21 October, 2022 04:18 PM IST | Mumbai | Shrikant Vaishnav
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)
કોઈ પણ કરવેરાની પ્રણાલીમાં કરદાતાની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે નોંધણી મૂળભૂત આવશ્યકતા હોય છે. જીએસટી કાયદા હેઠળ કોઈ પણ બિઝનેસ એન્ટિટીનું રજિસ્ટ્રેશન કરાવવું એટલે કરવેરાના સંબંધિત સત્તાવાળાઓ પાસેથી યુનિક નંબર પ્રાપ્ત કરવો, જે સરકાર વતી કરવેરાનું કલેક્શન કરવામાં કરદાતાને ઉપયોગી થાય છે. એ ઉપરાંત કરદાતા રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ પોતાની ઇનવર્ડ સપ્લાય માટે ઇન્પુટ ટૅક્સ ક્રેડિટ (આઇટીસી) મેળવી શકે છે.
જીએસટી રજિસ્ટ્રેશનનું સુઓ મોટો કૅન્સલેશન
રજિસ્ટર્ડ પર્સને સ્વૈચ્છિક રીતે કરેલી અરજીને પગલે પ્રૉપર ઑફિસર જીએસટી હેઠળનું રજિસ્ટ્રેશન રદ કરી શકે છે અથવા તો એ પ્રૉપર ઑફિસર કોઈક કારણસર સુઓલ મોટો એટલે કે પોતાના અધિકારનો ઉપયોગ કરીને રજિસ્ટ્રેશન કૅન્સલ કરી શકે છે. જો કોઈક કારણસર પ્રૉપર ઑફિસર જીએસટીનું રજિસ્ટ્રેશન કૅન્સલ કરે તો જીએસટી પોર્ટલ પર પ્રોફાઇલ વિભાગમાં સુઓ મોટો કૅન્સલ્ડ તરીકે એ જોવા મળે છે.
આ સ્થિતિમાં રજિસ્ટર્ડ પર્સન અનરજિસ્ટર્ડ બની જાય છે અને એમ થયા બાદ તેઓ સરકાર વતી કરવેરો લઈ શકતા નથી અથવા તો આઇટીસી ક્લેમ કરી શકતા નથી. વાંચકોને જણાવવાનું કે સ્વૈચ્છિકપણે પ્રાપ્ત કરાયેલું જીએસટી રજિસ્ટ્રેશન એની પ્રાપ્તિની તારીખથી એક વર્ષની અંદર સરેન્ડર કરી શકાતું નથી.
સુઓ મોટો કૅન્સલેશન માટેનાં કારણો
પ્રૉપર ઑફિસર પોતાના અધિકારની રૂએ અથવા રજિસ્ટર્ડ પર્સને કરેલી અરજીને પગલે આ મુજબના સંજોગોમાં જીએસટી રજિસ્ટ્રેશન રદ કરી શકે છે...
બિઝનેસ બંધ કરી દેવાયો હોય, માલિકના નિધનને પગલે અથવા બીજા કોઈ કારણસર બિઝનેસ ટ્રાન્સફર કરી દેવાયો હોય અથવા અન્ય કોઈ કાનૂની એન્ટિટી સાથે અમાલ્ગમેશન કરી દેવાયું હોય અથવા બિઝનેસ ડીમર્જ થઈ ગયો હોય અથવા એનો નિકાલ કરી દેવાયો હોય;
અથવા બિઝનેસના બંધારણમાં કોઈ ફેરફાર થયો હોય; અથવા રજિસ્ટર્ડ પર્સન કલમ ૨૨ અથવા ૨૪ હેઠળ રજિસ્ટર કરી શકાય એમ ન હોય અથવા જીએસટી ઍક્ટની કલમ ૨૫(૩) હેઠળ સ્વૈચ્છિકપણે રજિસ્ટ્રેશન રદ કરાવવા ઇચ્છતા હોય.
પ્રૉપર ઑફિસર અહીં જણાવાયેલા સંજોગોમાં પોતાના અધિકારના આધારે કોઈ જૂની તારીખથી કે બીજી કોઈ તારીખથી જીએસટી રજિસ્ટ્રેશન રદ કરાવી શકે છે...
રજિસ્ટર્ડ પર્સને જીએસટી ઍક્ટની જોગવાઈઓનું ઉલ્લંઘન કર્યું હોય
રજિસ્ટર્ડ પર્સન (કમ્પોઝિશન કરદાતાને બાદ કરતાં) સતત છ મહિના સુધી જીએસટીનાં રિટર્ન ભરે નહીં; અથવા
રજિસ્ટર્ડ કમ્પોઝિશન કરદાતાએ છેલ્લી તારીખથી ત્રણ મહિના પૂરા થયા બાદ પણ જીએસટી રિટર્ન ભર્યાં ન હોય,
સ્વૈચ્છિકપણે જીએસટી રજિસ્ટ્રેશન લીધું હોય, પણ રજિસ્ટ્રેશનની તારીખથી છ મહિનાની અંદર બિઝનેસ શરૂ કર્યો ન હોય,
દગાબાજી કરીને, ખોટાં નિવેદનો કરીને અથવા હકીકતો છુપાવીને જીએસટી રજિસ્ટ્રેશન લેવામાં આવ્યું હોય.
રજિસ્ટ્રેશન રદ કરતાં પહેલાં કારણદર્શક નોટિસ ઇશ્યુ કરવી
પ્રૉપર ઑફિસર સુઓ મોટો ધોરણે જીએસટી રજિસ્ટ્રેશન રદ કરાવવા માટેની પ્રક્રિયા શરૂ કરે એના માટે યોગ્ય કારણ હોવું જરૂરી છે. અહીં એ પણ જણાવવું રહ્યું કે પ્રૉપર ઑફિસર સુનાવણીની તક આપ્યા વગર પોતાની મુનસફી મુજબ જીએસટી રજિસ્ટ્રેશન રદ કરી શકે નહીં.
જો પ્રૉપર ઑફિસરને રજિસ્ટર્ડ પર્સન પાસેથી મળેલા કારણદર્શક નોટિસના જવાબથી સંતોષ થઈ જાય તો તેઓ કૅન્સલેશનની કાર્યવાહી પાછી ખેંચી લે છે અને રજિસ્ટર્ડ પર્સન જીએસટીઆઇએનના લાભ પ્રાપ્ત કરવાનું ચાલુ રાખી શકે છે. જો સંતોષ ન થાય તો પ્રૉપર ઑફિસર કૅન્સલેશનની કાર્યવાહીને આગળ વધારી શકે છે.
એક વખત જીએસટી રજિસ્ટ્રેશન રદ કરવામાં આવ્યા પછી કૅન્સલેશનના આદેશમાં લખાયેલી તારીખ બાદનાં જીએસટી રિટર્ન ભરવાની અથવા ઇન્વૉઇસ અપલોડ કરવાની પરવાનગી નથી. જોકે એ પર્સન પોતાના મોબાઇલ નંબર કે ઈ-મેઇલ ઍડ્રેસમાં ફેરફાર કરાવીને કૅન્સલેશન રદ કરાવવા માટેની અરજી કરી શકે છે.
સવાલ તમારા…
જીએસટી રજિસ્ટ્રેશન રદ કરાવવા માટેની અરજી કેટલા દિવસની અંદર કરવાની હોય છે?
સીજીએસટી રૂલ્સ, ૨૦૧૭ના નિયમ ક્રમાંક ૨૦ મુજબ જીએસટી કૅન્સલ થાય એવો બનાવ બન્યાના ૩૦ દિવસની અંદર કૅન્સલેશન માટેની અરજી કરવાની હોય છે.