13 February, 2023 05:01 PM IST | Mumbai | Khyati Mashru Vasani
ગૌતમ અદાણી ફાઇલ તસવીર
અત્યારે ભારતીય શૅરબજાર રસપ્રદ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. બજેટના દિવસે સેન્સેક્સ ૧૦૦૦ પૉઇન્ટ કરતાં વધુ ઊંચે ગયા બાદ સાધારણ વૃદ્ધિ સાથે બંધ રહ્યો, પછી અદાણી ગ્રુપને લગતા હિંડનબર્ગના અહેવાલને પગલે બજાર નરમ પડ્યું. અદાણી ગ્રુપના સ્ટૉક્સનો તો ઘણો રકાસ થયો.
હજી સ્થાનિક રોકાણકારો ભારતની તેજીમાં માને છે. તેઓ ખરીદી કરવા તૈયાર છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારો હાલ વેચવાલી કરી રહ્યા છે. જોકે સ્થાનિક રોકાણકારો ત્યારે જ ખરીદી કરી શકે, જ્યારે તેમની પાસે નાણાં હોય.
અહીં જણાવવું રહ્યું કે મ્યુચ્યુઅલ ફન્ડ કંપનીઓ અને વીમા કંપનીઓ પોતાની પાસે રોકડ વધુ પ્રમાણમાં રાખતી નથી અને એથી ગમે ત્યારે ખરીદી કરી શકતી નથી. મ્યુચ્યુઅલ ફન્ડ કંપનીઓએ બજેટ સારું આવ્યું એથી ઑલરેડી ખરીદી કરી લીધી હતી.
અદાણી ગ્રુપને લાગેલા ફટકાની પરોક્ષ અસર બૅન્કિંગ સ્ટૉક્સ પર પણ થઈ છે. એટલું જ નહીં, વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ વેચવાલી કરી. જોકે તેમને ખરીદદાર પણ એટલા જ પ્રમાણમાં મળવા જોઈએ. બૅન્કોનું એક્સપોઝર વાસ્તવમાં જોખમી સ્થિતિમાં નથી, એ અહીં જણાવવું રહ્યું.
અદાણી ગ્રુપ વિશે અત્યારે આટલી બધી ચર્ચા થઈ એ સારું થયું, જેથી અમુક મહત્ત્વના મુદ્દાઓ વિશે વાતચીત થવા લાગી. સર્વોચ્ચ અદાલતે પણ રોકાણકારોને નુકસાન થાય નહીં એ માટેની વ્યવસ્થા કરવાનું સેબીને કહ્યું.
આ પણ વાંચો: કોન્ટ્રા ફન્ડ કેવા રોકાણકારો માટે હોય છે?
અદાણી ગ્રુપના સ્ટૉક્સને લાગેલો આંચકો ઘણો મોટો હતો, છતાં ભારતીય શૅરબજાર પર એટલી બધી વધારે ગંભીર અસર થઈ નથી. એનું કારણ છે કે અર્થતંત્ર અત્યારે સારી સ્થિતિમાં છે. વિકાસદરની દૃષ્ટિએ થોડો ઘટાડો છે, છતાં અન્ય દેશોની તુલનાએ સારી સ્થિતિ છે.
અહીં એ પણ નોંધવું રહ્યું કે લોકસભાની ચૂંટણી આડે હવે ઘણો ઓછો સમય રહી ગયો છે, છતાં સરકારે રાજકોષીય વ્યવહાર્યતા દાખવી છે અને મૂડીગત ખર્ચ વધાર્યો છે.
આપણે એ જાણવું જરૂરી છે કે આવતાં પાંચ-દસ વર્ષમાં ભારત વિશ્વનું ત્રીજા ક્રમાંકનું અર્થતંત્ર બની જશે ત્યારે આપણી મોટા ભાગની કંપનીઓ પર વધુ દેખરેખ રાખવાનું જરૂરી બની જશે.
શૅરબજાર અત્યાર સુધી ઘણા મોટા આંચકાઓ પચાવીને બેઠું છે. મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્ર ગ્રુપના વડા આનંદ મહિન્દ્ર ટ્વિટર પરના એક સંદેશ દ્વારા આ વાત કહી ચૂક્યા છે.
હવે પ્રશ્ન એ છે કે શું વિદેશી સંસ્થાકીય રોકાણકારો ફરીથી ભારતમાં રોકાણ કરવા આવશે. ચોક્કસ આવશે, કારણ કે બજારમાં હંમેશાં એવા લોકો જ કમાતા હોય છે, જેઓ નિરાશામાં આશાનું કિરણ જોતા હોય. આપણું અર્થતંત્ર સારી કામગીરી કરતું રહેશે અને એવા સમયે બીજા દેશોમાં તક નહીં હોય ત્યારે રોકાણકારો ફરીથી ભારત તરફ નજર કરશે.
જોકે સામાન્ય રોકાણકારે એ સમજી લેવું કે તેઓ જ્યારે આવશે ત્યારે શૅરના ભાવ ૨૦-૩૦ ટકા વધી ગયા હશે અને ત્યારે કમાવાની વધુ તક નહીં મળે. આથી સમજદાર રોકાણકારે અત્યારે જ એક્સપોઝર વધારી દેવું જોઈએ. અમેરિકન ફેડરલ રિઝર્વ સતત વ્યાજદરમાં વધારો કરી રહ્યું હતું અને એને લીધે આપણે છેલ્લા દોઢેક વર્ષથી બજારની કામગીરી વિશે સાશંક હતા. હવે નબળાઈનો એ દોર પૂરો થયો છે. હવે છ મહિને એવો સવાલ થવા લાગશે કે ફેડરલ રિઝર્વ વ્યાજદર કેટલા પ્રમાણમાં ઘટાડે છે.
ભારતીય રિઝર્વ બૅન્કે પણ આ વખતે રેપો રેટમાં ૨૫ બેઝિસ પૉઇન્ટનો જ વધારો કર્યો છે. ફુગાવો ઘટી રહ્યો છે. આ વર્ષના ઉત્તરાર્ધમાં પરિસ્થિતિ ઘણી સારી હશે. વિદેશી હૂંડિયામણની અનામત પણ સતત વધી રહી છે.
ટૂંકમાં, અત્યારે શૅરબજારમાં સારા સ્ટૉક્સની ખરીદી કરવા માટે સાનુકૂળ વાતાવરણ છે.