12 January, 2023 04:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ભારતનો આર્થિક વિકાસ દર ૨૦૨૨-’૨૩માં અપેક્ષિત ૬.૯ ટકાથી આગામી નાણાકીય વર્ષમાં ધીમો પડીને ૬.૬ ટકા થશે, એમ વર્લ્ડ બૅન્કે એના નવીનતમ આર્થિક અપડેટમાં જણાવ્યું છે. જોકે ભારત ૭ સૌથી મોટાં ઊભરતાં બજાર અને વિકાસશીલ અર્થતંત્રોમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બનવાની અપેક્ષા છે, એમ એણે જણાવ્યું હતું.
ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપીનો ગ્રોથ ૬.૯ ટકાનો વૃદ્ધિદર રહેવાની ધારણા છે, જે અગાઉના વર્ષના ૮.૭ ટકાની સરખામણીએ ઓછો છે. વર્ષ ૨૦૨૪-’૨૫ માટે વિકાસ દર ૬.૧ ટકા રહેવાનો અંદાજ છે. વૈશ્વિક અર્થતંત્રમાં મંદી અને વધતી અનિશ્ચિતતા નિકાસ અને રોકાણવૃદ્ધિ પર ભાર મૂકશે એમ બૅન્કે જણાવ્યું હતું.
સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચમાં વધારો કર્યો છે અને વિવિધ બિઝનેસ સુવિધાનાં પગલાં લીધાં છે. જોકે એ ખાનગી રોકાણમાં ભીડ કરશે અને ઉત્પાદનક્ષમતાના વિસ્તરણને ટેકો આપશે. નાણાકીય વર્ષ ૨૦૨૨-’૨૩ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં જીડીપી વાર્ષિક ધોરણે ૯.૭ ટકાનો વધારો થયો છે, જે મજબૂત ખાનગી વપરાશ અને નિશ્ચિત રોકાણવૃદ્ધિને દર્શાવે છે.