31 March, 2024 11:12 AM IST | Mumbai | Aashutosh Desai
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
આજે ૩૧ માર્ચ. ૨૦૨૩ની પહેલી એપ્રિલે શરૂ થયેલા નાણાકીય વર્ષનો આખરી દિવસ. ધંધાની આવકજાવકથી લઈને નફા-નુકસાનની ગણતરી કરી લઈને સરવૈયું કાઢી લેવાનો દિવસ. પગારદાર માણસો માટે ટૅક્સની ગણતરી અને ટૅક્સ ડિડક્ટેડ ઍટ સોર્સ (TDS) કપાયા પછીની વર્ષની છેલ્લી સૅલેરીનો દિવસ. જોકે દર વર્ષે આવતા આ ૩૧ માર્ચના દિવસને જ આપણે નાણાકીય વર્ષના છેલ્લા દિવસ તરીકે કેમ સ્વીકાર્યો? કૅલેન્ડર પ્રમાણે તો ડિસેમ્બર છેલ્લો મહિનો અને ૩૧ ડિસેમ્બર છેલ્લો દિવસ છે અને જાન્યુઆરી નવું વર્ષ તો પછી નાણાકીય ગણતરીઓ માટે માર્ચ અને એપ્રિલવાળી સાઇકલ શું કામ?
વેલ, ગુજરાતીઓમાં જાણીતી પેલી કહેવત ખબર છે? ‘સાસુએ ઢાંક્યું એટલે મેં પણ ઢાંક્યું!’ બસ, કંઈક એવા જ હાલહવાલ આ નાણાકીય વર્ષ માટેના પણ છે. કોઈ ચોક્કસ ઇતિહાસ આ માટે હોવા વિશેનો ઉલ્લેખ તો ક્યાંય મળતો નથી, પરંતુ કેટલાક હિસ્ટોરિયન્સ દ્વારા જે તર્કો અને તથ્યો રજૂ થયાં છે એ કંઈક આ પ્રમાણે છે. મુખ્યત્વે ચાર કારણો આ માટે જણાવવામાં આવે છે:
૧. બ્રિટિશ રૂલનું હજીયે અનુસરણ
૧૫૦ વર્ષ કરતાં વધુ સમય સુધી ભારત બ્રિટિશર્સની ગુલામીમાં રહ્યું. આટલાં વર્ષોમાં આ ગુલામીનાં મૂળિયાં એટલાં ઊંડા ઊતરી ગયાં કે આપણામાંના કેટલાક તો હજીયે એ ગુલામીમાં જ જીવી રહ્યા છે. કંઈક એવી જ પરિસ્થિતિ આ પ્રણાલી બાબતે પણ છે. બ્રિટિશર્સ એપ્રિલથી માર્ચના હિસાબી સમયગાળાને અનુસરતા હતા. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ શાસન શરૂ કર્યા પછી તેમણે આ જ ખ્યાલ ભારતમાં પણ લાગુ કર્યો અને ત્યારથી ભારતમાં પણ નાણાકીય વર્ષ એપ્રિલથી માર્ચ સુધીનું થઈ ગયું. આઝાદી પછી ભારત સરકારે આ પૅટર્નમાં કોઈ ફેરફાર નથી કર્યો. આ કંઈક એ જ રીતનું છે કે આપણું નવું વર્ષ દિવાળી આપણે એટલી ધામધૂમ અને ઉત્સાહથી નથી ઊજવાતા જેટલું પશ્ચિમી સંસ્કૃતિ મુજબના અંતિમ દિવસ ૩૧ ડિસેમ્બરને ઊજવીએ છીએ. એ જ રીતે નાણાકીય વર્ષ જે જૂના શાસકોની દેન છે એને પણ અનુસરતા રહ્યા છીએ.
૨. પ્રાદેશિક નવું વર્ષ
આપણે ભારતીય છીએ અને ભારતીયોની એક ખાસિયત વિશ્વઆખામાં જાણીતી છે. તે એ કે આપણે કોઈને પૂર્વગ્રહયુક્ત થઈને જોતા નથી. એ જ રીતે પહેલા કારણને વાંચીને પણ સાવ પૂર્વગ્રહયુક્ત થવાની જરૂર નથી. એપ્રિલથી માર્ચ અનુસરવાનાં ભારત પાસે પોતાનાં પણ કેટલાંક કારણો હતાં અને છે. જેમ કે પહેલી એપ્રિલની તારીખ સામાન્ય રીતે હિન્દુ કૅલેન્ડર અને મહિનાઓ સાથે એવી મેળ ખાતી હતી કે એ તારીખની આસપાસ જ વૈશાખ મહિનો આવતો હતો એટલે કે ‘હિન્દુ તહેવાર’ અથવા હિન્દુ નવા વર્ષનો મહિનો. ભારતના ઘણા પ્રદેશોમાં આ મહિનામાં જ નવું વર્ષ શરૂ થાય છે. જેમ કે ગુઢી પાડવો (મહારાષ્ટ્રિયન લોકોનું નવું વર્ષ). એ જ રીતે ગુઢી પાડવાના જ દિવસે તેલુગુ એટલે કે આંધ્ર પ્રદેશ અને તેલંગણમાં રહેતા લોકોનું પણ નવું વર્ષ હોય છે. આ જ કારણથી ભારત સરકારે એ સમયે વિચાર્યું હતું કે ભારતમાં એપ્રિલથી માર્ચની જે સાઇકલ નાણાકીય વર્ષ તરીકે સ્વીકારવામાં આવી છે એ જ ચાલુ રાખવામાં આવે.
૩. ખેતી અને દેશની આર્થિક વ્યવસ્થા
આપણે બધા જાણીએ છીએ કે ભારત જ્યારે આઝાદ થયું ત્યારે એક ખેતીપ્રધાન દેશ હતો જે આજે પણ છે, પરંતુ હવે ખેતી સાથે ટેક્નૉલૉજીનું યોગદાન પણ અર્થતંત્રમાં વધવા પામ્યું છે. પહેલાંનો એ સમય હતો જ્યારે ખેતીપ્રધાન દેશ હોવાને કારણે દેશની આવકજાવકની ગણતરી, ખર્ચના અંદાજ બધું ખેતીમાં પાક કેવો થયો છે અને એની આવક કેટલી અને ક્યારે થશે એ પ્રમાણે મૂકવો પડતો હતો.
હવે ભારતમાં લેવાતા બધા પ્રકારના પાકમાં મોટા ભાગના પાક એવા છે જેમની લણણી ફેબ્રુઆરી કે માર્ચ મહિના દરમિયાન કે એની આસપાસના સમય દરમ્યાન લેવાય છે. સાથે જ એવા પણ ઘણા પાક છે જેમની લણણીથી લઈને પાક અને એના આધારિત આવકના અંદાજો આ મહિનાઓ દરમ્યાન મેળવાય છે. આથી જ નિર્ણય એવો લેવામાં આવ્યો કે એપ્રિલથી માર્ચ દરમ્યાનની જે નાણાકીય સાઇકલ ચાલે છે એ જ ભારત પણ અનુસરશે.
૪. તહેવારો
બહુજાતિ, બહુપ્રદેશ, બહુરિવાજો અને બહુતહેવારોવાળો સમગ્ર વિશ્વમાં કોઈ એકમાત્ર દેશ હોય તો એ ભારત છે અને ભારતના લગભગ બધા જ મુખ્ય તહેવારો ઑક્ટોબર મહિનાથી શરૂ થઈને નવેમ્બર મહિના સુધી ચાલે છે. જેમ કે નવરાત્રિ, જે ઉત્તર-પૂર્વ ભારતમાં ખૂબ મોટો તહેવાર છે અને દિવાળી જે આખા ભારતમાં ખૂબ મોટા પાયે ઊજવાય છે. ત્યાર બાદ બ્રિટિશર્સની ગુલામીને કારણે ડિસેમ્બર મહિનામાં આવતો ક્રિસમસનો તહેવાર પણ ભારત માટે મુખ્ય તહેવાર જેવો ગણાવા માંડ્યો હતો.
આ સમય રીટેલના વેપારીઓ માટે ધમધોકાર વેચાણ કરી લેવાનો, હોલસેલના વેપારીઓ માટે ધમધોકાર માલ છૂટક વિક્રેતાઓના ગોડાઉનમાં ભરી આપવાનો અને ઉત્પાદનકર્તાઓ માટે આ સમય મોટા પાયે ઉત્પાદન કરીને હોલસેલ વિક્રેતાઓને પહોંચાડવાનો હોય છે. હવે ધંધાના આવા અમૂલ્ય સમય દરમિયાન જો હિસાબ-કિતાબ અને ચોપડાનું કામ અને સરવૈયું પણ કરવાનું હોય તો આર્થિક અને સામાજિક તહેવારોની મોટી અથડામણ થાય. આમ આ અથડામણને ટાળવા માટે ડિસેમ્બરને બદલે નાણાકીય વર્ષના બંધ થવાના મહિના તરીકે માર્ચને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું.
આપણા સિવાય વિશ્વના બીજા પણ એવા દેશો છે જેઓ માર્ચથી એપ્રિલની જ ફાઇનૅન્શિયલ સાઇકલને અનુસરે છે. એમાં કૅનેડા, બ્રિટન, ન્યુ ઝીલૅન્ડ, હૉન્ગકૉન્ગ અને જપાન જેવા દેશો ગણાવી શકાય.
જાન્યુઆરીથી ડિસેમ્બરના વર્ષનો પ્રયત્ન થયો, પણ...
૨૦૧૭માં અરુણ જેટલી નાણાપ્રધાન હતા ત્યારે તેમણે આ અંગે વિચાર કર્યો હતો કે નાણાકીય વર્ષની સાઇકલ એપ્રિલથી માર્ચ બદલીને જાન્યુઆરીથી ડિસેમ્બરની કરી નાખવામાં આવે, કારણ કે ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST) દેશમાં લાગુ થઈ રહ્યો હોવાથી પેપર સબમિશન વર્ક અને હિસાબના ચોપડા રાખવાનું વધુ સરળ થઈ જવાનું હતું. તેમણે ત્યાં સુધી કહ્યું હતું કે માત્ર એક વર્ષ સરકારે બજેટનું ઍડ્વાન્સ પ્રેઝન્ટેશન કરવું પડશે જે ઑક્ટોબર કે નવેમ્બર મહિનામાં હોઈ શકે. જોકે બે મુખ્ય કારણો આ નવી પ્રણાલી સ્વીકારવામાં નડ્યાં અને એ હતાં સૌથી મોટો તહેવાર દિવાળી પણ આ જ મહિનાઓ દરમિયાન આવતો હતો અને બીજું, ભારતના મુખ્ય પાકોની સીઝન ત્યાર પછીના ત્રણ મહિનામાં આવતી હતી જેને કારણે બજેટ-પ્રોવિઝન્સ અને યોજનાઓના ઘડતરમાં ભૂલ થઈ શકે અથવા ખોટા પડવાની શક્યતા વધુ હતી.