25 September, 2024 07:44 AM IST | Mumbai | Mayur Mehta
પ્રતીકાત્મક તસવીર
લેબૅનનમાં હિઝબુલ્લાના આતંકવાદીઓને ઝેર કરવા ઇઝરાયલે ૮૦૦થી વધુ સ્થળોએ રૉકેટ-હુમલા કરીને ૫૦૦થી વધુને મોતને ઘાટ ઉતારતાં મોતનું તાંડવ ખેલાયું હોવાથી સોનામાં વધુ એક નવી ટોચ જોવા મળી હતી. વર્લ્ડ માર્કેટમાં સોનું વધીને ૨૬૪૦ ડૉલરની નવી ટોચે પહોંચ્યા બાદ પ્રત્યાઘાતી ઘટીને સાંજે ૨૬૨૪થી ૨૬૨૫ ડૉલરની રેન્જમાં હતું.
મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૨૯૭ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૬૪૬ રૂપિયા વધ્યો હતો. મુંબઈમાં સોનું સતત ચોથે દિવસે વધ્યું હતું, છેલ્લા ચાર દિવસમાં સોનાના ભાવમાં ૧૫૦૭ રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો હતો.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકાનો પ્રિલિમિનરી મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ સપ્ટેમ્બરમાં ઘટીને ૪૭ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ઑગસ્ટમાં ૪૭.૯ પૉઇન્ટ હતો તેમ જ માર્કેટની ધારણા ૪૮.૫ પૉઇન્ટની હતી. અમેરિકાનો પ્રિલિમિનરી સર્વિસ સેક્ટરનો ગ્રોથ પણ સપ્ટેમ્બરમાં ઘટીને ૫૫.૪ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ઑગસ્ટમાં ૫૫.૭ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૫૫.૩ પૉઇન્ટની હતી. મૅન્યુફૅક્ચરિંગ અને સર્વિસ-સેક્ટરનો ગ્રોથ ઘટતાં પ્રાઇવેટ સેક્ટરનો પ્રિલિમિનરી ગ્રોથ ઘટીને ૫૪.૪ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ઑગસ્ટમાં ૫૪.૬ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૫૪.૩ પૉઇન્ટની હતી. પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ માર્કેટની ધારણા કરતાં અને વાર્ષિક ધોરણે સ્ટ્રૉન્ગ રહ્યો હતો.
અમેરિકન ડૉલર ઇન્ડેક્સ સતત ત્રીજા સેશનમાં મંગળવારે વધ્યો હતો. અમેરિકાના પ્રાઇવેટ સેક્ટરના ગ્રોથડેટા બુલિશ આવતાં તેમ જ યુરોઝોનનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ ઘટતાં યુરોની નબળાઈને પગલે ડૉલર ઇન્ડેક્સ ૦.૧૭ ટકા વધીને ૧૦૧.૦૫ પૉઇન્ટે પહોંચ્યો હતો. ફેડના રેટ-કટ દ્વારા ડૉલર ઇન્ડેક્સ સતત ઘટી રહ્યો હતો, પણ રેટ-કટનું ભાવિ હજી અધ્ધરતાલ હોવાથી ડૉલર ઇન્ડેક્સ ફરી છેલ્લાં ત્રણ સેશનથી વધી રહ્યો છે. ઑસ્ટ્રેલિયાની સેન્ટ્રલ બૅન્કે પૉલિસી-મીટિંગમાં બેન્ચમાર્ક ઇન્ટરેસ્ટ રેટ ૪.૩૫ ટકાએ હોલ્ડ રાખવાનો નિર્ણય લીધો હતો જેને કારણે ઑસ્ટ્રેલિયન ડૉલર વધીને એક વર્ષની ઊંચાઈએ પહોંચ્યો હતો. ઇકૉનૉમિસ્ટોના મતે ઑસ્ટ્રેલિયાની સેન્ટ્રલ બૅન્ક લાંબા સમય પછીનો પહેલો રેટ-કટ ફેબ્રુઆરી મહિનાની મીટિંગમાં લાવશે.
ચીનની ઇકૉનૉમિક કન્ડિશનને બૂસ્ટ આપવા પીપલ્સ બૅન્ક ઑફ ચાઇના દ્વારા અનેક પ્રકારનાં શ્રેણીબદ્ધ પગલાં લેવામાં આવી રહ્યાં છે. સોમવારે રિવર્સ રેપો-રેટમાં ૧૦ બેસિસ પૉઇન્ટનો ઘટાડો કર્યા બાદ મંગળવારે સાત દિવસના રેપો-રેટમાં ૨૦ બેસિસ પૉઇન્ટનો ઘટાડો કર્યો હતો તેમ જ મિડિયમ ટર્મ લૅન્ડિંગ ફૅસેલિટીમાં ૩૦ બેસિસ પૉઇન્ટનો ઘટાડો કર્યો હતો આ ઉપરાંત મૉર્ગેજ રેટમાં ૫૦ બેસિસ પૉઇન્ટ અને સેકન્ડ હોમ ખરીદનારા માટેના ઇન્ટરેસ્ટ રેટમાં ૧૦ બેસિસ પૉઇન્ટનો ઘટાડો કર્યો હતો.
શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ
સોનાની તેજીને હાલ જિયૉપોલિટિકલ ટેન્શનનો પૂરેપૂરો સપોર્ટ છે, પણ મૉનિટરી પૉલિસીનો સપોર્ટ થોડો નબળો પડ્યો હોવાથી સોનું એક લેવલથી વધી શકતું નથી. ફેડ નવેમ્બર-ડિસેમ્બરમાં નિર્ધારિત રેટ-કટ લાવશે કે નહીં એ વિશે હજી સો ટકા ખાતરી નથી, કારણ કે ફેડ પ્રેસિડન્ટ પૉવેલની કમેન્ટ બેતરફી હતી. ફેડની હવે પછીની મીટિંગ ૭મી નવેમ્બરે યોજાવાની છે એ પહેલાં બે વખત પર્સનલ કન્ઝમ્પ્શન એક્સપેન્ડિચર પ્રાઇસ ઇન્ડેક્સ અને એક વખત કન્ઝ્યુમર હેડલાઇન તથા કોર ઇન્ફ્લેશનના ડેટા આવશે. આ ઉપરાંત અમેરિકાના અનેક ડેટા અને સૌથી મહત્ત્વનું પ્રેસિડેન્શિયલ ઇલેક્શનનું રિઝલ્ટ પણ ફેડની મીટિંગ પહેલાં આવી ગયું હશે. આ તમામ ઘટનાક્રમ ફેડના રેટ-કટના નિર્ણય પર અસર કરશે એટલે સોના-ચાંદીમાં તેજીનું મોમેન્ટમ યથાવત્ હોવા છતાં હજી ઉતાર-ચઢાવ આવવાની અનેક શક્યતાઓ રહેલી છે.
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ)ઃ ૭૪,૭૬૪
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ)ઃ ૭૪,૩૭૨
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ)ઃ ૮૮,૪૦૨
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)