15 February, 2023 04:44 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
રેટિંગ એજન્સી ઇકરાએ જણાવ્યું હતું કે આગામી નાણાકીય વર્ષમાં કમર્શિયલ વાહન ઉદ્યોગનો વેચાણનો ગ્રોથ ૭થી ૧૦ ટકાની રેન્જમાં વધવાની ધારણા છે. વૉલ્યુમ ગ્રોથ સરકારી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચ, રિપ્લેસમેન્ટ ડિમાન્ડ, બૅક-ટુ-સ્કૂલ અને ઑફિસો ચાલુ થતાં અને ઈ-કૉમર્સ વિસ્તરણને કારણે થશે. જોકે ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિ ૨૪થી ૨૬ ટકાથી આગામી વર્ષે ગ્રોથ મધ્યમ રહેશે, એમ એણે ઉમેર્યું હતું.
ઇકરાએ નોંધ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળામાં વૃદ્ધિનાં વલણો જોવા મળ્યાં હતાં, જેમાં જથ્થાબંધ ડિસ્પેચમાં વાર્ષિક ધોરણે ૧૬ ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી, જે રિપ્લેસમેન્ટની માગ, મેક્રો ઇકૉનૉમિક વાતાવરણમાં સુધારો થવાને કારણે છે. આ ઉપરાંત નૂરના દરો યથાવત્ રહેવાનું ચાલુ રાખ્યું, જે સદ્ધરતાને સમર્થન આપે છે. ૩૧ ડિસેમ્બરે પૂરા થયેલા ત્રીજા ક્વૉર્ટર અને નવ મહિનામાં મધ્યમ અને ભારે વ્યાપારી વાહનો, હળવાં વ્યાપારી વાહનો અને બસો - ત્રણેય પેટા-સેગમેન્ટોમાં વૃદ્ધિનાં વલણો વ્યાપક-આધારિત રહ્યાં છે એમ ઇકરાએ કહ્યું હતું.