ઇન્કમ ટૅક્સ ઍક્ટના લૉસ સેટ-ઑફ્સ અને કૅરી ફૉર્વર્ડના પ્રાવધાનનો અસરકારક ઉપયોગ કેવી રીતે કરશો?

05 December, 2023 07:48 AM IST  |  Mumbai | Janak Bathiya

નફો અને નુકસાન એ નાણાકીય સાહસોના આંતરિક ઘટકો છે. થયેલા નુકસાન માટે કરદાતાને રાહત આપવા માટે ભારતમાં ઇન્કમ ટૅક્સ ઍક્ટ, ૧૯૬૧ (‘આઇટી ઍક્ટ’)માં સેટ-ઑફ્સ અને કૅરી ફૉર્વર્ડ ઑફ લૉસિસ જેવા ખાસ પ્રાવધાન આપવામાં આવ્યા છે

પ્રતીકાત્મક તસવીર

નફો અને નુકસાન એ નાણાકીય સાહસોના આંતરિક ઘટકો છે. થયેલા નુકસાન માટે કરદાતાને રાહત આપવા માટે ભારતમાં ઇન્કમ ટૅક્સ ઍક્ટ, ૧૯૬૧ (‘આઇટી ઍક્ટ’)માં સેટ-ઑફ્સ અને કૅરી ફૉર્વર્ડ ઑફ લૉસિસ જેવા ખાસ પ્રાવધાન આપવામાં આવ્યા છે.નુકસાનના સેટ-ઑફની પ્રક્રિયામાં થયેલા નુકસાનને નફા સામે સંબંધિત નાણાકીય વર્ષમાં સરભર કરવામાં આવે છે. નુકસાનની જેટલી રકમ ચાલુ નાણાકીય વર્ષમાં સરભર નથી કરી શકાઈ એ નુકસાનની રકમને આવનારાં નાણાકીય વર્ષોમાં થનારા નફા સામે સેટ-ઑફ કરી શકાય છે. આને કૅરી ફૉર્વર્ડ ઑફ લૉસિસ કહેવાય છે. નુકસાનને ઍડ્જસ્ટ કરવાની બે રીત છે, ઇન્ટ્રા-હેડ સેટ-ઑફ અને ઇન્ટર-હેડ સેટ-ઑફ.

નુકસાનનું ઇન્ટ્રા-હેડ સેટ-ઑફ
એક સમાન ઇન્કમ હેડની અંદર જ એક જ સ્રોતમાંથી થયેલા નુકસાનને એ જ ઇન્કમ હેડમાંના બીજા સ્રોતમાંથી થયેલા નફા સામે સેટ-ઑફ કરવાની યંત્રણાને ઇન્ટ્રા-હેડ સેટ-ઑફ કહેવાય છે. જોકે અહીં કેટલાક અપવાદો લાગુ પડે છે, જેમ કે સ્પેક્યુલેશન બિઝનેસ (સટ્ટા)માંથી થયેલા નુકસાનને કેવળ સ્પેક્યુલેશન બિઝનેસ (સટ્ટા)માંથી થયેલા નફા સામે જ સેટ-ઑફ કરી શકાય છે.
લૉન્ગ ટર્મ કૅપિટલ લૉસ (એલટીસીએલ)ને ફક્ત લૉન્ગ ટર્મ કૅપિટલ ગેઇન (એલટીસીજી)ની સામે જ સરભર કરી શકાય છે, પરંતુ શૉર્ટ ટર્મ કૅપિટલ ગેઇન સામે ન કરી શકાય. જોકે શૉર્ટ ટર્મ કૅપિટલ લૉસ (એસટીસીએલ)ને એલટીસીજી અને એસટીસીજી બન્ને સામે સરભર કરી શકાય છે.

નુકસાનનું ઇન્ટર-હેડ સેટ-ઑફ
ઇન્ટ્રા-હેડ સેટ-ઑફ થયા પછી બાકી વધેલા નુકસાનને જુદા-જુદા હેડની ઇન્કમ સામે સેટ-ઑફ કરી શકાય છે. જોકે કેટલાક પ્રતિબંધો ચાલુ રહે છે, જેમ કે પગારની આવક સામે વ્યવસાયિક નુકસાનને સેટ-ઑફ કરવાની મંજૂરી આપવામાં આવતી નથી. હાઉસ પ્રૉપર્ટીમાંનું નુકસાન ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસના હેડ હેઠળ ૨,૦૦,૦૦૦ રૂપિયા સુધી સેટ-ઑફ કરી શકાય છે.

નુકસાનને કૅરી ફૉર્વર્ડ કરવા માટેની શરતો
(અ) હાઉસ પ્રૉપર્ટી (એચપી) લૉસિસ અને કૅપિટલ લૉસિસ આને કૅરી ફૉર્વર્ડ કરવા માટે કોઈ વિશિષ્ટ શરતો નથી. એચપીના નુકસાનને આઠ અસેસમેન્ટ વર્ષો સુધી કેવળ એચપી આવક સામે જ સેટ-ઑફ કરી શકાય છે. એ જ રીતે એલટીસીએલ અને એસટીસીએલ બન્નેને આઠ અસેસમેન્ટ વર્ષો સુધી સેટ-ઑફ કરી શકાય છે.
(બ) અનઍબ્સૉર્બડ ડેપ્રીસિએશન અનઍબ્સૉર્બડ ડેપ્રીસિએશન (યુએડી)એ ડેપ્રીસિએશનનો એક ભાગ છે કે જેને એસેસી સંબંધિત  નાણાકીય વર્ષમાં થયેલા અપૂરતા નફાને કારણે એના ઇન્કમ ટૅક્સ રિટર્નમાં ખર્ચ તરીકે દાવો કરવામાં નિષ્ફળ જાય છે.આઇટી ઍક્ટ આવકના અન્ય હેડ સામે આવા યુએડીને સેટ-ઑફ કરવાની મંજૂરી આપે છે અને નુકસાનની બાકીની રકમ આવનારાં વર્ષો સુધી આગળ લઈ જઈ શકાય છે. આ યુએડી અનંત વર્ષો સુધી આગળ-આગળ લઈ જઈ શકાય છે. કોઈ પણ અસેસમેન્ટ વર્ષ માટે વર્તમાન વર્ષનું ડેપ્રીસિએશન નીચે પ્રમાણે સેટ-ઑફ કરવામાં આવશે...
એ. પ્રથમ, એ અસેસમેન્ટ વર્ષ માટે એસએસ કરાયેલ એસેસી દ્વારા કરવામાં આવતા કોઈ પણ વ્યવસાય અથવા વ્યવસાયના નફા અને લાભની વિરુદ્ધ અને
બી. જો કોઈ રકમ વધે તો એને એ અસેસમેન્ટ વર્ષ દરમ્યાન બીજા કોઈ પણ ઇન્કમ હેડ હેઠળ સેટ-ઑફ કરી શકાય.

(ક) વિવિધ પ્રકારના વ્યવસાય

૧. સટ્ટાનો વ્યાપાર 
મૂળ નિયત તારીખ એટલે કે ૩૧ જુલાઈ અથવા ૩૧ ઑક્ટોબર અથવા ૩૦ નવેમ્બર પર અથવા એ પહેલાં રિટર્ન ફાઇલ કરવું આવશ્યક છે.
સટ્ટાના વ્યાપારમાં થયેલું નુકસાન ચાર વર્ષ સુધી કૅરી ફૉર્વર્ડ કરી શકાય છે. 
૨. સટ્ટાકીય વ્યવસાય સિવાયનો સામાન્ય વ્યવસાય
વ્યવસાયના નુકસાનને ક્લેમ કરવા માટે મૂળ નિયત તારીખે અથવા એ પહેલાં રિટર્ન ફાઇલ કરવું આવશ્યક છે.
આઠ વર્ષ સુધી કૅરી ફૉર્વર્ડ કરી શકાય છે.
કોઈ પણ વ્યવસાયની આવક સામે સેટ-ઑફ કરી શકાય છે.

નિષ્કર્ષ
સેટ-ઑફ્સ અને કૅરી ફૉર્વર્ડની જટિલતાઓની સમજણ કરદાતાઓ માટે તેમના ટૅક્સનું આયોજન કરવાના લક્ષ્યમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આવકવેરા કાયદાની જટિલતાઓને સમજવા માટે અને એનો અસરકારક ઉપયોગ કરી શકાય એ માટે વ્યાવસાયિક સલાહ લેવી જરૂરી છે. 

business news sensex stock market share market income tax department