ડિજિટાઇઝેશનના યુગમાં લાઇફ ઇન્શ્યૉરન્સ એજન્ટની ભૂમિકા શું છે?

22 November, 2023 05:09 PM IST  |  Mumbai | Priyanka Acharya

લાઇફ ઇન્શ્યૉરન્સ એવું સાધન નથી કે જે દરેક માટે સમાન હોઈ શકે. એજન્ટો તેમના ગ્રાહકોની અનન્ય જરૂરિયાતો અને નાણાકીય પરિસ્થિતિઓને સમજવા માટે સમય ફાળવે છે.

પ્રતીકાત્મક તસવીર

મારા ગયા લેખમાં આપણે અમુક વાસ્તવિક ઘટનાઓ જોઈ હતી જે એજન્ટ-ક્લાયન્ટ સંબંધોને ઉજાગર કરતી હતી. આજના લેખમાં કેટલાક મહત્ત્વના મુદ્દા આપેલા છે જેને કારણે લાઇફ ઇન્શ્યૉરન્સ એજન્ટ્સ તમારા જીવનના અવિભાજ્ય અંગ બની શકે છે. 

૧. વ્યક્તિગત માર્ગદર્શન ઃ લાઇફ ઇન્શ્યૉરન્સ એવું સાધન નથી કે જે દરેક માટે સમાન હોઈ શકે. એજન્ટો તેમના ગ્રાહકોની અનન્ય જરૂરિયાતો અને નાણાકીય પરિસ્થિતિઓને સમજવા માટે સમય ફાળવે છે. તેઓ સુનિશ્ચિત કરે છે કે તેમના ગ્રાહકો જે પૉલિસીની ખરીદી કરે એ પૉલિસી તેમના નાણાકીય લક્ષ્ય સાથે મેળ ખાતી હોય. નફાકારક જાહેરાતો સાથે છીછરાં પ્રસારણોને ધ્યાનમાં રાખીને સંભવિત ગ્રાહકોને પૉલિસી ખરીદવા માટે દબાણ કરવાને બદલે એજન્ટની વાસ્તવિક જવાબદારી એ સંભવિત ગ્રાહકો સાથેની વાતચીતને સરળ બનાવવા માટે ગુણવત્તાયુક્ત સમય વિતાવવાની છે. ઘણી વખત પરિવારો તેમની ચોક્કસ જરૂરિયાતોને સ્પષ્ટ કરવામાં અસમર્થ હોય છે. નિપૂણ એજન્ટ પરિવારની આ અસ્પષ્ટતા દૂર કરવામાં મદદ કરી શકે છે. 

૨. કુશળતા અને હિમાયત ઃ એજન્ટોને ઇન્શ્યોરન્સનાં ઉત્પાદનો, અન્ડરરાઇટિંગ પ્રક્રિયાઓ અને ઉદ્યોગના નિયમોનું ઊંડું જ્ઞાન હોવું જરૂરી છે. અહીં કોઈ સમાધાન ન થવું જોઈએ. તેઓ આ કુશળતાનો ઉપયોગ તેમના ગ્રાહકોની હિમાયત કરવા માટે કરે છે અને સુનિશ્ચિત કરે છે કે તેમના ગ્રાહકોને જરૂરી કવરેજ મળી રહે. 

૩. ક્લેમ સપોર્ટ ઃ ક્લેમની પ્રક્રિયા દરમ્યાન લાઇફ ઇન્શ્યૉરન્સ એજન્ટો મૂલ્યવાન ભૂમિકા ભજવે છે. આવે સમયે પરિવાર ગભરાટની સ્થિતિમાં હોય છે. ફક્ત એક એજન્ટ જ આવી પરિસ્થિતિમાં નિષ્પક્ષ રીતે પરિસ્થિતિને સંભાળી શકે છે અને ક્લેમની પ્રક્રિયાનો અમલ કરી શકે છે.

૪. ભાવનાત્મક ટેકો ઃ એજન્ટો મોટે ભાગે તેમના ગ્રાહકો સાથે લાંબા ગાળાના સંબંધો બનાવે છે. ગ્રાહકો તેમના જીવન દરમ્યાન જ્યારે તેમના સ્નેહીઓ ગુમાવે ત્યારે અથવા તેમની હેલ્થને લઈને કટોકટીનો સમય હોય એવા સમયે એજન્ટો તેમને ભાવનાત્મક ટેકો અને આશ્વાસન આપે છે. શા માટે માત્ર દુ:ખની ઘડી જ? સાચા વ્યાવસાયિક એજન્ટ એ છે જે દરેક ખુશીને પ્રસંગે પણ પરિવારનો અભિન્ન ભાગ બની રહે છે. હું ઘણા એવા એજન્ટોને ઓળખું છું જેઓ દરરોજ તેમના વૉટ્સઍપ સ્ટેટસ પર પ્રમોશનલ વિગતો મૂકે છે, જે સારું છે, પરંતુ ગ્રાહકો એવા એજન્ટોને યાદ રાખે છે જેઓ ક્લાયન્ટના સ્ટેટસ વાંચીને એમને એમની સફળતા માટે ખરા દિલથી શુભેચ્છાઓ આપે છે. જો તમે લાઇફ ઇન્શ્યૉરન્સ એજન્ટ છો અને રોજ તમારા બ્રૉડકાસ્ટ મેસેજ મોકલતા હો તો અહીં એક તકેદારી રાખવાની જરૂર છે – જો તમને ખબર પડે  કે તમારા ક્લાયન્ટ/સંભવિત ક્લાયન્ટના પરિવારમાં મુશ્કેલ પરિસ્થિતિ છે – તો મેસેજ બ્રૉડકાસ્ટ કરતાં પહેલાં તમારી પ્રથમ ફરજ એ છે કે તેઓનો સંપર્ક તમારી પ્રસારણ સૂચિમાંથી દૂર કરો. આ ખરેખર ખૂબ જ નાનું છતાં સંવેદનશીલ પગલું હોઈ શકે છે. 

૫. જટિલ નાણાકીય આયોજન ઃ જટિલ નાણાકીય પરિસ્થિતિઓ, એસ્ટેટ પ્લાનિંગની જરૂરિયાતો અથવા બિઝનેસ ઇન્શ્યૉરન્સની આવશ્યકતાઓવાળી વ્યક્તિઓ માટે લાઇફ ઇન્શ્યૉરન્સ એજન્ટો આવશ્યક માર્ગદર્શન પૂરું પાડે છે, જે પૉલિસીની પસંદગીથી ઘણું વધારે હોય છે. 

આજના ડિજિટલ યુગમાં લાઇફ ઇન્શ્યૉરન્સ એજન્ટોએ તેમની સેવા પૂરી પાડવા માટે ઑનલાઇન માધ્યમોનો તેમ જ વિવિધ પ્લૅટફૉર્મ્સનો સ્વીકાર કરીને તેમનો સમાવેશ કરવાની જરૂર છે. ઍપ્લિકેશન અને અન્ડરરાઇટિંગ પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરવા માટે તેઓ જેટલી વહેલી તકે ટેક્નૉલૉજીનો ઉપયોગ શરૂ કરશે એટલી ઝડપથી તેઓ ગ્રાહકોને વધુ સારી સુવિધા આપી શકશે. તેમની કુશળતા સાથે જ ગ્રાહકો સાથેના તેમના વ્યક્તિગત અભિગમને કારણે ઇન્શ્યૉરન્સ જગતમાં એજન્ટો એક અવિભાજ્ય અંગ બન્યા છે. 

નિષ્કર્ષ 
વર્તમાનમાં જ્યારે ઇન્શ્યૉરન્સ ઉદ્યોગ ડિજિટલ માધ્યમમાં પરિવર્તિત થઈ રહ્યો છે  ત્યારે પણ લાઇફ ઇન્શ્યૉરન્સ એજન્ટો આ ઉદ્યોગનો એક આવશ્યક અને બદલી ન શકાય એવો ભાગ બની રહે છે. મારા ગત લેખમાં મેં એજન્ટ-ક્લાયન્ટ સંબંધો વિશષની અમુક વાસ્તવિક ઘટનાઓ તમારી સાથે શૅર કરી હતી. આ વાસ્તવિક ઘટનાઓ ગ્રાહકોને વ્યક્તિગત માર્ગદર્શન આપવા માટે, તેમના પડકારજનક સમય દરમ્યાન તેમને ટેકો પૂરો પાડવા માટે અને કુશળતા દ્વારા ગ્રાહકોને જરૂરી સેવાઓ પ્રદાન કરવામાં તેમની મહત્ત્વપૂર્ણ ભૂમિકાને પ્રકાશિત કરે છે.
જો હું આ સમગ્ર વિચારને સારાંશમાં મૂકું તો ‘લાઇફ ઇન્શ્યૉરન્સ એજન્ટોએ તેમની ભૂમિકાઓને એક વ્યાવસાયિક તરીકે જોવી આવશ્યક છે.’

business news lic india gujarati mid-day