24 April, 2023 02:59 PM IST | Mumbai | Jitendra Sanghvi
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
વૈશ્વિક ભાવવધારાને પરિણામે સતત વધતા રહેલા વ્યાજના દરને કારણે મહામારીમાથી બેઠું થઈ રહેલું વિશ્વનું અર્થતંત્ર બગડતું જાય છે. રશિયા-યુક્રેન યુદ્ધે પણ આમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. ગયા અઠવાડિયે બૅન્ક ઑફ અમેરિકાના વૈશ્વિક સર્વે અને આંતરરાષ્ટ્રીય ક્રેડિટ રેટિંગ એજન્સી એસ ઍન્ડ પીએ જાહેર કરેલા આંકડા આ વાતનું સમર્થન કરે છે.
ચીન, યુરોપ અને અમેરિકામાં ડીઝલના વપરાશનો ઘટાડો વૈશ્વિક સ્લોડાઉનનો નક્કર પુરાવો છે. આ અભ્યાસ પ્રમાણે ૨૦૨૦ (જ્યારે મહામારીને કારણે વિશ્વના મોટા ભાગના દેશોમાં અર્થતંત્રના ચક્કાજૅમ થઈ ગયા હતા)ને બાદ કરતાં ૨૦૨૩માં અમેરિકામાં ડીઝલના વપરાશનો ૨ ટકાનો સંભવિત ઘટાડો ૨૦૧૬ પછીનો સૌથી મોટો હશે માલસામાનની હેરફેર માટે અને બાંધકામની પ્રવૃત્તિઓને ધમધમતી રાખવા માટે અનિવાર્ય હેવી મશીનરી માટેના બળતણ ડીઝલનો વપરાશ વિશ્વનાં અનેક મોટાં અર્થતંત્રો (અમેરિકા, ચીન અને યુરોપ)માં સતત ઘટી રહ્યો છે. જે નજીકના ભવિષ્યમાં ઔદ્યોગિક પ્રવૃત્તિઓ નરમ પડવાનો અને ગ્રાહકોના વપરાશ ખર્ચના ઘટાડાનો અંદાજ આપે છે. પર્યાવરણ નિષ્ણાતોના મતે વધતા જતા ઉષ્ણતામાન (હીટવેવ)ને કારણે ૨૦૨૩ કે ૨૦૨૪માં સરેરાશ ઉષ્ણતામાન નવો વિક્રમ સ્થાપી શકે. વિશ્વના બધા દેશોએ, ખાસ કરીને વિકસતા દેશોએ એની ભારે કિંમત ચૂકવવી પડે. એક અંદાજ પ્રમાણે ઉષ્ણતામાનમાં એક ડિગ્રીનો વધારો આર્થિક વિકાસનો દર બે ટકા જેટલો ઘટાડી શકે. આને કારણે અનુભવાતી અનેક જાતની આર્થિક અસરોને કારણે વિકસતા દેશોમાં આર્થિક અસમાનતા વધે તેમ જ મૂડી રોકાણ, ઉત્પાદન અને નવી-નવી શોધખોળો ધીમાં પડે.
અલ નીનોને કારણે વૈશ્વિક સ્તરે ઉષ્ણતામાન સામાન્ય રીતે વધે છે. ૨૦૨૩ અને ૨૦૨૪માં એ કેટલા પ્રમાણમાં વધશે એ વિશે અનુમાન લગાવવું મુશ્કેલ છે; પણ એમ થવાની સંભાવના ઊંચી છે.
૨૦૧૬નું વર્ષ વિશ્વનું સૌથી વધુ ઉષ્ણતામાનવાળું વર્ષ હતું. તો એ સાથેનાં છેલ્લાં આઠ વર્ષ અત્યાર સુધીના રેકૉર્ડ પર સૌથી વધુ ઉષ્ણતામાનવાળાં વર્ષ રહ્યાં છે. જે સતત વધતા જતા ઉષ્ણતામાનનું લાંબા ગાળાનું ટ્રેન્ડ સૂચવે છે. અલ નીનોની અસર સિવાયનાં વર્ષોમાં પણ પર્યાવરણના ફેરફારને કારણે ઉષ્ણતામાન સતત વધતું રહે છે. વિશ્વ આજે એ અનુભવી રહ્યું છે જે મોટા હીટવેવ, દુકાળ અને વાઇલ્ડ ફાયર (વિકરાળ આગ)માં પરિણમે છે.
જથ્થાબંધ ભાવવધારો અઢી વર્ષનો નીચો, ભાવિનો આધાર ક્રૂડના ભાવો પર
ભારતમાં ભાવવધારાની સમસ્યા હળવી થતી હોવાના સંકેતો મળી રહ્યા છે: માર્ચમાં છૂટક ભાવવધારો ૧૫ મહિનાનો નીચો અને ૬ ટકાની અંદર ગયા પછી ગયા અઠવાડિયે પ્રસિદ્ધ કરાયેલ આંકડાઓ મુજબ જથ્થાબંધ ભાવાંક લગભગ અઢી વર્ષ (૨૯ મહિના)નો સૌથી નીચો (૧.૩ ટકા) રહ્યો છે. ઊંચા (ફેવરેબલ) બેઇઝને કારણે આવતા ત્રણ મહિના જથ્થાબંધ ભાવવધારો એક ટકાથી પણ ઓછો રહી શકે.
કોર ઇન્ફ્લેશન (ફૂડ અને ફ્યુઅલ સિવાય) માર્ચમાં નેગેટિવ (૦.૩ ટકા) રહ્યો; કોર ઇન્ફ્લેશન નેગેટિવ હોય એવી ઘટના જુલાઈ ૨૦૨૦ (૩૨ મહિના) પછીની પ્રથમ વારની છે. હીટવેવને કારણે ખાદ્ય ચીજોના ભાવો એપ્રિલ-મેમાં વધી શકે. ગયા વર્ષે પણ માર્ચના હીટવેવને કારણે શાકભાજી અને ઘઉંના પાકને નુકસાન થવાથી ખાદ્ય પદાર્થોના ભાવો વધ્યા હતા. જોકે આ વર્ષે સરકારે લીધેલા સપ્લાય સાઇડના પગલાથી ઘઉંના ભાવ દબાયા છે (૧૯ ટકામાંથી ૯ ટકા). ફ્યુઅલ અને પાવર બાસ્કેટનો ભાવવધારો માર્ચમાં ઘટ્યો (ફેબ્રુઆરીના ૧૫માંથી ૯ ટકા). જે મુખ્યત્વે ક્રૂડના દબાયેલા ભાવોને આભારી છે. ઓપેક પ્લસ દેશોએ જાહેર કરેલ ઉત્પાદનના કાપને કારણે ક્રૂડના ભાવો હવે વધવા માંડ્યા છે. ચીનનું આર્થિક ચિત્ર પણ ધારણા કરતાં વધુ ઝડપે સુધરી રહ્યું છે એટલે નજીકના ભવિષ્યમાં ક્રૂડના ભાવો વધતા રહેશે તો જથ્થાબંધ ભાવાંક પણ વધે. અર્થતંત્ર સામેની અનિશ્ચિતતાઓ અને પડકારો એટલાં બધાં છે કે કોઈ ચોક્કસ તારણ ઉપર આવવું લગભગ અસંભવ થઈ ગયું છે અલ નીનોની ચોમાસા પરની અસરને લીધે પણ ખાદ્ય ચીજ વસ્તુઓના ભાવો પર દબાણ આવી શકે. ઉપરાંત વૈશ્વિક ભાવવધારો હજી ચાલુ જ છે: યુકેમાં માર્ચ મહિને ૧૦.૪ ટકાનો ભાવવધારો થયો છે તો પાકિસ્તાનમાં ૩૫ ટકાનો જે ૧૯૬૫ પછીનો સૌથી મોટો છે.
ઉપરનાં બધાં પરિબળોના સંતુલનને લીધે એપ્રિલ મહિને જથ્થાબંધ ભાવવધારો માત્ર અડધા ટકા જેટલો (ગયા એપ્રિલમાં ૧૫ ટકાનો) રહેવાનો અંદાજ મુકાય છે.
માર્ચ ૨૦૨૨ના ઊંચા બેઇઝ (૧૪.૬ ટકા)ને કારણે ભાવવધારો વધારેપડતો નીચો હોવાનો આભાસ થાય છે એટલા માત્રથી હવે ભાવો ઘટવાની ચોક્કસપણે શરૂઆત થઈ છે એમ કહેવું વધારેપડતું ગણાશે. ભાવો હવે ઘટવાતરફી રહેશે એમ કહેવા કરતાં ભાવવધારામાં સામાન્ય પ્રજાને થોડી રાહત મળી છે એમ કહેવું વધારે યોગ્ય ગણાશે.
કોવિડ 19ના નવા કેસોનો ઊંચો જતો ગ્રાફ રોજના ૧૨,૦૦૦થી વધુ નોંધાયા પછી હવે આ સ્તર ઉપર લગભગ સ્થિર થયો છે. આ વધારો અટકે તો એ પણ આપણા આર્થિક વિકાસને મજબૂત કરતું પરિબળ ગણાય.
આ પણ વાંચો : દેશમાં ઍપલનું વેચાણ વધીને ૪૯૧ અબજ રૂપિયા થયું
વસ્તીમાં ભારતે આખરે ચીનને માત કર્યું, ૨૦૫૦ સુધી આપણી વસ્તી વધતી રહેશે
યુએનના એક અહેવાલ પ્રમાણે ભારત પ્રથમ વાર કુલ વસ્તી બાબતે જૂન ૨૦૨૩ની આખરે ચીનથી આગળ નીકળી જશે (ચીનની ૧૪૨.૬ કરોડની વસ્તી સામે ભારતની ૧૪૨.૯ કરોડ). ૨૦૫૦ સુધીમાં આપણી વસ્તી વધીને ૧૬૭ કરોડ થશે; જ્યારે ચીનની વસ્તી આ વર્ષો દરમ્યાન ઘટીને ૧૩૨ કરોડ થશે.
આ સાથે આપણા યુવાનો (૧૫થી ૨૪ વરસ)ની સંખ્યા ૨૫.૪ કરોડની થઈ છે. યુવાનોની આ વિશાળ સંખ્યા ભારતને મોટા પ્રમાણમાં કારીગરો, વપરાશકારો તેમ જ આઇટી અને ડિજિટલ ક્ષેત્રે નવા ટેક્નિશ્યનો પૂરા પાડશે.
વસ્તીનો આ વધારો ડેમોગ્રાફિક ઍડ્વાન્ટેજના રૂપમાં વર્ષો સુધી ભારતને એના આર્થિક વિકાસનો દર વધારવામાં મદદ કરી શકે; જો આપણી યુવા શક્તિ રાષ્ટ્ર નિર્માણના કામમાં સર્જનાત્મક રીતે વપરાય તો. નહીંતર આ જ વસ્તી આપણા માટે મોટો બોજ પણ બની શકે.
દેખીતી રીતે જ આટલા મોટા વર્કફોર્સ માટે યોગ્ય રોજગારીની નવી તકો પૂરી પાડવાનો પણ એક મોટો પડકાર આપણી સામે છે જ. વિશ્વના આર્થિક વિકાસનો દર ધીમો પડે અને આપણી નિકાસોની માગ ઓછી થાય તો આપણો આ મોટો યુવાવર્ગ એના વપરાશ ખર્ચ દ્વારા આપણા આર્થિક વિકાસને પુશ કરી શકે. જેનો આપણને મહામારીના અને એ પછીનાં વર્ષોમાં અનુભવ થયો છે.
આપણા આ યુવા વર્ગની યોગ્ય તાલીમ દ્વારા કાર્ય કુશળતા વધારાય તો જ આ વર્ગ એમ્પ્લૉયેબલ થઈ શકશે. આજે રોજગારીની તકો કદાચ ઓછી છે તો પણ એને યોગ્ય પૂરતા કુશળ કારીગરો આપણી પાસે ક્યાં છે?
આપણા આર્થિક વિકાસની મોટી ક્ષમતા આપણી વર્કિંગ એજની મોટી વસ્તીને આભારી છે
આપણી વસ્તીના બે તૃતીયાંશ ભાગથી પણ વધુ (૬૮ ટકા) લોકો વર્કિંગ એજ (૧૫થી ૬૮ વર્ષ)ના છે જે ૬૫ ટકાની ગ્લોબલ સરેરાશ કરતાં વધારે છે, પણ ચીનના ૬૯ ટકા કરતાં ઓછી છે. આ જ કારણે આપણા આર્થિક વિકાસની ક્ષમતા (પોટેન્શ્યલ) પણ ઘણી વધારે છે. આપણી ૨૫ ટકા વસ્તી ૧૪ વર્ષ સુધીના એજ ગ્રુપમાં છે; જેને કારણે પણ આપણને નજીકના ભવિષ્યમાં મોટા પ્રમાણમાં યુવાન કામદારો મળતા થઈ જશે.
વિદેશી પોર્ટફોલિયો મૂડીનો ઇનફ્લો ચાલુ, વિદેશી હૂંડિયામણનો વધારો પણ
માર્ચ ૨૩માં વિદેશી પોર્ટફોલિયો મૂડીના ઇનફ્લો (૭૯૩૬ કરોડ) પછી ફિસ્કલ ૨૪ની શરૂઆતમાં આ ટ્રેન્ડ ચાલુ રહ્યો છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ મહિને (એપ્રિલ ૧૩ સુધી) વિદેશી પોર્ટફોલિયો મૂડી રોકાણકારોએ સ્ટૉક માર્કેટમાં ૮૭૬૭ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. અમેરિકા અને યુરોપમાં જોવા મળેલા બૅન્કિંગ ક્રાઇસિસના પ્રત્યાઘાત ભારતમાં નથી પડ્યા એને કારણે વિદેશી પોર્ટફોલિયો મૂડી રોકાણનો ઇનફ્લો ભારતમાં ચાલુ રહ્યો છે.
વિદેશી હૂંડિયામણનો વધારો પણ બીજે અઠવાડિયે (એપ્રિલ ૧૪) ચાલુ રહ્યો છે (૧૭૦૦ મિલ્યન ડૉલર). આ સાથે વિદેશી હૂંડિયામણ ૫૮૬ બિલ્યન ડૉલરે પહોંચ્યું છે નિકાસોનો ઘટાડો ચાલુ રહેશે તો એ માત્ર આપણા એક્સટર્નલ ક્ષેત્ર માટે જ નહીં, પણ આપણા આર્થિક વિકાસ સામે પણ મોટું જોખમ સાબિત થઈ શકે, કારણ કે ભારતના જીડીપીમાં નિકાસોનો હિસ્સો ૨૦ ટકા જેટલો મોટો છે. આ સંદર્ભમાં આપણું મૅન્યુફૅક્ચરિંગ ક્ષેત્ર પણ નબળું પડી શકે. આશ્વાસન માત્ર એટલું જ રહે કે વિશ્વ બજારમાં ચીજવસ્તુઓના નીચા ભાવોને લઈને આપણું આયાતોનું બિલ ઘટી શકે. આ સાથે સેવાના ક્ષેત્રની વધતી જતી નિકાસોને કારણે આપણી કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ પણ કન્ટ્રોલમાં રહી શકે.
ભાવવધારો ઝડપથી ચાર ટકા જેટલો નીચો જઈ શકે
રિઝર્વ બૅન્કની મૉનિટરી પૉલિસીના અહેવાલ પ્રમાણે ભાવવધારો માર્ચ ૨૦૨૫ સુધીમાં ચાર ટકા જેટલો નીચો જઈ શકે. જો પુરવઠા સાઇડના આંચકા ગંભીર ન બનતાં હળવા રહે તો ભાવવધારો ઝડપથી પણ ચાર ટકા જેટલો નીચો જઈ શકે.
મૉનિટરી પૉલિસી કમિટીના સભ્યોના મતે છેલ્લા એક વર્ષમાં કરાયેલા ૨૫૦ બેસિસ પૉઇન્ટનો વ્યાજના દરનો વધારો ભાવવધારાને કાબૂમાં લાવવા માટે પૂરતો છે. એટલે હવે પછીની જૂન મહિનાની પૉલિસી વખતે પણ રિઝર્વ બૅન્ક વ્યાજના દર જાળવી રાખે એવી સંભાવના વધી છે.
નબળું ચોમાસું અને ક્રૂડના ભાવોનો ઉછાળો વ્યાજના દર હાલના સ્તરે જાળવી રાખવાની રિઝર્વ બૅન્કની ગણતરી ઊંધી વાળી શકે એની ના કહી શકાય એમ નથી.