05 June, 2024 02:45 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નીલેશ શાહ
યુવાનોએ વીકના ૭૦ કલાક કામ કરવું જોઈએ’ એવી ઇન્ફોસિસના કો-ફાઉન્ડર નારાયણ મૂર્તિએ કરેલી કમેન્ટના પડઘા માંડ શમ્યા છે ત્યાં કોટક AMCના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO) નીલેશ શાહે ફરી કાંકરો નાંખ્યો છે. એક ઇન્ટરવ્યું તેમણે કહ્યું હતું કે, ‘ભારતના વિકાસ માટે આપણે કોરિયા, જપાન અને ચીનની જેમ દરરોજ ૧૨ કલાક કામ કરવાની નીતિ અપનાવવી
જોઈએ. એ દેશોમાં લોકો ૧૨-૧૨ કલાક કામ કરે છે અને ભારતની વૃદ્ધિને વેગ આપવો હોય તો આપણી એક પેઢીએ આ વર્ક-એથિક અપનાવવી જોઈએ.’
‘ઇન્વેસ્ટ આજ ફૉર કલ વિથ અનંત લધા’ પૉડકાસ્ટમાં નીલેશ શાહે કહ્યું હતું કે, ‘આપણે ૩૬૫ દિવસ માટે દરરોજ ૧૨ કલાક કામ કરવાની જરૂર છે.’ નીલેશ શાહની વાત સાથે અર્થશાસ્ત્રી સંજીવ સંન્યાલ પણ સંમત થયા હતા. આ સાથે તેમણે સખત મહેનત સાથે ફૅમિલી અને સસ્ટેનેબલ પ્રૅક્ટિસને પણ પ્રાથમિકતા આપવાની વાત કરી હતી.
નીલેશભાઈએ એ ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘એક પેઢીએ એને માટે પ્રયત્ન કરવા પડશે. એ થઈ શકે છે. કદાચ એ પેઢી અમે છીએ અથવા આગામી પેઢી છે.’ સોશ્યલ મીડિયા પર એક યુઝરે આ સૂચનની આકરી ટીકા કરતાં જણાવ્યું હતું કે ‘અઠવાડિયાના ૭૦ કલાક કે ૮૪ કલાક કામ કરો. આ તો માત્ર આંકડો છેને. ફૅમિલી, આરામ કે આરોગ્યને ભૂલી જાઓ. ફક્ત કામ કરો અને ટૅક્સ ભરો.’