17 January, 2025 07:47 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
અમેરિકાના પ્રમુખ તરીકેના ડોનલ્ડ ટ્રમ્પના આગામી કાર્યકાળમાં બિટકૉઇન ઉપરાંત એક્સઆરપી, સોલાના અને સ્ટેબલકૉઇન યુએસડીસીને સ્ટ્રૅટેજિક રિઝર્વ બનાવવા માટે સક્રિયપણે વિચારણા થઈ રહી છે. અત્યાર સુધી ફક્ત બિટકૉઇનના સ્ટ્રૅટેજિક રિઝર્વની વાત હતી, પરંતુ હવે વૈશ્વિક ક્રિપ્ટો માર્કેટમાં અમેરિકાની સ્થિતિ મજબૂત બનાવવાની દૃષ્ટિએ અન્ય ડિજિટલ કરન્સીઓને આ સ્થાન આપવા વિશે વિચારણા ચાલી રહી છે. નોંધનીય છે કે એક્સઆરપી, રિપલ અને યુએસડીસી એ ત્રણે ક્રિપ્ટોકરન્સીની રચનાકાર કંપનીઓ અમેરિકન છે. એક્સઆરપી અને સોલાના લૅબ્સ સૅન ફ્રાન્સિસ્કોમાં છે, જ્યારે યુએસડીસીની મુખ્ય કચેરી મૅસેચુસેટ્સ રાજ્યના બૉસ્ટનમાં છે. હાલ એક્સઆરપી અને સરકારી એજન્સી – સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ કમિશન (એસઈસી)નો કાનૂની વિવાદ ચાલી રહ્યો છે જેમાં ટ્રમ્પના પુનરાગમન બાદ નિવેડો આવવાની શક્યતા છે.
અન્ય ક્રિપ્ટોની નરમાશ વચ્ચે એક્સઆરપીમાં ૧૩ ટકાનો ઉછાળો આવ્યો હતો, જેને માટે ઉક્ત અહેવાલ કારણભૂત છે. આ જ વાત ૫.૮૨ ટકા વધેલા સોલાનાને લાગુ પડે છે. ગુરુવારે બિટકૉઇન અને ઇથેરિયમ અનુક્રમે ૨.૧૪ ટકા અને ૧.૯૦ ટકા વધીને અનુક્રમે ૯૭,૫૭૭ અને ૩૨૭૮ ડૉલર ટ્રેડ થઈ રહ્યા હતા.