07 April, 2023 03:15 PM IST | Mumbai | Shrikant Vaishnav
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક
જીએસટી રજિસ્ટ્રેશન રદ કરાવનાર કરદાતાએ રજિસ્ટ્રેશન રદ થયાની તારીખ અને રજિસ્ટ્રેશન રદ થયાનો આદેશ બહાર પડ્યાની તારીખ એ બન્નેમાંથી જે તારીખ પછીથી આવતી હોય ત્યારથી ત્રણ મહિનાની અંદર જીએસટીઆર-૧૦માં છેલ્લું રિટર્ન ફાઇલ કરવાનું હોય છે.
જેમણે રજિસ્ટ્રેશન રદ કરાવ્યું હોય અથવા પાછું આપી દીધું હોય તે વ્યક્તિઓએ જીએસટી હેઠળ જીએસટીઆર-૧૦ રિટર્ન ફાઇલ કરવાનું હોય છે. બાકીના સર્વસામાન્ય કરદાતાઓએ આ રિટર્ન ફાઇલ કરવાનું હોતું નથી.
જીએસટીઆર-૧૦ ફૉર્મમાં લખવાની વિગતો
જીએસટીઆર-૧૦માં ભરવામાં આવતા આખરી રિટર્નમાં ૧૦ વિભાગો છે, એમાંથી અહીં જણાવ્યા પ્રમાણેના વિભાગોમાં જીએસટીઆઇએનમાંથી ડેટા ઑટો પૉપ્યુલેટ થાય છેઃ
૧. જીએસટીઆઇએન
૨. કાનૂની નામ
૩. બિઝનેસ કે ટ્રેડનું નામ
૪. ભાવિ પત્રવ્યવહાર માટેનું સરનામું
ઉપરોક્ત ઑટો પૉપ્યુલેટેડ ડેટામાંથી ભવિષ્યમાં પત્રવ્યવહાર કરવા માટેના સરનામામાં કરદાતા ફેરફાર કરી શકે છે.
નીચે જણાવાયેલા વિભાગોમાં કરદાતાએ જાતે વિગતો ભરવાની હોય છેઃ
૫. રજિસ્ટ્રેશન રદ થયાની/પાછું આપ્યાની અમલી તારીખ
૬. કૅન્સલેશનના આદેશનો રેફરન્સ નંબર
૭. કૅન્સલેશનના આદેશની તારીખ
૮. ક્લોઝિંગ સ્ટૉકની વિગતોઃ
૮એ. પર્ચેઝ ઇન્વૉઇસ ઉપલબ્ધ હોય એવા સ્ટૉકમાંનાં ઇન્પુટ
૮બી. પર્ચેઝ ઇન્વૉઇસ ઉપલબ્ધ હોય એવા સેમી-ફિનિશ્ડ કે ફિનિશ્ડ ગુડ્સના સ્ટૉકમાંનાં ઇન્પુટ
૮સી. સ્ટૉકમાં રખાયેલાં કૅપિટલ ગુડ્સ અથવા પ્લાન્ટ ઍન્ડ મશીનરી
૮ડી. પર્ચેઝ ઇન્વૉઇસ ઉપલબ્ધ ન હોય એવા સ્ટૉક અથવા સેમી-ફિનિશ્ડ કે ફિનિશ્ડ ગુડ્સના સ્ટૉકમાંનાં ઇન્પુટ
૯. ચૂકવવાપાત્ર અને ચૂકવાયેલો કરવેરો
૧૦. ચૂકવવાપાત્ર અને ચૂકવાયેલું વ્યાજ, લેટ ફી
જીએસટીઆર-૧૦માં આખરી રિટર્ન ફાઇલ નહીં કરનારે ચૂકવવી પડતી લેટ ફી
ઍમ્નેસ્ટી સ્કીમ લવાઈ એની પહેલાં લેટ ફી કુલ ૧૦,૦૦૦ રૂપિયા હતી, જેમાં સેન્ટ્રલ જીએસટીના ૫૦૦૦ અને સ્ટેટ જીએસટીના ૫૦૦૦ રૂપિયા સામેલ હતા. હવે ઍમ્નેસ્ટી સ્કીમ દ્વારા લેટ ફી ઘટાડીને ૧૦૦૦ રૂપિયા કરવામાં આવી છે.
જીએસટીઆર-૧૦ ફાઇલ કરવાનું બાકી હોય એવા કરદાતાઓ મોટી સંખ્યામાં હોવાથી જીએસટી કાઉન્સિલે ૧૮ ફેબ્રુઆરી, ૨૦૨૩ના રોજ મળેલી એની ૪૯મી બેઠકમાં ઍમ્નેસ્ટી સ્કીમ લાવવાની ભલામણ કરી હતી. જોકે, એમાં એવી શરત રાખવામાં આવી હતી કે જો આ રિટર્ન ૧ એપ્રિલ, ૨૦૨૩થી ૩૦ જૂન, ૨૦૨૩ના ગાળામાં ફાઇલ કરવામાં આવશે તો જ સ્કીમનો લાભ મળશે.
નિષ્કર્ષ
મારું અંગત માનવું છે કે જીએસટી ખાતાએ ઍમ્નેસ્ટી સ્કીમ લાવવાનું આવકારદાયક પગલું ભર્યું છે. કરદાતાઓએ એનો લાભ લઈને પેન્ડિંગ આખરી રિટર્ન ભરી દેવું જોઈએ.