લેવા માટે વેઇટ ઍન્ડ વૉચ, વેચવા માટે વધવાની રાહ જોવી બહેતર

05 June, 2024 07:25 AM IST  |  Mumbai | Kanu J Dave

એક ડઝન ઇન્ડાઇસિસમાં ૧૦ ટકાથી વધુ મોટાં ગાબડાં, સોમવારના હૉટ સ્ટૉકને મંગળવારે કોઈ અડવા પણ તૈયાર નહોતું

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ત્રણ વર્ષમાં બજારે ક્યારેય ન જોયો હોય એવો સપના-સભર ટ્રેડિંગ ડે સોમવારે જોયો તો સપના ચૂર-ચૂર કરનારો મંગળવાર પણ બજારે દેખાડ્યો. વિવિધ એક્ઝિટ પોલ્સમાં બીજેપી અને એનડીએના સાથી પક્ષોને મળીને 350-400 બેઠકો મળવાનાં સપનાં દેખાડવામાં આવ્યાં પછી ઍક્ચ્યુઅલ રિઝલ્ટ આવ્યાં એમાં બીજેપીને 272ના મેજોરિટીના આંકડા સુધી પહોંચવાનાં ફાંફાંની જમીની સચ્ચાઈ જોવા મળી, એને ઓળખી જઈને સોમવારની આક્રમક લેવાલીથી પણ વધુ હતાશાભરી વેચવાલી મંગળવારે નીકળી. પરિણામે એનએસઈના મુખ્ય આંકો પાણી-પાણી થઈ ગયા. નિફ્ટી નેક્સ્ટ 50 ઇન્ડેક્સમાં 9.34 ટકા, 6600નું ગાબડું, ૧૩ મેની 62941ની બૉટમથી પણ નીચે જઈ 60663નો લો કરી 64022ના સ્તરે બંધ રહ્યો. સોમવારે માત્ર ટ્રેઇલર છે એવું માનનારાઓની પૂરી ફિલ્મ ઊતરી જવાની સાથે નિફ્ટી બૅન્ક, નિફ્ટી ફાઇનૅન્શિયલ સર્વિસિસ અને નિફ્ટી મિડકૅપ સિલેક્ટ સાત-સાત ટકા ગબડી અનુક્રમે 46928, 20819 અને 10841ના સ્તરે બંધ રહ્યા હતા. નિફ્ટીમાં 6 ટકા, 1380 પૉઇન્ટ્સનો માતબર ઘટાડો આ ઇન્ડેક્સને 21884 સુધી ઘસડી લાવ્યો. ઇન્ટ્રા-ડે 21281 સુધી ગયો હોવાથી પહેલો સપોર્ટ 200 દિવસીય ઍવરેજ આસપાસ 20900નો ગણવો. પાંચ માસની બૉટમ તૂટી ચૂકી છે, 21137થી નીચે જાય તો 2024ની જાન્યુઆરીમાં બનેલી બૉટમ પણ તૂટશે.

નિફ્ટી 25 હજાર, નિફ્ટી બૅન્ક 52 હજારની વાતો હવામાં રહી ગઈ અને ‘અબકી બાર 400 પાર’વાળું સૂત્ર એક્સટેન્ડ કરી ‘અબકી બાર 400 પાર તો નિફ્ટી ભી 25 હજાર કે પાર’વાળું સપનું આંખ ખૂલે એ પહેલાં જ તૂટી ગયું. નોંધવા જેવી વાત એ છે કે ફ્રન્ટલાઇનમાં થયેલા નુકસાન કરતાં પણ વધારે મોટું નુકસાન અમુક સેક્ટોરલ ઇન્ડાઇસિસમાં થયું છે. એનએસઈમાં પીએસઈ ઇન્ડેક્સ 16.38 ટકા, પીએસયુ બૅન્ક 15.14 ટકા, સીપીએસઈ 15.04 ટકા, એનર્જી 12.47 ટકા, ઑઇલ ઍન્ડ ગૅસ 11.8 ટકા, મેટલ 10.63 ટકા, કૉમોડિટીઝ 10.61 ટકા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડેક્સ 10.59 ટકા પત્તાના મહેલની જેમ તૂટ્યા હતા. સોમવારની આશા મંગળવારે નિરાશામાં પલટાઈ ગઈ અને ગઈ કાલ સુધી જે શૅરો લેવા માટે પડાપડી થતી હતી એમને મંગળવારે 20-25 ટકા સસ્તા મળતા હોવા છતાં કોઈ હાથ લગાડવા તૈયાર ન હતું. કારણ એક જ - રાજકીય અનિશ્ચિતતાના પગલે બજારમાં પણ અનિશ્ચિતતાનો માહોલ. રાજકીય સમીકરણો સેટ થઈ જાય, મોદીની આગેવાનીમાં પાછી સરકાર રચાય ત્યાં સુધી, શુક્રવાર સુધી તો બજારે આ તબક્કામાંથી પસાર થવું જ પડશે. મુખ્ય ઇન્ડેક્સો શુક્રવારના હાઈ અને સોમવારના લો વચ્ચે છોડેલા ગૅપ પૂરીને વધુ નીચે ગયા હોવાથી વેઇટ ઍન્ડ વૉચ બહેતર વ્યુહ રહેશે.

સંસ્થાકીય વેચવાલીનું પૂર
મંગળવારે એફઆઇઆઇએસની ભારે નેટ વેચવાલી રહી હતી. ૧૨૪૩૬ કરોડ રૂપિયાની તેમની વેચવાલી સાથે સ્થાનિક સંસ્થાઓની પણ ૩૩૧૯ કરોડ રૂપિયાની નેટ વેચવાલી 
જોવા મળી હતી. આમ ભારે સંસ્થાકીય વેચવાલીના કારણે સેન્ટિમેન્ટ ખરાબ થયું અને બજાર ગગડ્યું હતું. 

માર્કેટ બ્રેડ્થ વર્સ્ટ 
એનએસઈના 2750 ટ્રેડેડ શૅરોમાંથી 2438માં ફોલ, માત્ર 242માં જ ગેઇન અને 70 એ જ બંધ ભાવે રહ્યા હોવાથી માર્કેટ બ્રેડ્થ તો એકદમ ખરાબ થઈ ગઈ હતી. 52 સપ્તાહની ટોચે 83 શૅરો ગયા એની સામે એવું બૉટમ બનાવનાર શૅરોની સંખ્યા 271 થઈ હતી. આવા માહોલમાં પણ અપર સર્કિટે 24 શૅરો પહોંચ્યા હતા ખરા. લોઅર સર્કિટે 609 શૅરોનો આંકડો બજારની ભયંકર નબળાઈ સૂચવે છે.

અદાણી ટ્રાન્સમિશન 20 ટકા ડાઉન થઈ 977
19-20 ટકા ઘટનારા અન્ય શૅરોમાં ટીટાગડ વેગન્સ 1197 રૂપિયા, સેઇલ 133, નાલ્કો 158, કેઇન્સ ટેક્નૉલૉજી 2835 રૂપિયા, જમ્મુ ઍન્ડ કાશ્મીર બૅન્ક 108 રૂપિયા, હૂડકો 229 રૂપિયા, હિન્દુસ્તાન કૉપર 299 રૂપિયા, હિમાચલ ફ્યુચરિસ્ટિક કમ્યુનિકેશન 83, ડીબી રિયલ્ટી 164, કોન્કોર 948, બોધી ટ્રી મલ્ટીમીડિયા 12 રૂપિયા, બીઈએલ 255, બીઈએમએલ 3762, અદાણી ગ્રીન 1646 રૂપિયા અને અદાણી એન્ટરપ્રાઇઝિસ 2940 રૂપિયા.
પોતપોતાની જોખમ ખેડવાની ક્ષમતા મુજબ આ શૅરો રડાર પર રાખી યોગ્ય લાગે ત્યાં ખરીદી કરી શકો એટલા માટે ખાસ સ્ક્રીનિંગ કરીને આ લિસ્ટ આપ્યું છે.

20 ટકાનો દૈનિક ઘટાડો આ શૅરોમાં
રૂરલ ઇલેક્ટ્રિફિકેશન કૉર્પોરેશન 25 ટકા ઘટી 452
પાવર ફાઇનૅન્સ કૉર્પોરેશન 23 ટકા ડાઉન 427
અદાણી પૉર્ટ સવાએકવીસ ટકા તૂટી 1248
ભેલ 21 ટકા ઘટી 246 

સેન્સેક્સના 4390 પૉઇન્ટ્સના ફૉલ સાથે બીએસઈ લિસ્ટેડ શૅરોમાં રોકાણકારોના 30 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ
છેલ્લાં 4 વર્ષના કોવિડકાળના 23 માર્ચ 2020 પછીના સૌથી મોટા દૈનિક છ ટકાના ઘટાડામાં સેન્સેક્સ 4390 પૉઇન્ટ્સ ઘટી 72079 અને બૅન્કેક્સ 8 ટકા તૂટી 53577 થયો એની સાથે બીએસઈ લિસ્ટેડ શૅરોનું માર્કેટ કૅપિટલાઇઝેશન 30 લાખ કરોડ રૂપિયા ઘટી 394 લાખ કરોડ થઈ ગયું હતું. આમ સોમવારે રોકાણકારોને મૂલ્ય વધવાથી થયેલા લાભ કરતાં મંગળવારે એમાં આવેલા ઘટાડાથી બમણું નુકસાન થયું હતું. બીએસઈ લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કૅપિટલાઇઝેશનમાં સોમવારે 14 લાખ કરોડ રૂપિયા વધ્યા હતા અને એ 425 લાખ કરોડ રૂપિયા અથવા 5.13 ટ્રિલ્યન ડૉલરની નવી રેકૉર્ડ સપાટીએ પહોંચ્યું હતું.

business news stock market national stock exchange bombay stock exchange nifty sensex