30 November, 2024 08:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
રિપલ લૅબન્સી ક્રિપ્ટોકરન્સી એક્સઆરપી નવેમ્બર મહિનામાં ખૂબ જ ઊછળી છે. શુક્રવારે સાંજ સુધીના ચોવીસ કલાકમાં એમાં વધુ ૧૬.૩૧ ટકાનો વધારો થઈને ભાવ ૧.૭૧ ડૉલર થયો છે. આવતા મહિનાના અંત સુધીમાં હજી વધારો થઈને ભાવ ૨.૫૭ ડૉલર થઈ જવાની સંભાવના નિષ્ણાતોએ વ્યક્ત કરી છે. આંતરરાષ્ટ્રીય વેપારમાં રિપલ પેમેન્ટ સોલ્યુશન પ્રોવાઇડર છે. અમેરિકન સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ કમિશન સાથેના વાદનો ઉકેલ આવ્યા બાદ એક્સઆરપીની વૃદ્ધિની ઝડપ વધી છે. દરમ્યાન ભારતીય રિઝર્વ બૅન્કે ડિજિટલ રુપીના ટેસ્ટિંગ માટે રિપલ લૅબ્સ સાથે સહયોગ સાધ્યો છે. દેશની આ કેન્દ્રીય બૅન્ક રિપલના એક્સઆરપી લેજરનો ઉપયોગ કરશે અને બ્લૉકચેઇન ટેક્નૉલૉજીમાં રિપલની નિપુણતાનો લાભ લેશે. નોંધનીય છે કે ભારતમાં સેન્ટ્રલ બૅન્ક ડિજિટલ કરન્સી (CBDC) તરીકે ડિજિટલ રુપીની શરૂઆત ફેબ્રુઆરી ૨૦૨૦માં થઈ હતી. ડિજિટલ રુપીથી આંતરરાષ્ટ્રીય વ્યવહારોનાં પેમેન્ટ કરવા માટે એક્સઆરપી લેજરનો ઉપયોગ થવા લાગ્યો છે. રિપલ આંતરરાષ્ટ્રીય સ્તરે વર્ષોથી બૅન્કિંગ તંત્ર સાથે સંકળાયેલી વ્યવસ્થા ધરાવતી હોવાને લીધે એનો લાભ લેવામાં આવી રહ્યો છે. રિપલે કોટક મહિન્દ્ર બૅન્ક સાથે પણ ૨૦૧૮થી સહયોગ સાધ્યો છે. આ જ રીતે અનેક ભારતીય બૅન્કો રિપલની બ્લૉકચેઇન ટેક્નૉલૉજીનો ઉપયોગ કરી રહી છે. એક્સઆરપી લેજરનો ઉપયોગ કરનારાં અન્ય રાષ્ટ્રોમાં રશિયા, જપાન, યુએઈ, ઉરુગ્વે, ન્યુ ઝીલૅન્ડ, હૉન્ગકૉન્ગ, ભુતાન અને કોલંબિયાનો સમાવેશ થાય છે.
દરમ્યાન બિટકૉઇનના ભાવમાં ૨.૬૨ ટકા વધારો થઈને ભાવ ૯૮,૦૦૦ ડૉલર થઈ ગયો છે. ઇથેરિયમમાં ૧.૮૮ ટકા, સોલાનામાં ૩.૮૮, બીએનબીમાં ૧.૧૦, ડોઝકૉઇનમાં ૪.૭૩ અને કાર્ડાનોમાં ૭.૮૪ ટકા વૃદ્ધિ થઈ છે.