લાઇફ ઇન્શ્યોરન્સમાં શેનું ધ્યાન રાખશો?

27 September, 2023 10:40 AM IST  |  Mumbai | Priyanka Acharya

પૉલિસીની માહિતીઓને અપડેટ કરો તેમ જ એની સમીક્ષા કરતા રહો

પ્રતીકાત્મક તસવીર

આપણે ભારતમાં ખુશી ભર્યા તહેવારોની ઉજવણી તો કરીએ જ છીએ, સાથે-સાથે આપણા પૂર્વજો તથા જે પ્રિયજનો હવે આપણી સાથે નથી એ બધાના આત્માની શાંતિ માટે આપણે શ્રદ્ધાપૂર્વક શ્રાદ્ધ/પિતૃ પક્ષમાં તર્પણ પણ કરીએ છીએ. મૃત્યુ એ જીવનનું અંતિમ સત્ય છે. જો આપણા નૉમિનીઓને ઇન્શ્યૉરન્સ ક્લેમની પ્રક્રિયા પૂરી કરવા માટે ખૂબ જ તકલીફનો સામનો કરવો પડે તો એ લોકો કઈ રીતે આપણા આત્માની શાંતિ માટે હૃદયથી પ્રાર્થના કરશે? આપણા મૃત્યુ બાદ પણ આપણા પ્રિયજનો આપણને પ્રેમથી યાદ કરે એ માટે ચાલો આપણે જીવતે જીવ જ થોડીક તૈયારી કરી રાખીએ. એ માટે લાઇફ ઇન્શ્યૉરન્સની કેટલીક સરળ વસ્તુઓને મૅનેજ કરીને આપણે એ કરી શકીએ છીએ. તમારા મૃત્યુ બાદ તમારા નૉમિની સરળતાથી પૉલિસીના ફાયદાઓ મેળવી શકે એ માટે લાઇફ ઇન્શ્યૉરન્સ પૉલિસી એ રીતે સેટ કરવી ખૂબ અગત્યનું છે. અંતે, જીવન વીમાનો મુખ્ય હેતુ તમારા પ્રિયજનોને જ્યારે આર્થિક મદદની સૌથી વધુ જરૂર હોય ત્યારે આર્થિક સુરક્ષા પ્રદાન કરવાનો છે. સરળ અને મુશ્કેલી વિના ક્લેમની પ્રક્રિયા થઈ શકે એ માટે નીચેનાં પગલાંને ધ્યાનમાં લો

૧. પૉલિસીની માહિતીઓને અપડેટ કરો તેમ જ એની સમીક્ષા કરતા રહો

સમય જતાં જીવનના સંજોગો બદલાતા રહે છે. લગ્ન, બાળકનો જન્મ, કારકિર્દીમાં પ્રગતિ તથા અન્ય ઘટનાઓને પગલે તમારી પૉલિસીના બેનિફિશિયરીને તથા પૉલિસીની રકમને બદલવાની જરૂર પડી શકે છે. જ્યારે પણ જીવનમાં મહત્ત્વના બદલાવો આવે ત્યારે તમારી પૉલિસીની સમીક્ષા કરીને એને અપડેટ કરવી જરૂરી છે, જેથી યોગ્ય બેનિફિશિયરીઓ પૉલિસીમાં સૂચિત થઈ શકે.

૨. બેનિફિશિયરીઝને સ્પષ્ટતાપૂર્વક નિયુક્ત કરો

તમારા પૉલિસી ડૉક્યુમેન્ટમાં તમારા બેનિફિશિયરીઓનાં નામો તથા તેમની સંપર્ક માટેની વિગતો સ્પષ્ટ કરો. આ માહિતી સ્પષ્ટ તેમ જ અપ-ટુ-ડેટ હોય એની ખાતરી કરો. આ સ્પષ્ટતા વીમા કંપનીને પૉલિસીની રકમના યોગ્ય પ્રાપ્તકર્તાઓને ઝડપથી ઓળખવામાં મદદ કરે છે.

૩. ખરી માહિતી પ્રદાન કરો

લાઇફ ઇન્શ્યૉરન્સ પૉલિસીની અરજી કરતી વખતે તમારા આરોગ્ય, જીવનશૈલી અને અન્ય સંબંધિત વિગતો વિશે સંપૂર્ણ રીતે સત્ય હોય એ જ માહિતી પ્રદાન કરો. અચોક્કસ અથવા અપૂર્ણ માહિતીઓ પૉલિસીના દાવાની પ્રક્રિયા દરમ્યાન ગૂંચવણો ઊભી કરી શકે છે.

૪. તમારી પૉલિસીના ડૉક્યુમેન્ટને સુરક્ષાપૂર્વક સાચવો

સરળતાથી મળી શકે એવી પરંતુ સુરક્ષિત જગ્યાએ તમારી પૉલિસીની ફિઝિકલ તથા ડિજિટલ કૉપીઓ જાળવો. તમારા બેનિફિશિયરીઓને પૉલિસીની હયાતીની તેમ જ એના સ્થાન વિશે અવગત કરો.

૫. પૉલિસીની વિગતોથી તમારા બેનિફિશિયરીઓને પણ વાકેફ રાખો

તેમને પૉલિસીની અન્ય વિગતો જેમ કે પૉલિસીના નંબરો, ઇન્શ્યૉરન્સ કંપનીનું નામ તથા સંપર્કની વિગતો તથા એવી કોઈ સંબંધિત જાણકારીઓ આપી રાખો. આવી રીતે તમારા પ્રિયજનોને આપેલી જાણકારીથી તમારા પ્રિયજનો તમે તેમના માટે જે આર્થિક સુરક્ષા મૂકી છે એનાથી વાકેફ રહેશે.

૬. પૉલિસીના રાઇડર્સ તથા ઍડ-ઑન્સની સમીક્ષા કરો

તમારી પોતાની જાતને અને તમારા બેનિફિશિયરીઓને તમારી પૉલિસી સાથે જોડાયેલા કોઈ પણ રાઇડર્સ અથવા ઍડ-ઑન્સના લાભોથી પરિચિત કરો. આ વધારાના કવરેજ ચોક્કસ પરિસ્થિતિઓ માટે લાભ પ્રદાન કરી શકે છે, જેમ કે ગંભીર બીમારીથી થયેલું મૃત્યુ અથવા ઍક્સિડન્ટ દ્વારા થયેલું મૃત્યુ.

૭. પ્રીમિયમની ચુકવણી ત્વરિત કરો

તમે પૉલિસીના પ્રીમિયમની ચુકવણીઓ સમયસર કરો. જો આમ ન થાય તો પૉલિસી નિષ્ક્રિય અથવા રદબાતલ થઈ શકે છે અને એવા સંજોગોમાં તમારા બેનિફિશિયરીઓને પૉલિસીનો કોઈ લાભ પ્રાપ્ત થશે નહીં.

૮. પર્યાપ્ત કવરેજ જાળવો

તમારું મૃત્યુ થઈ જાય તો તમારી પૉલિસીની રકમ તમારા પરિવાર માટે પર્યાપ્ત થશે કે નહીં એ બાબતનું નિયમિતપણે મૂલ્યાંકન કરો. આ મૂલ્યાંકન અનુસાર તમારા કવરેજને જરૂર મુજબ ગોઠવો, ખાસ કરીને જીવનમાં મહત્ત્વની ઘટનાઓ ઘટિત થયા બાદ આ ખૂબ જ જરૂરી બની રહે છે.

૯. ‘વિલ’ બનાવો

તમારી સંપત્તિની તમારે કેવી રીતે વહેંચણી કરવાની ઇચ્છા છે એ વિશે સ્પષ્ટતા કરવા માટે ‘વિલ’ બનાવો. આમાં લાઇફ ઇન્શ્યૉરન્સ પૉલિસીમાંથી મળતી રકમ પણ કોને મળવી જોઈએ એની સ્પષ્ટતા કરો. આનાથી ક્લેમની પ્રક્રિયા કરવામાં સરળતા રહેશે. તમારું ‘વિલ’ અપ-ટુ-ડેટ હોય અને કાયદાકીય રીતે માન્ય હોય એની ખાતરી કરો.

૧૦. બેનિફિશિયરીઓને જાણકારી આપી રાખો

તમારા બેનિફિશિયરીઓને એ પોતે બેનિફિશિયરી છે એ બાબતની જાણ હોવી જોઈએ. એમને પૉલિસીનો હેતુ જાણ કરો તેમ જ આ પૉલિસીની રકમને કેવી રીતે વાપરવાની છે એ વિશે જો તમારી કોઈ ખાસ ઇચ્છા હોય તો એ વિશે તેમને જાણ કરો.

૧૧. ઇન્શ્યૉરન્સ કંપનીને તમારા મૃત્યુ વિશે ત્વરિત જાણ થવી જોઈએ

 તમારા અવસાનની કમનસીબ ઘટનામાં, તમારા બેનિફિશિયરીઓ માટે શક્ય એટલી વહેલી તકે વીમા કંપનીને સૂચિત કરવું બહુ જ અગત્યનું છે, જેથી ઇન્શ્યૉરર તેમને જરૂરી ક્લેમ ફોર્મ અને સૂચનાઓ પ્રદાન કરી શકે.

૧૨. જરૂરી ડૉક્યુમેન્ટ્સ પ્રદાન કરો

તમારા બેનિફિશિયરીઓએ ઇન્શ્યૉરન્સ કંપનીને ચોક્કસ દસ્તાવેજો સબમિટ કરવાની જરૂર રહેશે, જેવા કે પૉલિસીનો ઓરિજિનલ ડૉક્યુમેન્ટ, ડેથ સર્ટિફિકેટની કૉપી અને ક્લેમ ફોર્મ. તેઓને આ દસ્તાવેજો મળી શકે એની ખાતરી કરો.

૧૩. જો જરૂરી હોય તો વ્યાવસાયિકની મદદ લો

જો દાવાની પ્રક્રિયા જટિલ જણાય અથવા જો કોઈ વિવાદો ઊભા થવાની શક્યતાઓ જણાય તો આ પ્રક્રિયા સરળતાથી કરવા માટે તમારા બેનિફિશિયરીઓને માર્ગદર્શન આપવા કાનૂની અથવા નાણાકીય સલાહકારની મદદ અપાવવાનો વિચાર કરો.

૧૪. પૉલિસી સામે લીધેલી લોન અથવા લાયાબિલિટીઝ વિશે પારદર્શિતા રાખો

જો તમે તમારી લાઇફ ઇન્શ્યૉરન્સ પૉલિસી સામે લોન લીધી હોય તો અથવા જો કોઈ પૉલિસી સામે કોઈ લોન અથવા લાયાબિલિટીઝ બાકી હોય તો આ માહિતી પણ તમારા બેનિફિશિયરીઓને આપી રાખો, કેમ કે આ રકમ પૉલિસીની રકમમાંથી કાપવામાં આવી શકે છે. તમારા બેનિફિશિયરીઓની સુવિધા તથા લાભને ધ્યાનમાં રાખીને તમારી પૉલિસીને મૅનેજ કરવી એ તેમની તરફ એક જવાબદાર અને કાળજીભર્યો અભિગમ રહેશે તેમ જ આ પગલાં સુવ્યવસ્થિત ફાઇનૅન્શિયલ પ્લાનિંગનો એક ભાગ ગણાશે. આવાં પગલાંઓથી તમારા પ્રિયજનોના મુશ્કેલ સમયને થોડોક સહ્ય બનાવવામાં મદદ મળશે. આથી મુશ્કેલીભર્યા સમયમાં જરૂરી આર્થિક આધાર તેમને મળી રહેશે.

business news