15 December, 2022 03:29 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
નવેમ્બરમાં ફુગાવો ઘટીને ૫.૮૫ ટકાની નીચી સપાટીએ આવ્યોરીટેલ ફુગાવો નીચો આવ્યા બાદ આજે જથ્થાબંધ ભાવ આધારિત ફુગાવો નવેમ્બરમાં ઘટીને ૫.૮૫ ટકાની ૨૧ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો હતો, કારણ કે ખાદ્યપદાર્થો, ઈંધણ અને ઉત્પાદિત વસ્તુઓના ભાવમાં નરમાઈ આવી હતી. હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ આધારિત ફુગાવો મે મહિનાથી ઘટી રહ્યો છે અને ઑક્ટોબરમાં સિંગલ ડિજિટમાં ૮.૩૯ ટકા પર આવી ગયો છે.
નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ગયા વર્ષનો ઊંચો આધાર અને ખાદ્યપદાર્થોના ભાવમાં કેટલીક હળવાશ પણ નવેમ્બર ૨૦૨૨ના જથ્થાબંધ ભાવ સૂચકાંકની તરફેણમાં કામ કરે છે જે ફેબ્રુઆરી ૨૦૨૧ પછીના સૌથી નીચા સ્તરે આવી રહ્યો હતો જ્યારે એ ૪.૮૩ ટકા હતો. નવેમ્બર ૨૦૨૨માં ફુગાવાના દરમાં ઘટાડો મુખ્યત્વે ખાદ્ય ચીજવસ્તુઓ, મૂળભૂત ધાતુઓ, કાપડ, રસાયણો અને રાસાયણિક ઉત્પાદનો અને કાગળ અને કાગળનાં ઉત્પાદનોના ભાવમાં પાછલા વર્ષના સમાન મહિનાની સરખામણીમાં ઘટાડાને કારણે થયો છે એમ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું હતું. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે સંસદમાં જણાવ્યું હતું કે સરકાર મોંઘવારી ઘટાડવા માટે સામાન્ય માણસ માટે કામ કરશે. નવેમ્બરમાં ખાદ્ય ચીજોનો ફુગાવો ૧.૦૭ ટકા હતો જે અગાઉના મહિનામાં ૮.૩૩ ટકા હતો. શાકભાજીમાં ફુગાવો ઑક્ટોબરમાં ૧૭.૬૧ ટકાની સરખામણીએ મહિના દરમ્યાન ૨૦.૦૮ ટકા ઘટ્યો હતો.