15 March, 2023 04:44 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
ખાદ્ય ચીજવસ્તુઓ મોંઘી થતી રહી હોવા છતાં મૅન્યુફૅક્ચરિંગ વસ્તુઓ, ઈંધણ અને પાવરના ભાવ ઘટવાને કારણે જાન્યુઆરીમાં જથ્થાબંધ-હોલસેલ ભાવ આધારિત ફુગાવો ઘટીને ૩.૮૫ ટકાના બે વર્ષની નીચી સપાટીએ પહોંચ્યો હતો. હોલસેલ પ્રાઇસ-ઇન્ડેક્સ આધારિત ફુગાવાના દરમાં સતત નવમા મહિને ઘટાડો થયો છે. હોલસેલ ફુગાવો જાન્યુઆરીમાં ૪.૭૩ ટકા અને ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ૧૩.૪૩ ટકા હતો.
ફેબ્રુઆરી ૨૦૨૩માં ફુગાવાના દરમાં ઘટાડો મુખ્યત્વે ક્રૂડ પેટ્રોલિયમ અને કુદરતી ગૅસ, બિન-ખાદ્ય વસ્તુઓ, ખાદ્ય ઉત્પાદનો, ખનીજ, કમ્પ્યુટર, ઇલેક્ટ્રૉનિક અને ઑપ્ટિકલ ઉત્પાદનો, રસાયણો અને રાસાયણિક ઉત્પાદનો, ઇલેક્ટ્રિકલ સાધનો અને મોટરના ભાવમાં ઘટાડો થવાને કારણે થયો છે એમ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું હતું. હોલસેલ ફુગાવો ફેબ્રુઆરીમાં ઘટીને ૩.૮૫ ટકા હતો, જે જાન્યુઆરી ૨૦૨૧ બાદનો સૌથી નીચો દર છે એમ ભાવવધારાના દરમાં ઘટાડો મુખ્યત્વે સાનુકૂળ પાયાની અસરને કારણે હતો. અર્થશાસ્ત્રીઓએ જણાવ્યું હતું કે આગળ જતાં કૉમોડિટીના ભાવમાં નરમાઈથી હોલસેલ ફુગાવાને વધુ ઘટાડવામાં મદદ મળશે.