નવા વર્ષમાં રોકાણ બાબતે કઈ બાબતોનું ધ્યાન રાખવું?

09 January, 2023 02:54 PM IST  |  Mumbai | Khyati Mashru Vasani

શારીરિક અને માનસિક આરોગ્યની સાથે-સાથે નાણાકીય તંદુરસ્તી જાળવવી પણ એટલી જ જરૂરી છે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

નવું વર્ષ શરૂ થયાને આઠ દિવસ વીતી ગયા છે અને જો તમે હજી કોઈ સંકલ્પ કર્યો ન હોય તો આજનો લેખ ખાસ તમારા માટે છે એમ કહી શકાય. જોકે આજની વાત ફક્ત આ વર્ષ પૂરતી નહીં, પણ આજીવન મદદ કરનારી છે.

શારીરિક અને માનસિક આરોગ્યની સાથે-સાથે નાણાકીય તંદુરસ્તી જાળવવી પણ એટલી જ જરૂરી છે. આથી નવા વર્ષના નાણાકીય સંકલ્પો કયા હોઈ શકે એના વિશે આપની સાથે વાત કરવાની છે. 

કોઈ પણ કંપની આયોજન કે ભાવિ રૂપરેખા વગર ચાલતી નથી. આ જ વાત આપણા પરિવારને પણ લાગુ પડે છે. તમે સંપત્તિસર્જન ત્યારે જ કરી શકો, જ્યારે તમારી પાસે સ્પષ્ટ આયોજન હોય. નવા વર્ષમાં એને માટે શું કરવું એ જોઈ લઈએ :

રોકાણની દરેક તક વિશે સંશોધન કરો

દરેક રોકાણકારે રોકાણની તક બાબતે અભ્યાસ કરવો મહત્ત્વપૂર્ણ છે. દરેક સ્ટૉક કે ઍસેટ ક્લાસ વિશે સંપૂર્ણ જાણકારી મેળવવાનું અઘરું હોય છે. આથી રોકાણકારે કેટલીક નિર્ધારિત સિક્યૉરિટીઝ વિશે પૂરતું સંશોધન અને વિશ્લેષણ કરીને રોકાણ કરવું જોઈએ. 

કૌશલ્ય વધારો

શીખવા-જાણવા-ભણવા માટે કોઈ ઉંમર મોટી કહેવાતી નથી. શીખવું એ આજીવન ચાલનારી પ્રક્રિયા છે. રોકાણકારોએ પણ આવકમાંથી બચત કરવાનું અને બચત કર્યા બાદ રોકાણ કરવાનું શીખવું પડે છે. બજાર ગતિશીલ છે અને એથી રોકાણકારે પણ સતત આવી રહેલાં પરિવર્તનોથી વાકેફ રહેવું જોઈએ. પોતાની બચત માટે રોકાણના કયા વિકલ્પ સારા છે, પોતાનાં નાણાકીય લક્ષ્યો અનુસાર કયા વિકલ્પોમાં રોકાણ કરવાની જરૂર છે, કરવેરાની બચત માટે શું કરવું જોઈએ એ બધા વિષયોમાં પૂરતી જાણકારી દરેક રોકાણકાર પાસે હોવી ઘટે.

જોખમ વ્યવસ્થાપન કરો

રોકાણોને અલગ-અલગ જોખમો નડતાં હોય છે. રોકાણની સફળતા માટે જોખમ વ્યવસ્થાપન આવશ્યક હોય છે. આથી રોકાણકારે જોખમ વ્યવસ્થાપનના સિદ્ધાંતોનું પાલન કરવું પડે છે. મૂડી ઓછી હોય કે વધારે, દરેકે જોખમોને સાચવીને આગળ વધતા રહેવાનું હોય છે. 

કોઈ પણ રોકાણ પોતાના નાણાકીય લક્ષ્યને અનુરૂપ અને જોખમ ખમવાની શક્તિ અનુસાર હોવું જોઈએ. વધુપડતી ખોટ થાય નહીં એ માટે ઇક્વિટી માર્કેટમાં સ્ટૉપલૉસની સુવિધા છે. 

બીજાનું અનુકરણ ન કરો

‘બધા લઈ ગયા, અમે રહી ગયા’ ઉક્તિ તમે સાંભળી હશે. અંગ્રેજીમાં આના જેવો જ એક શબ્દ પ્રયોગ છે ‘ફિયર ઑફ મિસિંગ આઉટ.’ બધા કમાઈ જશે અને હું રહી જઈશ એવું વિચારીને રોકાણ કરનારાઓ રોકાણના નિયમનું ઉલ્લંઘન કરતા હોય છે. અર્થાત્ રોકાણ કરવામાં ક્યારેય બીજાઓનું અનુકરણ કરવાનું હોતું નથી. જો અત્યારે રોકાણ નહીં કરીએ તો સારી તક હાથમાંથી નીકળી જશે એવું વિચારીને લોકો રોકાણના આડેધડ અને ઉતાવળિયા નિર્ણય લઈને આંધળૂકિયું કરતા હોય છે. આવી રીતે રોકાણ કરનારાઓ મોટા ભાગે નુકસાનમાં જવાનું જોખમ રહેલું હોય છે. 

ધીરજ કેળવો

રોકાણકારમાં ધીરજનો ગુણ હોવો અત્યંત જરૂરી છે. બજાર કાયમી ધોરણે સ્થિર રહેતું નથી. વૈશ્વિક બનાવો તથા અન્ય માઇક્રો અને મેક્રોઇકૉનૉમિક પરિબળોની અસર રોકાણોના મૂલ્ય પર થતી હોય છે. આવા સંજોગોમાં ઘણા રોકાણકારો પોતાને નાણાંની જરૂર ન હોવા છતાં રોકાણ કાઢી નાખતા હોય છે. બજારમાં ધીરજવાન વ્યક્તિ હંમેશાં કમાય છે. આથી સારા રોકાણકારનું આ લક્ષણ કેળવવું.

ડર અને લોભ મનમાંથી કાઢી નાખો

ડર અને લોભ રોકાણકારોના સૌથી મોટા દુશ્મન હોય છે. જો રોકાણમાં સારું વળતર મળ્યું હોય અને નિશ્ચિત નાણાકીય લક્ષ્ય પ્રાપ્ત થઈ ગયું હોય તો રોકાણકારે નફો અંકે કરીને રોકાણ કાઢી નાખવું જોઈએ. જો રોકાણ ખોટમાં જઈ રહ્યું હોય અને વધુ નુકસાન થવાની શક્યતા હોય તો એ રોકાણમાંથી નીકળી જઈને બીજું કોઈ સારું રોકાણ કરતાં ડરવું જોઈએ નહીં. 

પોર્ટફોલિયોનું પુનઃ સંતુલન કરો

પોર્ટફોલિયો હંમેશાં સંતુલિત રહેવો જોઈએ. આથી નિયમિતપણે એની સમીક્ષા કરતા રહેવું જોઈએ અને જરૂર પડ્યે એનું પુનઃ સંતુલન કરવું જોઈએ. 

રોકાણને લગતાં કૌભાંડોથી બચીને રહો

તાજેતરનાં વર્ષોમાં ઊંચા વળતરની લાલચ આપીને રોકાણકારોને છેતરવાના ઘણા કિસ્સા બન્યા છે. ઘણી વાર કોઈ ડર બતાવીને લોકોનાં બૅન્ક-ખાતાંમાંથી પૈસા પડાવી લેવાયાની ઘટના પણ બને છે. આવાં અનેક પ્રકારનાં કૌભાંડોથી બચીને ચાલવું. ઉપરોક્ત મુદ્દાઓના આધારે આપનું નવું વર્ષ સમૃદ્ધિભર્યું રહે એવી શુભેચ્છા.

business news