27 February, 2023 11:55 AM IST | Mumbai | Jayesh Chitalia
પ્રતીકાત્મક તસવીર
આ સાથે સમાજસેવા-સોશ્યલ સર્વિસિસ માટે નાણાભંડોળ ઊભું કરવાનો નવો માર્ગ ખૂલી ગયો છે. આ કોઈ અલગ એક્સચેન્જ હોવાને બદલે વર્તમાન સ્ટૉક એક્સચેન્જના એક અલગ વિભાગ તરીકે કાર્યરત બનશે. આગામી સમયમાં બીએસઈને પણ આ માટેની મંજૂરી મળી જવાની આશા રહેશે. જોકે સોશ્યલ સ્ટૉક એક્સચેન્જમાં લિસ્ટિંગ અને રોકાણ બાબતે કર રાહત કે કર લાભ કોને અને કઈ રીતે મળશે એ હજી સ્પષ્ટ કરાયું નથી
આપણા દેશમાં લાખોની સંખ્યામાં એનજીઓ (નૉન-ગવર્નમેન્ટ અથવા નૉટ ફૉર પ્રૉફિટ ઑર્ગેનાઇઝેશન) અને ચૅરિટેબલ ટ્રસ્ટ, સામાજિક સંસ્થાઓ કાર્યરત છે. આમાંથી મોટા ભાગની સંસ્થાઓ દાન-અનુદાનના આધારે ચાલતી હોય છે. ઘણાં સાહસો નૉ પ્રૉફિટ-નો લોસના ધોરણે પણ કામ કરતાં હોય છે. અમુક નફા માટે કામ કરે છે, પરંતુ એ નફાનો ઉપયોગ સામાજિક ઉદેશ માટે જ કરાતો હોય છે. આવાં સોશ્યલ સાહસોને કે સંસ્થાઓને નાણાં ઊભાં કરવાની એક વિશેષ તક આપવા સોશ્યલ સ્ટૉક એક્સચેન્જના ખ્યાલ વિશે ઘણાં વરસોથી વિચાર ચાલી રહ્યો હતો. તાજેતરમાં જ એના અમલ માટે નૅશનલ સ્ટૉક એક્સચેન્જ (એનએસઈ)ને સેબી તરફથી મંજૂરી મળી ગઈ છે.
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે બજેટમાં સોશ્યલ સ્ટૉક એક્સચેન્જ સ્થાપવાના પ્રસ્તાવની જાહેરાત કર્યા બાદ નિયમન સંસ્થા સેબીએ આ દિશામાં આગળ વધવા બે વર્કિંગ ગ્રુપની રચના કરી હતી, જેણે સોશ્યલ સ્ટૉક એક્સચેન્જ અને એનું માળખું કેવું હોવું જોઈએ, એના પર કેવાં સાહસો લિસ્ટ થઈ શકે, તેમણે કેવાં ધોરણોનું પાલન કરવાનું આવશે? વગેરે મુદ્દાઓની ભલામણ સેબીને સુપરત કરી હતી.
સોશ્યલ સ્ટૉક એક્સચેન્જની સ્થાપના વર્તમાન સ્ટૉક એક્સચેન્જિસના એક સેગમેન્ટ તરીકે થઈ શકશે. જેમ હાલ સ્ટૉક એક્સચેન્જમાં મ્યુચ્યુઅલ ફન્ડ, કૉમોડિટીઝ, એસએમઈ-સ્ટાર્ટઅપ્સ વગેરે માટે અલગ સેગમેન્ટ હોય છે એમ સોશ્યલ સાહસો માટે અલગ સેગમેન્ટ બનશે, જ્યાં નૉન-પ્રૉફિટ અને ફૉર પ્રૉફિટ ઑર્ગેનાઇઝેશન લિસ્ટિંગ યા રજિસ્ટ્રેશન મેળવી શકશે. તેઓ ઇક્વિટી, બૉન્ડ્સ, મ્યુચ્યુઅલ ફન્ડનાં યુનિટ્સની જેમ યુનિટ્સ ઇશ્યુ કરીને ભંડોળ ઊભું કરી શકશે. એમાં ઝીરો કૂપન બૉન્ડ્સ પણ એક સાધન હશે.
કઈ સામાજિક પ્રવૃિત્તઓ પાત્ર બનશે?
આ સેગમેન્ટ પર લિસ્ટિંગ મેળવવા માટે સામાજિક સાહસો-સંગઠનોમાં ચોક્કસ પાત્રતા હોવી જોઈશે, જે મુજબ સૌપ્રથમ તો એ સાહસની મોટા ભાગની પ્રવૃત્તિઓ સમાજલક્ષી હોવી જોઈએ. સમાજના ગરીબ કે વંચિત વર્ગની સહાય કરવાનું તેમનું પ્રાથમિક લક્ષ્ય હોવું જોઈએ. આ સાહસો કઈ-કઈ પ્રવૃત્તિ સાથે સંકળાયેલાં હોવા જોઈએ એની ચોક્કસ યાદી પણ સૂચવાઈ છે, જેમ કે સંસ્થાકીય સાહસ ગરીબી અને અસમાનતા દૂર કરવાની, સ્વાસ્થ્યની કાળજી લેવાની, પીવાનું શુદ્ધ અને સુરક્ષિત પાણી ઉપલબ્ધ બનાવવાની, શિક્ષણ, રોજગાર અને આમ પ્રજાના જીવનધોરણને બહેતર બનાવવાની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત હોવી જોઈએ. અર્થાત્ પાયાની મૂળભૂત સુવિધાથી વંચિત વર્ગ માટે કામ થતું હોવું જોઈએ. આમાં જેન્ડર ઇક્વાલિટી અને મહિલા સશક્તીકરણનો પણ સમાવેશ થાય છે. આ સંસ્થાઓ પર્યાવરણની રક્ષા માટે કામ કરતી પણ હોય શકે તેમ જ નૅશનલ હેરિટેજ, કળા અને સંસ્કૃતિના જતન માટે કામ કરતી સંસ્થાઓ પણ સોશ્યલ સ્ટૉક એક્સચેન્જ પર સ્થાન મેળવવા પાત્ર રહેશે. એટલું જ નહીં, ગ્રામ્ય રમતગમત (સ્પોર્ટ્સ), રાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતી રમત, પૅરાલિમ્પિક અને ઑલિમ્પિક સ્પોર્ટ્સને પ્રમોટ કરતી સંસ્થા પણ શૅરબજારના માધ્યમથી ફન્ડ મેળવી શકશે, જેઓ અન્યથા ભંડોળ માટે સંઘર્ષ કરતી હોય છે.
ગરીબ, પછાત અને વંચિત વર્ગના હિતમાં
ગ્રામ્ય અને શહેરી ગરીબો, નાના ખેડૂતો, નાના કામદારોને સહાય કરતા, સ્લમ એરિયા અને અફૉર્ડેબલ હાઉસિંગને સહાય-સપોર્ટ કરતા, વંચિત વર્ગ માટે જમીન અને મિલકતની રક્ષા કરતાં સાહસો પણ આ એક્સચેન્જનો ભાગ બની શકશે. એક રસપ્રદ અને મહત્ત્વની વાત એ છે કે દેશમાં ફાઇનૅન્શિયલ ઇન્ક્લુઝન (નાણાકીય બાબતોમાં સર્વ સમાવેશ) માટે સક્રિય કાર્ય કરતાં સાહસો પણ સોશ્યલ સ્ટૉક એક્સચેન્જ પર આવીને ભંડોળ ઊભું કરી પોતાની ક્ષમતા અને વ્યાપ વધારી શકશે. ઇન શૉર્ટ, ગરીબ, પછાત, વંચિત વર્ગને સહાય કરવાનો સરકારનો એજન્ડા આ માર્ગે પણ આગળ વધી શકે છે. અહીં એ નોંધવું મહત્ત્વનું છે કે સંગઠનની આગલાં ત્રણ વરસની પ્રવૃત્તિઓમાંથી ૬૭ ટકા પ્રવૃત્તિઓ ઉપર્યુક્ત ટાર્ગેટ વસ્તી માટે થઈ હોવી જોઈએ.
સેબીએ આ માટે લઘુતમ રિપોર્ટિંગ ધોરણો નિર્ધારિત કર્યાં છે, જેમાં સામાજિક સમસ્યાના ઉકેલ, ટાર્ગેટ સેગમેન્ટ, સમસ્યાના ઉકેલનો અભિગમ, કેટલા લોકોને સેવા અપાઈ, પ્રવૃત્તિની અસર, ગવર્નિંગ બોડી, અગાઉની નાણાકીય વિગતો-ડેટા વગેરે જેવાં પરિબળો ધ્યાનમાં લેવાશે. આમાં કંપનીઓના સીએસઆર (કૉર્પોરેટ સોશ્યલ રિસ્પૉન્સિબિલિટી)નું ભંડોળ પણ ભાગ લઈ શકશે.
કોણ અપાત્ર રહેશે?
અહીં એક વાત ખાસ નોંધવી રહી કે કૉર્પોરેટ ફાઉન્ડેશન, પૉલિટિકલ અને ધાર્મિક ઑર્ગેનાઇઝેશન, પ્રોફેશનલ અથવા ટ્રેડ ઑર્ગેનાઇઝેશન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને હાઉસિંગ કંપનીઓ સોશ્યલ એક્સચેન્જ માટે પાત્ર ગણાશે નહીં. જોકે અફૉર્ડેબલ હાઉસિંગની પ્રવૃત્તિ કરતી કંપનીઓ આ માટે પાત્ર રહેશે.
વ્યક્તિગત અપાત્રતા કોના માટે
જે વ્યક્તિ કે હસ્તી પર સેબીએ કોઈ ચોક્કસ કારણસર પ્રતિબંધ મૂક્યો હશે એવી વ્યક્તિ સોશ્યલ સંસ્થાની પ્રમોટર કે ટ્રસ્ટી હશે તો તેને આ એક્સચેન્જ પર પાત્ર ગણવામાં નહીં આવે. જો કોઈ વ્યક્તિ-ટ્રસ્ટી, પ્રમોટર્સ, ડિરેક્ટર્સ વગેરે આર્થિક અપરાધી તરીકે જાહેર થઈ હશે તો પણ એને અપાત્ર ગણવામાં આવશે.
ફૉર પ્રૉફિટ અને નૉટ ફૉર પ્રૉફિટ
પબ્લિક ટ્રસ્ટના દરજ્જા હેઠળ ચૅરિટેબલ ટ્રસ્ટ, સોસાયટીઝ રજિસ્ટ્રેશન ઍક્ટ, ૧૮૬૦ હેઠળ નોંધાયેલી ચૅરિટેબલ સોસાયટી અને કંપનીઝ ઍક્ટ, ૨૦૧૩ના સેક્શન ૧૩ હેઠળ નોંધાયેલી કંપની નૉટ ફૉર પ્રૉફિટ ઑર્ગેનાઇઝેશન ગણાશે. જ્યારે કે સેક્શન ૮ હેઠળ ન આવતી કંપનીઓ અને અન્ય કોઈ પણ નફો કરતી કૉર્પોરેટ બોડી ફૉર પ્રૉફિટ ઑર્ગેનાઇઝેશન ગણાશે. સોશ્યલ સ્ટૉક એક્સચેન્જ મારફત ફન્ડ ઊભું કરવા માગતાં સંગઠનો કે કંપનીઓએ પહેલાં ફરજિયાત આ એક્સચેન્જમાં રજિસ્ટર્ડ થવું જોઈશે. જોકે નૉટ ફૉર પ્રૉફિટ સંગઠનો અન્ય માર્ગે ભંડોળ ઊભું કરવાનું ચાલુ રાખી શકશે.
નૉટ ફૉર પ્રૉફિટ ઑર્ગેનાઇઝેશન માટે સોશ્યલ સ્ટૉક એક્સચેન્જ પર રજિસ્ટર થવા માટે મિનિમમ ત્રણ વરસ કામ કર્યું હોવું જરૂરી છે, આ સાથે એનો મિનિમમ વાર્ષિક ખર્ચ ૫૦ લાખ રૂપિયા હોવો જોઈશે અને આગલા વરસમાં એનું મિનિમમ ફન્ડ ૧૦ લાખ રૂપિયા હોવું જોઈએ. આ સંસ્થા કે સંગઠન પાસે ઇન્કમ ટૅક્સ હેઠળનું ૮૦જી સર્ટિફિકેટ પણ હોવું જોઈશે. જોકે આ એક્સચેન્જ પર લિસ્ટિંગ મેળવનાર સંસ્થા તેમ જ એના વિવિધ કૅટેગરીના રોકાણકારોને કરરાહત કે કરલાભ કઈ રીતે મળશે તેમ જ બજાર પર થનારા સોદામાં ટૅક્સ કે બ્રોકરેજ કઈ રીતે લાગુ થશે એ હજી સ્પષ્ટ થવાનું બાકી છે. નાણાં ખાતાની મંજૂરી બાદ સેબી એની જાહેરાત કરશે.
રીટેલ રોકાણકાર અરજી કરી શકે?
રીટેલ ઇન્વેસ્ટર્સ માત્ર એ જ સિક્યૉરિટીઝમાં રોકાણ કરી શકશે, જે સોશ્યલ સ્ટૉક એક્સચેન્જ પરથી ફૉર પ્રૉફિટ ઑર્ગેનાઇઝેશને ઇશ્યુ કરી હોય. બાકી બધા કેસમાં માત્ર સંસ્થાકીય અને બિન-સંસ્થાકીય રોકાણકારો રોકાણ કરી શકશે. રૂપિયા બે લાખ સુધીની રકમનું આ સિક્યૉરિટીઝમાં રોકાણ કરનાર જ રીટેલ ઇન્વેસ્ટર ગણાશે. ફૉરેન ફન્ડ્સ, એફઆઇઆઇ, એફપીઆઇને હાલ રોકાણ કરવાની છૂટ અપાઈ નથી.