04 January, 2023 03:49 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
છેલ્લા એક સપ્તાહથી અડદના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા સાત દિવસમાં ભાવ ૧૫૦-૨૨૫ રૂપિયાની રેન્જમાં ઘટ્યા છે. ક્રિસમસ અને નવા વર્ષની રજાઓને લીધે આંધ્ર પ્રદેશ તેમ જ તામિલનાડુની માગ નબળી પડી છે. ચેન્નઈ અડદમાં પણ ભાવ નબળા પડતાં વેપારીઓ હવે સતર્ક બન્યા છે અને જરૂરિયાતના હિસાબે જ માલની ખરીદી જોવા મળી રહી છે.
આંધ્ર પ્રદેશ અને તામિલનાડુમાં નવી અડદની આવક શરૂ થઈ છે, આગામી ચારથી છ દિવસમાં આવકમાં વધારો થવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. આ બધાની વચ્ચે મકર સંક્રાંત અને પોંગલના લીધે અડદની માગમાં વધારો થઈ શકે છે. દેશી અડદમાં જે પણ આવક થઈ રહી છે એ સ્થાનિકમાં જ પૂરી થઈ રહી છે.
આગામી બે સપ્તાહ બજાર માટે મહત્ત્વપૂર્ણ રહેશે. આંધ્ર પ્રદેશ અને તામિલનાડુના પાક પર નજર રહેશે તેમ જ બર્માથી અડદની આવક કેવી રહી છે એ પણ જોવાનું રહેશે. ડિસેમ્બર અને જાન્યુઆરીમાં અડદમાં ઘણા શૉર્ટ સોદા છે અને જો આયાત નબળી રહી તો મંદીવાળા ફસાઈ શકે છે. બર્મા અડદ હમણાં ચેન્નઈ પોર્ટમાં ૮૫૫ ડૉલરની આસપાસ છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર દ્વારા આયાતની મર્યાદા ૩૧ માર્ચ, ૨૦૨૪ સુધી લંબાવવા છતાં બર્માની અડદના ભાવની વેચાણકિંમત કેટલી રહે છે, કારણ કે બર્માવાળાને વેચાણ કરવા માટે ઘણો સમય મળી ગયો છે.
નિષ્ણાતોનું માનવું છે કે માગ-સપ્લાયનું ચિત્ર જોતાં ચેન્નઈ અડદને ૭૦૦૦-૭૨૦૦ રૂપિયાના સ્તરે મજબૂત સપોર્ટ મળશે, જ્યારે ઉપરમાં ૭૪૦૦-૭૬૦૦ રૂપિયા મજબૂત રેઝિસ્ટન્સ રહી શકે છે. હાલમાં અડદ બજાર ઘણું અસ્થિર છે, એથી જરૂર પૂરતો જ વેપાર કરવાની સલાહ નિષ્ણાતો આપી રહ્યા છે.