UPI in Mauritius and Sri Lanka: ફ્રાન્સ બાદ હવે આ બે દેશોમાં પણ શરૂ થશે યુપીઆઈ, પીએમ મોદી કરશે લૉન્ચ

11 February, 2024 09:54 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

વિદેશ મંત્રાલયે કહ્યું કે, આ સમયગાળા દરમિયાન પીએમ મોદી બંને દેશોમાં યુપીઆઈની સાથે રૂપે કાર્ડ સેવાઓ (UPI in Mauritius and Sri Lanka) પણ શરૂ કરશે

પ્રતીકાત્મક તસવીર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) સોમવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા શ્રીલંકા અને મોરેશિયસમાં ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI in Mauritius and Sri Lanka) સેવાઓ લોન્ચ કરશે. આ દરમિયાન પીએમ મોદી સાથે શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે અને મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જુગનાથ પણ હાજર રહેશે. વિદેશ મંત્રાલયે આ જાણકારી આપી છે.

રૂપે કાર્ડ સેવા પણ શરૂ કરવામાં આવશે

વિદેશ મંત્રાલયે કહ્યું કે, આ સમયગાળા દરમિયાન પીએમ મોદી બંને દેશોમાં યુપીઆઈની સાથે રૂપે કાર્ડ સેવાઓ (UPI in Mauritius and Sri Lanka) પણ શરૂ કરશે. સત્તાવાર માહિતી જણાવે છે કે આ કાર્યક્રમ 12 ફેબ્રુઆરીએ બપોરે 1 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાશે.

ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં સગવડતા રહેશે

તે જાણીતું છે કે શ્રીલંકા અને મોરેશિયસ સાથે ભારતના મજબૂત સાંસ્કૃતિક અને પરસ્પર સંબંધોને ધ્યાનમાં રાખીને તેને લોન્ચ કરવામાં આવી રહ્યું છે. આ પગલું ભારતથી શ્રીલંકા અને મોરેશિયસ જતાં ભારતીય નાગરિકો અને આ બે દેશોમાંથી ભારત આવતા મુસાફરોને ડિજિટલ વ્યવહારો કરવા માટે સુવિધા આપશે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, આ પહેલ સીમલેસ ડિજિટલ ટ્રાન્ઝેક્શન દ્વારા વિશાળ શ્રેણીના લોકોને લાભ કરશે અને દેશો વચ્ચે ડિજિટલ કનેક્ટિવિટી વધારશે.

મોરેશિયસમાં રૂપે કાર્ડ સેવાનો વિસ્તાર કરવામાં આવશે

વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, શ્રીલંકા અને મોરેશિયસમાં UPI અને રૂપે કાર્ડ સેવાઓ શરૂ કરવાથી બંને દેશોમાં પ્રવાસ કરતા ભારતીય નાગરિકો તેમ જ ભારત પ્રવાસ કરતા મોરેશિયસ નાગરિકો માટે યુપીઆઈ સેટલમેન્ટ સેવાઓની ઉપલબ્ધતા સક્ષમ બનશે. મોરેશિયસમાં રૂપે કાર્ડ સેવાઓનું વિસ્તરણ મોરિશિયસની બૅન્કોને મોરેશિયસમાં રૂપે મિકેનિઝમના આધારે કાર્ડ જાહેર કરવા સક્ષમ બનાવશે.

હવે તમે આઇફલ ટાવર પર રૂપિયામાં કરી શકશો પેમેન્ટ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે પૅરિસમાં ખૂબ જ મોટી સંખ્યામાં એકત્ર થયેલા મૂળ ભારતીયોના કાર્યક્રમમાં જાહેર કર્યું હતું કે ફ્રાન્સમાં યુપીઆઇ (યુનિફાઇડ પેમેન્ટ્સ સિસ્ટમ)ના ઉપયોગ માટે એક ઍગ્રીમેન્ટ કરવામાં આવ્યું છે. પીએમ મોદીએ તેમના સંબોધનમાં મર્સેલીમાં નવું ઇન્ડિયન કૉન્સ્યુલેટ શરૂ કરવાની પણ જાહેરાત કરી હતી. એ ઉપરાંત તેમણે સૌથી મહત્ત્વની એ જાહેરાત કરી હતી કે ફ્રાન્સમાં માસ્ટર્સ કરી રહેલા ભારતીય સ્ટુડન્ટ્સને હવે સ્ટડી બાદ પાંચ વર્ષના વર્ક-વિઝા મળશે. આ પહેલાં ભારતીય સ્ટુડન્ટ્સને બે વર્ષના વર્ક-વિઝા આપવામાં આવતા હતા.

વડા પ્રધાને કહ્યું હતું કે ‘ફ્રાન્સમાં ભારતના યુપીઆઇના ઉપયોગ માટે એક ઍગ્રીમેન્ટ કરવામાં આવ્યું છે. એની શરૂઆત આઇફલ ટાવરથી કરવામાં આવશે અને હવે ઇન્ડિયન ટૂરિસ્ટ્સ આઇફલ ટાવરમાં યુપીઆઇ દ્વારા રૂપિયામાં પેમેન્ટ્સ કરી શકશે.’

પીએમ મોદીએ તેમની સ્પીચમાં જણાવ્યું હતું કે ‘આ પહેલાં હું ફ્રાન્સમાં આવ્યો હતો ત્યારે ફ્રાન્સમાં સ્ટડી કરનારા ભારતીય સ્ટુડન્ટ્સને સ્ટડી બાદ બે વર્ષના વર્ક-વિઝા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે ફ્રાન્સમાં માસ્ટર્સ કરનારા ભારતીય સ્ટુડન્ટ્સને સ્ટડી બાદ પાંચ વર્ષના લાંબા ગાળાના વિઝા આપવામાં આવશે.’

france mauritius sri lanka india international news business news