બજારની ચાલ : કિસી કા કન્ફ્યુઝન, કિસી કા ટેન્શન

24 April, 2023 02:41 PM IST  |  Mumbai | Jayesh Chitalia

ફૉરેન ઇન્વેસ્ટર્સનો પૉઝિટિવ બનતો ટ્રેન્ડ નવી આશા છે

પ્રતીકાત્મક તસવીર

યુએસ ઇકૉનૉમીની દશા અને ફેડરલ રિઝર્વની દિશા, ઇન્ફ્લેશન રેટની ગતિનો ડર, ભારતમાં મોંઘવારી પર અંકુશ મેળવવાનો અભિગમ, વ્યાજદરના વધારાને વિરામ, જીડીપી ગ્રોથનો આશાવાદ, કૉર્પોરેટ પરિણામના આંકડા અને આઉટલુક વગેરેની અસર બજાર પર છવાયેલી છે. ફૉરેન ઇન્વેસ્ટર્સનો પૉઝિટિવ બનતો ટ્રેન્ડ નવી આશા છે

શૅરબજારમાં એ જ લોકો સફળ થાય છે, જેઓ પોતાની નિષ્ફળતા પચાવવા તૈયાર હોય છે. આ નિષ્ફળતા અચાનક કે અણધારી આવતી હોય છે. આંચકા આપવા એ શૅરબજારની આદત નથી, પરંતુ એની ચાલનો એક ભાગ છે, જેની મોટે ભાગે એને પોતાને પણ ખબર કે સમજ હોતી નથી. આમ હોય તો વળી સામાન્ય કે ધુરંધર રોકાણકારોને પણ કયાંથી સમજાય? તાજેતરનો
સમય કંઈક આવો જ છે. ગ્લોબલ પરિબળોની આસપાસ ફરતા બજારની ચાલ કેટલાક રોકાણકારો માટે કન્ફ્યુઝન, તો કેટલાક માટે ટેન્શન અને કેટલાક માટે તક છે. 

અગાઉનાં બે સપ્તાહની સતત રિકવરી બાદ વીતેલા સપ્તાહના પ્રથમ દિવસે માર્કેટે કરેક્શનનો કડાકો દર્શાવ્યો હતો. ઇન્ફોસિસનાં નબળાં પરિણામ તેમ જ નિરાશાજનક સંકેતો અને યુએસને કારણે ઓવરઑલ આઇટી સેક્ટરના ભાવિની ચિંતામાં ભારતીય બજારે નેગેટિવ વળાંક લીધો હતો. સેન્સેક્સ ૫૨૦ પૉઇન્ટ તૂટીને ૬૦,૦૦૦ની સપાટીથી અને નિફટી સવાસો પૉઇન્ટ તૂટીને ૧૭,૭૭૦ના લેવલ નીચે ઊતરી ગયાં હતાં. જોકે બંધ થતાં પૂર્વે માર્કેટ દિવસ દરમ્યાન ૯૦૦ પૉઇન્ટ સુધી તૂટ્યું હતું, જે પછીથી રિકવર થયું હતું. વિદેશી રોકાણકારો વેચવાલ હતા. જોકે બેન્ચમાર્ક ઇન્ડેક્સ તૂટ્યા હતા, બાકી અન્ય ઇન્ડેક્સ પ્લસમાં રહ્યા હતા. ઇન્ડેક્સ તૂટવાનું કારણ ઇન્ફોસિસ, ટેક મહિન્દ્ર, એચસીએલ ટેક્નૉ, એનટીપીસી, લાર્સન વગેરે જેવા હેવી વેઇટેજ સ્ટૉક્સનાં ગાબડાં હતાં. અલબત્ત, પ્રૉફિટ બુકિંગ, ગ્લોબલ સિનારિયો, ફેડરલ રિઝર્વ પુનઃ વ્યાજ વધારશે એવો ભય પણ અસર કરી ગયો હતો. ફેડના અધિકારી તરફથી ઇન્ફ્લેશન સામેની લડાઈમાં પૉ‌લિસી કડક બનાવવાનું નિવેદન થયું હતું. દુકાળમાં અધિક માસ સમાન હવે કોવિડના વધતા કેસ પણ ચિંતાનું કારણ બનવા લાગ્યા છે. આઇટી સેક્ટર માટેની નિરાશા ત્યાં સુધી ગઈ હતી કે ૨૦૨૪માં પણ એનો રેવન્યુ ગ્રોથ નબળો રહી શકે એવી ચર્ચા ચાલી હતી.

મંગળવારે બજારે એની ચાલ સતત ચંચળ રાખી હતી. ઘડીકમાં રિકવરી, ઘડીકમાં કરેક્શન જેવો તાલ હતો. સારા અહેવાલ એ હતા કે ભારતમાં હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ પણ નીચો આવ્યો હતો. જોકે સેન્સેક્સ ૧૮૩ પૉઇન્ટ અને નિફ્ટી ૪૬ પૉઇન્ટ કરેક્શન સાથે બંધ રહ્યા હતા. કૉર્પોરેટ પરિણામોની નેગેટિવ અસર જારી રહેવા સાથે ગ્લોબલ નકારાત્મકતા પણ ચાલુ હતી. બુધવારે પણ કરેક્શનનો દોર ચાલુ રહ્યો, પરંતુ યાદ રહે, મુખ્યત્વે બેન્ચમાર્ક ઇન્ડેક્સ ઘટ્યા હતા. ગુરુવારે પણ શરૂઆત ફ્લૅટ થઈ, માર્કેટ કોઈ પણ ટ્રિગર વિના ચાલી રહ્યું હોવાનું પ્રતીત થતું રહ્યું હતું. જોકે કરેક્શન અટક્તાં સેન્સેક્સ ૬૪ પૉઇન્ટના અને નિફ્ટી નજીવા સુધારા સાથે બંધ રહ્યાં હતાં. ફેડરલ રિઝર્વનાં નિવેદનની અસર હેઠળ માર્કેટ વધતા ખચકાય છે. એફઆઇઆઇ નેટ સેલર્સ હતા, પરંતુ સામાન્ય પ્રમાણમાં. બાકી તેમની ખરીદી વધતી રહી છે. બીજી બાજુ ચીને પણ સારો ગ્રોથ નોંધાવ્યો હોવાના પૉઝિટિવ અહેવાલ હતા. આમ વિશ્વનાં બે મહાકાય અર્થતંત્ર વિકાસની દિશામાં આગળ વધી રહ્યાં હોવાની નિશાનીને સારી ગણી શકાય. 

એફઆઇઆઇનો અભિગમ આવકાર્ય

શુક્રવારે શરૂઆત ફ્લૅટ થઈ હતી, આરબીઆઇ જૂનમાં પણ વ્યાજદરમાં કોઈ ફેરફાર નહીં કરે એવા સંકેત બહાર આવ્યા હતા. જોકે આ માટે રિઝર્વ બૅન્ક ચોમાસાની સ્થિતિને ધ્યાનમાં ચોક્કસ લેશે. મોંઘવારીના દર પર સતત બાજ નજર છે જ. આમ સપ્તાહના અંતિમ દિવસે બજાર અલમોસ્ટ ફ્લૅટ રહ્યૂં હતું. સેન્સેક્સ ૨૨ પૉઇન્ટ પ્લસ અને નિફ્ટી એ જ સ્તરે જળવાઈ રહ્યાં હતાં. કોઈ પણ પ્રકારના ટ્રિગર વિના આખા દિવસમાં સામાન્ય વધ-ઘટ રહી હતી. નિષ્ણાતો આ બજારને એકંદરે સારું અને સમતોલ માને છે, જે નિરાશાવાદમાંથી બહાર આવ્યું હોવાનું કહેવાય છે. અગાઉના મહિનામાં બજાર વધુ નબળું પડ્યું હતું. હવે તો એફઆઇઆઇ પણ બાયર્સ બનતા જાય છે. એપ્રિલના અડધા ભાગમાં તેમણે ૮૭૬૭ કરોડ રૂપિયાની નેટ ખરીદી કરી છે, પરંતુ શુક્રવારે તેઓ સેલર્સ હતા. અલબત્ત, તેઓ વર્તમાન ભાવોને ખરીદી માટે વાજબી માની રહ્યા છે. બાકી પૉલિસી બાબતે યુએસમાં સંભવિત રિસેશનની અને ફેડરલ રિઝર્વની ચિંતા તો માથે ઊભી જ છે. રિઝર્વ બૅન્કની ચિંતા ઘટી છે. સેન્સેક્સ આ ૨૦ દિવસમાં ૬૦,૦૦૦ વટાવીને પાછો નીચે ઊતરી ગયો છે. જોકે તેણે ૫૯,૬૦૦ની ઉપરનું અને નિફ્ટીએ ૧૭,૬૦૦ની ઉપરનું લેવલ જાળવ્યું છે. અત્યારે માત્ર તો બે-પાંચ કારણો-પરિબળોની આસપાસ બજાર વધ-ઘટ કરી રહ્યું છે. નવા સપ્તાહમાં નિફ્ટી-ડેરિવેટિવ્ઝની એક્સપાયરી ડેટની અસર રહી શકે. બાકી ગ્લોબલ કારણો તો ઊભાં જ છે. 

મહત્ત્વના આર્થિક અહેવાલ-સંકેત

ભારતીય અર્થતંત્રમાં આવી રહેલો કરન્ટ ઘણાં સેક્ટર્સ માટે સારા દિવસો લાવશે એવું જણાય છે, જેમાં હોટેલ ઇન્ડસ્ટ્રીનો સમાવેશ થાય છે. આ ઉદ્યોગના માર્જિનમાં સુધારાની આશા દૃઢ બની રહી છે. સતત ડેવલપ થતું ટૂરિઝમ, G20, આઇસીસી વર્લ્ડ કપ, એક્ઝિબિશન, કૉર્પોરેટ્સ મિટિંગ્સ વગેરે જેવા પ્રસંગો આ બન્ને ઉદ્યોગને વેગ આપવા સક્ષમ છે. અર્થાત, આ સેક્ટર્સમાંથી સારી કંપનીઓ પસંદ કરી શકાય.  

મહારાષ્ટ્ર સરકાર ટૂંકમાં નવી હાઉસિંગ પૉલિસી લાવવાની તૈયારીમાં હોવાના અહેવાલ છે, જે રિયલ એસ્ટેટ સેક્ટરને બૂસ્ટ આપી શકે.

ભારતીય ઇકૉનૉમીના ગ્રોથ માટેનો આશાવાદ ઊંચો રહ્યો છે અને ૨૦૨૪ માટે એ ૬ ટકા રહેવાની આગાહી સાથે ૨૦૨૫ માટે ૬.૫ ટકાના દરે વધવાની આશા પણ દૃઢ બનતી જાય છે. જે પ્રમાણે વિદેશી કંપનીઓ ભારતમાં પોતાના બિઝનેસ સ્થાપી રહી છે, એ ઘણા સંકેત આપે છે. ઍપલનો દાખલો તાજો છે. હજી તો શરૂઆત છે. આગે આગે દેખતે જાયેં કયા હોતા હૈ.

business news share market stock market national stock exchange bombay stock exchange jayesh chitalia nifty sensex