ડેરિવેટિવ્ઝની ડેન્જરસ ગેમ

30 June, 2024 07:15 AM IST  |  Mumbai | Jayesh Chitalia

શૅરબજારમાં રોકાણ કરતાં-કરતાં તમે કઈ રીતે કસીનોમાં પ્રવેશી જાઓ છો એની તમને ખબર છે? નાણાપ્રધાન, SEBI, NSE જેના વિશે સતત લાલબત્તી ધરી રહ્યાં છે એનાથી ચેતી જવાની જરૂર છે

પ્રતીકાત્મક તસવીર

દરેક રિસ્કમાં ઇશ્ક હોવાના ભ્રમમાં ન રહો : ફ્યુચર્સ-ટ્રેડિંગમાં ભાવિ જોખમાય અને ઑપ્શન્સ-ટ્રેડિંગમાં કમાવા કરતાં ખોવાના વિકલ્પો વધુ : સ્પેક્યુલેશનને ડ્રગ-ઍડિક્શન સમાન બની જતાં વાર લાગતી નથી


શું તમે ક્યારેય કસીનોમાં ગયા છો? શું તમને ખબર છે કે તમે કસીનોમાં ગયા વિના એમાં પ્રવેશી ગયા છો? તમે દરેક દસ જણમાંથી નવ જણ આ કસીનોમાં નાણાં ખોઈ રહ્યા છો એમ છતાં આ કસીનોનું આકર્ષણ દિવસે-દિવસે વધી રહ્યું છે. હવે તમે કહેશો, કયો કસીનો ભાઈ? અમે તો કોઈ કસીનોમાં ગયા નથી. દોસ્તો, તમે જાણતાં-અજાણતાં આ કસીનોની અંદર આવી ગયા છો. યસ, આજના ફાઇનૅન્શિયલ જગતમાં ફ્યુચર્સ ઍન્ડ ઑપ્શન્સ (F&O) ટ્રેડિંગ કસીનો જેવાં બની ગયાં છે, બીજા શબ્દોમાં આને ડેરિવેટિવ્ઝ-ટ્રેડિંગ કહે છે. છેલ્લાં કેટલાંક વરસોથી આ F&O સોદાઓમાં અનેક લોકોનાં ભાવિ જોખમમય અને અંધકારમય બની રહ્યાં છે અને આમાં નાણાં ખોયા બાદ તેમની પાસે કોઈ ઑપ્શન રહેતો નથી. અલબત્ત, એના માટે આ ટ્રેડિંગની પ્રોડક્ટ કે 
એક્સચેન્જિસ જવાબદાર નથી, સૌથી વધુ જવાબદાર છે એમાં સમજણ વિના અને ભરપૂર લોભની મહેચ્છા સાથે ટ્રેડિંગમાં-સટ્ટામાં ઊતરી જતા લોકો.

હવે આ સટ્ટો કે આ સોદાઓની રમત એટલી હદ સુધી ફેલાઈ ગઈ છે કે નિયમનકાર સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (SEBI) પણ ચેતવણી આપતાં-આપતાં થાકી ગયું લાગે છે એટલે એમાં ડૂબતા લોકોને રોકવા નિયમો વધુ સખત બનાવવામાં આવી રહ્યા છે. તાજી જાણકારી મુજબ SEBI આ સેગમેન્ટના એન્ટ્રી-પૉઇન્ટને અઘરું કે કડક બનાવી રહ્યું છે. ખુદ સ્ટૉક-એક્સચેન્જિસ પણ રોકાણકારો-ખેલાડીઓને સમજાવી અને ચેતવી રહ્યાં છે. નાણાપ્રધાન પણ આ વિષયમાં જાહેર ચેતવણી આપી ચૂક્યાં છે તેમ જ આ વિષયમાં જરૂરી પગલાં લેવા માટે SEBIને પણ કહી રહ્યાં છે. આમ છતાં લોભના મોહમાં અથવા કહો કે રાતોરાત-ફટાફટ પૈસા બનાવવાની દોડમાં ભાન ભૂલીને આ સોદામાં વધુ ને વધુ લોકો સક્રિય થઈ રહ્યા છે. ખાસ કરીને યુવા વર્ગ, જેમને રિસ્કમાં ઇશ્ક લાગે છે, જેમની પાસે સમજ અને પરિપક્વતા ઓછી છે અને મેથડ વિનાની મૅડનેસ વધુ છે, જેઓ જોખમ લેવાને બહાદુરી સમજે છે, જેમને ફિલ્મ ‘હેરાફેરી’ના અક્ષયકુમારની જેમ પૈસા બનાવવા કંઈ પણ કરવું છે.

વૉરન બફેટ શું કહે છે?
શૅરબજારમાં ડેરિવેટિવ્ઝ-માર્કેટ ડેન્જરસ છે. ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ ગુરુ વૉરન બફેટના શબ્દોમાં આ સાધનો ફાઇનૅન્શિયલ માર્કેટ માટે વિનાશક શસ્ત્રો છે. એમ છતાં આ જ માર્કેટ સૌથી વધુ ટર્નઓવર ધરાવે છે.

જો તમે નાના-નવા રોકાણકારો હો તો તમારે આ જાળમાંથી બચવા ખાસ સમજવું જોઈએ. જો ડેરિવેટિવ્ઝ ન સમજાતું હોય તો એનાથી દૂર રહેવામાં શાણપણ છે. એને બદલે ઇક્વિટી માર્કેટ પર લાંબા ગાળાનું રોકાણ પ્લાન કરવું જોઈએ. જોકે ડેરિવેટિવ્ઝ ખરાબ છે યા અર્થહીન છે એવી ગેરસમજ કરવી નહીં. માર્કેટમાં ડેરિવેટિવ્ઝનું જુદું મહત્ત્વ છે. વિદેશોમાં પણ ફ્યુચર્સ-ઑપ્શન્સની વિશાળ માર્કેટ છે. જોખમના નિયમન માટે, રિસ્ક મૅનેજમેન્ટ માટે હેજિંગ કરવામાં એનો ઉપયોગ થઈ શકે છે. સંસ્થાકીય અને મોટા ખેલાડીઓ એનો વધુ ઉપયોગ કરે છે.

સ્પેક્યુલેશન એ ઍડિક્શન
આ વિષયમાં વિશેષ કરીને ઑપ્શન્સ-ટ્રેડિંગ વધુ ધ્યાન ખેંચે છે, કેમ કે આમાં નાના ઇન્વેસ્ટર્સ-ટ્રેડર્સ વધુ ઍક્ટિવ રહે છે અને એમાં સૌથી વધુ નાણાં ગુમાવે પણ છે. હા, દસમાંથી નવ જણ. એમ છતાં આ સટ્ટાની આદત કે લાલચ છૂટતી નથી. જ્યાં આ પ્રકારના સોદાઓનું સૌથી વધુ (ભારતમાં અને વિશ્વમાં પણ) ટર્નઓવર થાય છે એ નૅશનલ સ્ટૉક એકસચેન્જ (NSE) 
ખુદ રોકાણકારોને આ વિષયમાં સાવચેત અને દૂર રહેવાની સલાહ આપે છે, અનુરોધ કરે છે. જોકે લોભને થોભ હોતો નથી. સ્પેક્યુલેશનનું ઍડિક્શન ડ્રગ્સ જેવું ખતરનાક હોય છે, જેને લીધે હાલ તો માર્કેટ કસીનો તરીકે બદનામ થઈ રહ્યું છે.

NSEના ચીફ શું કહે છે?
NSEના મૅનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર આશિષ કુમાર ચૌહાણે એકથી વધુ વાર કહ્યું છે કે શૅરબજારમાં નવા પ્રવેશનારા અને નાના રોકાણકારોએ લૉન્ગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, તેમણે ડેરિવેટિવ્ઝ માર્કેટમાં પ્રવેશવાનું ટાળવું જોઈએ, આ માર્કેટનું યોગ્ય જ્ઞાન ન હોય તો એનાથી દૂર જ રહેવું જોઈએ.  

NSEનો દાવો છે કે ઑપ્શન્સ-માર્કેટમાં છેલ્લાં ત્રણ વરસમાં રોકાણકારોની-ટ્રેડર્સની સંખ્યા સમાન જ રહી છે, બહુ વધી નથી. જોકે ટર્નઓવરને કારણે આ વધુ આંખે ચડે છે. જેઓ ઑપ્શન્સ-ટ્રેડિંગ કરે છે એમાં પણ મોટે ભાગે નાના રોકાણકારો નહીં, બલકે ટ્રેડર વર્ગ છે. આ વર્ગ ડે-ટ્રેડર્સનો છે અને તેઓ આમાં નિપુણ પણ છે. NSEનું કહેવું છે કે આજના સમયમાં રોકાણકારો ક્યારે ટ્રેડર બની જાય છે એ કળવું કઠિન રહે છે, તેમની કૅટેગરી પાડવી મુશ્કેલ છે. દરમ્યાન SEBIએ બહાર પાડેલી સૂચના કહે છે કે બ્રોકરોએ ગ્રાહકોને ડેરિવેટિવ્ઝના સોદાની કૉન્ટ્રૅક્ટ નોટ્સ આપતી વખતે એમાં રીટેલ રોકાણકારો માટે ડિસ્ક્લેમર-ચેતવણી મૂકવી જોઈએ કે ડેરિવેટિવ્ઝ તેમના માટે જોખમી છે.  

SEBI શું કહે છે?
કૅપિટલ માર્કેટના નિયમનકાર SEBIએ ડેરિવેટિવ્ઝ માર્કેટમાં કેવો અને કેટલો સટ્ટો થાય છે એ વિશેના રિપોર્ટમાં કહ્યું છે કે ભારતીય ડેરિવેટિવ્ઝ-માર્કેટમાં ૮૯ ટકા ટ્રેડર્સ ખોટ નોંધાવે છે. માર્કેટમાં ઇક્વિટી કરતાં ડેરિવેટિવ્ઝ માર્કેટનું વૉલ્યુમ અનેકગણું ઊંચું રહે છે. એનો અર્થ એ જ થાય કે સ્પેક્યુલેશન પ્રવૃત્તિ અથવા સટ્ટાનો અતિરેક વધુ ચાલી રહ્યો છે, જેનો મહત્તમ લોકો ભોગ બની રહ્યા છે. એમ છતાં કરુણતા એ છે કે નાના ટ્રેડર્સ-રોકાણકારો પણ ફટાફટ ઊંચી કમાણી કરવાના પ્રલોભનમાં આ માર્ગે ફંટાય છે અને ફસાય છે. આમ તો SEBIએ નાના રોકાણકારો ડેરિવેટિવ્ઝથી દૂર રહે એ માટે એમાં સોદા કરવાની રકમમર્યાદા ઊંચી રાખી છે, એમ છતાં ઑપ્શન્સમાં માત્ર પ્રીમિયમ (જેની રકમ મર્યાદિત-નાની હોય છે) ભરવાથી કામ થતું હોય છે એટલે લોકો એ માર્ગે વધુ જાય છે. આમાં કમાણી ઊંચી થવાની શક્યતા હોય અને લૉસ મર્યાદિત થઈ શકે એટલે લોકોને એનું વધુ આકર્ષણ રહે છે.

ઑપ્શન્સનું આકર્ષણ શા માટે?
ખાસ કરીને ઑપ્શન્સ-માર્કેટમાં રોકાણકારો વધુ ખેંચાય છે, કારણ કે ત્યાં પ્રીમિયમ ભરીને સોદા થઈ શકતા હોય છે, જે રકમ મર્યાદિત અને તુલનાત્મક રીતે નાની હોય છે અને જોખમ પણ એ રકમ પૂરતું મર્યાદિત હોય છે. જ્યારે કે ફ્યુચર્સ-માર્કેટ વધુ જોખમી ગણાય. આશિષ ચૌહાણ કહે છે, ‘ખરેખર તો નાના રોકાણકારોએ ઇક્વિટી સેગમેન્ટ પર ધ્યાન આપવામાં વધુ સાર છે અને એ પણ લાંબા ગાળા માટે. ઑપ્શન્સ-માર્કેટમાં ટર્નઓવર બહુ મોટું દેખાય છે જે નૅશનલ ધોરણે લાગે, પરંતુ પ્રીમિયમની ગણતરીની દૃષ્ટિએ આ વાસ્તવિક ટર્નઓવર ઓછું છે.’
સટ્ટાકીય કલ્ચરનો વિસ્તરતો વ્યાપ અત્યારે તો હકીકત એ છે કે નાના રોકાણકાર હોય કે ટ્રેડર્સ હોય, તેઓ ડેરિવેટવ્ઝના નાદે લાગી મોટા ભાગનાં નાણાં ખોઈ રહ્યા છે. માર્કેટમાં સટ્ટાકીય કલ્ચર વધુ વિકસે છે તેમ જ માર્કેટ પણ બદનામ થાય છે. લૉસ કરનારા માર્કેટને દોષ આપે છે, જેમણે પોતે જ મોટી અને ઝટપટ કમાવાની લાલચમાં આ સટ્ટો કર્યો હોય છે. જો તમે આ ડેન્જરસ માર્ગે ઝટપટ કમાણીના મોહમાં જતા હો યા જવાનું વિચારતા હો તો ચેતી જજો. દસમાંથી નવ ગુમાવે છે એ યાદ રાખજો. 

હજી એક રૂપિયો પણ ન કમાતા સ્ટુડન્ટે ૪૬ લાખ રૂપિયા ગુમાવ્યા

પ્રોફેશનલ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ પ્રૅક્ટિશનર રોશન અગ્રવાલે પોતાના સોશ્યલ મીડિયા પર તેમના એક ક્લાયન્ટનો કિસ્સો શૅર કરતાં લખ્યું હતું કે BTechના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી જે હજી એક રૂપિયો કમાતો પણ નથી તેણે ડેરિવેટિવ ટ્રેડિંગમાં ૪૬ લાખ રૂપિયાનું નુકસાન કર્યું. ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ તરીકે તે વિદ્યાર્થીનું ઇન્કમ-ટૅક્સ રિટર્ન ફાઇલ કરતી વખતે રોશન અગ્રવાલને આ હકીકતની જાણ થઈ. આસામના આ CAએ જ્યારે તે વિદ્યાર્થી સાથે વિગતે વાત કરી ત્યારે જાણ થઈ કે ગયા વર્ષમાં તે વિદ્યાર્થીને ફ્યુચર્સ અને ઑપ્શન્સ (F&O) ટ્રેડિંગમાં ૨૦ લાખ રૂપિયાનું નુકસાન થયું હતું. છતાં બીજા વર્ષે પણ તેણે ટ્રેડિંગ ચાલુ જ રાખ્યું. વાસ્તવમાં તેને ડેરિવેટિવ ટ્રેડિંગની લત લાગી ચૂકી હતી. ત્યાર પછીના વર્ષમાં પણ તેણે ૨૬ લાખ રૂપિયાનું નુકસાન કર્યું. આ રીતે કુલ ૪૬ લાખ રૂપિયાની નુકસાની ભરપાઈ કરવા માટે આખરે તેણે પોતાનાં મા-બાપ પાસે પૈસા માગ્યા, પણ સામાન્ય આર્થિક પરિસ્થિતિને કારણે મા-બાપ કોઈ મોટી રકમ આપી શક્યાં નહીં ત્યારે તેણે બૅન્ક્સ અને માઇક્રો ફાઇનૅન્સ કંપનીઓ પાસે લોન અને મિત્રો પાસે ઉધાર પૈસા લઈને આ નુકસાન ભરવું પડ્યું.

યુવાનોમાં વધતા જતા ટ્રેડિંગના આ નશા અંગે ચિંતા વ્યક્ત કરતાં તેમણે કહ્યું, ‘તે વિદ્યાર્થી હાલ કઈ રીતે મૅનેજ કરી રહ્યો છે અને આ બધાં દેવાનાં નાણાં તે કઈ રીતે પાછાં ચૂકવશે એ અંગે વિચાર કરતાં મને ચિંતા થાય છે. નાની વયે વિદ્યાર્થીઓ કે ગૃહિણીઓ અથવા પુરુષો પણ આવી નાદાની કરે ત્યારે ખરેખર ચિંતા થાય છે. ડેરિવેટિવ ટ્રેડિંગ એ વાસ્તવમાં રોકાણ કે હેજિંગનું ટૂલ ન રહેતાં હવે ખરેખર જ સટ્ટાનું બજાર બનતું જઈ રહ્યું છે.’

આ ડેરિવેટિવ્ઝ ખરેખર છે શું ?

ફ્યુચર્સમાં ટ્રેડિંગ મોંઘું પડે છે એટલે નાના રોકાણકારો ઑપ્શન્સ તરફ વળે છે

ડેરિવેટિવ્ઝ ખરેખર શું છે? ડેરિવેટિવ્ઝ એક એવું સાધન છે જેનું કોઈ સ્વતંત્ર મૂલ્ય હોતું નથી, પણ એ અન્ય કોઈ ચીજોમાંથી મૂલ્ય (વૅલ્યુ) ડિરાઇવ કરે (ઊપજાવે) છે. જેમાંથી આ મૂલ્ય ઉપજાવાય છે એ ચીજો શૅર, શૅરબજારનો ઇન્ડેક્સ, કરન્સીનો દર, વ્યાજદર, કૉમોડિટીઝના ભાવ વગેરે હોઈ શકે છે. ફ્યુચર્સ અને ઑપ્શન્સ એ ડેરિવેટિવ્ઝ સાધનો કે માર્ગસમાન છે. આ બન્ને સાધનો પણ અન્ય ચીજોમાંથી વૅલ્યુ ઊપજાવે છે, જેમ કે સેન્સેક્સ અથવા નિફ્ટી જેવા શૅરોના ઇન્ડેક્સમાંથી ફ્યુચર કે ઑપ્શન કૉન્ટ્રૅક્ટ મૂલ્ય ઊપજાવે છે અને એટલે એમાં ફેરફાર થતા રહે છે. આ સોદા માટે સ્ટૉક-એક્સચેન્જમાં અલગ વિભાગ હોય છે, એનાં ધોરણો પણ અલગ અને વધુ કડક હોય છે. આ સાધનોનો ઉપયોગ જોખમના સંચાલન 
(રિસ્ક-મૅનેજમેન્ટ) માટે કરવામાં આવે છે. F&O એટલે કે ફ્યુચર્સ ઍન્ડ ઑપ્શન્સમાં સોદા કરવા માટે પહેલો મુદ્દો સમજી લો કે F&Oના સોદા અમુક લૉટમાં જ થઈ શકે છે. દા.ત. નિફ્ટીનો પચીસનો અને રિલાયન્સનો ૨૫૦નો લૉટ છે. અંદાજે લૉટની કિંમતના ૩૦-૪૦ ટકા માર્જિનની તૈયારી રાખવી પડે. બીજો મુદ્દો એ છે કે સ્ટૉક ફ્યુચરમાં એક્સપાયરીના ૭ દિવસ પહેલાંથી માર્જિન વધવા લાગે છે, કેમ કે શૅરના વાયદાનાં લેણ કે વેચાણનું સેટલમેન્ટ રૂપિયાની આપ-લે કે શૅરની આપ-લે દ્વારા થઈ શકે છે. ઇન્ડેક્સ ફ્યુચર્સમાં ડિલિવરીથી સેટલમેન્ટ ન હોવાથી છેલ્લા સપ્તાહમાં આવો વધારાનો માર્જિનનો બોજો આવતો નથી.

બાય ધ વે, ફ્યુચર્સ-ટ્રેડિંગ કરવું મોંઘું પડે છે, બાકી એ પણ ગણાય તો સટ્ટો જ. 
ઑપ્શન્સ શું છે?
ઑપ્શન્સ-ટ્રેડિંગ પણ ડેરિવેટિવ્ઝની પ્રોડક્ટ છે. ઑપ્શનનો અર્થ વિકલ્પ પ્રમાણે ઑપ્શન્સ-ટ્રેડિંગમાં ખેલાડીને એટલે કે ટ્રેડરને તેના વિકલ્પ (ઑપ્શન)નો ઉપયોગ કરવાનો અધિકાર રહે છે. એમ કરવાની ફરજ પડતી નથી. ઉદાહરણ તરીકે, કોઈ રોકાણકારે ચોક્કસ શૅર અમુક તારીખે ચોક્કસ ભાવે ખરીદવા માટેનો કૉન્ટ્રૅક્ટ કર્યો છે, પણ પાકતી મુદતે રોકાણકારને એ શૅરો ખરીદવાની ફરજ પડતી નથી, બલકે રોકાણકાર શૅર ખરીદવા કે ન ખરીદવા એના ઑપ્શનનો-વિકલ્પનો ઉપયોગ કરી શકે છે.

ઑપ્શન્સના પ્રકાર
ઑપ્શન્સ પણ બે પ્રકારનાં હોય છે : કૉલ્સ અને પુટ. કૉલ-ઑપ્શનમાં એના ધારકને ખરીદવાનો હક મળે છે, જ્યારે પુટ-ઑપ્શનમાં એના ધારકને વેચવાનો અધિકાર મળે છે. ભારતીય બજારની ભાષામાં કૉલ-ઑપ્શન તેજી તરીકે અને પુટ-ઑપ્શન મંદી તરીકે ઓળખાય છે.

ઑપ્શન્સ-સોદાનું એક ઉદાહરણ
એક દાખલો જોઈએ. વિજય એક કંપનીના ૧૦૦ શૅર ૩૫૦ રૂપિયાના ભાવે ચોક્કસ તારીખે ખરીદવાનો કૉલ-ઑપ્શન કૉન્ટ્રૅક્ટ કરે છે. પાકતી મુદતે વિજય પાસે એ ભાવે શૅર ખરીદવાનો વિકલ્પ (ઑપ્શન) છે અથવા તે ખરીદવાનું ટાળી દઈ શકે છે. એમ કરવા માટે તેણે એક સમયની ફી ચૂકવી દેવી પડે છે. આ ફી પ્રીમિયમ તરીકે ઓળખાય છે. ધારો કે એ શૅરનો ભાવ એ સમયે ૩૦૦ રૂપિયા થઈ ગયો તો વિજય પોતાનો ખરીદી (કૉલ-ઑપ્શન)નો વિકલ્પ વાપરશે નહીં અને ફી-પ્રીમિયમ ચૂકવી દેવાનો વિકલ્પ પસંદ કરશે અને જો ભાવ એ સમયે ૩૭૫ રૂપિયા થઈ ગયો તો વિજય ૩૫૦ રૂપિયાના ભાવે ખરીદવાનો કરેલો કૉલ-ઑપ્શન કૉન્ટ્રૅક્ટ વાપરશે અને ૩૫૦ રૂપિયાના શૅરો ખરીદી લેશે, જેથી પછી એને વેચીને નફો કરી શકે. આમ ઑપ્શન્સ એના ખેલાડીઓને કમાવાની તક પૂરી પાડે છે. જોકે ઑપ્શન વેચનારની-રાઇટરની જવાબદારી અમર્યાદિત રહે છે, કેમ કે ઑપ્શન્સ હેઠળની સિક્યૉરિટીઝના ભાવોમાં એ સમયગાળામાં ધરખમ ફેરફાર થઈ ગયા હોય એવું બની શકે છે, જ્યારે વેચનારે (પુટ ઑપ્શન કરનાર) ભાવમાં કોઈ પણ ફેરફાર થયા હોય તો પણ નિયત થયેલા ભાવે ડિલિવરી આપવી પડે છે. ઑપ્શન કૉન્ટ્રૅક્ટ્સનો ઉપયોગ પણ ફ્યુચર કૉન્ટ્રૅક્ટ્સની જેમ હેજિંગ અથવા સટ્ટાકીય હેતુ માટે થઈ શકે છે.

આ જ રીતે ખરીદવાના કૉલ-ઑપ્શન્સની જેમ વેચવાના પુટ-ઑપ્શન્સનો કૉન્ટ્રૅક્ટ પણ થાય છે, જેમાં વેચનાર નિયત સમયે શૅરો વેચવા કે ન વેચવાના ઑપ્શનનો અમલ કરવાનો અધિકાર ધરાવે છે. આવા કિસ્સામાં વેચનારે સામેની ખરીદનાર પાર્ટીને (જેની સાથે કૉન્ટ્રૅક્ટ થયો છે) પ્રીમિયમ ચૂકવવાનું આવે છે. 

SEBIનો ડેરિવેટિવ્ઝ માટે તાજો નિર્ણય
ગુરુવારે SEBIની બોર્ડ મીટિંગમાં ડેરિવેટિવ્ઝ માર્કેટમાં આડેધડ વધી રહેલા ઊંચા વૉલ્યુમ વિશેની ચિંતામાં જે નિર્ણય લેવાયો એ નિયમનકારની દૃષ્ટિએ પણ આ માર્કેટ વધુ રિસ્કી બની રહ્યુ હોવાનો સંકેત આપે છે. નાના રોકાણકારો-ટ્રેડર્સ આ જોખમી બજારમાં પ્રવેશીને જે ભૂલ કરી રહ્યા છે એના પર અંકુશ લાવવા SEBIએ વ્યક્તિગત સ્ટૉક્સ  માટે એન્ટ્રી અને એક્ઝિટનાં ધોરણો વધુ સખત બનાવવાનું નક્કી કર્યું છે. 

ઇક્વિટી માર્કેટ કરતાં ડેરિવેટિવ્ઝ માર્કેટનું વૉલ્યુમ અનેકગણું ઊંચું

નૅશનલ સ્ટૉક એક્સચેન્જ (NSE) ડેરિવેટિવ્ઝમાં વિશ્વમાં કૅશ-ટર્નઓવર રેશિયોની દૃષ્ટિએ સૌથી ઊંચું ટર્નઓવર ધરાવતું એક્સચેન્જ છે, અર્થાત્ કૅશ-ઇક્વિટી માર્કેટના દૈનિક ટર્નઓવર કરતાં NSEનું ડેરિવેટિવ્ઝ (FNO) માર્કેટનું ટર્નઓવર અનેક-અનેકગણું ઊંચું રહે છે. ખાસ કરીને ડિજિટલ-ઑનલાઇન ટ્રેડિંગસુવિધાની ઑફર બ્રોકરેજ કંપનીઓ તરફથી વધતી જતાં આ વૉલ્યુમ વધતું રહ્યું છે, જેમાં યંગસ્ટર્સ સૌથી વધુ ઍક્ટિવ છે. NSEના બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટીમાં સૌથી વધુ વૉલ્યુમ થાય છે, એ જ રીતે સ્ટૉક્સ ડેરિવેટિવ્ઝ પણ ઊંચા પ્રમાણમાં થાય છે. આની અસર કૅશ-માર્કેટ પર પણ પડે છે. એ જ રીતે બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ (BSE)ના સેન્સેક્સમાં પણ ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગ થાય છે, જેમાં પણ વૉલ્યુમ વધી રહ્યું છે.

સાપ્તાહિક કૉન્ટ્રૅક્ટને કારણે પણ આ તરફ ખેંચાણ વધતું રહ્યું છે. ટિયર-૨ અને ટિયર-૩ સિટીઝના ટ્રેડર્સ પણ ડિજિટલ ટ્રેડિંગ-ફૅસિલિટીને લીધે વધુ આકર્ષાયા છે. રીટેલ ઇન્વેસ્ટર વર્ગ આમાં સક્રિય થવા લાગ્યો છે. હાલમાં સંખ્યાબંધ ડેરિવેટિવ્ઝ કૉન્ટ્રૅક્ટ્સ બજારમાં છવાયેલા રહે છે, કમાઈ લેવાની ઉતાવળમાં રહેતા વર્ગને આમાં વધુ રસ પડે છે. એક ઉદાહરણ તરીકે જસ્ટ અમુક આંકડા જોઈએ તો NSE પર ઇક્વિટી માર્કેટનું દૈનિક વૉલ્યુમ ૬૫,૦૦૦ કરોડ રૂપિયા જેટલું રહે છે; જેની સામે ઇન્ડેક્સ ફ્યુચર્સ, ઇન્ડેક્સ ઑપ્શન્સ, સ્ટૉક ફ્યુચર્સ અને ઑપ્શન્સનું 
વૉલ્યુમ ૨ લાખ કરોડ રૂપિયાથી વધુ રહે છે.

ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગમાં જાણતાં-અજાણતાં પડેલા કેટલાક લોકોના અનુભવ શું કહે છે?

બજારની ઊંડી સમજ ન ધરાવતા લોકોનું કામ નહીં : ડૉ. તપન

હું એક ડૉક્ટર છું અને સ્વાભાવિક છે કે શૅરમાર્કેટ વિશે થોડી જાણકારી અને રસ હોવાને કારણે હું ઇન્વેસ્ટમેન્ટ પણ કરું છું. લગભગ ચારેક વર્ષ પહેલાં મારા એક મિત્ર સાથે ડેરિવેટિવ ટ્રેડિંગ વિશે વાત થઈ હતી. જોકે મને એમાં ખાસ સમજ પડતી નહોતી એટલે મેં એ પહેલાં ક્યારેય ફ્યુચર્સ અને ઑપ્શન્સમાં ટ્રેડિંગ કે ઇન્વેસ્ટમેન્ટ કર્યું નહોતું. જોકે એ સમયે ડેરિવેટિવ ટ્રેડિંગની બે મુખ્ય બાબતો મને આકર્ષી ગઈ. એક, લિવરેજનો લાભ અને બીજું, લિમિટેડ લૉસની થિયરી.

મેં ધીરે-ધીરે મારા તે મિત્રના કહેવા પ્રમાણે ઑપ્શન્સમાં થોડું-થોડું કામ શરૂ કર્યું. મિત્ર મને કહેતો કે આપણે ઑપ્શન પ્રીમિયમ તરીકે જેટલા પૈસા ભર્યા છે એટલું જ મહત્તમ નુકસાન થઈ શકે એ નક્કી છે, પરંતુ એની સામે ફાયદો જબરદસ્ત મોટો થઈ શકે છે. મેં શરૂ તો કર્યું, પરંતુ સ્વભાવે ભણેશરી અને ભણતરથી ડૉક્ટર હોવાને કારણે મને કોઈ પણ નવી બાબતનો અભ્યાસ કરવાની આદત. મેં ધીરે-ધીરે ફ્યુચર્સ અને ઑપ્શન્સ અંગે જાણકારી ભેગી કરવાનું શરૂ કર્યું, વાંચવા માંડ્યું અને ઍક્ચ્યુઅલ ટ્રેડિંગની સાથે હું જેટલું વાંચતો એ અનુસાર પેપર ટ્રેડિંગ પણ શરૂ કર્યું. શરૂઆતમાં એવું લાગતું પણ હતું કે શૅરમાર્કેટના આ ટૂલ દ્વારા તો સરળતાથી પૈસા કમાઈ શકાય એમ છે. આથી મેં ડેરિવેટિવ ટ્રેડિંગ માટે થોડા પૈસા અલગ પણ કાઢ્યા. જોકે એક વર્ષના અનુભવમાં જ મને સમજાઈ ગયું કે ઑપ્શન ટ્રેડિંગ રોજેરોજ અનેક ડેટાનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરી જે-તે કંપનીની કૉર્પોરેટ ઇવેન્ટ્સ, ડિવિડન્ડ, વૉલેટિલિટી જેવી અનેક બાબતો ધ્યાનમાં લઈને કરવું પડે એવું ટ્રેડિંગ છે જે મારા જેવા બજારની ઊંડી સમજ ન ધરાવતા લોકો માટે કામનું નથી. આથી મેં એ લગભગ દોઢેક વર્ષમાં જ બંધ કરી દીધું.

business news jayesh chitalia share market stock market national stock exchange bombay stock exchange state bank of india nifty sensex