11 September, 2023 01:55 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ગણેશચતુર્થીનો તહેવાર આવી પહોંચ્યો છે. આપણને જાણ છે કે મહાભારત વેદ વ્યાસે રચેલું છે. મહાભારતના લહિયા તરીકે ગણપતિજીની પણ મહાભારતમાં ભૂમિકા રહી છે.
વેદ વ્યાસને જાણ હતી કે મહાભારત એ કોઈ સામાન્ય કથા નથી. એ જટિલ, લાંબી હોવાને કારણે વેદ વ્યાસને કોઈ વિચક્ષણ વ્યક્તિત્વની જરૂર હતી જે તેમને આ કથા લખવામાં સહાયરૂપ થઈ શકે. એટલે વેદ વ્યાસે આ કાર્ય માટે ગણેશજીનો સંપર્ક કર્યો. ગણેશજીએ વેદ વ્યાસનું આ કામ કરવાનું સ્વીકાર્યું, પણ સાથે એક શરત પણ રાખી. ગણેશજીએ કહ્યું કે હું આ કથા લખીશ, પણ તમારે જરા પણ થોભ્યા વગર એકધારી મને લખાવવી પડશે. વ્યાસજીએ ગણેશજીની આ શરત માન્ય રાખી, પરંતુ તેમણે પણ સામે એક શરત મૂકી. વ્યાસજીએ ગણેશજીને કહ્યું કે તમારે કથાના વાક્યનો સંપૂર્ણ અર્થ સમજ્યા વગર આગળ લખવું નહીં. ગણેશજીએ પણ વ્યાસજીની આ શરતનો સ્વીકાર કર્યો અને મહાભારત લખાવાનું શરૂ થયું.
ગણેશજી લખવામાં ખૂબ ઝડપી હતા અને આ મહાકાવ્ય એમણે અવિરતપણે લખ્યું, પરંતુ મહાભારતના સંદર્ભમાં ઋષિ વ્યાસનું ડહાપણ અને બુદ્ધિ પ્રચલિત થઈ. કેવી રીતે? વ્યાસજી જાણી જોઈને કેટલાંક જટિલ વાક્યો વચ્ચે વચ્ચે મૂકતા ગયા, જેને સમજવા માટે ગણેશજીને થોડું થોભવું પડતું હતું અને એને સમજીને પછી લખવા માટે આગળ વધતા હતા. જ્યારે ગણેશજી થોભતા હતા ત્યારે વ્યાસજીને પણ શ્વાસ લેવાનો થોડોક સમય મળતો હતો, જેમાં તે આગળના વાક્યની રચના કરી શકતા હતા.
આ કથા આપણને શું શીખવે છે?
આ કથામાં એક પ્રસંગ એવો છે કે જ્યારે લખતાં-લખતાં ગણેશજીની કલમ તૂટી ગઈ ત્યારે તેમણે પોતાના દંતશૂળમાંથી એક ટુકડો તોડીને લખવાનું ચાલુ રાખ્યું. આ આપણને શીખવે છે કે જ્યારે જ્ઞાન પ્રાપ્ત કરવાની વાત હોય ત્યારે કોઈ પણ ત્યાગ મોટો નથી. આપણે પણ જ્યારે કોઈ વસ્તુ શીખવા માગતા હોઈએ ત્યારે આપણે કોઈ પણ મુશ્કેલી આવે તો પણ રોકાવું ન જોઈએ.
એ પ્રમાણે વેદ વ્યાસજીની બુદ્ધિ અને હાજરજવાબી આપણને શીખવે છે કોઈ પણ વિપરીત સંજોગોને આપણે ઝડપથી વિચારીને મહાત કરી શકીએ છીએ અને એમાંથી માર્ગ શોધી શકીએ છીએ. જેમ કે વ્યાસજી ગણેશજીની શરતની સામે બીજી શરત મૂકી કે ગણેશજી વાક્યને સમજ્યા વગર લખી નહીં શકે. આ શરતને કારણે વ્યાસજીને શ્વાસ લેવાનો અને આગળની પંક્તિની રચના કરવાનો સમય મળી રહ્યો.
આ ઉપરાંત આપણે ગણેશજી પાસેથી બીજું ઘણું શીખી શકીએ
કાન : બધાનું સાંભળો, પરંતુ આપણને જે શ્રેષ્ઠ લાગે છે એ અમલમાં મૂકવું. ગણેશજીના મોટા કાન આપણને બધાને સાંભળવાની યોગ્યતા દર્શાવે છે. તેમ છતાં, એ એમને પોતાને જે યોગ્ય લાગે છે એનો અમલ કરે છે. નાણાકીય ક્ષેત્રે પણ આપણા માટે જે યોગ્ય રીતે બંધબેસતું હોય એનો જ અમલ કરવો. રોકાણ કરતી વખતે ઘણાં બધાં માધ્યમો મારફતે ઘણી બધી જાણકારીઓ/ટિપ્સ આપણને પ્રાપ્ત થતી રહેતી હોય છે, પરંતુ આપણે એ સમજવું જોઈએ કે આ બધું જ આપણી પોતાની જરૂરિયાત પ્રમાણે ન પણ હોઈ શકે. આપણે આપણી પોતાની જરૂરિયાત અને ઇચ્છાને ધ્યાનમાં રાખીને જ રોકાણ કરવું જોઈએ.
મૂષક : ગણેશજીનું વાહન મૂષક છે. આપણા ગંતવ્ય સ્થાન પર પહોંચવા માટે આપણને વાહન ઉપયોગી થાય છે, જ્યારે મૂષક ગણેશજીનું વાહન બન્યું ત્યારે બધા જ આશ્ચર્ય પામતા હતા કે આટલું નાનું પ્રાણી ગણેશજીનું વાહન કેવી રીતે બની શકે? તેમ છતાં, મૂષકે હંમેશાં ગણેશજીની મદદ કરી. રોકાણ કરતી વખતે પણ આપણે શિસ્તબદ્ધ રીતે લીધેલાં નાનાં પગલાંઓ લેવાનો પ્રભાવ ઓછો ન આંકવો જોઈએ. સાથે-સાથે કમ્પાઉન્ડિંગની શક્તિને પણ ધ્યાનમાં રાખવી જોઈએ.
હાથીનું મસ્તક : જીવનના ઉતાર-ચડાવનો સામનો કરો. ગણેશજીનું માથું વાઢી નાખવામાં આવ્યું હતું અને પછીથી હાથીનું મસ્તક એમની ઉપર લગાડવામાં આવ્યું હતું. આપણે જ્યારે રોકાણ કરીએ ત્યારે આપણે પણ માર્કેટના જોખમને ખમવું પડે છે. જો પોતાની જરૂરિયાત પ્રમાણે રોકાણ કર્યું હોય તો, માર્કેટમાં આવતા કામચલાઉ ઉતાર-ચડાવથી ગભરાવું ન જોઈએ.