને GIFA (ગુજરાતી આઇકોનિક ફિલ્મ એવોર્ડ) પણ મળી ચૂક્યો છે. દીક્ષા તેની ઉત્તરાયણની યાદો વિશે જણાવે છે કે તે 5-6 વર્ષની હતી ત્યારે તેઓ ગાંધીનગર રહેતા હતા. આ દરમિયાન તેણે ઉત્તરાયણ મનભરીને માણી છે. ગાંધીનગમાં તેઓ ભાડે રહેતા. ત્યારે તેમના જે લેન્ડલોર્ડ હતા તેમની સાથે તેઓ ઉત્તરાયણ ઊજવતા. દીક્ષાને ઉંધિયું બહુ જ ભાવે છે અને ઉત્તરાયણ પર સ્પેશિય ઉંધિયું બનાવવામાં આવતું. સાથે તલ-સિંગની ચિક્કી પણ ખાવાની મજા આવતી. રાતે તુક્કલ ચડાવતા. દીક્ષાએ જણાવ્યું કે તે આખો દિવસ 12-13 કલાક સુધી ધાબા પર જ રહેતી. તેને નીચે ઉતરવું ગમતું જ નહીં. દોસ્તો સાથે મસ્તી કરવી, બૂમો પાડવી. જોકે તેને પોતાને પતંગ ચગાવતા નથી આવડતું પણ તેને ખાવા-પીવામાં ને મસ્તી કરવામાં વધારે રસ રહેતો હતો.
શ્યામલ મુનશી-સૌમિલ મુનશી
ધાબા પર શું કરે છે શ્યામલ-સૌમિલ મુનશી ?
ગુજરાતી સુગમ સંગીત જગતની પ્રખ્યાત સંગીતકાર ભાઈઓની જોડી શ્યામલ અને સૌમિલ મુનશીને પણ ઉત્તરાયણ ખૂબ પસંદ છે. સૌમિલ મુનશી જણાવે છે કે મને ઉત્તરાયણનો શોખ ખરો પણ પતંગ ચગાવવા કરતા મને ધાબે ચડીને ખાવા-પીવામાં અને ચીસો પાડવામાં વધારે મજા આવે. જ્યારે શ્યામલ મુનશીને પતંગ ચગાવવાનો ખૂબ શોખ. સૌમિલભાઈ જણાવે છે કે શ્યામલ પતંગ ચગાવે એટલે હું એના ફિરકામાંથી દોરી તોડી નાખું. એકદમ ભરદોરામાં એની પતંગ ચગતી હોય અને અચાનક દોરી એના હાથમાંથી તૂટી ગઈ હોવાનો એને ખ્યાલ આવે પણ એને ખબર ન પડે કે આવું થયું કેવી રીતે. અને એક દિવસ શ્યામલ મને આવું કરતા જોઈ ગયો હતો અને એને આ રહસ્યની જાણ થઈ ગઈ હતી. મોટાં થયાં પછી આ બધાં પ્રસંગો યાદ આવ્યા કરે છે.
આ ઉપરાંત સૌમિલ મુનશી એક પ્રસંગ યાદ કરતા જણાવે છે કે મારા પપ્પા અમ બધા બાળકો માટે ઉત્તરાયણ પર રંગબેરંગી ફુગ્ગાઓનું ઝૂમખૂં લઈ આવતા અને સાંજ પડે તેને હવામાં છોડી મૂકતા. આજે હું પપ્પાની જેમ જ રંગબેરંગી ફુગ્ગાઓ બાળકો માટે લઈ આવું છું અને અને ઉત્તરાયણના દિવસની સાંજે અમે એ ઝૂમખું હવામાં છોડી મૂકીએ છીએ.
અરવિંદ વેગડા
અરવિંદ વેગડાને છે પતંગ લૂંટવાનો શોખ!
'ભાઈ ભાઈ'ના ગુજરાતી ગીતથી ફેમસ થયેલા અને બિગ બોસ 9ના કન્ટેસ્ટન્ટ રહી ચૂકેલા સિંગર અરવિંદ વેગડા ગુજરાતી મિડ-ડેને જણાવે છે કે તેમને પતંગ ચગાવવાનો ગાંડો શોખ હતો. એટલો ક્રેઝ કે તેઓ પતંગ ચડાયા વગર ક્યારેય સ્કૂલે જતા નહીં. જમ્યા પછી સવારના 10થી 11 વાગ્યાની વચ્ચે તેઓ અચૂકપણે ધાબા પર જાય અને પતંગ ઉડાવે પછી જ સ્કૂલે જવાનું. ઉત્તરાયણથી દિવાળી સુધી તેમનો આ નિયમિત ક્રમ રહેતો. એક યાદગાર પ્રસંગ જણાવતા અરવિંદ વેગડાએ કહ્યું કે પતંગની દોરી ઘસાવવા માટે અમદાવાદમાં શાહપુર ફેમસ છે. ત્યારે હું લગભગ પાંચમા કે છઠ્ઠા ધોરણમાં ભણતો હતો. હું ને મારો મિત્ર ઘરે દોરી ઘસાવવા જવાનું કહીને શાહપુર પહોંચ્યા. પહેલીવાર આ રીતે દોરી ઘસાવવા જતા હતા. અમને એમ કે એક-બે કલાકમાં તો કામ પતી જશે. પણ ખૂબ વાર થઈ. સાંજના સાત વાગ્યા સુધી અમે ખાધા-પીધા વગર ત્યાં દોરી માટે બેસી રહ્યા અને મોડા ઘરે પહોંચ્યા. મોડું કરવા માટે ઘરે માર પણ ખાવો પડ્યો. પણ જાણે ગઢ જીતીને આવ્યા હોઇએ એવી ખુશી દોરી ઘસાવવાની થઈ હતી.
આ પણ વાંચોઃ ઉત્તરાયણઃમુસ્લિમ કારીગરો દ્વારા બનાવેલા પતંગથી ઉજવાય છે હિન્દુ તહેવાર
આ ઉપરાંત અરવિંદ વેગડાને પતંગો લૂંટવાનો પણ ખૂબ શોખ હતો. તેમણે જણાવ્યું કે રીતસર એક ધાબા પરથી બીજા ધાબા પર કૂદીને એકદમ ડેન્જરસ રીતે મેં પતંગ લૂંટેલી છે. આજે યાદ કરું છું તો આશ્ચર્ય થાય છે કે એવું કેવી રીતે કરી લેતો હોઇશ!