03 February, 2023 03:38 PM IST | Mumbai | Shrikant Vaishnav
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
સેન્ટ્રલ બોર્ડ ઑફ ઇનડાયરેક્ટ ટૅક્સિસ ઍન્ડ કસ્ટમ્સે (સીબીઆઇસી) અનરજિસ્ટર્ડ પર્સન દ્વારા ચૂકવાયેલા વધારાના રીફન્ડ માટે અરજી કરવા સંબંધે ગઈ ૨૭ ડિસેમ્બરે પરિપત્ર ક્રમાંક ૧૮૮/૨૦/૨૦૨૨ બહાર પાડ્યું હતું. ગયા વખતે આપણે જોયું કે કયા સંજોગોમાં એ રીફન્ડ માટે અરજી કરી શકાય છે. આજે એના બાકી રહેલા મુદ્દાની વાત કરીએ.
જીએસટી ખાતાએ તા. ૨૬-૧૨-૨૦૨૨ના રોજ નોટિફિકેશન ક્રમાંક ૨૬/૨૦૨૨-સેન્ટ્રલ ટૅક્સ બહાર પાડ્યું છે, જેના દ્વારા ફૉર્મ જીએસટી આરએફડી-૦૧માં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરફાર જીએસટીનું રીફન્ડ ક્લેમ કરવા સંબંધે કરવામાં આવ્યો છે અને ક્લેમ માટે સુપરત કરવાના દસ્તાવેજોની યાદી ધરાવતું સ્ટેટમેન્ટ ક્રમાંક ૮ બહાર પાડવામાં આવ્યું છે. એ મુજબ નીચે પ્રમાણેની વિગતો ધ્યાનમાં રાખવાની જરૂર છે...
સંબંધિત તારીખ
કૉન્ટ્રૅક્ટ રદ કરવા માટેના પત્રની તારીખને અરજદારે સર્વિસ પ્રાપ્ત કર્યાની તારીખ ગણવામાં આવશે. અરજદાર આ તારીખથી બે વર્ષની ડ્યુ ડેટને ગણતરીમાં લઈને રીફન્ડ માટે અરજી કરશે.
રીફન્ડની લઘુતમ રકમ
જો રકમ ૧૦૦૦ રૂપિયા કરતાં ઓછી હોય તો અનરજિસ્ટર્ડ પર્સન રીફન્ડ માટે અરજી કરી શકે નહીં.
જો સપ્લાયર અલગ રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશમાં રજિસ્ટર્ડ હોય તો અરજદારે સંબંધિત રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશમાં કામચલાઉ ધોરણે રજિસ્ટ્રેશન પ્રાપ્ત કરી લેવાનું રહેશે.
અહીં જણાવવું રહ્યું કે અલગ-અલગ સપ્લાયર પાસેથી રીફન્ડ ક્લેમ કરવા માટે અલગ-અલગ અરજી કરવી જરૂરી છે.
જો સપ્લાયરે અનરજિસ્ટર્ડ પર્સનને અમુક રકમ પાછી ચૂકવી દીધી હોય તો બાકી બચતી રકમ અનુસારના કરવેરાનું જ રીફન્ડ આપવામાં આવશે.
આ પણ વાંચો : અનરજિસ્ટર્ડ પર્સન દ્વારા ચૂકવાયેલા જીએસટીનું રીફન્ડ
રીફન્ડ માટે અરજી કરવાની રીત
અનરજિસ્ટર્ડ ખરીદદાર/પ્રાપ્તકર્તાએ જીએસટીના રીફન્ડ માટે અરજી કરવાની રીત આ પ્રમાણે છેઃ
અનરજિસ્ટર્ડ પર્સને પોતાના પૅન નંબરનો ઉપયોગ કરીને કૉમન પોર્ટલ પરથી કામચલાઉ રજિસ્ટ્રેશન લેવું જોઈએ.
અનરજિસ્ટર્ડ પર્સન આધાર ઑથેન્ટિકેશન પૂરું કરશે. અનરજિસ્ટર્ડ પર્સન પોતાના પૅન સાથે લિન્ક કરવામાં આવેલા અને જેમાં રીફન્ડ જોઈતું હોય એવા બૅન્ક અકાઉન્ટની વિગતો પૂરી પાડશે. રીફન્ડ માટેની અરજી રીફન્ડ ફૉર અનરજિસ્ટર્ડ પર્સનની શ્રેણીમાં ફૉર્મ જીએસટી આરએફડી-૦૧માં કરવામાં આવશે. અરજદાર સ્ટેટમેન્ટ ૮ની પીડીએફ તથા સીજીએસટી ઍક્ટ અને એના હેઠળના નિયમો અનુસાર આવશ્યક દસ્તાવેજો અપલોડ કરશે.
અરજદાર રીફન્ડની અરજી સાથે સીજીએસટી રૂલ્સના નિયમ ક્રમાંક ૮૯ના પેટા નિયમ ક્રમાંક ૨ના ક્લોઝ કેબી અનુસાર સપ્લાયરે ઇશ્યુ કરેલું સર્ટિફિકેટ અપલોડ કરશે.
પ્રૉપર ઑફિસર અનરજિસ્ટર્ડ પર્સને કરેલી રીફન્ડ માટેની અરજીને પ્રોસેસ કરશે. ઉક્ત માહિતીના આધારે કહી શકાય કે જીએસટી ખાતાએ પરિપત્ર મારફતે આવશ્યક મુદ્દાઓની ચોખવટ કરવાનું ઘણું જ પ્રશંસનીય કાર્ય કર્યું છે. એને પગલે અનરજિસ્ટર્ડ પર્સન આવશ્યકતાઓ પૂરી કરી શકશે.