દેશમાં ઘઉંનું વાવેતર ગયા વર્ષ જેટલું જ થયું : ચણામાં મામૂલી વધારો જોવા મળ્યો

03 February, 2023 04:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મગફળીના વાવેતરમાં ૧૧ ટકાનો વધારો જોવા મળ્યો, જુવાર-બાજરીનાં વાવેતર ઘટ્યાં: જુવાર-બાજરી જેવા પાકોમાં ઊંચા ભાવ છતાં વાવેતર ઘટ્યું

પ્રતીકાત્મક તસવીર

દેશમાં શિયાળુ પાકોનાં વાવેતર હવે પૂર્ણ થવા આવ્યાં છે અને સરકારી આંકડાઓ મુજબ તમામ રવિ પાકોનું વાવેતર ગયા વર્ષની તુલનાએ ત્રણ ટકા વધ્યું છે. ઘઉંનું વાવેતર ગયા વર્ષ જેટલું જ થયું છે. કોઈ જ ફેરફાર નથી.

કેન્દ્રીય કૃષિ મંત્રાલયના આંકડાઓ મુજબ દેશમાં તમામ પાકોનું કુલ વાવેતર ૭૦૦.૯૨ લાખ હેક્ટરમાં થયું છે, જે ગયા વર્ષે ૬૭૮.૭૮ લાખ હેક્ટરમાં થયું હતું. આમ વાવેતરમાં ૩.૨૬ ટકાનો વધારો થયો છે.

દેશમાં ઘઉંનું વાવેતર આ વર્ષે ૩૪૧.૮૫ લાખ હેક્ટરમાં થયું છે, જે ગયા વર્ષે ૩૪૦.૫૬ લાખ હેક્ટરમાં જ થયું હતું. ડાંગરના વાવેતરમાં ૪૧ ટકાનો વધારો થઈને ૩૩.૪૯ લાખ હેક્ટરમાં થયું છે.
ચણાનું વાવેતર ૧.૩૬ ટકા ઘટીને ૧૧૧.૩૫ લાખ હેક્ટરમાં થયું છે, જે ગયા વર્ષે ૧૧૨.૮૯ લાખ હેક્ટરમાં થયું હતું.

જુવાર-બાજરી જેવા ધાન્ય પાકોનાં વાવેતરમાં આ વર્ષે ઘટાડો થયો છે. બન્ને ધાન્ય પાકોના વિક્રમી ઊંચા ભાવ હોવા છતાં ખેડૂતોએ રવિ સીઝનમાં એનાં વાવેતરમાં ઘટાડો કર્યો છે. તેલીબિયાં પાકોની વાત કરીએ તો મગફળીનું વાવેતર ૧૦.૮૩ ટકા વધ્યું છે.

business news commodity market