05 April, 2023 03:35 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતિકાત્મક તસવીર
દેશમાં એક તરફ ઘઉંના ઊભા પાકમાં વરસાદ અને કરા પડવાને કારણે મોટું નુકસાન પહોંચ્યું છે ત્યારે બીજી તરફ સરકારી ગોડાઉનમાં ઘઉંનો સ્ટૉક પણ ઘટીને પાંચ વર્ષના તળિયે પહોંચી ગયો છે. આવી સ્થિતિમાં નવી સીઝનમાં ઘઉંની સરકારી ખરીદી કેટલી થાય છે એના પર સૌની નજર મંડાયેલી છે.
સેન્ટ્રલ પૂલમાં આ વર્ષે પહેલી ફેબ્રુઆરીએ ઘઉંનો સ્ટૉક ૧૫૪.૪૪ લાખ મેટ્રિક ટન હતો, જે ૨૦૧૮ પછીનો સૌથી ઓછો છે, જે વર્ષે સ્ટૉક ૧૭૫.૪૭ લાખ ટનનો હતો. ગયા વર્ષે દેશમાં ૨૮૨.૭૩ લાખ ટનનો સ્ટૉક હતો. આમ એક વર્ષમાં સરકારી ગોડાઉનમાં ઘઉંનો સ્ટૉક ૧૨૮.૨૯ લાખ ટનનો થઈ ગયો છે. બુધવારે લોકસભામાં ગ્રામીણ વિકાસ અને ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ રાજ્ય પ્રધાને આ માહિતી આપી હતી.
પ્રધાનના જણાવ્યા અનુસાર ૨૦૨૧ ઘઉંનો સ્ટૉક ૧ ફેબ્રુઆરીએ ૩૦૧ લાખ પર પહોંચ્યો હતો. ગયા વર્ષે માર્ચમાં લાંબી ગરમીના મોજાએ ૨૦૨૨-’૨૩ માટે ભારતના ઘઉંનું ઉત્પાદન પાછલા વર્ષના ૧૦૯૦ લાખ ટનથી ઘટીને ૧૦૬૦ લાખ ટન કર્યું હતું. આ ઉપરાંત, ખેડૂતોએ પોતાનો માલ કેન્દ્રને બદલે ખાનગી કંપનીઓને વેચાણ કર્યો હતો પરિણામે સરકાર દ્વારા ઘઉંની ખરીદી ૨૦૨૨-’૨૩ દરમ્યાન ઘટીને ૧૮૭.૯ ટન થઈ હતી, જે અગાઉના વર્ષે ૪૪૦ લાખ ટનની ખરીદી હતી.
જોકે, એ હજી પણ સરકારના બફર સ્ટૉકનાં ધોરણો કરતાં વધારે છે. આ ધોરણો મુજબ પહેલી એપ્રિલના રોજ ઘઉંનો ઑપરેશનલ સ્ટૉક ૪૪.૬ લાખ ટન હોવો જોઈએ, પહેલી જુલાઈના રોજ ૨૪૫.૮ લાખ ટન અને પહેલી ઑક્ટોબરના રોજ ૧૭૫.૨ લાખ ટન અને પહેલી જાન્યુઆરીના રોજ ૧૦૮ લાખ ટન હોવો જોઈએ.
જ્યારે ઘઉંનો સ્ટૉક વધારવાનાં પગલાં વિશે પૂછવામાં આવ્યું ત્યારે કેન્દ્રીય પ્રધાન સાધ્વી નિરંજન જ્યોતિએ કહ્યું કે ‘આ વર્ષે ઘઉં માટે ટેકાના ભાવમાં ૧૧૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વધારવામાં આવ્યા છે. આ ઉપરાંત, કેન્દ્ર સરકારે આ સીઝન માટે ૩૪૧.૫૦ લાખ ટન ઘઉંની ખરીદીનો અંદાજ નક્કી કર્યો છે.