ગૅરી જેન્સલરના રાજીનામાને પગલે એક્સઆરપીના ભાવમાં જોરદાર ઉછાળો

23 November, 2024 08:23 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અમેરિકન સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ કમિશનના અધ્યક્ષ ગૅરી જેન્સલરે આગામી ૨૦ જાન્યુઆરીથી અમલમાં આવે એ રીતે ગુરુવારે રાજીનામું આપ્યાની જાહેરાત કરી એને પગલે એક્સઆરપી કૉઇનના ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો છે.

પ્રતીકાત્મક તસવીર

અમેરિકન સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ કમિશનના અધ્યક્ષ ગૅરી જેન્સલરે આગામી ૨૦ જાન્યુઆરીથી અમલમાં આવે એ રીતે ગુરુવારે રાજીનામું આપ્યાની જાહેરાત કરી એને પગલે એક્સઆરપી કૉઇનના ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો છે. આ લખાઈ રહ્યું છે ત્યારે એક્સઆરપી પચીસ ટકા વધીને ૧.૪૧ ડૉલર થઈ ગયો છે. મે ૨૦૨૧ બાદની એની આ સર્વોચ્ચ સપાટી છે. એમ પણ ડોનલ્ડ ટ્રમ્પના વિજયને પગલે ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં તેજીની ચાલ છે એવા સમયે જેન્સલરના રાજીનામાએ એક્સઆરપીનો ઘોડો પૂરપાટ દોડાવ્યો છે. છેલ્લા ત્રીસ દિવસમાં એક્સઆરપીમાં ૧૫૦ ટકા કરતાં વધુની વૃદ્ધિ થઈ છે. પાછલાં બે વર્ષમાં આ કૉઇન મોટા ભાગે ૦.૫ ડૉલરની આસપાસ જ રહ્યો છે.

એક્સઆરપી રિપલનો કૉઇન છે અને રિપલને સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ કમિશન સાથે કાનૂની ખટલો ચાલી રહ્યો છે. કમિશને રિપલની સામે આરોપ મૂક્યો છે કે એણે એક્સઆરપીના વેચાણ મારફત ૧.૩ અબજ ડૉલર એકઠા કર્યા છે. કમિશનના મતે એક્સઆરપી અનરજિસ્ટર્ડ સિક્યૉરિટી છે. આ ખટલો ૨૦૨૦માં નોંધાવવામાં આવ્યા બાદ અનેક ક્રિપ્ટો એક્સચેન્જ પરથી એનું ડીલિસ્ટિંગ કરવામાં આવ્યું હતું. જુલાઈ ૨૦૨૩માં રિપલને થોડી રાહત આપનારા ચુકાદામાં ન્યાયમૂર્તિએ કહ્યું હતું કે એક્સચેન્જો પર એક્સઆરપીનું વેચાણ સિક્યૉરિટીઝ તરીકે નથી થયું.

દરમ્યાન બિટકૉઇનની ગાડી એક લાખ ડૉલરના સ્તર સુધી જતાં રસ્તા પર અટકી ગઈ છે. હાલ એનો ભાવ ૦.૧૪ ટકાની વૃદ્ધિ સાથે ૯૭,૬૦૦ ડૉલર ચાલી રહ્યો છે. ઇથેરિયમમાં બે ટકાનો ઘટાડો થઈને ભાવ ૩૨૮૨ ડૉલર થયો છે.

bitcoin crypto currency united states of america share market stock market business news